Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ક્રિયાત્મક સંશોધન એટલે શું ? // Who is Action Research ?

 
ક્રિયાત્મક સંશોધન એટલે શું ? 

    ક્રિયાત્મક સંશોધન એટલે શું ?  //   Who is Action Research  ?


પ્રસ્તાવના :

   સંશોધન શબ્દ કંઈક નવું વિચારવાનું સૂચવે છે. માનવજીવનની પ્રગતિમાં સંશોધનના મૂળ રહેલા છે. માનવ પ્રગતિ કરતો ગયો તેમ તેમ પોતાની આસપાસના વિશ્વને જાણવાની પ્રવૃત્તિ કરતો ગયો. આદિમાનવનું જીવન અને અત્યારના માનવજીવનની સરખામણી કરીશું તો આપણને ખ્યાલ આવશે કે અર્વાચીન માનવનું સર્જન એ સંશોધનને આભારી છે. માનવ જેમ જેમ પ્રાચીન કાળના વહેમરૂપી વમળમાંથી બહાર આવતો ગયો તેમ તેમ વૈજ્ઞાનિક જ્ઞાન તરફ ઢળતો ગયો. આ વૈજ્ઞાનિક જ્ઞાન એ જ સંશોધનનું મૂળ છે. એરિસ્ટોટલ અને ગ્રીક તત્ત્વત્તાઓના યુગમાં નવી દિશાઓ ખુલી અને સંશોધનની વિજ્ઞાનિક પદ્ધતિના મંડાણ થયા. સંશોધન અંગે વિવિધ મતમતાંતરો મળે છે.


      ટૂંકમાં કહીએ તો સંશોધન એ વ્યવસ્થિત, વિદ્વતાપૂર્ણ અને અમલીકરણની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. સંશોધન ફકત પ્રયોગશાળા પૂરતું મર્યાદિત રહ્યું નથી. શિક્ષણક્ષેત્રને વધારે પુષ્ટ અને પ્રગતિશીલ બનાવવામાં પણ સંશોધન અગત્યનો ભાગ ભજવી રહ્યું છે. શિક્ષકો, સંચાલકો, વિદ્વાનો કે બીજા કોઈ પણ જયારે વ્યવસ્થિત રીતે શાળાની, બાળકોની કે સામાજિક સંબંધોની શાળા કે શાળાની તરેહ નકકી કરવાં માટે, અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓના લક્ષણો કે શાળા અને વિદ્યાર્થીઓના સંબંધોની બાબતમાં માહિતી એકઠી કરતાં હોય ત્યારે કહી શકાય કે તેઓ શૈક્ષણિક સંશોધનમાં રોકાયેલા છે.


“સંશોધન એ ચકાસી શકાય તેવી સંપૂર્ણ વિશ્વસનીય માહિતી પૂરી પાડવાની પદ્ધતિ છે." - જયોર્જ જી મૌલે


શૈક્ષણિક સંશોધન એ આંતરસૂઝ અને શુદ્ધ તર્ક પર આધારિત છે.”


 આપણાં દેશમાં આ પ્રકારના સંશોધનોનો આરંભ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી થયો છે. કેળવણીમાં ક્રિયાત્મક સંશોધનોનો વિચાર સૌપ્રથમ ડૉ.સ્ટીફન કોરે એ આપ્યો. પછી તેમાં પરિમાર્જન થતુ ગયું.


ક્રિયાત્મક સંશોધનની વ્યાખ્યા :

➡️ “સામાન્ય શિક્ષક કે સંચાલક પોતાને નડતી સમસ્યાઓને વૈજ્ઞાનિક ઢબે ઉકેલવા પ્રયાસ કરે, પૂર્વગ્રહ કે પક્ષપાત વિના વૈજ્ઞાનિક અને પરલક્ષી દ્રષ્ટિથી સંશોધન હાથ ધરે; અને પોતાના વર્ગ વ્યવહાર સુધારણામાં તેના નિષ્ફ કામે લગાડે તેને ક્રિયાત્મક સંશોધન કહે છે.”

➡️ “ક્રિયાત્મક સંશોધન એ શિક્ષણ સુધાર માટેનો એક પ્રયોગ છે.” 

➡️ “શિક્ષકને વર્ગ અધ્યાપનમાં મૂંઝવતા પ્રશ્નો અંગે મનોવૈજ્ઞાનિક રીતે વિચારવાની અને ઉકેલ બતાવવાની રીત ક્રિયાત્મક સંશોધન બતાવે છે.”

➡️ “ક્રિયાત્મક સંશોધન શિક્ષકને વર્ગ અધ્યાપનમાં મૂંઝવતા પ્રશ્નો અંગે મનોવૈજ્ઞાનિક રીતે વિચારવાની અને ઉકેલવાની રીત બતાવે છે."


ક્રિયાત્મક સંશોધનના લક્ષણો :

➡️ ક્રિયાત્મક સંશોધનને શિક્ષણના રોજબરોજના કાર્યમાં ઉદભવતી સમસ્યાઓ સાથે સંબંધ છે. 

➡️ ક્રિયાત્મક સંશોધનમાં શિક્ષકને રોજબરોજના શિક્ષણ કાર્યમાં અવરોધરૂપ બનતી સમસ્યાઓ અંગે વૈજ્ઞાનિક ઢબે વિચારણા કરવામાં આવે છે.

➡️ ક્રિયાત્મક સંશોધન વ્યક્તિગત રીતે કે જુથમાં હાથ ધરી શકાય છે.

➡️ ક્રિયાત્મક સંશોધન શિક્ષક માટે ઘણું જ ઉપયોગી છે. શિક્ષકને પોતાની કાર્યપદ્ધતિ પોતાના નિર્ણયો, ધારણાઓ, માન્યતાઓ અને અભિગમ બદલવા માટે માર્ગદર્શક બને છે. 

➡️ ક્રિયાત્મક સંશોધન વિવિધ શૈક્ષણિક સમસ્યાઓના ઉકેલ મેળવવામાં સહાયરૂપ થાય છે. 

➡️ ક્રિયાત્મક સંશોધનને પરિણામે શિક્ષક પોતાના શિક્ષણકાર્યમાં ગુણાત્મક સુધારણા લાવી શકે છે.


ક્રિયાત્મક સંશોધનનું મહત્વ:

➡️ ક્રિયાત્મક સંશોધન એ શિક્ષકોનું શિક્ષકો માટેનું અને શિક્ષકો દ્વારા થતું વ્યાવહારિક પ્રકારનું સંશોધન છે. શિક્ષક પોતાના અધ્યાપનને લગતી કે વિદ્યાર્થીઓના અધ્યયનને લગતી કે વિદ્યાર્થીઓના વર્તનને લગતી સમસ્યા અંગે પોતે જ નાના પાયા પરનું સંશોધન કરી સમસ્યાઓનો ઉકેલ શોધે છે.

➡️ શાળા કે વર્ગખંડની રોજબરોજની સમસ્યાઓમાં તાત્કાલીક અને યોગ્ય ઉકેલ લાવવા માટે ઉપયોગી

➡️ શિક્ષકોને સંશોધક બનવાની તક આપવા માટે ઉપયોગી છે.

➡️ શિક્ષક અને આચાર્યમાં કેટલાક ગુણોનો વિકાસ કરવા માટે ઉપયોગી બને છે. 

➡️ ક્રિયાત્મક સંશોધનનાં તારણોને આધારે મોટા સંશોધનનો હાથ ધરી શકાય છે.

➡️ ક્રિયાત્મક સંશોધન શાળામાં વર્તન – પરિવર્તન, નવવિચાર અને નવીન પ્રયોગો કરવા માટે ઉપયોગી છે.

➡️ ક્રિયાત્મક સંશોધન વ્યવહારિક હોવાથી તેનું મૂલ્યાંકન શકય બને છે. તેથી અનુકાર્ય કરવાં માટે ઉપયોગી છે.

➡️ આ પ્રકારનાં સંશોધનોનાં પરિણામો શિક્ષકો, આચાર્યો અને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે. 

➡️ ક્રિયાત્મક સંશોધન એ શિક્ષકોમાં વૈજ્ઞાનિકતાનો ગુણ કેળવવા માટે ઉપયોગી બને છે. 


સોપાનો :

૧. સમસ્યા પસંદગી :

    ક્રિયાત્મક સંશોધન કરવા માટે વાસ્તવમાં સમસ્યા હોવી જોઈએ. સમસ્યા ઊભી કરવાની નથી. સમસ્યા એવી હોવી જોઈએ કે જેનો તત્કાલ ઉકેલ લાવવાથી શિક્ષણ કાર્ય સારું બનાવી શકાય.


૨. સમસ્યાનું ક્ષેત્ર:

  1. શાળાની રોજબરોજની સમસ્યાઓ.
  2. વર્ગખંડમાં ઉદભવતી સમસ્યાઓ.
  3. પરીક્ષણ કાર્ય સમયે ઉદ્ભવતી સમસ્યાઓ .
  4. પ્રવાસ-પર્યટન દરમ્યાન ઉદ્ભવતી સમસ્યાઓ.
  5. શૈક્ષણિક સાધન સામગ્રી પ્રાપ્તિ અને વપરાશની સમસ્યાઓ.  
  6. શાળા સંચાલન-વહીવટ સંબંધિત સમસ્યાઓ. 


૩. સમસ્યાના સંભવિત કારણો:

   સમસ્યા પરથી સંભવિત કારણો વિચારી શકાય અથવા સંબંધિત વ્યકિતની મુલાકાત કરી માહિતી મેળવી આવા કારણોની યાદી તૈયાર થઈ શકે છે.


૪. ક્રિયાત્મક ઉત્કલ્પનાની રચના :

     સમસ્યાના જે કારણો હકીકત છે તેને નિવારવા શિક્ષક ઉપાય વિચારે છે. જે તેને સમસ્યા ઉકેલ તરફ દોરી જાય છે. જો હું આમ કરું તો, આવું બને. તેવી ધારણા કરવામાં આવે છે. જેને ક્રિયાત્મક ઉત્કલ્પના કહે છે.


૫. પ્રયોગકાર્યની રૂપરેખા અને અમલીકરણ:

    ક્રિયાત્મક ઉત્કલ્પનાને આધારે સમસ્યાના વિવિધ કારણો નિવારવા સંશોધક યોજનાઓ પ્રયોજે છે અને કાર્યક્રમો બનાવે છે તથા તેનો અમલ કરે છે. અમલીકરણમાં મુશ્કેલી પડે તો કાર્યક્રમમાં પરિવર્તન કરી શકાય છે.


૬. પ્રયોગકાર્યનું મૂલ્યાંકન :

    પ્રયોગકાર્યના અમલીકરણમાં કેટલે અંશે સમસ્યા ઉકેલવામાં સફળતા મળી છે. તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. અહીં પ્રયોગકાર્ય પહેલાની સ્થિતિ અને પછીની સ્થિતિની તુલના કરવામાં આવે છે.


૭. તારણ, પરિણામ અને અનુકાર્ય:

      સમગ્ર ક્રિયાત્મક સંશોધનના પ્રયોગનું કારણ શું આવ્યું તે પરિણામ ટકાવારી સાથે દર્શાવવામાં આવે છે. અનુકાર્યમાં હવે પછી શું કરીએ તો આ કાર્ય સફળ બને તે દર્શાવવામાં આવે છે.


ક્રિયાત્મક સંશોધન માટેના સુચનો:

➡️ તમે જ્યારે પ્રાયોગિક કાર્ય માટે શાળાઓમાં જાઓ ત્યારે આચાર્ય અને શિક્ષકોનો સંપર્ક કરી તેમને પોતાના કાર્યમાં નડતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કર્યો.

➡️ ક્રિયાત્મક સંશોધન માટેની સમસ્યા સાથે સંબંધિત વ્યક્તિની મંજૂરી મેળવી અને સંશોધન યોજના તૈયાર કરો.

➡️ તમે પસંદ કરેલી સમસ્યાની સંશોધન યોજના તમારા પ્રોફેસર ઇન્ચાર્જ પાસે રજૂ કરી તેમની સૂચના અનુસાર જરૂરી સુધારાવધારા કરો.

➡️ પ્રાયોગિક કાર્ય તમે અથવા તમારા ગ્રુપ દ્વારા વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે થાય તેની કાળજી રાખો. પ્રયોગકાર્ય પૂરું થયા બાદ ઉત્કલ્પનાઓની ચકાસણી કરી સંશોધનના નિષ્કર્ષ પર પહોંચો.

➡️ તમારા સંશોધનના પરિણામોની ચકાસણી કરો.

➡️ સંશોધન કાર્ય પૂર્ણ થયા બાદ તેનો અહેવાલ સોપાનો અનુસાર પદ્ધતિસર તૈયાર કારો. 

➡️ તમારો અહેવાલ શાળાના આચાર્ય કે નિરીક્ષકને બતાવી તેમના પર તેના હસ્તાક્ષર મેળવી લો. 

➡️ અંતિમ અહેવાલ તમારા અધ્યાપકશ્રીને નિર્ધારિત સમય મર્યાદામાં સુપરત કરો.


1 comment

  1. English nu moklo
Thank you so 😊 much my website visitor...🙏