Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

માતૃભાષાનું મહત્ત્વ || The importance of mother tongue

માતૃભાષાનું મહત્ત્વ
The importance of mother tongue

માતૃભાષાનું મહત્ત્વ  ||  The importance of mother tongue


 શિક્ષણનો હેતુ વ્યક્તિનો સર્વાગી વિકાસ કરવાનો છે. આ માટે શાળા કક્ષાએ બાળકોને ઔપચારિક શિક્ષણ આપવામાં આવે છે. જેમાં બાળકોને જુદા જુદા વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે. દા.ત., ગણિત, વિજ્ઞાન, સમાજવિધા, માતૃભાષા વગેરે. જેમાં માતૃભાષાનું શિક્ષણ અને માતૃભાષા દ્વારા શિક્ષણ એ અત્યંત મહત્ત્વની બાબત છે. કારણ કે માતૃભાષા દ્વારા બાળકનું બૌદ્ધિક, ભાવાત્મક અને સામાજિક ઘડતર કરી શકાય છે.


બોલ્સફર્ડ નામના અંગ્રેજ લેખકે કહ્યું છે કે, “માત્ર એક જ ભાષા દ્વારા આપણા ભાવોની સ્પષ્ટ વ્યંજના સંભવિત છે. કેવળ એક જ ભાષાના શબ્દોની સૂથમતમ વ્યંજનાને આપણે સહજ રીતે ગ્રહણ કરી શકીએ છીએ અને તે ભાષા એ આપણી માતૃભાષા.” આ વિધાન પરથી આપણને માતૃભાષાનું મહત્ત્વ સમજાશે. માતૃભાષાનું મહત્ત્વ અને અગત્ય જણાવતાં ગાંધીજી કહે છે, “મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોય માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?’ અહીં ગાંધીજી માતૃભાષાને જીવનઘડતર માટેનું અગત્યનું પરિબળ ગણે છે.


વ્યક્તિના જીવનમાં માતૃભાષાનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે. વ્યક્તિની વિચારયાત્રા અસ્મલિત રીતે માતૃભાષામાં જ ચાલતી હોય છે. વ્યક્તિની વિચારવાની ટેવ, વિષયો, કલ્પનાઓ વગેરેમાં માતૃભાષા મહત્ત્વનું યોગદાન આપે છે. વ્યક્તિ પોતાની લાગણી-સંવેદના માતૃભાષા દ્વારા જ સાહજિક રીતે વ્યક્ત કરે છે. વ્યક્તિની અભિવ્યક્તિની ચરમસીમાં તેની માતૃભાષા દ્વારા જ શક્ય બને છે. વાંચન દ્વારા વ્યક્તિના વિકાસની યાત્રા માતૃભાષા દ્વારા જ શક્ય બને છે.


આમ તો દરેક વિષયને પોતાની જગ્યાએ ચોક્કસ સ્થાન અને મહત્ત્વ છે જ. પરંતુ અન્ય વિષયોને સરળતાથી સમજવા માતૃભાષા મદદ કરે છે. જેથી અન્ય વિષયો કરતાં માતૃભાષાનાં સ્થાન અને મહત્ત્વને વિશેષ રીતે સ્વીકારી શકાય. આ અંગે વિગતે વિચારીએ.


 1 પ્રત્યાયનનું માધ્યમ

પ્રત્યાયન માટે અંગ્રેજી શબ્દ છે Communication,તેનો અર્થ થાય છે માહિતી કે બાતમી આપવી કે તેની આપ-લે કરવી. અર્થાત કોઈ માધ્યમ દ્વારા વિચાર, સંદેશા કે લાગણીનું આદાનપ્રદાન કરવું. જે માટે સૌ પાસે સરળ સાધન છે માતૃભાષા. આપણે સૌ માતૃભાષા દ્વારા જ આપણા વિચારો, લાગણી, સંવેદના વગેરે એક-બીજા સુધી સરળતાથી પહોંચાડીએ છીએ. સમાન માતૃભાષા ધરાવતાં સમાજમાં વાણીના વ્યવહાર માતૃભાષામાં જ થતાં હોય છે. ઘર, શેરી, શાળા, ગામ, જિલ્લો, રાજય વગેરે જગ્યાએ વાણીવ્યવહાર માતૃભાષા દ્વારા જ થાય છે. વ્યક્તિ પોતાની માતૃભાષા દ્વારા ખૂબ જ સરળતાથી, સાહજિક રીતે, ઊંડાણપૂર્વક પોતાના વિચારો, માન્યતાઓ કે મત વ્યક્ત કરી શકે છે. દરેક વ્યક્તિ પાસે પોતાની મૃતભાષાનું શબ્દભંડોળ વિપુલ માત્રામાં હોય છે. જેના દ્વારા તે સાહજિક રીતે પ્રત્યાયન કરી શકે છે. આમ પોતાના વિચારો કે સંવેદનાઓ અન્ય વ્યક્તિને જણાવવા કે સમજાવવા માટે માતૃભાષા જ સબળ રીતે પ્રત્યાયનનું કામ કરે છે. તેવી જ રીતે અન્ય વ્યક્તિના વિચારો કે સંવેદનાઓ સરળતાથી જાણવા અને સમજવા માટે પણ માતૃભાષા પ્રત્યાયનનું કામ કરે છે. ટૂંકમાં, સમાન માતૃભાષા ધરાવતા વ્યક્તિઓ વચ્ચે વાણી-વ્યવહારનું માધ્યમ માતૃભાષા જ કારગત નીવડે છે. આમ પણ વ્યક્તિ અનાયાસે તેમજ સાહજિક રીતે વિચાર વિનિમય કરવા માટે માતૃભાષાનો જ ઉપયોગ કરે છે. જેથી માતૃભાષાનું પ્રત્યાયન માટે મહત્ત્વ છે જ તેમ સ્વીકારીશું.

 2. મુક્ત અને સ્પષ્ટ અભિવ્યક્તિ માટે

વ્યક્તિના મનમાં સતત વિચારોનો પ્રવાહ ચાલતો જ હોય છે. ક્યારેક આ વિચારોને વ્યક્ત કરવાની ઇચ્છા થાય છે ત્યારે સહજપણે માતૃભાષા જ યાદ આવે છે. -વ્યક્તિ પોતે મિત્રો, કુટુંબ કે સમાજના સભ્યો સાથે રહે છે. તે પ્રત્યાયન માટે તો માતૃભાષાનો ઉપયોગ કરે જ છે, પરંતુ ક્યારેક પોતાની સંવેદનાઓ પછી તે હર્ષભરી હોય કે શોકભરી હોય તેને રજૂ કરવાનું ઈચ્છે છે, અને રજૂ પણ કરે છે - માતૃભાષામાં જ .

વ્યક્તિ એકાંતના કોઈ ખૂણે બેસીને પોતાની જાતને ઓળખે કે અસ્તિત્વની ખાતરી કરી લે ત્યારે તેની સમાજ સામે માતૃભાષા દ્વારા જ અભિવ્યક્તિ કરે છે. માટે તો આપણને સારા ભજનો, લોકગીતો, નિબંધો કે ચિતનકણિકાઓ મળી છે. લેખક કે કવિ પોતાના ભાવો-ઊર્મિઓને અભિવ્યક્ત કરવાનું ચૂકતા નથી. આમ પણ વ્યક્તિ સ્વભાવે જ પ્રચારક છે. તે પોતાની લાગણી-સંવેદના અભિવ્યક્ત કરવાનું મનોવલણ ધરાવે જ છે. જેથી તે જ્યાં અનુકૂળતા મળે ત્યાં અભિવ્યક્તિ કરે છે. આમ કરતાં વ્યક્તિ પોતે પણ અભિવ્યક્ત થઈ જાય છે. આમ છતાં દરેક વ્યક્તિની અભિવ્યક્તિની પોતાની આગવી છાપ અને છટા હોય છે જે સ્વતંત્ર અને સાહજિક હોય છે. આ અભિવ્યક્તિ જ વ્યક્તિને સમાજમાં સ્થાન અપાવે છે. ટૂંકમાં, વ્યક્તિને અભિવ્યક્તિ માટે પ્રેમ અને લગન હોય છે. પછી તે આનંદાનુભૂતિ માટે હોય કે સમાજમાં પોતાનું સ્થાન મેળવવા માટે હોય. વ્યક્તિ સતત અભિવ્યક્ત થતો જ રહે છે અને તે માટે મોટા પ્રમાણમાં તે માતૃભાષાનો ઉપયોગ કરે છે અથવા તો વ્યક્તિને સાહજિક રીતે સરળતાથી, અભિવ્યક્ત કરવામાં માતૃભાષા સૌથી વધુ ઉપયોગી થઈ પડે છે. માટે જ શાળા કક્ષાએ બાળકોને અભિવ્યક્ત થવાની તકો પૂરી પાડવી જોઈએ. 


3. વ્યક્તિત્વના ઘડતર માટે

વ્યક્તિના વ્યક્તિત્વના ઘડતરમાં અનેક પરિબળો ભૂમિકા ભજવે છે. વ્યક્તિનું વ્યક્તિત્વ સતત ઘડાતું જ રહે છે, જેમાં તેની માતૃભાષા પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. બાળકને જન્મથી જ સંસ્કારના પાઠ કુટુંબ, સમાજ અને શાળા દ્વારા શીખવવામાં આવે છે. સંસ્કારના આ પાઠ તે માતૃભાષા દ્વારા જ શીખે છે. એટલું જ નહીં બાળક નાનપણમાં માતૃભાષા દ્વારા જ વિચારોનું ગ્રહણ કરે છે. ત્યારે તેને પ્રાપ્ત થતા વિચારો પછી ભલેને તે સાંભળીને કે વાંચીને ગ્રહણ કરતો હોય છે પરંતુ તે વિચારો માતૃભાષા દ્વારા જ ગ્રહણ કરે છે, જેના પરિણામે તેનું આગવું વ્યક્તિત્વ ઘડાય છે.

વ્યક્તિ ઈરાદા સાથે કે બિનઈરાદાથી કશુંક સાંભળતો હોય છે કે વાંચતો હોય છે ત્યારે મોટા ભાગના વિચારો તેને માતૃભાષાના માધ્યમ દ્વારા જ પ્રાપ્ત થાય છે જે તેના વ્યક્તિત્વના ઘડતરમાં આગવું મહત્ત્વ ધરાવે છે. દરેક વ્યક્તિને પોતાની માતૃભાષા માટે અનહદ લગાવ અને આકર્ષણ હોય  છે. પોતાની માતૃભાષામાં પ્રાપ્ત થતું ઉચ્ચકોટિનું સાહિત્ય તે મેળવવા ઝંખતો | હોય છે. આ સાહિત્ય મેળવીને તેનો અભ્યાસ કરે છે. જેથી પણ વ્યક્તિનું વ્યકિતત્વ ઘડાય છે. 

ટૂંકમાં, માનવી સામાજિક પ્રાણી છે. તેને સમાજમાંથી વિભિન્ન વિચારો, 1 તથ્થો મળતાં જ રહે છે, જે મોટાભાગે માતૃભાષાના માધ્યમ દ્વારા જ મળતા | હોય છે. આ વિચારો તથ્યો તેના વ્યક્તિત્વના ઘડતરમાં અહમ્ ફાળો આપે છે. 


4. મૌલિક વિચારણા કરવા અને આનંદ મેળવવા

 દરેક વ્યક્તિને પોતાની માતૃભાષાનું ગૌરવ હોય છે. પોતાની માતૃભાષાની ઉચ્ચત્તમ કૃતિઓ વાંચવાનું તેને ગમે છે. બીજી અન્ય ભાષા વાંચે કે સાંભળે છે પરંતુ ત્યારે વિચારે છે તો પોતાની માતૃભાષામાં જ. વ્યક્તિ વિચારે છે પોતાની માતૃભાષામાં અને ત્યારબાદ જ તે અન્ય ભાષામાં અભિવ્યક્ત કરે છે. અન્ય ભાષા શીખવા માટે પણ વ્યક્તિ પોતાની માતૃભાષાનો જ સહારો લે છે. આમ, મૌલિક વિચારણા માતૃભાષા દ્વારા શક્ય બને છે. એટલું જ નહીં મૌલિક વિચારણા કરીને મૌલિક સર્જન પણ માતૃભાષામાં સારી રીતે કરી શકે છે. મૌલિક સર્જન કરીને વ્યક્તિ આનંદ પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે અન્ય સર્જનો પણ પોતાની માતૃભાષાના સહારે જ સમજીને આનંદ પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત પોતાનો સમય પસાર કરવા, જ્ઞાન મેળવવા કે પોતાની પસંદગીનું વિષયવસ્તુ મોટા ભાગે માતૃભાષામાં વાંચીને વ્યક્તિ આનંદ અનુભવે છે, કેટાળાને દૂર ભગાડે છે.


5. સામાજિક અને સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ, સંવર્ધન અને સંક્રમણ કરવા

કોઈ સમાજનો વારસો અનન્ય હોય છે. આ વારસાને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડવાનું કાર્ય માતૃભાષા દ્વારા જ શક્ય બને છે. પ્રજાના ભૂતકાળની સ્મૃતિઓ-સંભારણાઓ સાચવી રાખવાનું જ કાર્ય નહીં પરંતુ તેનું હસ્તાંતરણ કરવાનું કાર્ય પણ માતૃભાષા કરે છે. સમાજનું જે તે સમયનું ચિંતન, તેની ખાસિયતો, વિશેષતાઓ, મર્યાદાઓ, વીર પુરુષોની કીર્તિગાથાઓ, ભક્તિગાથાઓ, ગૌરવકથાઓ વગેરેનું સંરક્ષણ કરીને સંક્રમણ કરવાનું કાર્ય માતૃભાષા દ્વારા શક્ય બને છે. દા.ત. આપણી ગુજરાતી ભાષામાં નરસિંહ, મીરાં, અખો, શામળ, પ્રેમાનંદ, નર્મદ, ન્હાનાલાલ, પન્નાલાલ, કલાપી, ઉમાશંકર, સુંદરમ્ વગેરેએ સર્જેલાં સાહિત્યમાં જે તે સમાજની છાપ ઉપસે છે. કોઈ પણ સાહિત્યનું અનેરી રીતે દર્શન કરવા, સાંસ્કૃતિક વારસો જાણવા, જેતેસમાજની અસ્મિતાની ખોજ કરવા માટે જે તે સમાજની માતૃભાષાનો આશરો લેવો જ પડે છે. આપણી ગુજરાતી ભાષાના લોકગીતો અને લોકકથાઓને યાદ કરો. તેમાંથી કેટલું કેટલું જાણવા અને માણવા મળે છે ! દરેક સમાજમાં સમયાંતરે પરિવર્તન આવે જ છે. જેથી તેના વારસાના પાત્રોમાં જાગૃતિ પણ આવતી જાય છે. આ રીતે જોવા જઈએ તો સંસ્કૃતિનું સતત સંવર્ધન થતું રહે છે. આમ મૂળ સંસ્કૃતિ કે વારસાને જાળવવાનું, સમયાંતરે આવેલ પરિવર્તનની નોંધ લઈને તેને સંવર્ધન કરવાનું અને આવતી પેઢી સુધી પહોંચાડીને સંક્રમણ કરવાનું કાર્ય માતૃભાષા દ્વારા જ સરળ અને શક્ય બને છે. માટે જ માતૃભાષાનાં પાઠ્યપુસ્તકોમાં સાહિત્ય, કળા, વિજ્ઞાન, ધર્મ, નીતિ-રીતિ વગેરેને લગતી કૃતિઓનો સમાવેશ કરવામાં આવે છે. 

6. શિક્ષણના માધ્યમ તરીકે

શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાનું મહત્ત્વ જણાવતાં રવીન્દ્રનાથ ટાગોર કહે છે, “જ્યાં સુધી માતૃભાષાને ઉચ્ચ શિક્ષણનું માધ્યમ ન બનાવાય, જયાં સુધી માતૃભાષામાં જ બધાં પાઠશપુસ્તકોની પ્રાપ્તિ શક્ય ન બનાવાય, ત્યાં સુધી શિક્ષણધારાને મુક્ત રીતે વહેતી કરવાનું શ્રેય આપણને મળવું શાક્ય નથી.'' આ ઉપરાંત ગાંધીજીએ પણ શિયાણના માધ્યમ તરીકે માતૃભાષાને જ આવશ્યક ગણેલ છે. હવે અત્યારે શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાના સ્થાન અંગે મતાંતર છે જ નહીં. દરેક ચિંતકે આ બાબત સ્વીકારી છે જ. માટે જ આજે દુનિયામાં દરેક જગ્યાએ બાળકો માતૃભાષામાં જ શિક્ષણ મેળવે છે. હો....વિશિષ્ટ ક્ષેત્રનું વિશિષ્ટ શિક્ષણ ચોક્કસ જગ્યાએ મેળવવા માટે અન્ય ભાષાને માધ્યમ તરીકે સ્વીકારવી પડે છે, ત્યારે બાળક બીજી ભાષા દ્વારા સરળતાથી સાહજિક રીતે શીખી શકતો નથી, જેટલું તે તેની માતૃભાષા દ્વારા સાહજિક રીતે શીખે છે. આજે તમે જાણો જ છો કે પ્રાથમિકથી માંડીને કૉલેજ કક્ષા સુધી શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાને જ મહત્ત્વ આપવામાં આવેલું છે. પાઠ્યપુસ્તકો ઉપરાંત વર્ગખંડમાં થતું પ્રત્યાયન પણ માતૃભાષામાં જ કરવામાં આવે છે. આજે પણ વિદ્યાર્થી સંદર્ભગ્રંથની પસંદગી કરવામાં પણ માતૃભાષાને જ પ્રાધાન્ય આપે છે. અધ્યયન અને અધ્યાપન માતૃભાષામાં થાય છે એટલું જ નહીં પરંતુ મૂલ્યાંકન પણ માતૃભાષા દ્વારા જ કરવામાં આવે છે. કારણ કે બાળક માતૃભાષા દ્વારા સારી રીતે, ઊંડાણપૂર્વક, અર્થગ્રહણ અને અભિવ્યક્તિ કરી શકે છે જેથી તેનો સિદ્ધિ આંક ઊંચો જાય છે. અન્ય વિષયોનું શિક્ષણ પણ માતૃભાષામાં જ અપાય તેવું સૌ સ્વીકારે છે. શાળામાં શીખવવામાં આવતાં અન્ય વિષયો જેવાં કે ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા, રમત-ગમત વગેરેનું શિક્ષણ પણ માતૃભાષા દ્વારા જ આપવામાં આવે છે. આમ અન્ય વિષયના પાયા તરીકે પણ માતૃભાષાને ગણી શકાય. અન્ય વિષયની સંકલ્પનાઓ પણ વિદ્યાર્થી માતૃભાષા દ્વારા જ સમજી શકશે તેમજ અભિવ્યક્તિ પણ માતૃભાષા દ્વારા જ કરી શકશે.

શાળામાં માતૃભાષાનું શિક્ષણ


7. વ્યક્તિને સામાજિક બનાવવા

ભાષાનો મુખ્ય ઉપયોગ પ્રત્યાયન માટે થાય છે. સમાન માતૃભાષા ધરાવતા વ્યક્તિઓ માતૃભાષા દ્વારા જ પ્રત્યાયન કરે છે. જયારે એક કરતાં વધુ વ્યક્તિઓ એકઠાં થયેલાં હોય ત્યારે અન્ય ભાષાનો ઉપયોગ કરીને અથવા તો કોઈ એક વર્ગની માતૃભાષાનો ઉપયોગ કહીને પ્રત્યાયન થાય છે. આ સમયે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંબંધોમાં હોવી જોઈએ તેટલી મીઠાશ દેખાતી નથી. જુદી જુદી માતૃભાષા ધરાવતા વર્ગો એકઠાં થાય ત્યારે ઘણીવાર માતૃભાષા પ્રમાણે વ્યક્તિના સમૂહમાં વર્ગીકરણ થાય છે. પરિણામે સમાન માતૃભાષા ધરાવતા વ્યક્તિઓ એક-બીજાની નજીક આવીને નવા સંબંધો બાંધે છે. આમ વ્યક્તિનું સામાજિકીકરણ થાય છે. વ્યક્તિ સમાજમાં રહે છે. સમાજના નીતિ-રીતિ તે માતૃભાષા દ્વારા જ શીખે છે. જેને અપનાવે તો જ સમાજના અન્ય સભ્યો તેને પોતાના જૂથમાં સ્વીકારે છે. જેથી વ્યક્તિ માતૃભાષા દ્વારા જ સમાજના સંપર્કમાં આવીને પોતાનું સ્થાન મેળવે છે અને ટકાવી રાખે છે.


એક જ સમાજના દરેક સભ્યને પોતાની માતૃભાષા માટે તેમજ સમાજ માટે ગૌરવ હોય છે. આ બાબત જ સભ્યોને એકબીજાની નજીક લાવીને તેમને સામાજિક વ્યક્તિ બનાવે છે. આમ માતૃભાષા દ્વારા વ્યક્તિનું સામાજિકીકરણ થાય છે.

Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏