અભ્યાસક્રમના ધ્યેયો
પ્રસ્તાવના
👉 અભ્યાસક્રમ એ વિષયવસ્તુથી વધારે છે. વિષયસૂચિથી કંઈક વિશેષ છે. શાળામાં મળતી પ્રવૃત્તિઓના કારણે વિદ્યાર્થીઓને સમગ્ર રીતે જે અનુભવો પૂરા પાડવામાં આવે છે તેનો સમાવેશ અભ્યાસક્રમમાં કરવામાં આવે છે. વળી, અભ્યાસક્રમમાં વિષયવસ્તુ સાથે પ્રવૃત્તિઓને સાંકળી લેવામાં આવે છે. અભ્યાસક્રમ બાળકના વિકાસના કેન્દ્રમાં રહેલું મહત્ત્વનું પરિબળ છે, જે દ્વારા શિક્ષણની અસ્મલિત પ્રક્રિયા સતત ચાલુ રહે છે. બાળક સમાજનું મધ્યબિંદુ છે, કારણ કે બાળકનો યોગ્ય વિકાસ સમાજના વિકાસમાં હકારાત્મક ભાગ ભજવે છે. આજનો બાળક આવતી કાલનો નાગરિક છે. તેની શક્તિઓને યોગ્ય શૈક્ષણિક માળખા દ્વારા બહાર લાવવાની હોય છે અને એ રીતે જોડાયેલું બાળક સમાજને ઉપયોગી બની રહે છે. આ બધું સુયોગ્ય અને આયોજિત અભ્યાસક્રમ દ્વારા શક્ય બને છે.
👉 સમગ્ર અભ્યાસક્રમનું કાર્ય કેટલાક હેતુઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. શિક્ષણનાં જુદા જુદા હેતુઓ અને ધ્યેયો સાધવા માટે જુદા જુદા વિષયના અભ્યાસક્રમને સાધન તરીકે લેવામાં આવે છે. દરેક વિષયના અભ્યાસક્રમને શિક્ષણમાં સ્થાન આપવા પાછળ પણ આવો જ કંઈક આશય છે. દરેક વિષયના અભ્યાસક્રમની કેટલીક વિશિષ્ટતાઓ અનુસાર કેટલાક નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરી શકાય છે, અને આ હેતુઓ જાણી લેવાથી અભ્યાસક્રમનું આયોજન સારી રીતે થઈ શકે છે. તેથી દરેક વિષયના અભ્યાસક્રમના માર્ગદર્શક તરીકે ધ્યેયો કે હેતુઓ ઉપયોગી બને છે.
અભ્યાસક્રમના ધ્યેયો
સામાન્ય રીતે દરેક વિષયના અભ્યાસક્રમના મુખ્ય પાંચ ધ્યેયો જણાવી શકાય.
1. ઉપયોગિતાનું ધ્યેય
2. સાંસ્કૃતિક ધ્યેય
3. માનસિક ઘડતરનું ધ્યેય
4. વિદ્યાર્થીના સામાજિક વિકાસનું ધ્યેય
5. વિદ્યાર્થીના સર્વાગીણ વિકાસનું ધ્યેય
આ ધ્યેયોની ટૂંકમાં ચર્ચા નીચે મુજબ કરી શકાય.
👉 ઉપયોગિતાનું ધ્યેય
વર્ગખંડમાં વિદ્યાર્થી વિવિધ વિષયોના અભ્યાસક્રમ દ્વારા જે કાંઈ શીખે છે તે વાસ્તવિક જગતમાં તેને ઉપયોગી નીવડે છે. તેને વાચન, લેખન આવડે છે. તે ઉપરાંત સમાજમાં એક સંસ્કારી વ્યક્તિ તરીકે તેને સ્થાન મળે છે. જુદી જુદી પ્રવૃત્તિઓ તરફ તેનો રસ કેળવાય છે અને તે ઉત્સાહથી કોઈ પણ કાર્ય કરવા પ્રેરાય છે. સમાજની દરેક વ્યક્તિને પોતાના દૈનિક જીવનમાં શાળામાં શીખેલા અભ્યાસક્રમનો આશ્રય લેવો પડે છે. જુદા જુદા ધંધા-ઉદ્યોગોના વિકાસમાં અને જીવનના સુખસગવડના સાધનો માટે પણ શીખેલો અભ્યાસક્રમ ઉપયોગી બનવો જોઈએ. રોજબરોજનું શિક્ષણકાર્ય ઉપયોગિતાના ધ્યેયને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ.
આ ઉપયોગિતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે સૌ પ્રથમ જીવનની વિવિધ પ્રવૃત્તિઓ માટે જરૂરી વિવિધ વિષયોના અભ્યાસક્રમનું જ્ઞાન આપવું જોઈએ. તે ઉપરાંત, કૌશલ્ય કેળવવા માટે પણ જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવું પડે, વળી જ્ઞાન મળ્યું એટલે જીવનવ્યવહાર અને નવીન પરિસ્થિતિમાં તેનો ઉપયોગ કરતાં આવડે જ એમ કહી ન શકાય. તેથી વિષયોના જ્ઞાન અને કૌશલ્યનો જીવન માટે ઉપયોગ કરવાની આવડત અને શક્તિ પણ સજાગ રીતે કેળવાવા જોઈએ. તે ઉપરાંત ગાણિતિક, તર્કશક્તિ, નિર્ણયશક્તિ વગેરેનો પણ વિકાસ થાય એવી સઘળી બાબતોને ધ્યાનમાં રાખી અભ્યાસક્રમનો અમલ થાય તો ઉપયોગિતાનું ધ્યેય સફળ થાય.
👉 સાંસ્કૃતિક ધ્યેય
દરેક સમાજને પોતાની પરંપરાગત સંસ્કૃતિ છે. અન્ય જીવો માત્ર પ્રકૃતિ પર જીવે છે, જયારે માનવી પેઢી દર પેઢી વિકસતા જ્ઞાનનો વારસો પ્રાપ્ત કરે છે. આ જ્ઞાનવારસો તે સંસ્કૃતિમાંથી મેળવે છે. એ સંસ્કૃતિમાંથી સંસ્કારિતા જન્મે છે, જીવનમાં યોગ્ય ગુણો પ્રાપ્ત થાય છે. પ્રાચીન સમયથી લોકોએ જુદા જુદા વિષયોનું જ્ઞાન વિકસાવ્યું છે અને હજીયે તે વિકસતું જ રહ્યું છે અને તેનો ફાળો વિજ્ઞાન, ખગોળ, ભૌતિકશાસ્ત્ર, અર્થશાસ્ત્ર તેમજ અન્ય વિષયોના વિકાસમાં રહ્યો છે. તેથી વિવિધ વિષયોના અભ્યાસક્રમનું સાંસ્કૃતિક દૃષ્ટિએ શિક્ષણ અપાય એ પણ આવશ્યક છે. જેથી એ જ્ઞાન પરથી નવા સંશોધનો થાય, સંસ્કૃતિને પુષ્ટિમળે અને જ્ઞાનપ્રવાહ ચાલુ રહે. સાંસ્કૃતિક ધ્યેયને પ્રાપ્ત કરવા વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયોના અભ્યાસક્રમમાં રસ કેળવવો પડે, એકબીજા વિષયોના અભ્યાસક્રમને એકબીજા સાથે અનુબંધ કરતાં શીખવું પડે, તર્કશક્તિ કેળવવી પડે, ચોકસાઈ, ખંત સ્વચ્છતા, વિચારોની સ્પષ્ટતા વગેરે ગુણો કેળવવા પડે કે જે સાંસ્કૃતિક ધ્યેયની પ્રાપ્તિ તરફ લઈ જાય.
👉 માનસિક ઘડતરનું ધ્યેયઃ
વિવિધ વિષયનાં અભ્યાસક્રમના શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓના માનસિક સ્તરમાં વધારો થાય છે. તેની વિચારશક્તિનો વિકાસ થાય છે. તેઓ તર્ક કરતા શીખે છે, સારું છું અને ખરાબ શું, યોગ્ય શું અને અયોગ્ય શું તેની સમજ કેળવે છે. તેમની નૈતિક શક્તિમાં પણ વધારો થાય છે. વળી, વિવિધ વિષયોના અભ્યાસક્રમ દ્વારા તેમણે જે જ્ઞાન મેળવ્યું છે તેને રોજીંદા જીવનમાં ઉપયોગમાં કેમ લેવું, તેને અમલમાં કેવી રીતે મૂકવું, તેની સમજણ પડે છે. માનસિક શક્તિના વિકાસ સાથે તેમનામાં રસ ઉત્પન્ન થાય છે. નવું નવું જાણવાની ઉત્કટ ઈચ્છા થાય છે. તેમનું વિષયના અભ્યાસ પ્રત્યેનું વલણ બદલાય છે. વિવિધ વિષયનાં અભ્યાસક્રમ દ્વારા પૂરી પડાતી પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં કૌશલ્ય ખીલે છે. સંપ, સહકાર, સમાનતા જેવા ગુણોનો વિકાસ થાય છે. આ ધ્યેય મૂર્તિમંત થાય તો વિદ્યાર્થીઓમાં પ્રશ્નોનું વિશ્લેષણ કરવાની શક્તિ કેળવાય છે. તર્કયુક્ત સાબિતી આપતા શીખે છે, આકૃતિ દોરવામાં ચોકસાઈ આવે છે, લખાણમાં સ્પષ્ટતા અને સ્વચ્છતા આવે છે. અનુમાનશક્તિ કે અંદાજશક્તિનો વિકાસ થાય છે. આમ, માનસિક ઘડતરનું ધ્યેય અભ્યાસક્રમમાં અગત્યનું સ્થાન ધરાવે છે.
👉 વિદ્યાર્થીના સામાજિક વિકાસનું ધ્યેય
વિદ્યાર્થીને લોકશાહી સમાજમાં જીવવા માટે આવશ્યક એવા સામાજિક ગુણોનો વિકાસ થવો જોઈએ. વિદ્યાર્થી પોતાના રસ અને વલણોને સમજે અને તેનો વિકાસ સાધે, પોતાના કાર્યમાં આપમેળે પ્રવૃત્ત થતા શીખે તથા વ્યક્તિગત ભિન્નતાને આધારે પોતાની રુચિઓ, આકાંક્ષાઓને પોષી શકે તેવો અભ્યાસક્રમ હોવો જોઈએ. વિદ્યાર્થી પ્રવૃત્તિ દ્વારા અનુભવ મેળવવાની તકો પ્રાપ્ત કરી સ્વયંશિક્ષણ અને સ્વાનુભવ દ્વારા આગળ વધે, આત્મવિશ્વાસુ બને, પોતાની શક્તિઓ અને મર્યાદાઓથી પૂરેપૂરો વાકેફ બની મર્યાદાઓને દૂર કરવા પ્રયતશીલ બને તેવી ટેવો વિકસાવવામાં મદદરૂપ થાય તેવી બાબતોનો અભ્યાસક્રમના મુદ્દાઓમાં સમાવેશ થવો જોઈએ. વિદ્યાર્થી આત્મનિયમન દ્વારા શિસ્તબદ્ધ બનતા શીખે, જીવનમાં કલાત્મક દષ્ટિ કેળવે કે જેથી જીવન સુંદર, સુશોભિત બને. વિદ્યાર્થીઓ : સમયનો ઉપયોગ સર્જનાત્મક શક્તિઓના વિકાસ માટે કરે તેવું આયોજન સામાજિક ફુરસદના વિકાસના ધ્યેયને પરિપૂર્ણ કરી શકે.
👉 વિદ્યાર્થીના સર્વાગીણ વિકાસનું ધ્યેય
સાદું વિદ્યાર્થી સુદઢ શરીર અને આરોગ્ય પ્રાપ્ત કરે અને તેની જાળવણી કરતાં શીખે. વળી, તે માનસિક સ્વાથ્ય પ્રાપ્ત કરે અને મનને તંદુરસ્ત રાખતાં શીખે, તેના વિચારોમાં સ્પષ્ટતા હોય કે જેથી ખોટાં નિર્ણયો કે માર્ગો તરફ ન જાય. પોતાના વિચારોને સતત જાગૃત રીતે તપાસતા શીખે. એટલે કે તેનું મન સતત વિચારશીલ, જાગૃત અને નિખાલસ બનતા માનસિક સ્વાથ્ય સારી રીતે કેળવાય. તે પોતાના સંવેગો પર કાબૂ રાખતાં શીખે. સુખમાં સંયમ રાખે અને દુ:ખમાં પણ સ્થિર રહે, બીજાને હંમેશાં મદદરૂપ બનવાની ભાવના ધરાવે એટલે કે તેનો સાંવેગિક વિકાસ થાય. તે નીતિવાન જીવન જીવતા શીખે. હંમેશાં લોકકલ્યાણ માટે તત્પર રહે, જીવન અને ઉચ્ચ વિચારો સાથે ભારતીય મૂલ્યોને ઉજાગર કરે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાંથી પણ હિંમત અને વિશ્વાસપૂર્વક પાર ઊતરે એવું શિક્ષણભાથું એને મળવું જોઈએ. પોતાના પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરવાની ક્ષમતા કેળવે. વિદ્યાર્થીમાં વૈજ્ઞાનિક વલણ અને દૃષ્ટિબિંદુ ખીલે અને તે તટસ્થપણે વિચાર કરતાં શીખે. આમ, વિદ્યાર્થીનો શારીરિક-માનસિક-નૈતિક-આધ્યાત્મિક-આર્થિક અને વૈજ્ઞાનિક દષ્ટિબિંદુયુક્ત વિકાસ એટલે કે સર્વાગીણ વિકાસ કરવાનું ધ્યેય અભ્યાસક્રમમાં અતિ અગત્યનું સ્થાન ધરાવે છે.
અભ્યાસક્રમના ધ્યેયો કે લક્ષ્યાંકો શૈક્ષણિક ધ્યેયો સાથે અને દર્શનશાસ્ત્ર સાથે જોડાયેલા છે. આવા અભ્યાસક્રમના કેટલાક ધ્યેયો નીચે મુજબ પણ જણાવી શકાય.
➡️ એવા સફળ વિદ્યાર્થીઓ પેદા કરવા કે જે અધ્યયનનો આનંદ માણે; સારી પ્રગતિ કરે અને શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરે.
➡️ એવા આત્મવિશ્વાસ વ્યક્તિઓ પેદા કરવા કે જે સુરક્ષિત, તંદુરસ્ત અને પરિપૂર્ણ જીવન માટે સક્ષમ બને.
➡️ એવા જવાબદાર નાગરિકો તૈયાર કરવા કે જે સમાજ માટે હકારાત્મક ફાળો આપી શકે.
➡️જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોક્રિયાત્મક શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરે.
➡️સ્વ-જાગૃતિ વધારે અને આંતરિક ક્ષમતાઓનો વિકાસ કરે.
➡️ નિર્ધારિત કુશળતાઓ પર નિપુણતા પ્રાપ્ત કરે.
➡️ વર્તમાન સમયને અનુરૂપ અધ્યયન, સાક્ષરતા અને જીવન કૌશલ્યો આત્મસાત કરે, ધ્યેયપ્રાપ્તિ અને જીવનપર્યત અધ્યયન માટે પ્રોત્સાહિત બને.
➡️ મૂલ્યોનું સંવર્ધન કરે તેમજ સ્વતંત્ર સમાજમાં સાંસ્કૃતિક અધ્યયન અને આંતરરાષ્ટ્રીય સમાજનાં ખ્યાલોને વિકસાવે.
➡️ ટેકનોલોજી અને માહિતીનો ઉપયોગ માનવ જાતની સુધારણા માટે કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે
➡️ જીવનકૌશલ્યો સાથે જોડાયેલાં જ્ઞાન અને વલણોને મજબૂત કરે.
➡️ કલાની પ્રશંસા કરવાની અને પ્રતિભા પ્રદર્શન કરવાની ક્ષમતાનો વિકાસ કરે.
➡️ શારીરિક તંદુરસ્તી, સ્વાથ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપે
➡️ કલા, સંકલિત શિક્ષણને પ્રોત્સાહિત કરે.
👉 આમ, ઉપરોક્ત ધ્યેયોને ધ્યાનમાં રાખી અભ્યાસક્રમની પુનર્રચના થવી જોઈએ. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ એક સળંગ સૂત્ર પ્રક્રિયા છે અને તેનું સાતત્ય જીવન વિકાસની પ્રક્રિયા સાથે જળવાય એ ધ્યાને શાળાકીય વિષયોમાં મને તપ આપવું જોઈએ.