Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

શૈક્ષણિક મનોવિજ્ઞાનનું મહત્ત્વ // Significance of Educational Psychology

 

શૈક્ષણિક મનોવિજ્ઞાનનું મહત્ત્વ (Significance of Educational Psychology)


શૈક્ષણિક મનોવિજ્ઞાનનું મહત્ત્વ // Significance of Educational Psychology


👉   એક સમય એવો હતો કે, કેળવણી વિષયપ્રધાન હતી. વિષયોના ભાર નીચે દબાયેલા બાળકના આત્માનું અવિરત ઠંદન કેળવણીકારોના કાને અથડાતું નહોતું. તે સમયે એમ મનાતું કે, ગણિતશાસ્ત્ર અને વ્યાકરણ જેવા વિષયો દ્વારા બાળકોને કેળવી શકાય છે, પરંતુ સમયના પ્રવાહની સાથે બદલાતાં જીવનમૂલ્યોએ કેળવણીકારોનું ધ્યાન બાળક પર કેન્દ્રિત કર્યું છે. બાળક એ માત્ર માટીનો પિંડ નથી. તે સજીવ છે. તેનાં અસ્તિત્વ અને અસ્મિતાનો સ્વીકાર થયો. એટલે શિક્ષણ મહાવર્તુળનું કેન્દ્ર બાળક બન્યું. નૂતન શિક્ષણની સંકલ્પનામાં શિક્ષણને સહિયારું સાહસ (Cooperative enterprize) ગણવામાં આવે છે. બાળક એ માત્ર નિષ્ક્રિય શ્રોતા નથી, પણ શિક્ષણની પ્રક્રિયાનો, સક્રિયતાનો સક્રિય ભોકતા ને પરમ ઉપાસક છે.


[1] બાળકની ઓળખ : 

        મનોવિજ્ઞાનના અભ્યાસથી શિક્ષક બાળકને ઓળખી શકે છે. પ્રત્યેક બાળકને પોતાનું નિરાળું વ્યક્તિત્વ હોય છે. તેની પોતાની આવડતો – મર્યાદાઓ હોય છે. બાળકને પોતાનાં આગવાં રસ, રુચિ, વલણો ને અભિયોગ્યતાઓ હોય છે. બાળક સ્વયં શિક્ષક માટે એક મહાગ્રંથ બની જાય છે. રુસોએ કહ્યું છે તેમ,


'Child is the book the teacher has to read from page to page.'


     આમ, બાળકના સ્વભાવની રહસ્યરંગી લીલાઓ, તેની સ્વભાવગત ખાસિયતો વગેરેનું જ્ઞાન હોવું શિક્ષક માટે આવશ્યક છે. 


[2] શિક્ષણ પદ્ધતિઓનું નિધરણ :

           શિક્ષણની સફળતાનો આધાર શિક્ષકના વિષયના નૈપુણ્ય પર માત્ર નથી. વિષયના નૈપુણ્ય ઉપરાંત બાળકોના વિકાસના તબક્કાઓનું જ્ઞાન, તે વિકાસ અનુસાર બાળકોનાં રસ, રુચિ, વલણોમાં આવતાં પરિવર્તનોનું જ્ઞાન અને બાળકના વ્યક્તિત્વ પર પડતી વારસા અને વાતાવરણની અસરોનું જ્ઞાન શિક્ષણ માટે આવશ્યક છે. આવા જ્ઞાનથી શિક્ષક બાળકોની વૈયક્તિક વિભિન્નતાઓ અનુસાર, શિક્ષણ પદ્ધતિઓનું આયોજન કરવા માટે પ્રેરાય છે, શિક્ષણ પદ્ધતિઓની અસરકારકતાને અને શિક્ષણને સફળ બનાવે છે.


[3] શિક્ષણનું આયોજન : 

        મનોવિજ્ઞાનના અભ્યાસથી મનોવિકાસના તબક્કાઓ જાણી શકે છે. બાળકનાં રસ અને વલણો મનોવિકાસના જુદા જુદા તબક્કાઓમાં પરિવર્તન પામતાં રહે છે. જુદા જુદા તબક્કાઓમાં બાળકનો વિશિષ્ટ મનોવિકાસ થાય છે. આ તબક્કાઓની વિશિષ્ટ જરૂરિયાતો છે. આ બધાનું જ્ઞાન શિક્ષકને તેને શિક્ષણના નીવડે છે.

 

[4] વ્યક્તિગત તફાવતો અનુસાર શિક્ષણ :            

       શિક્ષકની પાસે ઘણાં બાળકો શિક્ષણ લેવા આવે છે. આ બાળકોમાં વૈયક્તિક વિભિન્નતાઓ હોય છે. આવી વિભિન્નતાઓને કારણે બધાં જ બાળકોને એક જ પ્રકારનું એક જ પદ્ધતિએ શિક્ષણ આપી શકાય નહિ, તેમ જ શિક્ષણમાં દરેક બાળક પાસે સરખી પ્રગતિની આશા રાખી શકાશે નહિ. મનોવિજ્ઞાનનો અભ્યાસ શિક્ષકને આ સત્યો સમજવામાં સહાયભૂત થશે. એટલું જ નહિ, પણ પ્રત્યેક બાળકના વ્યક્તિત્વનું સન્માન કરવા પ્રેરશે. બાળકોમાં કેટલાંક શરમાળ અથવા તો કેટલાંક બાળકો તોફાની હોય છે. કેટલાંક અંતર્મુખી અને કેટલાંક બહિર્મુખી બાળકો હોય છે. આવાં સૌ બાળકોને સમજવામાં મનોવિજ્ઞાન શિક્ષકને સહાય કરે છે.


[5] આનુવાંશિક વારસાની સમજ : 

      બાળક જન્મે છે ત્યારે તે તેના જન્મ સાથે કેટલીક શક્તિઓ તેમ જ બીજો કેટલોક વારસો લઈને જન્મે છે. આ વારસો તેના જીવનઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ વારસો બાળકને કેવળ તેનાં મા-બાપ પાસેથી જ નહિ પણ બંને પક્ષોના પૂર્વજો પાસેથી મળે છે. આ વારસાનું જ્ઞાન બાળકને સમજવામાં અને શિક્ષણ આપવામાં શિક્ષકને ઉપયોગી નીવડે છે.


[6] વાતાવરણની અસરોનો અભ્યાસ :

       મનોવિજ્ઞાનનો અભ્યાસ શિક્ષકને બાળક પર વારસા ઉપરાંત વાતાવણની અસરો કેવી રીતે થાય છે તે જાણવા ઉપયોગી થઈ પડે છે. બાળકના વ્યક્તિત્વ પર વારસાન્ય અસરો ઉપરાંત વાતાવરણજન્ય અસરો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.


 [7] અનુકૂલન અને શિસ્તના પ્રશ્નોની સમજ:  

     અનુકૂલન એટલે વ્યક્તિનો પરિસ્થિતિ અથવા વાતાવરણ સાથે સુમેળ. દરેક વ્યક્તિ દરેક સમયે દરેક વાતાવરણમાં અનુકૂલન સાધી શકતી નથી. શિક્ષક પાસે અનેક બાળકો અભ્યાસ કરવા આવે છે. બાળકોની જુદી જુદી વારસાગત વાતાવરણજન્ય ભૂમિકાઓ હોય છે. આથી આવાં બાળકો વર્ગમાં હંમેશાં અનુકૂલન સાધી શકતાં નથી. કુશળ શિક્ષક બાળકની આ ભૂમિકાઓ સમજીને અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિઓનું આયોજન કરે છે. વર્ગમાં અનુકૂલન નહિ સાધી શકતાં બાળકો ગેરશિસ્તના પ્રશ્નોને ઊભા કરવા પ્રેરાય છે. શિક્ષક વાતાવરણની અને બાળકની જરૂરિયાતોના સંદર્ભમાં આ પ્રશ્નોને માનસશાસ્ત્રની મદદથી ઉકેલવા પ્રયાસ કરે છે.


[8] તંદુરસ્ત સંબંધોનો વિકાસ : 

        મનોવિજ્ઞાનના જ્ઞાનના આધારે શિક્ષક બાળકની સાથે આત્મિયતાભર્યા સુરુચિપૂર્ણ સંબંધો વિકસાવે છે. બાળકોની સાથે સ્નેહનો સેતુ જોડે છે. તે બાળકને પિતાનો પ્યાર અને માતાની મમતા પૂરી પાડે છે. માનસશાસ્ત્રનો અભ્યાસ શિક્ષકને બાળકો સાથેના સંબંધો વિકસાવવામાં તેમજ બાળકના ચારિત્ર્ય ઘડતરમાં અન્ય બાળકો જે રીતે ભાગ ભજવે છે, તેમનો સહકાર સ્થાપિત કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. બાળકોને જવાબદારીભર્યા કાર્યો આપી શિક્ષક તેમના જૂથ–સંબંધો વિકસાવે છે.


[9] વિદ્યાર્થીનું મૂલ્યાંકન (evaluation) : 

       શિક્ષક પોતાની તેમ જ વિદ્યાર્થીની સફળતા-નિષ્ફળતાનું જ્ઞાન મનોવિજ્ઞાનના અભ્યાસથી મેળવી શકાય છે. શિક્ષક વિદ્યાર્થીઓના વ્યક્તિ-વર્તનનું માપ પણ મનોવિજ્ઞાનના અભ્યાસથી કાઢી શકે છે.


[10] પોતાની જાતની ઓળખ : 

        મનોવિજ્ઞાનનો જાણકાર શિક્ષક આત્માઓળખ કરી શકે છે. તેને પોતાની મહત્તાઓ અને મર્યાદાઓનું જ્ઞાન થાય છે. શિક્ષણ આપતી વખતે પોતાની શક્તિઓ, મર્યાદાઓ તેમ જ ખામીઓથી તે પરિચિત થાય છે. એટલું જ નહિ, પણ શિક્ષક એ બાળકોની પ્રેરણાની આઘગંગોત્રી હોવાથી તે આચાર-વિચારના રહસ્યોનું જ્ઞાન મેળવી આદર્શ શિક્ષક અને વ્યક્તિ બનવા પ્રયાસ કરે છે. મનોવિજ્ઞાનના જ્ઞાનથી શિક્ષક પોતાની શક્તિઓનો ઉત્કૃષ્ટ ઉપયોગ કરી પોતાની ત્રુટિઓને દૂર કરી ઉત્તમ અનુકૂલન સાધવા પ્રયત્ન કરે છે. આથી વર્ગખંડની અનેક સમસ્યાઓ તે હલ કરી શકે છે.


👉 આમ, શૈક્ષણિક મનોવિજ્ઞાનનો અભ્યાસ શિક્ષકને તેની શિક્ષણયાત્રામાં સહાયક નીવડે છે. બાળકની વિકાસયાત્રાની વણથંભી વણઝારને યોગ્ય મંઝિલે પહોંચાડવા મનોવિજ્ઞાન તેને માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે. વિકાસની યાત્રા એ પ્રભુના પયંગબર સમા બાળકોના ઘડતરમાં મનોવિજ્ઞાનનો અભ્યાસી શિક્ષક જ અનન્ય ફાળો આપે છે. તે માટે શિક્ષકે તેના વ્યક્તિત્વના કેટલાક ઉત્તમ અને ઉચ્ચતર ગુણો કેળવવા જોઈએ.


➡️ શિક્ષક માટે શૈક્ષણિક મનોવિજ્ઞાનની ઉપયોગિતા દર્શાવતાં સ્કિનર કહે છે કે, શૈક્ષણિક મનોવિજ્ઞાન એ શિક્ષકોને તૈયાર કરવાની આધારશિલા છે.

 “Educational psychology is the foundation stone in the preparation of teachers."- Skinner 


👉 આ ઉપરથી કહી શકાય કે, શિક્ષકની સફળતાનો આધાર મનોવિજ્ઞાનનું જ્ઞાન છે. શિક્ષકોને પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવામાં અને તેમને જવાબદારીઓથી સભાન કરવામાં શૈક્ષણિક મનોવિજ્ઞાન મહત્ત્વનો ભાગ ભજવે છે.





Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏