અધ્યાપન સૂત્રો // Teaching formulas
સમગ્ર અધ્યાપન દરમિયાન શિક્ષક દ્વારા અનુભવાયેલી પરિસ્થિતિ, શિક્ષણ વ્યવહાર તથા વર્ગ વ્યવહાર દ્વારા શીખવવામાં આવેલી પ્રક્રિયા એટલે અધ્યાપન સૂત્રો.
(1) સરળ પરથી કઠિન તરફ :
વિદ્યાર્થીઓ પ્રથમ સરળ બાબત શીખે છે, ત્યાર પછી ક્રમશ: કઠિન બાબત શીખવા પ્રયત્ન કરે છે. અધ્યાપન વખતે સરળ મુદ્દાથી કઠિન મુદ્દા તરફ જવાથી વિદ્યાર્થીઓમાં આનંદ, ઉત્સાહ અને તત્પરતા જળવાઈ રહે છે. આ સૂત્રની મદદથી શિક્ષક ઓછી મહેનતે સારું કામ કરી શકે છે. અધ્યયના સરળ, રોચક અને અર્થપૂર્ણ બને છે.
(2) સાદા પરથી સંકુલ તરફ :
શિક્ષકે વિદ્યાર્થીઓને શીખવવાની શરૂઆત પ્રથમ સાદી બાબતથી કરવી જોઈએ, ત્યારબાદ વિદ્યાર્થીને જટિલ અથવા સંકુલ મુદ્દાઓ તરફ લઈ જવો જોઈએ. આ સૂત્રના ઉપયોગથી વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધારી શકાય છે.
(3) જ્ઞાત પરથી અજ્ઞાત તરફ :
વિદ્યાર્થી જાણતો હોય, જેનું એને પૂર્વજ્ઞાન હોય ત્યાંથી શરૂ કરી નવું જ્ઞાન આપવામાં આવે છે. પૂર્વજ્ઞાનના પાયા પર નવીન જ્ઞાનની ઈમારત ચણવામાં આવે છે. પૂર્વજ્ઞાન પ્રથમ રજૂ કરવાથી વર્ગચર્ચામાં વિદ્યાર્થીનો ઉત્સાહ વધે છે. જ્ઞાનનો આરંભ હંમેશાં પરિચિત પ્રસંગો, ઘટના, બાબત, શબ્દો દ્વારા થાય અને એના આધારે અજ્ઞાત બાબતોનું જ્ઞાન આપી શકાય છે. તત્પરતાના નિયમ સાથે આ સૂત્રને નજીકનો સંબંધ છે.
(4) મૂર્ત પરથી અમૂર્ત તરફ :
જે બાબત કે વસ્તુ જોઈ શકાય, જાણી શકાય, સ્પર્શ કરી શકાય તેવી બાબત કે વસ્તુને મૂર્ત કહેવામાં આવે છે. મૂર્ત એટલે પ્રત્યક્ષ. જે વિચાર, સંવેદના કે ભાવને જોઈ ન શકાય પણ માત્ર માનસિક સ્તરે અનુભવી શકાય તે અમૂર્ત કહેવાય. અમૂર્ત એટલે અપ્રત્યક્ષ. હર્બર્ટ સ્પેન્સર કહે છે કે પાઠનો આરંભ મૂર્તથી કરવો જોઈએ અને સમાપ્તિ અમૂર્તમાં થવી જોઈએ. આ સૂત્રની મદદથી વિદ્યાર્થી પ્રથમ સંવેદના અનુભવે છે, પછી પ્રત્યક્ષીકરણ અને ખ્યાલોના ઘડતર દ્વારા તેનામાં ક્ષમતાની સમજ વિકસે છે.
(5) પૃથક્કરણ પરથી સંયોગીકરણ તરફ:
સ્વઅધ્યયન માટે આ સૂત્ર ખૂબ જ ઉપયોગી છે. વિદ્યાર્થી પોતાની રીતે કોઈ પણ વિષયમાં પ્રયોગ કરીને કે ઉદાહરણો તપાસીને ગુણધર્મ, સામાન્ય સત્ય, નિયમ કે સિદ્ધાંતની તારવણી કરે છે ત્યારે પૃથક્કરણ પરથી સંયોગીકરણના સૂત્રનો ઉપયોગ કરે છે. આ સૂત્રના ઉપયોગના પરિણામે વિદ્યાર્થીનું જ્ઞાન નિશ્ચિત, સ્પષ્ટ અને ચોક્કસ બને છે. વિદ્યાર્થી જ્ઞાનપ્રાપ્તિ માટે ગોખણપટ્ટીનો ઉપયોગ કરતો અટકે છે. માહિતીનું વિભાજન કરી ઉકેલ મેળવતાં શીખે છે.
(6) આગમન પરથી નિગમન તરફ:
શિક્ષક અધ્યાપના કાર્યની શરૂઆતમાં જુદા-જુદા માધ્યમ દ્વારા વિવિધ ઉદાહરણો કે દૃષ્ટાંતો રજૂ કરી તેના આધારે નિયમ તારવે, વ્યાખ્યા બાંધે અને સામાન્યીકરણ કરે ત્યારે આગમન તરફથી નિગમન તરફના સૂત્રનો ઉપયોગ કરે છે એમ કહેવાય છે. એટલે કે વિવિધ ઉદાહરણો દ્વારા સિદ્ધાંતનું નિરૂપણ કરવામાં આવે છે. નિગમન પદ્ધતિમાં આનાથી ઊલટું થાય છે. આ પદ્ધતિમાં નિયમ, વ્યાખ્યા, રજૂઆત પહેલાં કરવામાં આવે છે અને પછી ઉદાહરણોની રજૂઆત કરવામાં આવે છે. આ સૂત્રની મદદથી વિદ્યાર્થી સ્વાનુભવે જ્ઞાન પ્રાપ્ત કરે છે. વિદ્યાર્થીમાં સિદ્ધાંત, નિયમ અને વ્યાખ્યા વિશેની સાચી સમજ સરળતાથી વિકસે છે તેમજ જ્ઞાનનું દઢીકરણ થાય છે. આ રીતે મેળવેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. વિદ્યાર્થીઓમાં તર્કશક્તિ, ચિંતન, ચોકસાઈ અને એકાગ્રતા જેવા ગુણોનો વિકાસ થાય છે.
(7) પૂર્ણથી ખંડ તરફ :
આ સૂત્ર ગેસ્ટાલ્ટ સિદ્ધાંત પર આધારિત છે. આ સૂત્ર અનુસાર વ્યક્તિ કોઈ પણ વસ્તુને સમગ્ર સ્વરૂપે જુએ છે. પછી જ વ્યક્તિની દૃષ્ટિ તેના જુદા જુદા ભાગો પર પડે છે. આમ, સમગ્ર વધુ અર્થપૂર્ણ છે.