નાટ્ય પદ્ધતિ (રોલ પ્લે) - Role Play
સ્વરૂપ :
કોઈપણ ઐતિહાસિક વ્યક્તિની ભૂમિકા પસંદ કરીને ઐતિહાસિક પ્રસંગની નાની નાટિકાઓ વિદ્યાર્થીઓ ભજવે, એ નાટ્યીકરણ થયું કહેવાય. અનુકરણ અને અભિનય કરવાની વૃત્તિ વિદ્યાર્થીઓમાં નાનપણથી જ જોવા મળે છે. સૈનિક, શિક્ષક, નેતા, મદારી, ફેરિયો વગેરેની નકલ બાળકો ખૂબ સહજતાથી કરે છે. બાળકોની આ વૃત્તિનો લાભ ઉઠાવીને સામાજિક વિજ્ઞાનનું જ્ઞાન આપવાની રીત એટલે નાટ્યીકરણ. આ પદ્ધતિમાં ક્રિયાનું તત્ત્વ છે અને ક્રિસ તે બાળકોનો મૂળભૂત સ્વભાવ છે. બાળકોમાં મેળવેલા જ્ઞાનને પ્રદર્શિત કરવાની તમન્ના હોય છે. બાળકોને નાટક જોવાં અને ભજવવાં ગમે છે, તેથી મનોવૈજ્ઞાનિક આધાર પર રચાયેલી આ પદ્ધતિ વિદ્યાર્થીકિન્દ્રી પદ્ધતિ છે. (આ પદ્ધતિના વિનિયોગથી ઇતિહાસ શિક્ષણ જીવંત, રસપ્રદ અને અસરકારક બની જાય છે.)
મહત્વ
(1) વિદ્યાર્થીઓની સ્મરણશક્તિ કેળવાય છે.
(2) વિદ્યાર્થીઓમાં સંવેગમય અને સંવેદનશીલ વલણો વિકસે છે.
(3) સામાજિક વિજ્ઞાનની ઘટનાઓ, પાત્રો અને પ્રસંગો યાદ રાખવા સરળ બની જાય છે.
(4) વિદ્યાર્થીને વાચિક અને અંગિક અભિનયની તક મળે છે, જેથી તેની ઉચ્ચારશુદ્ધિ, હાવભાવ અને વાણી કેળવાય છે.
(5) વિદ્યાર્થીઓને જૂથમાં સહકારથી કામ કરવાની ટેવ પડે છે,પરિણામે તેમનામાં સામાજિકતા વિકસે છે.
(6) ભૂતકાળ મૂર્ત સ્વરૂપે વર્ગખંડમાં પ્રગટ થાય છે.
(7) આ પદ્ધતિથી વિદ્યાર્થીઓ સ્વાનુભવ દ્વારા વિષયવસ્તુ શીખે છે.
(8) વિદ્યાર્થીઓની મૌખિક અભિવ્યક્તિ વધુ કેળવાય છે, જેથી સર્વાગી વિકાસ માટે અનુભવો મળે છે.
(9) બાળકોમાં રહેલો રંગમંચીય ભય (stage fear') દૂર થાય છે અને આત્મવિશ્વાસ વધે છે.
(10) વિદ્યાર્થી કુશળ વક્તા બની શકે છે.
(11) વિદ્યાર્થી જે-તે પાત્રો કે પ્રસંગો સાથે તાદાભ્ય સાધી આત્મસાતુ કરે છે.
બ્રેઈન સ્ટોર્મિંગ
વર્ગખંડમાં વિનિયોગ
જો શિક્ષકે કૃષ્ણ – સુદામા પાઠનું અધ્યાપન નાટ્યકરણ દ્વારા કરવું હોય તો નીચે જણાવ્યા પ્રમાણે કાર્ય કરવું પડે.
(1) સૌપ્રથમ પાઠનું નાની નાટિકામાં રૂપાંતર કરવું. પાત્રો અને સંવાદોની રચના કરવી.
(2) વિદ્યાર્થીઓને અનુકૂળ પાત્રો વહેંચવા અને સંવાદ તૈયાર કરવા આપવો.
(3) પાત્રાનુરૂપ વેશભૂષા અને જરૂર જણાય તો રંગમંચની વ્યવસ્થા કરવી.
(4) નાટિકામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને વાચિક અને આંગિક અભિનયમાં માર્ગદર્શન આપી પૂર્વતૈયારી કરી લેવી.
(5) કૃષ્ણ-સુદામા નાટિકા માટે કૃષ્ણ–સુદામા, દ્વારપાળ, નગરજનો, સુદામાં પત્ની, રુક્મણિ, સત્યભામા વગેરે પાત્રો રહેશે. વિદ્યાર્થીઓ આ પાત્રોનો અભિનય કરશે.
(6) નાટિકા માટે જરૂરી સાધનસામગ્રી જેવી કે – તાંદુલની પોટલી, બાજઠ, ચામર, થાળ, પાણીનો ઘડો, ભોજનનો થાળ વગેરે લાવવાં.
ઉપર જણાવેલ સોપાનો પરત્વે કાળજી રાખી શિક્ષક સામાજિક વિજ્ઞાન વિષયમાં નાટ્યીકરણ પદ્ધતિનો ઉપયોગ કરી શકે.
ધ્યાનમાં રાખવાની બાબતો :
(1) શિક્ષકે આ પદ્ધતિનો ઉપયોગ કરતાં પહેલાં પૂર્વ આયોજન કરી લેવું.
(2) પાઠના વિષયવસ્તુની સ્ક્રિપ્ટ શિક્ષકે બાળકોની મદદથી તૈયાર કરવી.
(3) જરૂર જણાય તો તૈયાર થયેલી નાટિકાનું એકાદ – બે વખત શાળા સમય બાદ રિહર્સલ ફરાવવું (મહાવરો કરાવવો) .
(4) પોશાક અને જરૂરી સામગ્રી મેળવવા વિદ્યાર્થીઓનો સહયોગ મેળવવો.
(5) જરૂરી તાલીમ અને માર્ગદર્શન વિદ્યાર્થીઓને પૂરા પાડવાં.
(6) વયકક્ષા પ્રમાણે સંવાદ રચનાની આવડત અને સર્જનશક્તિની અપેક્ષા શિક્ષક પાસે રહે છે.
(7) વિદ્યાર્થીની વયકક્ષા પ્રમાણે સંવાદ રચના કરવી જોઈએ.
(8) નાટિકાના સંવાદો શુદ્ધ, વિદ્યાર્થીઓની કક્ષા પ્રમાણે હોવા જોઈએ. વર્ગ સમક્ષ મૂકી શકાય એટલી જ વિષયવસ્તુવાળા સંવાદો હોવા જોઈએ.
વેશભૂષા વગર અને સાધનસામગ્રી વગર પણ આવી નાટિકાઓ વર્ગ સમક્ષ મૂકી શકાય છે. નાટ્યીકરણ માત્ર મનોરંજન માટે નથી, શૈક્ષણિક ક્ષમતાની સિદ્ધિ માટે છે, એ ભૂલવું જોઈએ નહીં.
સામાજિક વિજ્ઞાન શિક્ષણના મૂલ્યો
મર્યાદાઓ
(1) સંવાદલેખન માટે જરૂરી કૌશલ્યો બધા જ શિક્ષકો પાસે હોતાં નથી.
(2) નાટ્યીકરણ પદ્ધતિથી બધા જ એકમો વર્ગમાં શીખવી શકાતા નથી. આ પદ્ધતિના ઉપયોગ માટે સમય ઘણો જોઈએ છે.
(૩) યુદ્ધો જેવા પ્રસંગોનું નાટ્યીકરણ સરળ નથ.
(4) નાટ્યીકરણ માટે જ્યારે રંગમંચ અને પોશાકનો ઉપયોગ જરૂરી બને ત્યારે તે ખર્ચને પહોંચી વળવા પ્રાથમિક શાળા પાસે આર્થિક સદ્ધરતા હોતી નથી.
(5) કેટલાક ઐતિહાસિક કે અન્ય પ્રસંગોનું નાટ્યીકરણ શક્ય નથી. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેને યોગ્ય ન્યાય આપી શકતા. નથી.
(6) વર્ગમાં આ પદ્ધતિથી અશિસ્ત ઊભી થવાની શક્યતા રહે છે. આ માટે શિક્ષક પાસે આયોજન ક્ષમતા હોવી અનિવાર્ય બની જાય છે.
(7) જે વિદ્યાર્થીને નાટ્યીકરણમાં ભાગ લેવાની તક મળતી નથી, તે વિદ્યાર્થી નિષ્ક્રિય રહે છે.