'સ્વ' નું સ્વરૂપ અને વિકાસ // The form and development of the 'self'
પ્રસ્તાવના
સ્વનું તત્ત્વજ્ઞાન સ્વને “ઓળખની પરિસ્થિતિ કે જે અનુભવ ધરાવતી એક વ્યક્તિને અન્ય બધાથી અલગ પાડે છે.” આવી રીતે વ્યાખ્યાયિત કરે છે.
સ્વને ઘણીવાર એક સમગ્ર અસ્તિત્વ તરીકે ઓળખવામાં આવે છે કે જે ચૈતન્ય, સભાનતા અને વિવિધ એજન્સીઓ (સ્વતંત્ર બુદ્ધિ, તાર્કિક પસંદગી વગેરે) સાથે જોડાયેલ હોય છે.
સ્વના સ્વરૂપ વિશે ઘણી તાત્ત્વિક મીમાંસાઓ કરવામાં આવે છે જેમાં સ્વને અભૌતિક બાબત એટલે આત્મિક સત્ તરીકે પણ ઓળખવામાં આવે છે.
👉 “સ્વ”નું સ્વરૂપ
(1) સ્વ વિશેનો ભારતીય દૃષ્ટિકોણ
સ્વ વિશેનો ભારતીય દૃષ્ટિકોણ અધ્યાત્મ ઉપર રચાયેલો છે. ભારતીય દૃષ્ટિકોણ સ્વને અદ્વૈત સ્વરૂપમાં જુએ છે, સ્વને આત્માના સ્વરૂપમાં જુએ છે. આ આત્માને વાણી કે મન જેવાં સાધનોથી પામી શકતો નથી.
તૈતરીય ઉપનિષદ સ્વનું પંચકોષીય નિરૂપણ કરે છે. અન્નમય, મનોમય, પ્રાણમય, વિજ્ઞાનમય અને આનંદમય.
જ્ઞાન આ પાંચ આવરણોની ભીતર રહેલ અંતરસ્તમ, સૂક્ષ્માતિસૂક્ષ્મ આત્મા એ જ સૌથી પર એવું તત્ત્વ છે કે જે સત્ય અનંત સ્વરૂપ છે, તેજ જાણવાલાયક | શેય | પરમાત્મા | બ્રહ્મ છે. તેને તું પણ એવો બોધ તૈતરીય ઉપનિષદ આપે છે. તેને જાણવું એટલે જ સ્વને જાણવું એટલે જ સ્વની સમજ. જણાવે છે કે,
➡️ શ્રીમદ્ ભગવદ્ ગીતા સ્વાના સ્વરૂપની સમજ આપતા.
“આ આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, અને પાણી ઓગાળી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી.” - (2/23)
“કેમ કે આ આત્મા અચ્છેદ્ય, અદ્રાવ્ય, અકલેદ્ય, અશોષ તથા નિત્ય, સર્વવ્યાપી, અચળ, સ્થિર તેમજ સનાતન છે. (2/24)”
જેમ અગ્નિ લાકડાથી ભિન્ન છે તેમ આ આત્મા પણ શરીરથી ભિન્ન છે. માટે વ્યક્તિ જો પોતાના શરીર, મન અને આત્મા વચ્ચે સ્પષ્ટ ભેદ કરી શકે તો જ તે પોતાના સ્વને જાણી શકે. સ્વને જાણવાની આ પ્રક્રિયાને સ્વની ઓળખ પણ કહેવામાં આવે છે.
સાંખ્યદર્શન સ્વને સમજાવવા માટે પુરુષ અને પ્રકૃતિના ભેદને દર્શાવવાનો પ્રયત્ન કરે છે. આત્મા અથવા પુરુષનું અસ્તિત્વ નિર્વિવાદ છે. “હું છું” અથવા “આ મારું છે” એવો અનુભવ પ્રત્યેક વ્યક્તિ કરે છે. કોઈ પણ વ્યક્તિ પોતાનું અસ્તિત્વ અસ્વીકારી શકે નહિ. આથી સાંખ્યનું માનવું છે કે આત્મા (પુરુષ)નું અસ્તિત્વ સ્વયંસિદ્ધ (સ્વતઃ પ્રકાશ) છે અને એની સત્તાનું કોઈ પ્રકારે ખંડન કરી શકાય નહિ.
સાંખ્ય મત અનુસાર આત્મા (પુરુષ) શરીર, મન, ઈન્દ્રિય અને બુદ્ધિથી ભિન્ન છે. આત્મા શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, જે સર્વદા જ્ઞાતાના રૂપમાં રહે છે, પરંતુ ક્યારેય પોતે જ્ઞાનનો વિષય હોઈ શકે નહિ. તે ચૈતન્યનું આધારભૂત દ્રવ્ય નહિ પરંતુ સ્વતઃ (પોતે) ચૈતન્ય સ્વરૂપ છે. આત્મા નિષ્ક્રિય, અવિકારી અને માત્ર દણા છે. એ સ્વયંભૂ અને નિત્ય છે.
કર્મ અથવા પરિણામ, સુખ અથવા દુઃખ એ બધાં પ્રકૃતિ અને તેના વિકારો (શરીર, બુદ્ધિ, મન વગરે)ના ધર્મ છે. શરીર, ઈન્દ્રિય, મન અથવા બુદ્ધિને આત્મા સમજી લેવો એ અજ્ઞાન છે - ભ્રમ છે. જ્યારે આવા અજ્ઞાનને કારણે પુરુષ પોતાને શરીર, મન અથવા બુદ્ધિ સમજી લે છે, ત્યારે તેને ભ્રમ થાય છે કે તે કર્મ અથવા પરિવર્તનના પ્રવાહમાં અનેક પ્રકારનાં દુ:ખોમાં ફસાઈ ગયો છે. પ્રકૃતિમાંથી બુદ્ધિ, અહંકાર, મન, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, પાંચ તન્માત્રાઓ તથા પંચમહાભૂતની રચના થાય છે. આમ, સૃષ્ટિ એ પ્રકૃતિના ચોવીસ તત્ત્વોની રમત છે જેનો આરંભ પ્રકૃતિથી થાય છે અને પંચમહાભૂતોથી એ સર્જનક્રિયા સમાપ્ત થાય છે. તેનો દર્શક અથવા સાક્ષી પુરુષ છે. સંસાર ન તો પરમાણુઓના આકસ્મિક સંયોગનું ફળ છે કે ન તો અંધ કાર્યકારણ નિયમનું નિરર્થક પરિણામ છે. સૃષ્ટિ એક વિશેષ પ્રયોજનથી થાય છે જેનો ઉદ્દેશ છે આધ્યત્મિક ઉન્નતિ એટલે કે સ્વની ઓળખ, સ્વની સમજ.
➡️ વેદાંત દર્શનમાં શંકરાચાર્ય સ્વને બ્રહ્મ સ્વરૂપે વર્ણવે છે. તેમના અદ્વૈત વેદાંત અનુસાર
(1) બ્રહ્મજ એક માત્ર અને પરમ સત્તા છે.
(2) જગત મિથ્યા છે અર્થાત્ જગત અભાસ માત્રછે.
(3) આત્મા બ્રહ્મથી ભિન્ન નથી.
શંકરાચાર્ય પોતાના આ મતનું અને બ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન શ્રુતિના આધાર પર તથા તર્કના આધાર પર કરે છે. માંડુક્યોપનિષદમાં પણ અદ્વૈતવાદને સૂચિત કરતાં શ્લોક જોવા મળે છે. દા.ત. “વાસ્તવમાં બધું જ બ્રહ્મ જ છે, આત્મા પણ બ્રહ્મ છે.” (શ્લોક-2)
બ્રહ્મની વિધેયાત્મક પરિભાષા કરવામાં તાર્કિક મુશ્કેલીઓને કારણે જ શંકરાચાર્ય પોતાના મતની સ્થાપના માટે નિષેધાત્મક (નેતિ-નેતિ) પરિભાષાનો આશ્રય લે છે. આથી બ્રહ્મ “આ નથી – તે નથી.....” (નેતિ-નેતિ) એમ માત્ર નકારાત્મક રીતે જ તેને વર્ણવી શકાય. વ્યક્તિ જ્યારે આ રીતે પોતાના સ્વ વિશે “આ પણ નહિ.....'તેમ જાણતો જાય છે ત્યારે તેનાં પોતાના મૂળ સ્વનો પરિચય થાય છે.
આમ, સ્વ વિશેનો ભારતીય દૃષ્ટિકોણ સ્વને શરીર, મન, બુદ્ધિ તથા અહંકારથી જુદો સમજે છે. જ્યારે વ્યક્તિ શરીર, મન, બુદ્ધિથી અલગ સ્વને જાણે છે તથા પોતાના અહંકારને નિર્મૂળ કરે છે ત્યારે તેને પોતાના સ્વની ઓળખ થાય છે કે તેનો સ્વ સચિત્ આનંદ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, બ્રહ્મનું જ સ્વરૂપ છે. આ સ્વને જાણવું, સમજવું એટલે જ પ્રજ્ઞાવાન થવું, મોક્ષ કે નિર્વાણ પામવું તથા અહીં અને અત્યારે (Here and Now) છે એમ કહેવાય.
(2) સ્વજ્ઞાન (self-Knowledge) :
સોક્રેટિસના મતે, તત્ત્વજ્ઞાનનો ધ્યેય “સ્વની ઓળખ 'Know Thyself છે. લાઓ સેના મતે “અન્યને જાણવું તે ડહાપણ છે અને સ્વને જાણવું એ પૂર્ણ બોધ છે.” અન્ય પર વિજય મેળવવા બળની જરૂર પડે છે, જ્યારે સ્વને જીતવા શક્તિની જરૂર પડે છે.” "Knowing others is wisdom, knowing the self is enlightenment, Mastering others requires force, mastering the self requires strength."
આદિ શંકરાચાર્ય શ્રીમદ્ ભગવદ્ ગીતા પરની મીમાંસા કરતાં જણાવે છે કે, “સ્વજ્ઞાન જ વ્યક્તિના તમામ દુઃખોનો અંત લાવી શકે છે.” “સ્વજ્ઞાન જ આનંદની સર્વોચ્ચ ઊંચાઈ છે.” “પૂર્ણતા એટલે જ સ્વજ્ઞાન.”
વ્યક્તિ જ્યારે સ્વજ્ઞાન મેળવે છે ત્યારે જ તેનાં તમામ દુઃખોનો અંત આવે છે, કારણ કે સ્વજ્ઞાન સિવાયનું બધું જ અજ્ઞાન છે અને અજ્ઞાન જ દુઃખનું મૂળ કારણ છે. વ્યક્તિના તમામ દુઃખોનો અંત એ જ આનંદની પરાકાષ્ઠા છે. બુદ્ધ ભગવાન પણ સ્વજ્ઞાન દ્વારા દુઃખોના અંતની વાત કરે છે. તેને જ તેઓ નિર્વાણ કહે છે. નિર્વાણ એટલે કે દુઃખોનો અંત. આમ, સ્વજ્ઞાન એ જ દુઃખોનો અંત છે.
(3) વિવિધ દૃષ્ટિકોણ મુજબ “સ્વ”
સ્વએ પોતાનો પોતાના સંદર્ભમાં ઉલ્લેખ છે. સ્વને જોવાનો સંદર્ભવ્યક્તિનિષ્ઠ હોય છે. સ્વપણું એ સ્વ ઓળખથી ભિન્ન છે. સ્વાણું વ્યક્તિની પોતાના સ્વ વિશેની સમજ છે. જ્યારે સ્વ ઓળખ વ્યક્તિ બીજાના દૃષ્ટિકોણથી મેળવતો ખ્યાલ છે. સ્વને સમજવા માટે તાત્ત્વિક, મનોવૈજ્ઞાનિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જેવા દૃષ્ટિકોણો ઉપયોગી નીવડે છે.
➡️ સ્વની સમજ માટેનો તાત્ત્વિક દષ્ટકોણ :
સ્વનું તત્ત્વજ્ઞાન સ્વને એક સમગ્ર અસ્તિત્વ તરીકે ઓળખે છે કે જે ચૈતન્ય, સભાનતા અને વિવિધ એજન્સીઓ (સ્વતંત્ર બુદ્ધિ, તાર્કિક પસંદગી વગેરે.) સાથે જોડાયેલ હોય છે.
સ્વ એક એવું અસ્તિત્વ છે જે ચૈતન્યનો સ્ત્રોત છે, જે વ્યક્તિના વિચારો અને કાર્યો માટે જવાબદાર માધ્યમ છે.સ્વનું સ્વરૂપ અભૌતિક છે, આત્મિક છે, આધ્યાત્મિક છે.
➡️ સ્વની સમજ માટેનો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણ :
સ્વનું મનોવિજ્ઞાન એટલે કે પોતાની ઓળખનું બોધાત્મક અને સંવેગાત્મક પ્રતિનિધિત્વ અથવા પોતાના અનુભવોના વિષયનો અભ્યાસ. એટલે કે વ્યક્તિ પોતાની ઓળખ વિશે જે બોધાત્મક દૃષ્ટિ ધરાવે છે અને જે સંવેગો દ્વારા પોતાને ઓળખે છે તેનો અભ્યાસ અથવા વ્યક્તિના પોતે જે અનુભવો સંકલિત કર્યા છે તે અનુભવોથી રચાયેલું વ્યક્તિનું પુંજ એટલે કે “સ્વ”નો અભ્યાસ.
મનોવિજ્ઞાનનો સાંપ્રત દૃષ્ટિકોણ સ્વને માનવ પ્રેરણા, બોધાત્મક, સંવેગાત્મક અને સામાજિક ઓળખ ઊભી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતો હોવાનું માને છે.
➡️ સ્વની સમજ માટેનો ધાર્મિક દૃષ્ટિકોણ :
સ્વ એ આધ્યાત્મિક્તાનો જટિલ અને કેન્દ્રીય વિષય છે. ધાર્મિક દૃષ્ટિકોણ સ્વના બે સ્વરૂપનો સ્વીકાર કરે છે. (1) સ્વ એટલે કે અહંકાર કે જે શીખેલો તથા શરીર અને મનથી ઘડાયેલો હોય છે. (2) સાચો સ્વ એટલે કે સાક્ષીત્વ અથવા પોતાનું અવલોકન.
ધાર્મિક દૃષ્ટિકોણ પહેલાં સ્વરૂપને અજ્ઞાન તથા બીજા સ્વરૂપનું જ્ઞાન તરીકે વર્ણવે છે. વ્યક્તિએ અહંકારને દૂર કરી પોતાના ખોટા વને નાબૂદ કરવાનો છે તથા સાચા સ્વને સાક્ષીભાવથી જોઈને અનુભવવાનો છે.
➡️ સ્વની સમજ માટેનો સાંસ્કૃતિક દૃષ્ટિકોણ :
સ્વનો સાંસ્કૃતિક દૃષ્ટિકોણ એવું માને છે કે સ્વ વ્યક્તિના પોતાના સામાજિક તથા સાંસ્કૃતિક અનુભવોમાંથી સતત ઉદ્દભવતો રહે છે. જેવું વ્યક્તિની આસપાસનું સામાજિક તથા સાંસ્કૃતિક વાતાવરણ તેવા તેના સ્વનો ઉદ્દભવ થાય છે. જે સામાજિક-સાંસ્કૃતિક વાતાવરણ નૈતિક, સુસંસ્કૃત હોય તો એક નૈતિક અને સુસંસ્કૃત સ્વનો વિકાસ થાય છે અને તેનાથી ઊલટું જો આજુબાજુનું વાતાવરણ અનૈતિક કે સુસંસ્કૃત નથી હોતું ત્યાં અનૈતિક અને અસુસંસ્કૃત સ્વનો વિકાસ થાય છે. સામાજિક-સાંસ્કૃતિક સ્વ સતત વિકસતો રહે છે. વ્યક્તિ જેટલાં વધુ સામાજિકસાંસ્કૃતિક અનુભવો મેળવતી જાય છે તેટલો તેનો સ્વ વિકસતો જાય છે.
(4) સ્વના ચાર આયામો :
માનવ જીવન ચાર આયામોનું બનેલું હોય છે. શારીરિક, માનસિક, સાંવેગિક અને અધ્યાત્મિક સ્તરે અસ્તિત્વ. જીવનમાં સમતુલા જાળવવા તથા પોતાના જીવનમાં સમગ્રતા તથા સંતોષ મેળવવા આપણે આપણામાં રહેલા આ ચારેય આયામોને તંદુરસ્ત કરવા પડે, વિકસિત કરવા પડે તથા ચારેયનું સંકલન કરવું પડે.
➡️ શારીરિક આયામ :
શારીરિક આયામ એટલે કે આપણું શારીરિક શરીર, જેમાં આ ભૌતિક વિશ્વમાં અસ્તિત્વ ટકાવવું તથા સમૃદ્ધ કરવાની શક્તિઓનો સમાવેશ થાય છે. પોતાના શારીરિક અસ્તિત્વનો વિકાસ એટલે કે પોતાના શરીરની કઈ રીતે સારી સંભાળ લેવી તથા આનંદ મેળવવો તે. આનો અર્થ આ વિશ્વમાં કઈ રીતે આરામદાયક રીતે કહેવું અને અસરકારક રીતે જીવવાના કૌશલ્યોનો વિકાસ થાય છે. જે વ્યક્તિ શારીરિક રીતે તંદુરસ્ત હોય છે તે અસ્તિત્વનો આનંદ લઈ શકે છે. સ્વને માણવાની પ્રથમ શરત શારીરિક સ્વસ્થતા તથા શારીરિક મજબૂતાઈ છે.
➡️ માનસિક આયામ :
માનસિક આયામ એટલે કે આપણી બુદ્ધિ, આપણામાં વિચારવાની તથા તર્ક કરવાની શક્તિ. આપણા અસ્તિત્વનું માનસિક સ્તર આપણા વિચારો. વલણો, માન્યતાઓ તથા મૂલ્યોનું બનેલું હોય છે. આપણી બુદ્ધિ એ આપણને મળેલી સૌથી અમૂલ્ય ભેટ છે અને ક્યારેક તે અભિશાપ પણ છે. આપણી માનસિક શક્તિઓનો વિકાસ એટલે કે સ્પષ્ટ રીતે ચિંતન કરવું. ખુલ્લું મન રાખવું, છતાં બૌદ્ધિક તફાવતો કરવા. આપણી માનસિક શક્તિ આપણને આપણા આજુબાજુના જીવનના અનુભવોમાંથી જ્ઞાન અને ડહાપણ મેળવવામાં મદદ કરે છે. વ્યક્તિ જેટલા પોતાના આજુબાજુના વાતાવરણમાંથી અનુભવો એકત્ર કરે તેટલું તેનું જ્ઞાન વધે છે જે જ્ઞાનથી તે પોતાના વાતાવરણ પર કાબૂ મેળવી શકે છે અને જીવનને માણી શકે છે.
➡️ સાંવેગિક આયામ :
સાંવેગિક આયામ એટલે કે જીવનનો ગહન અનુભવ, તથા પોતાનો અન્ય સાથેનો અને વિશ્વ સાથેનો સાંવેગિક સંબંધ. તે આપણા સ્વની એવી સંવેદના છે જે આપણને બીજા સાથે જોડે છે. પોતાનો સાંવેગિક વિકાસ એટલે કે, આપણામાં રહેલા પ્રેમ, કરુણા, દયા, સહાનુભૂતિ, વાલ્ય વગેરે સંવેગોનો વિકાસ. આ સંવેગોનો વિકાસ થવાથી વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે સાંવેગિક રીતે જોડાઈ શકે છે અને તેનાથી સંબંધો વિકસાવી પોતાના જીવનને આનંદથી ભરી શકે છે.
➡️ આધ્યાત્મિક આયામ :
આધ્યાત્મિક આયામ એટલે કે આપણું આંતરિક સત્વ. આપણો આત્મા, આપણો એક એવો ભાગ કે જે સમય અને સ્થળની પેલે પાર પણ અસ્તિત્વ ધરાવે છે. તે આપણને બ્રહ્માંડના સ્ત્રોત સાથે જોડે છે અને દરેક અસ્તિત્વમાં ઐક્યતા લાવે છે. આપણા આધ્યાત્મિક જીવન વિશેની આપણી સભાનતા આપણને સમગ્ર બ્રહ્માંડ સાથે જોડે છે. આપણા જીવનનો ગહન અર્થ અને ઉદ્દેશ્ય મળે છે અને જીવન અંગેનો બહોળો દૃષ્ટિકોણ વિકસાવે છે. આધ્યાત્મિક આયામ આપણા જીવનના વિકાસને આધાર આપે છે. વ્યક્તિ જેટલી પોતાના આધ્યાત્મીક સ્વને જાણે છે તથા સમજે છે તેટલો જ તે પોતાના મૂળ સ્વને જાણે છે, જે તેને અજ્ઞાનમાંથી બહાર કાઢી જીવનનો પ્રકાશ, આનંદ આપે છે.
👉 આંતરિક સ્વનો વિકાસ
પોતાના આંતરિક સ્વનો વિકાસ એટલે કે પોતાના આધ્યાત્મિક સ્વનો વિકાસ. જે વ્યક્તિ પોતાનો આધ્યાત્મિક વિકાસ કરી શકે છે તે પોતાના સ્વનો વિકાસ કરી શકે છે. આધ્યાત્મિક વિકાસ એટલે કે પોતાના સ્વની ઓળખ. વ્યક્તિ જ્યારે તે પોતે શરીર, મન કે બુદ્ધિ નથી તેમ જાણે છે અને પોતાના અહંકારને નિર્મૂળ કરી નાખે છે ત્યારે તે પોતાના સ્વના વિશ્વમાં પ્રવેશે છે ત્યારે વ્યક્તિને તેના પોતાના આકસ્મિક સ્વનો અનુભવ થાય છે.
અસ્તિત્વવાદ માને છે કે વ્યક્તિએ પોતાના સ્વને પીછાણવો જોઈએ, પોતાના સ્વની સાથે જઈ વાતો કરવી જોઈએ. જ્યારે વ્યક્તિ પોતાના સ્વની નજીક જાય છે એટલે કે પોતાની નીજતામાં પોતાને મળે છે ત્યારે તેને તેના આકસ્મિક સ્વની પ્રતીતિ થાય છે. જ્યારે વ્યક્તિ પોતાના આકસ્મિક સ્વ સાથે પહેલી વાર મળે છે ત્યારે તેને તેના અસ્તિત્વનો અર્થ અને ઉદ્દેશ્ય મળે છે. વ્યક્તિ જ્યારે આ રીતે પોતાના અસ્તિત્વનો અર્થ અને ઉદ્દેશ્ય જાણી તે મુજબ કાર્ય કરે છે અને ઉદેશ્યોની પૂર્તિ કરે છે ત્યારે જ તે પોતાના અસ્તિત્વના મૂળ અર્થને સમજી શકે છે. તે જાણી શકે છે કે તેને અસ્તિત્વ શા માટે મળ્યું છે. આમ, અસ્તિત્વનો ઉદ્દેશ્ય પૂર્ણ થવાથી વ્યક્તિ સંતોષ અને શાંતિની લાગણી અનુભવે છે જે તેને પોતાના મૂળ સ્વ તરફ ઘકેલે છે. આમ, નેતિ – નેતિનો સિદ્ધાંત અનુસરી વ્યક્તિ પોતાના મૂળ સ્વ સુધી પહોંચે છે અને સમગ્ર અસ્તિત્વ સાથે એક થઈ જાય છે. આને જ મોક્ષ તથા નિર્વાણ તરીકે ઓળખવામાં આવે છે. આ જ માનવ અસ્તિત્વનો અંતિમ ઉદ્દેશ્ય છે. વ્યક્તિ જ્યારે આ અવસ્થામાં પહોંચે છે ત્યારે તેના જીવનનો ઉદ્દેશ્ય પૂર્ણ થાય છે. આ જ સ્વના વિકાસની ઊંચાઈ છે, અંતિમ અવસ્થા છે કે જ્યાંથી વ્યક્તિને કંઈ જ મેળવવાનું, પામવાનું બાકી રહેતું નથી.
આને જ ભારતીય સંદર્ભમાં સ્વનો સંપૂર્ણ વિકાસ ગણવામાં આવે છે. પાશ્ચાત્ય સંદર્ભમાં સ્વનો વિકાસ એટલે કે પોતાનો શારીરિક ક્ષમતાઓ, સાંવેગિક ક્ષમતાઓ તથા પોતાની માનસિક ક્ષમતાઓના વિકાસ ગણવામાં આવે છે. આમ, ભારતીય અને પાશ્ચાત્ય દૃષ્ટિકોણનો સમન્વય કરવામાં આવે તો વ્યક્તિની શારીરિક, માનસિક, સાંવેગિક તથા આધ્યાત્મિક શક્તિઓનો વિકાસ એટલે કે સ્વનો વિકાસ.