Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

બ્રેઈન સ્ટોર્મિંગ // Brain storming

 

    બ્રેઈન સ્ટોર્મિંગ Brain storming

બ્રેઈન સ્ટોર્મિંગ // Brain storming


👉 પદ્ધતિની વ્યાખ્યા અને સમજ : 


       બ્રેઇન સ્ટોકિંગ એ વિચારોની રચના માટેની એક આયોજિત પ્રક્રિયા છે. સર્જનાત્મક સમૂહપ્રવાસ તરીકે આ પદ્ધતિનો ઉપયોગ વ્યવહાર, ઉદ્યોગ અને કેળવણીમાં વ્યાપકપણે થાય છે. વર્ગશિક્ષણની દૃષ્ટિએ કોઈ એક પ્રશ્નનો ઉકેલ શોધવામાં સમૂહવિચારની આ પદ્ધતિનો અસરકારક ઉપયોગ થઈ શકે. 


આ પદ્ધતિમાં -


➡️ કોઈ એક પ્રશ્નના ઉકેલ માટે વિચારો એકત્ર કરવા વર્ગનો સમૂહ એકઠો થાય છે.


➡️ વર્ગખંડ કોઈ પણ પ્રકારનાં અવરોધક પરિબળો (Distraction)થી મુક્ત હોય છે.


➡️ ચર્ચાધ્યક્ષ (Discussion leader) જૂથ સમક્ષ પ્રશ્નની (Problem) રજૂઆત કરે છે. જૂથમાં વિચારોની ગુણવત્તા (quality) કરતાં વિપુલતા (quantity) પર વધુ ભાર મૂકવામાં આવે છે. હિસ્સેદારો બીજાઓના વિચારની ટીકા ન કરતાં નવા વિવિધ વિચારો રજૂ કરે છે.


➡️ બધા જ હિસ્સેદારોને તેમને જે કંઈ વિચાર સૂઝી આવે (mayoccur) તે આપવા અને સૂચવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ પદ્ધતિમાં “મુક્ત સહચાર' (free association)નો સિદ્ધાંત ચરિતાર્થ થાય તેવો વ્યવહાર કરવામાં આવે છે.


➡️ નિર્ભયતાપૂર્વક વિચારોની રજૂઆત કરવાનું કૌશલ્ય કેળવે છે. તેઓ સ્વાધ્યાયકાર્ય કરવાની ટેવ પાડે છે.


➡️ તેમનામાં સમૂહભાવનાનું લોકશાહીયુક્ત વલણ કેળવાય છે.


👉 શાળામાં આ પદ્ધતિનો વિનિયોગ કરવાની રીત :


➡️ જેના ઉપર વિચારો એકત્ર કરવાની જરૂર ઊભી થાય અને શક્યતા હોય એવા અભ્યાસક્રમના વિવિધ મુદ્દાઓ માટે આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે છે. જ્ઞાતિપ્રથાનું ભાવિ, સંયુક્ત-વિભક્ત કુટુંબના ગુણદોષ, વિવિધ સામ્રાજયોના ઉદય અને પતનનાં કારણો, વર્તમાન ભારતની સમસ્યાઓ અને તેને હલ કરવાના ઉપાયો, વસ્તીવધારાનાં સંભવિત પરિણામો, કોઈ પણ એક ઉદ્યોગની સ્થાપના અને તેનું આયોજન, પાણીની અશુદ્ધિઓ અને શુદ્ધીકરણની રીતો, સરકારી લોન અને જામીનગીરી જેવા વિષયાંગો માટે આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે છે. 


➡️ પૂર્વતૈયારીરૂપે પ્રથમ વર્ગમાં કાર્ય કરવાની ઇચ્છાને પોષે તેવું સહવિચારનું વાતાવરણ તૈયાર કરવું જોઈએ. ત્યારબાદ અગાઉથી જે-તે વિષયના મુદ્દાના વિચાર માટે પૂરતો સમય આપવો જોઈએ. આ પછી એક ચર્ચાધ્યક્ષ અને એક રિપોર્ટરની પસંદગી કરવી જોઈએ. આટલી પૂર્વતૈયારી સાથે વર્ગ બ્રેઇન સ્ટોમિંગ કરી શકે. 


➡️ નક્કી કરેલ દિવસે વર્ગનું નિશ્ચિત જૂથ વિચારોના એકત્રીકરણ માટે ભેગું થાય. 40 વિદ્યાર્થીઓની સંખ્યાવાળા વર્ગમાં વીસેક શક્તિશાળી વિદ્યાર્થીઓનું ચર્ચાજૂથ તેમના વિચારો આપે, અન્ય વિદ્યાર્થીઓ તેમને સંભાળે, જૂએ અને વિચારે. ચર્ચાધ્યક્ષ પ્રશ્નની રજૂઆત કરે. ચર્ચામાં નિશ્ચિત જૂથસભ્યો વિચારોનું પ્રદાન કરે. સૌ વિચારોની યથાર્થતા તપાસે, રિપૉર્ટર વિચારોનું સંકલન કરે. અંતે રીપોર્ટર દ્વારા સંકલિત થયેલા વિચારોનું વાંચન થાય. આટલું થયા બાદ શિક્ષક બધા વિદ્યાર્થીઓ માટે હેતુલક્ષી કસોટીનું આયોજન કરી થયેલ કાર્યનું મૂલ્યાંકન કરે. આમ, બ્રેઈન સ્ટોર્મિંગ દ્વારા નવીન વિચારોનું નિર્માણ થઈ શકે છે. 


👉 શિક્ષકોનો હિસ્સો


 ➡️ શિક્ષક વિષયમુદ્દાની પસંદગી કરે છે. શક્ય હોય ત્યાં વિષયાંગ પસંદ કરવા વિદ્યાર્થીઓને તે પ્રેરે છે.


➡️ તે વર્ગમાં અનુકૂળ વાતાવરણ સર્જીને જૂથોની રચના કરે છે. તે અગાઉથી સ્વાધ્યાયકાર્ય માટેના સંદર્ભો આપે છે.


➡️ ચર્ચાની પ્રક્રિયા દરમિયાન એકઠાં થયેલાં વિચારોની સત્યાસત્યતા તપાસવામાં તે જૂથને યોગ્ય માર્ગદર્શન અને સલાહ આપે છે.


➡️ કેટલીકવાર તો સમૂહને વધુ અગ્રિમ વિચારોની સ્મૃતિ તાજી કરવામાં સહાય કરે છે અને એમ કરી સર્જનશીલતાનાં ઊંચાં શિખર સિદ્ધ કરવા માટે સૌને અભિપ્રેરિત કરે છે.


👉 સફળતા માટેની શરતો :


➡️ આ પદ્ધતિ વિદ્યાર્થી પક્ષે ચિંતનક્ષમતા માગી લે છે. 


➡️ જૂથના સભ્યોમાં વિચારોની પરિપક્વતા હોવી જોઈએ. 


➡️ ચર્ચાધ્યક્ષ દ્વારા જે-તે વિષયમુદ્દાનું વિષયાંતર ન થાય તેની સાવચેતી રાખવી જોઈએ. 


➡️ જૂથના દરેક સભ્ય એકબીજાને ઉત્તેજના પૂરી (Stimulation) પાડવી જોઈએ. 


➡️ અન્ય વિદ્યાર્થીઓ દ્વારા ચર્ચાજૂથને કશી ખલેલ ન પહોંચવી જોઈએ.



👉 વર્ગશિક્ષણમાં દરરોજ અનેક એવી ક્ષણો આવતી હોય છે, જ્યારે વિદ્યાર્થીની સર્જનશીલતાને શિક્ષક ટકોર મારી શકે. સમસ્યાઓના નવા ઉકેલો શોધવા, કાર્ય કરવાના નવા તરીકા સૂચવવા અને વિશિષ્ટ પરિસ્થિતિનાં નવાં પાસાં ઘડવા આ પદ્ધતિ વાપરી શકાય. નૂતન ગણિત જેવા વિષયના અભિગમ સાથે આ પદ્ધતિ ઘણી બંધબેસતી આવે. વિદ્યાર્થીને ચીલાચાલુ ઉપાયો અને આધારોના અવલંબનમાંથી મુક્ત કરી, પ્રયોગશીલતા તરફ દોરી જતી આ પદ્ધતિ વર્ગમાં મુક્ત આબોહવા પ્રસરાવવામાં ખૂબ મદદકર્તા નીવડે એમ છે.




Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏