બુદ્ધિ માપનનાં શૈક્ષણિક ફલિતાર્થ
👉 શિક્ષણમાં સહાયતા, પ્રેરણા અને માર્ગદર્શન માટે બુદ્ધિ કસોટીઓ મહત્વનું સાધન બની જાય છે. બુદ્ધિ કસોટીઓના ઉચિત ઉપયોગથી શિક્ષણને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવી શકાય છે. ગેરેટ જેવા મનોવિજ્ઞાનીના મત મુજબ, બુદ્ધિ કસોટીઓ સંપૂર્ણ હોતી નથી અને તેથી તે વ્યક્તિની યોગ્યતાઓનું સંપૂર્ણ માપન કરી શકતી નથી, પરંતુ વ્યક્તિની કોઈ એક શક્તિ કે વિશિષ્ટતાનું અનુમાન કરવા પ્રેરે છે, જેને શિક્ષણ અને અન્ય ક્ષેત્રોની સફળતા સાથે સંબંધ છે. શિક્ષણક્ષેત્રે બુદ્ધિ કસોટીઓનો ઉપયોગ નીચેનાં કાર્યો માટે કરવામાં આવે છે.
(1) સર્વોત્તમ અધ્યેતાઓની પસંદગી :
બુદ્ધિ કસોટીઓની મદદથી શાળામાં પ્રવેશ માટે વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે, શિષ્યવૃત્તિઓ કે છાત્રવૃત્તિઓ માટે તેમજ સહઅભ્યાસ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ અધ્યેતાઓની પસંદગી માટે આનો ઉપયોગ કરવામાં આવે છે.
(2) અપરાધી કે સમસ્યાત્મક અધ્યેતાઓની સુધારણા :
અધ્યેતાઓની બુદ્ધિશક્તિ બુદ્ધિ કસોટીના ઉપયોગથી અધ્યેતાનું ગુનાહિતપણું, તેની અસંતુલિત માનસિક અવસ્થા અને તેના સમસ્યાત્મક વર્તાવનાં કારણો જાણી શકાય છે. સમસ્યાત્મક અધ્યેતાઓની સમસ્યાઓ જાણી તેમની સુધારણા માટે ઉપાયો યોજી શકાય છે.
(3) અનુસાર કાર્ય વહેંચણી :
બુદ્ધિ કસોટીઓને આધારે વિવિધ બુદ્ધિકક્ષા અને માનસિક શક્તિઓ ધરાવતા અધ્યેતાઓને અલગ તારવીને તેમને જુદાં જુદાં કાર્યોની વહેંચણી કરવામાં સરળતા રહે છે. કયા અધ્યેતાઓ કેટલું અને કયું કાર્ય કરશે તેનું અનુમાન થઈ શકે છે.
(4) અપવ્યય નિવારણ :
બધા જ અધ્યેતાઓ શાળાના બધા વિષયોમાં યોગ્ય નિપુણતા પ્રાપ્ત કરી શકતા નથી. કેટલાક અધ્યેતાઓમાં અમુક વિષયોની ગ્રહણશક્તિ અન્ય અધ્યેતાઓની તુલનામાં ઓછી હોય છે. આથી આવા અધ્યેતાઓ કેટલાક વિષયોમાં અણગમો ધરાવતા હોવાથી સ્વભાવિક રીતે નાપાસ કે અનુત્તીર્ણ થાય છે. આથી તેમના જીવનનું એક કીમતી વર્ષ બગડે છે. બુદ્ધિ કસોટીઓની સહાયથી અધ્યેતાની યોગ્યતાની કસોટી થઈ શકે છે અને આ યોગ્યતાને આધારે તેઓ વૈકલ્પિક વિષયો પસંદ કરી શકે છે. આમ થવાથી શિક્ષણક્ષેત્રે સ્થગિતતા કે અપવ્યયની સમસ્યા નિવારી શકાય છે. વિષયોની પસંદગીમાં યોગ્ય માર્ગદર્શન આપી શકાય છે. આમ, બુદ્ધિ કસોટીઓ અધ્યેતાઓને વિષય પસંદગી કરવામાં તેમ જ અપવ્યય અને સ્થિગિતતા નિવારવામાં સહાયભૂત થાય છે.
(5) રાષ્ટ્રના બાળકોની બુદ્ધિનું જ્ઞાન :
બાળકો એ રાષ્ટ્રની ઉજ્જવળ આવતી કાલ છે. તે રાષ્ટ્રનાં ભાવિ સ્વપ્નો છે. બુદ્ધિ કસોટીઓ દ્વારા રાષ્ટ્રના ગમે તે વયકક્ષાના બાળકોની બુદ્ધિલબ્ધિનું માપન થઈ શકે છે. આથી રાષ્ટ્રના બાળકોના બૌદ્ધિક સ્તરનો ખ્યાલ આવે છે, એટલું જ નહીં પરંતુ જે તે રાષ્ટ્રના બાળકોની બુદ્ધિલબ્ધિની તુલના અન્ય રાષ્ટ્રના બાળકોની બુદ્ધિલબ્ધિ સાથે થઈ શકે છે. તેથી રાષ્ટ્રને શૈક્ષણિક અને વ્યાવસાયિક ક્ષેત્રોનું આયોજન કરવામાં અનુકૂળતા પ્રાપ્ત થાય છે.
(6) મંદ બુદ્ધિવાળા અધ્યેતાઓની તારવણી :
બુદ્ધિ કસોટીઓના ઉપયોગથી પછાત બુદ્ધિ ધરાવતા કે કોઈ શારીરિક ક્ષતિને લીધે મંદ બુદ્ધિ ધરાવતા કે અન્ય કોઈ કારણોને લીધે ઓછી બુદ્ધિશક્તિ ધરાવતા અધ્યેતાઓને અલગ તારવી શકાય છે અને તેમના પર વ્યક્તિગત ધ્યાન કેન્દ્રિત કરીને તેમને અભ્યાસ માટે યોગ્ય માર્ગદર્શન આપી શકાય છે.
(7) અધ્યતાનું વર્ગીકરણ :
બુદ્ધિ કસોટીઓને આધારે અધ્યેતાઓનું સહેલાઈથી વર્ગીકરણ થઈ શકે છે. તીવ્ર બુદ્ધિ, મંદ બુદ્ધિ અને સાધારણ બુદ્ધિવાળા અધ્યેતાઓને અલગ તારવી તેમનું યોગ્ય વિભાજન કરી તેમની બુદ્ધિશક્તિ અનુસાર વિવિધ પ્રક્રિયાઓથી શિક્ષણ આપવામાં સરળતા રહે છે. ઈંગ્લેન્ડમાં બધા અધ્યેતાઓને આ ત્રણ વિભાગોમાં વહેંચી શિક્ષણકાર્ય કરવામાં આવે છે
(8) અધ્યેતાઓની વિશિષ્ટ શક્તિઓનું જ્ઞાન :
બુદ્ધિ કસોટીની મદદથી અધ્યતામાં રહેલી વિશિષ્ટ સુષુપ્ત અંતર્ગત શક્તિઓ વિશે જાણકારી મેળવી શકાય છે. તેમની વિશેષતાઓ અંગે જાણકારી મેળવીને તેમને યોગ્ય રીતે શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન આપી શકાય છે.
(9) અધ્યેતાઓના ભાવિની આગાહી:
બુદ્ધિ કસોટીઓની સહાયતાથી અધ્યેતાઓની ભાવિ સફળતાની અને તેમની ભાવિ કારકિર્દીની આગાહી કરી શકાય છે. બુદ્ધિ કસોટીઓ અધ્યેતાઓની બુદ્ધિકક્ષા અનુસારનો અમુક અભ્યાસક્રમ પસંદ કરવાથી થનાર ભાવિ સફળતાની ભવિષ્યવાણી કરી શકે છે. આનાથી અધ્યેતાઓનું હિત સાધી શકાય છે. તેઓ પોતાની ભાવિ શૈક્ષણિક અને વ્યાવસાયિક કારકિર્દી પસંદ કરી શકે છે અને સફળતાનાં સોપાનો સિદ્ધ કરી શકે છે. આમ અધ્યેતાઓને શૈક્ષણિક તેમજ વ્યાવસાયિક માર્ગદર્શન આપવા માટે પણ બુદ્ધિમાપન ઉપયોગી બને છે.
(10) અધ્યેતાઓની બુદ્ધિલબ્ધિ અનુસાર વિવિધ પ્રવૃત્તિઓ આપવા માટે :
અધ્યેતાઓની સુષુપ્ત શક્તિઓને જો સંપૂર્ણપણે બહાર લાવવી હોય તો તેમને તેમની બુદ્ધિલબ્ધિ અનુસાર વિવિધ પ્રવૃત્તિઓ આપવી જોઈએ. બુદ્ધિમાપન દ્વારા અધ્યાપકને જુદા જુદા અધ્યેતાઓની બુદ્ધિલબ્ધિની કક્ષાનો ખ્યાલ આવે છે અને તદનુસાર યોગ્ય પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવાથી તેમની સિદ્ધિમાં વધારો કરી શકાય છે તેમજ તેમની શૈક્ષણિક ગુણવત્તા પણ વધારી શકાય છે.
(11) અધ્યેતાઓને વિશિષ્ટ તાલીમ આપવા માટે :
ઉત્તમ બુદ્ધિ ધરાવતા અધ્યેતાઓને બુદ્ધિમાપન દ્વારા અલગ તારવી શકાય છે અને તેમને વિશિષ્ટ તાલીમ આપવાની વ્યવસ્થા કરી શકાય છે, જેથી તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સારી રીતે તૈયાર કરી શકાય છે.
(12) ઊંચી બુદ્ધિલબ્ધિવાળા પણ અભ્યાસમાં પછાત અધ્યેતાઓને સહાય કરવા માટે :
કેટલીકવાર એવું બને છે કે અમુક અધ્યેતાઓની બુદ્ધિલબ્ધિ બુદ્ધિમાપન દ્વારા ઊંચી માલૂમ પડે છે, તેમ છતાં તેઓ અભ્યાસમાં ઝાઝું હીર બતાવતા નથી અને પાછળ પડતા હોય છે. આ માટે બુદ્ધિ સિવાયનાં અન્ય પરિબળો અસર કરતાં હોય છે. આવા અધ્યેતાઓને અલગ તારવી આવાં ક્યાં કયાં અન્ય પરિબળો અસરકર્તા છે તે શોધી કાઢીને એ પરિબળો દૂર કરવામાં તેમને સહાયભૂત થઈ શકાય અને તેમની શાળાકીય સિદ્ધિમાં વધારો કરી શકાય.
(13) મનોવૈજ્ઞાનિક સંશોધન માટે :
ઘણા મનોવૈજ્ઞાનિક અભ્યાસો અને સંશોધનોમાં અને તેમાંયે ખાસ કરીને તુલનાત્મક અભ્યાસ કરવાના હોય ત્યારે સમાન બુદ્ધિકક્ષા અનુસારનાં જૂથોની રચના કરવી પડે છે. આ માટે પણ બુદ્ધિ માપન ઉપયોગી થઈ પડે છે.