વિચાર વિસ્તાર નો અર્થ // Vichar Virtar no Arth
વિચાર વિસ્તાર કંઈ રીતે લખવો
વિચાર વિસ્તાર નો અર્થ :
👉 આપણા વિચારોને વિસ્તારથી વિવિધ વિગતો સાથે રજૂ કરવાનું માધ્યમ નિબંધ છે, તેમ સૂત્રાત્મક શૈલીમાં, ટૂંકમાં વિચારોને વ્યક્ત કરવાનું માધ્યમ ગદ્ય કે પદ્યની પંક્તિઓ છે. આ પંક્તિઓને અર્થપૂર્ણ સમજાવવાની કલા એટલે વિચાર વિસ્તાર.
👉 સર્જક તેના અનુભવ, ચિંતન કે વિચારોનો નિષ્કર્ષ જ્યારે સંક્ષેપમાં વ્યક્ત કરે ત્યારે સામાન્ય વ્યક્તિ માટે તે સમજવું થોડું કઠિન બને છે. તેમના તે વિચારનો વિસ્તાર કરવા કંડિકાઓના હાર્દને દષ્ટાંતો, દલીલો, કહેવત અને અન્ય વિચારકોની વિચારસરણીનો હવાલો ટાંકીને સખતાઇપૂર્વક સ્પષ્ટતા કરવાની છે.
📚 વિચારવિસ્તાર માટે ધ્યાનમાં રાખવાની બાબતો 📚
➡️ આપેલી પંક્તિ કે વિધાન એકાગ્રતાપૂર્વક વાંચી, તેના મુખ્ય અર્થ/વકતવ્યને બરાબર સમજી લો.
➡️ પંક્તિમાં રહેલ મહત્ત્વના શબ્દો નીચે લીટી દોરો.
➡️ અર્થવિસ્તાર કરતી વખતે મુખ્ય ત્રણ વિભાગ પાડવા. પ્રારંભ, મધ્ય વિભાગ અને અંત, આ ત્રણેય વિભાગની સ્પષ્ટતા પાછળ કરી છે.
➡️ આપેલા વિધાન કે કાવ્યપંક્તિનો વિસ્તાર તમારી નોટની 10-15 લીટીમાં કરવો જોઈએ.
➡️ ફકરામાં આપેલાં વાક્યો એકબીજા સાથે યોગ્ય રીતે સંકળાયેલા હોવા જોઈએ.
➡️વિચારો સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવા જોઈએ.
➡️ વિચારને વિસ્તારતી વખતે મૂળ વિચારને સહાય ના કરે એવી બાબતોથી દૂર રહેવું જોઈએ.
➡️ એક જ વાત કે ઉદાહરણનું પુનરાવર્તન ન કરવું.
➡️ વાક્યો ટૂંકા, સ્પષ્ટ અને સરળ હોવાં જોઈએ. ભાષાકીય ભૂલ ન કરવી.
➡️ વિચાર-વિસ્તારની લંબાઈ કેટલી હોવી જોઈએ? તે ચોક્કસ નથી. તમે કરેલ સ્પષ્ટીકરણ તમને સંતોષ આપે તે અગત્યનું છે.
➡️ વિચારનો વિસ્તાર કર્યા પછી એક વાર વાંચી જવું જોઈએ. જરૂરી સુધારા પણ કરવા.
📚 વિચાર વિસ્તારના મુખ્ય ત્રણ વિભાગ 📚
પ્રારંભઃ પ્રારંભના ફકરામાં આપેલા વિધાન કે પંક્તિનો મુખ્ય વિચાર, અર્થ, વનિ એક-બે વાક્યમાં લખવા જોઈએ. સરળ ભાષામાં કહીએ તો પંક્તિ શું કહે છે? તે જણાવવું જોઈએ.
મધ્ય ભાગ : આ ભાગમાં આવેલ પંક્તિનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. અહીં અર્થનો વિસ્તાર કરવામાં આવે છે. આપેલ પંક્તિને સત્ય છે તેમ સાબિત કરવાની છે. જેમકે, “બોલે તેના બોર વેચાય અને ન બોલવામાં નવ ગુણ' આ બંને પક્તિઓ એકબીજાની વિરોધી છે. પણ જયારે વિચાર-વિસ્તાર કરતા હોવ ત્યારે જે પંક્તિમાં જે કહેવાયું છે તે સાચું જ છે તેમ સાબિત કરવાનું છે. આપેલ મુદ્દા કે અર્થથી વિપરીત જવાનું નથી. ભલે તમે તે વિચાર સાથે સહમત ના હોવ.”
👉 પંક્તિ કે વિધાનના દરેક શબ્દને મહત્ત્વ આપી, સૂચિત થતા અર્થનું દાખલા, દલીલો સાથે સ્પષ્ટીકરણ કરવાનું છે. પંક્તિમાં રહેલા મુદ્દાને વળગી રહીને જ વિસ્તાર કરવાનો છે. વિષયાંતર ન થાય તેની કાળજી રાખવી. મુદ્દો સમજાવતી કે વિસ્તારતી વખતે સચોટ તર્કબદ્ધ દલીલો કરવી. જરૂર જણાય ત્યાં અન્ય ઉદાહરણો, કહેવત કે રૂઢિપ્રયોગનો પણ ઉપયોગ કરી શકાય. આ માટે અન્યચિંતકોના અવતરણ, સાહિત્ય, ઈતિહાસ, પુરાણ વગેરેના દૃષ્ટાંતો આપી શકાય. અન્ય ઉદાહરણો કે દષ્ટાંતો આપો ત્યારે ધ્યાનમાં રાખો કે તે મૂળ વિચાર સાથે બરાબર સુસંગત હોવા જોઈએ. નિરર્થક લંબાણથી દૂર રહો. આ વિભાગમાં મૂળ પંક્તિમાં ગોપનીય રહેલ અર્થને શોધી કાઢીને ખુલ્લો કરવાનો છે.
👉 અંતઃ અંત ભાગમાં વિચારનો સાર-બોધ રજૂ કરવામાં આવે છે. જેને ચર્ચાની ફલશ્રુતિ નિષ્કર્ષ પણ કહી શકાય.
📚 વિચાર-વિસ્તારના સોપાનો 📚
વિષયાભિમુખ : યોગ્ય પ્રયુક્તિ દ્વારા બાળકોને વિચાર-વિસ્તાર કરવા માટે પ્રોત્સાહિત કરવા છે.
વિષય નિરૂપણ :
પંક્તિની રજૂઆતઃ જે પંક્તિનો અર્થ વિસ્તાર કરવાનો છે તે પંક્તિને સુવાચ્ય અક્ષરે કા.પા. પર લખીને વિદ્યાર્થી સમક્ષ રજૂ કરો.
પંક્તિવાંચનઃ રજૂ કરેલ પંક્તિ શિક્ષકે પ્રથમ વાંચીને સંભળાવવી જોઈએ. ત્યારબાદ વિદ્યાર્થી પાસે તે વંચાવો અને મનમાં બે-ત્રણ વાર વાંચવાનું જણાવો.
વિદ્યાર્થી નોંધ: વિચાર વિસ્તાર માટે ધ્યાનમાં રાખવાની બાબતોથી વિદ્યાર્થીને માહિતગાર કરો. (જરૂર લાગે તો).
➡️. ત્યારબાદ સૂચના આપો કે પંક્તિમાં કયો વિચાર રહેલો છે તે નોંધો. તેને માટે જરૂરી ઉદાહરણો, કહેવત, અવતરણો, કાવ્યપંક્તિઓ વગેરે શોધીને નોંધવાનું કહો.
ચર્ચા: પંક્તિના અર્થનો વિસ્તાર કરવા માટે શિક્ષક વિવિધ પ્રશ્નો પૂછીને ચર્ચા કરશે. આ સમયે વિદ્યાર્થીઓએ નોંધેલા મુદ્દાને ધ્યાનમાં રાખશે. જરૂરી શબ્દો, ઉદાહરણો, કહેવતો વગેરે કા.પા. પર નોંધશે. પછી વિચાર વિસ્તાર લખવાનું કહેશે.
મૂલ્યાંકન : વિચાર વિસ્તારના મુખ્ય ત્રણ ભાગો પ્રારંભ, મધ્ય અને અંત પ્રમાણે જુદાં જુદાં વિદ્યાર્થી પાસે મૌખિક રજૂઆત કરાવશે.
સ્વાધ્યાયઃ વિદ્યાર્થીઓ આપેલ પંક્તિનો વિચારવિસ્તાર લખશે.
📚 વિચાર-વિસ્તારના ઉદાહરણો 📚
👉 નીચે આપેલ પંક્તિમાં સમાવિષ્ટ વિચારનો વિસ્તાર કરો.
ઉ.દા 1️⃣
"જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે.”
➡️ પ્રસ્તુત પંક્તિમાં માતાની મહત્તા વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે કે, માતા તેના હાથ વડે બાળકનું પારણું ઝુલાવે છે, તે માતા જગત પર શાસન પણ કરી શકે છે.
➡️ આપણે સૌ જાણીએ જ છી એ કે બાળક નાનું હોય ત્યારે ઝૂલામાં સૂવડાવીને તેની માતા ગીતો ગાતાં ગાતાં, વાર્તા સંભળાવતા સંભાળવતા બાળકમાં સંસ્કારનું સિંચન કરે છે. શિવાજી હોય કે ભગતસિંહ કે અભિમન્યુ, આ બધામાં સંસ્કારનું સિંચન કરનાર કોણ હતું? તેમની માતા જ હતા. સંસ્કારની સાથે વિવિધ રસનું પણ સિંચન માતા કરે છે. સારી રીતે સંસ્કાર અને રસથી તરબોળ બાળક મોટું થાય ત્યારે માતાએ સિંચન કરેલ ગુણો દ્વારા સમાજમાં કે રાષ્ટ્રમાં તે પોતાનું દાયિત્વ નિભાવે છે. આવી વ્યક્તિ પોતાના વિચારો અને શક્તિ દ્વારા સમાજ કે જગત પર રાજય કરવા સક્ષમ હોય છે. તક મળતાં તે સારી રીતે રાજ્ય ચાલવી જાણે છે અથવા તો પોતાના વિચારો મુજબ પરિવર્તન પણ લાવી શકે છે. હકીકતમાં આમ બન્યું કેવી રીતે ? તો તે વ્યક્તિમાં તેની માતા એ સિંચેલ વિવિધ ગુણો અને રસ અને શક્તિને કારણે. આ રીતે જોતાં ભલે કોઈ વ્યક્તિ રાજ્ય ચલાવતો હોય, પણ તે રાજ્ય તેની મતના વિચારો પ્રમાણે ચલાવે છે. આમ માતાના હાથ કોમળ હોય છે તો સાથે જરૂર પડે મજબૂત પણ બની શકે છે.
➡️ અંતે, આ પંક્તિ દ્વારા કહેવામાં આવ્યું છે કે, સંસ્કારી અને શિક્ષિત માતાઓ જ સારા નાગરિકોનું ઘડતર કરી શકે છે અને પોતાના સંતાનોને પ્રેરણા આપી જગતમાં પરિવર્તન પણ લાવી શકે છે.
ઉ.દા. 2️⃣
" ન બોલ્યામાં નવ ગુણ "
➡️. પ્રસ્તુત પંક્તિમાં મૌનનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે.
➡️ ઘણાં વ્યક્તિઓને વધુ પડતું બોલવાની ટેવ હોય છે. એવા લોકો માટે અન્ય લોકો કહે છે કે, પેલો બકબક કરે છે. ક્યારેક વધુ પડતું બોલવાને કારણે સબંધો પણ બગડે છે, સહન કરવાનું પણ આવે છે, વાતાવરણ ઉગ્ર બને છે. મહાભારતમાં દ્રૌપદીએ દુર્યોધન માટે વાપરેલ શબ્દોને કરને જ યુદ્ધ થયું. આ સમયે દ્રૌપદી મૌન રહી હોત તો કદાચ યુદ્ધ ના થયું હોત. આપણા સમાજમાં પણ ઘણીવાર ઝગડા થવાનું કારણ બોલેલા શબ્દો હોય છે. વ્યક્તિને કોઈ દુઃખ થયું હોય, કશું ના ગમ્યું હોય, પણ જો તેને તે સહન કરશે તો તે સમાજમાં લોકોમાં પ્રિય થશે. જયારે જો બોલીને ઉભરો ઠાલવશે કે બીજા પર ગુસ્સો કરશે તો તે વ્યક્તિ અપ્રિય થઈ પડશે. ઘણીવાર ઝગડાનું અકે અપ્રિય બનવાનું મૂળ કારણ આપણે બોલેલા શબ્દો હોય છે અને એક વાર બોલેલા શબ્દો પરત ખેંચી શકતા નથી. માટે બને ત્યાં સુધી મૌન રહેવું વધારે સારું.
➡️ અંતે, આ પંક્તિ દ્વારા બોધ મળે છે કે, જરૂર જેટલું જ બોલવું જોઈએ. વધારાનું બોલવું જોઈએ નહિ. મૌન રહેવામાં જ ભલાઈ છે.