અધ્યયનમાં પરીક્ષણ અને મૂલ્યાંકન
શિક્ષણના ક્ષેત્રે પરીક્ષણ અને મૂલ્યાંકનનું સ્થાન મહત્વનું રહ્યું છે, કારણ કે માતા-પિતા અને શિક્ષકોએ વિદ્યાર્થીઓની પ્રગતિ કેવી છે અને શિક્ષણના કોઈપણ વ્યક્તિગત તબક્કે તેમની સિદ્ધિ કેવી રહે છે તે અમુક અમુક સમયે જાણવું જરૂરી છે. સમાજને માટે પણ જે જવાબદારીઓ શાળાઓને સોંપવામાં આવી છે તેનું પાલન સંતોષકારક રીતે થાય છે કે નહિ, બાળકોને સાચા પ્રકારનું શિક્ષણ મળી રહ્યું છે કે નહિ તે વિશે ખાતરી કરવી જરૂરી છે. શાળાકાર્યનું આ પ્રકારનું નિરીક્ષણ અને તે માટેની સજાગતા વિધાર્થીઓ, શિક્ષકો, વાલીઓ અને સમાજના હિતમાં છે. પરીક્ષણ અને મૂલ્યાંકન એ અધ્યયન-અધ્યાપનના મહત્વના એકમ છે. શિક્ષકો તેના વિવિધ પાસાંઓને સમજે, તેનું જ્ઞાન મેળવી અને વર્ગખંડમાં પ્રત્યક્ષ પ્રયોગ કરે તે અતિ આવશ્યક છે. તેથી પ્રસ્તુત પ્રકરણમાં કસોટી, માપન, પરીક્ષણ અને મૂલ્યાંકનના અર્થ અને મૂલ્યાંકન પ્રક્રિયાના સોપાનોની ચર્ચા કરવામાં આવી છે.
➡️ કસોટીઃ અર્થ (Testing: Meaning)
કસોટી એ પ્રતિચારો ઓળખવા અને ભેગા કરવાની એવી ચત છે જે કોઈ વ્યક્તિ અથવા સમૂહના જ્ઞાન, કૌશલ્ય , બુદ્ધિ, અભિયોગ્યતા અથવા સમાન વલણ જેવાં ચોક્કસ વલણોના સંપાદન સુધીના પ્રમાણભૂત પુરાવા પૂરા પાડે છે, તેથી ક્સોટી એ ઉદીપનોની એવી શ્રેણી પ્રસ્તુત કરે છે જે પ્રતિચારોને ઓળખીને કોઈ ચોક્કસ ચલને માપવામાં મદદ કરે છે.
કસોટી એ પ્રમાણીકરણની એવી પરિસ્થિતિ છે જે વ્યક્તિને પ્રાપ્તાંક પૂરો પાડે છે. અહ, પ્રમાણીકરણ એટલે સામાન્ય પરીક્ષણ પ્રક્રિયાને અગાઉથી નિર્ધારિત કરવી કે જેથી એક સમાન પ્રશ્નો અને એક સમાન સમસ્યાઓ દ્વારા તમામ વિદ્યાર્થીબોની કસોટી થઈ શકે.
👉 કસોટી માટે પ્રમાણીકૃત પરિસ્થિતિ પૂરી પાડવા માટે
- તમામ વિદ્યાર્થીઓ માટે સમાન પ્રશ્નોનો સમૂહ હોય છે.
- તમામ વિદ્યાર્થીઓને સામાન્ય અને સ્પષ્ટ સૂચનાઓ અપાય છે.
- પ્રશ્નોનું સ્વરૂપ સમતલ રખાય છે.
- વિષયવસ્તુના દરેક ઘટકને યોગ્ય ન્યાય અપાય છે.
- પ્રાપ્તાંકો આપવાની પૂર્વનિર્ધારિત પદ્ધતિનો એકસરખો ઉપયોગ થાય છે.
- પ્રાપ્તાંક શબ્દ વિદ્યાર્થીના કાર્યકૌશલ્યનો સંખ્યાદર્શક નિર્દેશ છે. ગુણાત્મક માહિતીને ચોકસાઈ માટે સંખ્યાદર્શક રૂપમાં તબદીલ કરી શકાય છે.
ગુણપ્રાપ્તિની દષ્ટિએ વિદ્યાર્થીઓની પ્રગતિ જાણવા માટે કસોટી એ જરૂરી પરિસ્થિતિઓની શૃંખલા પૂરી પાડે છે. તેઓના પ્રાપ્તાંકોને ગુણ કહેવાય છે. બાળકની પ્રગતિ ચકાસવા પ્રયોજાતા પ્રશ્નોના સમૂહને પ્રશ્નપત્ર કહે છે. આ કસોટીઓને સિદ્ધિ કસોટીઓ પણ કહેવાય છે, કારણ કે તે મુખ્યત્વે બાળકની વિદ્યાકીય સિદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
➡️ માપનઃ અર્થ (measurement: Meaning)
જીવનમાં પ્રત્યેક વ્યવહારમાં કોઈ વસ્તુનું, ઘટનાનું કે લક્ષણનું માપન કરવામાં આવે છે. જે તે વસ્તુનું માપન કરવા માટે તેને અનુરૂપ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. દા.ત. દળ કે વજન માપવા માટે ભૌતિક તુલાનો ઉપયોગ, અંતર માપવા માટે માપપટ્ટીનો ઉપયોગ, વ્યક્તિના લક્ષણ જેવા કે બુદ્ધિ, સિદ્ધિ, વલણ, વ્યક્તિત્વ, રસ વગેરેનું માપન કરવા માટે જે તે લક્ષણ માટેની પ્રમાણિત મનોવૈજ્ઞાનિક કસોટીનો ઉપયોગ વગેરે.
માપન એ માત્ર માપ નક્કી કરવાની પ્રક્રિયા છે. માપન એટલે કોઈ બાબતનું સંખ્યાત્મક મૂલ્ય. દા.ત. ઊંચાઈ, દળ, કે વજન, સમય, કોઈ વિદ્યાર્થીના કોઈ વિષયમાં પ્રાપ્તાંક વગેરે.
માપન એટલે કોઈ પદાર્થ, ધટના કે અવલોકનને કોઈ સંખ્યા સાથે સાંકળવાની પ્રક્રિયા.
કોઈ પણ માહિતીનું સંખ્યાના સંદર્ભમાં વર્ણન એટલે માપન
"To measure means to observe or determine the magnitude of a variate."
કોઈ પણ વ્યક્તિમાં કોઈ ચોક્કસ લક્ષણ કેટલી માત્રામાં છે તેનું સાંખ્યિક વર્ણન એટલે માપન.
The process of obtaining a numerical description of the degree to which an individual possesses particular characteristics
- Norman & Robert
માપન એટલે અસ્તિત્વમાં હોય તેવી ભૌતિક કે અભૌતિક વસ્તુઓ કે બાબતોના જથ્થાને કોઈ ચોક્કસ પરિમાણના એકમોની સંખ્યા સ્વરૂપે દર્શાવવા તે.
👉 આપણે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ક્ષેત્રફળ, ઘનફળ, ઉંમર, દળ, સમય, તાપમાન વગેરેનું જેમ જરૂર પડે તેમ તેમ માપન કરતાં જ હોઈએ છીએ. આ ઉપરાંત, બાળકની સિદ્ધિ, બુદ્ધિ, રસ, વલણ, વ્યક્તિત્વ, અભિયોગ્યતા વગેરે જેવા લક્ષણો માટે મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા જે પ્રાપ્તાંકો મેળવીએ છીએ તે પણ એક પ્રકારનું માપન જ છે. જયાં સુધી તે પ્રાપ્તાંકના સ્વરૂપમાં હોય ત્યાં સુધી તે માપન જ ગણાય. બાળકના જન્મની તારીખ તેમજ સમયની નોંધ, તેની ઉંમર, વજન, ઊંચાઈ, તેને આપવામાં આવતી દવાની માત્રા વગેરે પણ માપન જ છે. આમ, માનવજીવનનું કોઈ પણ પાસું માપવિહીન નથી.
કોઈ પણ વસ્તુના માપનમાં ચોકસાઈ હોવી અત્યંત આવશ્યક છે. માપન માટેનું સાધન પણ ચોક્કસ હોવું જોઈએ. જો સાધન ચોક્કસ હોય તો કોઈ પણ વ્યક્તિ દ્વારા લેવાયેલું માપ ચોક્કસ આવે. શૈક્ષિણક અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા અને પ્રવૃત્તિઓનું માપન લંબાઈ કે પહોળાઈના માપ જેટલું ચોક્કસ નથી. જેટલી ચોકસાઈથી ઓરડાની લંબાઈ, પહોળાઈ કે ક્ષેત્રફળનું માપ કાઢી શકાય તેટલી ચોકસાઈથી બાળકનાં રસ-વલણ અને બુદ્ધિનું માપ કાઢી શકાય નહિ. માપનની ચોકસાઈ કે વિશ્વસનીયતાનો આધાર માપન અને વસ્તુની પ્રકૃતિ પર અવલંબે છે.
સામાન્ય રીતે માપનના ત્રણ પ્રકાર છે.
( i ) પ્રત્યક્ષ માપન :
કોઈ પત્ર વ્યક્તિ, કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે કોઈ બાબતનું માપન કરે તો પણ તેનું માપ ચોક્કસ અને એકસરખું જ આવે તો તેને પ્રત્યક્ષ માપન કહેવાય, તેનું અર્થઘટન પણ દરેક સ્થળે, દરેક સમયે અને દરેક વ્યક્તિ માટે એકસરખું જ થાય. જો માપવાનું સાધન સાચું અને પ્રમાણિત હોય તો પ્રત્યક્ષ માપ હંમેશા ચોક્કસ અને એકમૂલ્ય હોય છે. અંતર, દળ, સમય વગેરે નિશ્ચિત સાધનથી મપાય છે. વળી, દરેક માપ માટેના નિશ્ચિત એકમો પણ નક્કી થયેલાં છે. દા.ત. તાપમાન સેલ્સિયસમાં મપાય, જયારે કાપડનું મા૫ મીટર કે સેન્ટીમીટરમાં અને જમીનનું માપ ચોરસ ફૂટમાં વગેરે. જો કોઈ વસ્તુનું માપ તેના દળ, અંતર, આકાર વગેરે જેવા ભૌતિક અને નિશ્ચિત પરિણામોને આધારે કરી શકાતું હોય તો તેવી વસ્તુઓના માપનને પ્રત્યક્ષ માપન કહે છે. આ પ્રકારનું માપન ભૌતિક રીતે અસ્તિત્વ ધરાવતી બાબતો માટે કરી શકાય છે. આવી વસ્તુઓનું માપન કરવા માટે તેના ભૌતિક ગુણો પર આધારિત માપદંડની રચના કરવામાં આવે છે. આમ, માપન દરમિયાન જે વસ્તુને આપણે નજરે જોઈ શકીએ કે તેનું અવલોકન કરી તેનું માપન કરી શકીએ તેને પ્રત્યક્ષ માપન કહે છે.
( ii ) પરોક્ષ માપન :
કેટલીક ભૌતિક, રાસાયણિક કે જેવકીય બાબતો એવી છે કે જે આંખથી જોઈ શકાતી નથી, પણ તે માત્ર અનુભવી શકાય છે. દા.ત. ગરમી કે ઠંડી, અદશ્ય હોવાથી તેનું માપ પ્રત્યક્ષ માપનની જેમ લઈ શકાતું નથી, પણ તેનો અનુભવ તો કરી જ શકાય છે. આ બાબતોની કોઈ ચોક્કસ અને પ્રમાણિત અસર અન્ય વસ્તુઓ પર જોઈ શકાય છે. વસ્તુની ઉષ્માથી પદાર્થમાં થતા પ્રસરણસંકોચનના સિદ્ધાંત પર રચાયેલ થર્મોમીટરની મદદથી ગરમીનું માપ કાઢી શકાય છે, તેથી આવા પ્રકારના માપનને પરોક્ષ માપન કહે છે.
(iii) સાપેક્ષ માપન :
મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક સિદ્ધિના માપન સાપેક્ષ પ્રકારના માપન ગણાય છે. વિદ્યાર્થીની બુદ્ધિ, સિદ્ધિ, વલણ, રસ, વ્યક્તિત્વ, અભિયોગ્યતા વગેરે જેવાં લક્ષણોનાં માપ કોઈ ભૌતિક સાધનો વડે કાઢી ન શકાય. તે માટે જે તે લક્ષણ માટેની નિશ્ચિત થયેલી કસોટી વાપરવી પડે. આ પ્રકારના લક્ષણો માપવા માટે આખા સમૂહને કે વ્યક્તિને જે તે પ્રકારની કસોટી આપવામાં આવે છે. આ પ્રકારનું માપન પ્રત્યક્ષ માપન જેટલું ચોક્કસ હોતું નથી, કારણ કે સાપેક્ષ માપનનો આધાર ઘણાં પરિબળો પર રહેલો હોય છે. કોઈ કસોટીનું માપન કરતી વખતે તે કસોટીમાં મેળવાતી સિદ્ધિનો આધાર વિદ્યાર્થીની માનસિક સ્થિતિ, કસોટીં લેનારનું વર્તન, પરીક્ષા સ્થળનું વાતાવરણ, ભૌતિક સગવડો વગેરે જેવાં અનેક પરિબળો પર રહેલો છે. કોઈ એક વિદ્યાર્થી કોઈ એક વિષયમાં અમુક ગુણ મેળવે તો તેનું અર્થઘટન જુદી જુદી પરિસ્થિતિમાં અને જુદાં જુદાં સ્થળે એકસરખું થતું નથી. વળી, 80 ગુણ મેળવનાર વિદ્યાર્થી 40 ગુણ મેળવનાર વિદ્યાર્થી કરતા બમણો હોંશિયાર છે તેવું અર્થઘટન સાચું નથી. વળી, અંગ્રેજી અને ગણિત એ બંનેમાં એકસરખા ગુણ મેળવનાર વિદ્યાર્થી અંગ્રેજી અને ગણિતમાં એકસરખા હોંશિયાર છે તેવું અર્થઘટન પણ સાચું નથી. આવા બધા ઉદાહરણો પરથી કહી શકાય કે શૈક્ષણિક અને મનોવૈજ્ઞાનિક માપન એ સાપેક્ષ પ્રકારનાં માપન છે.
વધુમાં, માહિતીનું પૃથક્કરણ કરવા માટે માપનની ચાર કક્ષાઓ છે.
(૧) ઓળખ માપપદ્ધતિ (Nominal scale)
ઓળખ માપપદ્ધતિમાં વર્ગીકરણ કરવાના કે ઓળખવાના હેતુથી વ્યક્તિ કે વસ્તુને અંકો આપવામાં આવે છે. આ અંકને ઓળખ અંક કહેવાય છે. દા.ત. વર્ગના વિદ્યાર્થીઓને આપવામાં આવતા રોલ નંબર માટેના અંકો, પરીક્ષાર્થીઓને આપવામાં આવતા બેઠક નંબરો, પુસ્તકાલયમાં પુસ્તકોનું વર્ગીકરણ કરવા માટે અપાતા અંકો, ખરીદી માટે જતા પહેલા બનાવેલી યાદીમાંની વસ્તુઓને આપેલા ક્રમ વગેરે. આ અંકો પર કોઈ પણ પ્રકારની ગાણિતિક પ્રક્રિયા થઈ શકતી નથી.
(૨) ક્રમાંક માપપદ્ધતિ (Ordinal scale):
આ માપપદ્ધતિમાં કોઈ એક લક્ષણને ધ્યાનમાં રાખીને વ્યક્તિ, વસ્તુ કે બનાવોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. કોઈ એક પરીક્ષામાં મેળવેલા ટકાને આધારે વિદ્યાર્થીઓને આપવામાં આવતા નંબર, ઊંચાઈ અનુસાર વર્ગના બાળકોને અપાતા ક્રમાંક. જેમ કે, હેપીનેસ, સ્વચ્છતા કે ભ્રષ્ટાચાર જેવી બાબતોને લક્ષમાં લઈદુનિયાના દેશોને અપાતા ક્રમાંક વગેરે.
(૩) અંતર અંક કે અંતરાલ માપપદ્ધતિ (Interval scale)
અંતરાલમાપપદ્ધતિ એટલે ક્રમાનુસાર અને નિશ્ચિત અંતરપ્રમાણેની ગોઠવણી. જયારે દરેક સંખ્યાઓ કે એકમો વચ્ચે એક સરખું કે ચોક્કસ અંતર રહે તે
રીતે અંક આપવામાં આવે ત્યારે તેવી માપપદ્ધતિને અંતરાલ માપપદ્ધતિ કહે છે. દા.ત. વય પ્રાપ્તાંક. 10 વર્ષનું બાળક 5 વર્ષના બાળક કરતા બમણી ઊંમરનું છે અથવા તો 5 વર્ષ મોટું છે તેમ નિશ્ચિતપણે કહી શકાય, જયારે અંતરાલ માપપદ્ધતિમાં 70 ટકા મેળવનાર બાળક 35 ટકા ગુણ મેળવનાર બાળક કરતા બમણું જ્ઞાન ધરાવે છે તેમ નિશ્ચિતપણે ન કહી શકાય. અંતર અંક પદ્ધતિમાં નિરપેક્ષ શૂન્ય નથી હોતું. તેથી અંતર અંકોના સરવાળાબાદબાકી થઈ શકે છે પણ ગુણાકાર-ભાગાકાર થઈ શકતા નથી. દા.ત. ગણિત વિષયમાં શૂન્ય ગુણ મેળવનાર વિદ્યાર્થી ગણિતમાં કશું જ જાણતો નથી તેમ કહી શકાય નહિ.
(૪) ગુણોત્તર અંક માપપદ્ધતિ (Ratio scale):
જયારે માપને સમાન એકમોમાં દર્શાવવામાં આવે અને નિરપેક્ષ શૂન્યથી શરૂ કરવામાં આવે ત્યારે તે ગુણોત્તર અંક માપપદ્ધતિ બને છે. ભૌતિક વિજ્ઞાનોમાં આવતા લંબાઈ, વજન, સમય વગેરેનાં માપો ગુણોત્તર અંક માપપદ્ધતિના ઉદાહરણો છે. તેમાં નિરપેક્ષ શૂન્ય (દા.ત. તાપમાન માપવાનું થર્મોમીટર) હોવાથી પ્રત્યેક એકમના માપની તેના જેવા અન્ય માપ સાથે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી પ્રક્રિયાઓ થઈ શકે છે. તેમાં 60 સેન્ટીમીટરની લંબાઈ 20 સેન્ટીમીટરની લંબાઈ કરતાં ત્રણ ગણી છે તેમ નિશ્ચિતપણે કહી શકાય.
➡️ પરીક્ષણઃ અર્થ (Assessment: Meaning)
પરીક્ષણ અને મૂલ્યાંકન બંનેનો ઉદ્દેશ્ય બાળકોની અભિવ્યક્તિ, ક્ષમતા, અનુભૂતિ વગેરેનું માપન કરવાનો છે. પરીક્ષણ એક સંક્ષિપ્ત પ્રક્રિયા છે, જયારે મૂલ્યાંકન એક વ્યાપક પ્રક્રિયા છે. મૂલ્યાંકનનું ક્ષેત્ર કોઈપણ શૈક્ષણિક કાર્યક્રમનાં કોઈ પણ બાબતની વિરુદ્ધમાં માહિતી એકત્ર કરવાનું, વિશ્લેષણ કરવાનું અને તેની વ્યાખ્યા આપવાનું છે, જ્યારે પરીક્ષણનું ક્ષેત્ર અધ્યયનના કોઈ પાસા પૂરતું મર્યાદિત છે. શાળામાં લેવાતી વર્ગખંડ કસોટીઓ, મૌખિક કસોટીઓ, પ્રાયોગિક કસોટીઓ વગેરેથી માત્ર પરીક્ષણ જ થાય છે. આ પરીક્ષણના આધારે વિદ્યાર્થીઓને વર્ગબઢતી કે પરિણામ આપવામાં આવે છે.
પરીક્ષણ અને વિકાસ અંગેના તારણો તારવવા માટેની વ્યવસ્થિત પ્રક્રિયા, તે અધ્યેતાના અધ્યયનને વધારવાના હેતુસર માહિતીનું એકત્રીકરણ, વ્યાખ્યાયીકરણ, વિશ્લેષણ અને તારણ કાઢવાની પ્રક્રિયા છે.” - ઈરવીન
“પરીક્ષણ એ અધ્યેતાના અધ્યયન અંગેની આધારભૂત માહિતી છે કે જેનો ઉપયોગ અધ્યેતાના અધ્યયનની વૃદ્ધિ તેમજ સમગ્ર કાર્યક્રમની સુધારણા માટે કરવામાં આવે છે.” - એલન
વર્તમાન કાયદખાવ કે સિદ્ધિમાં સુધારણાના હેતુથી માહિતી એકઠી કરવાની, તેની સમીક્ષા કરવાની અને તેનો ઉપયોગ કરવાની પ્રક્રિયાને પરીક્ષણ કહે છે. પરીક્ષણનો અર્થ બાળકની સમજણની ગુણવત્તા માટે છે.
પરીક્ષણ એટલે જ્યારે વિદ્યાર્થી કોઈ પણ પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમમાં શીખવાની પ્રક્રિયામાંથી પસાર થતો હોય ત્યારે તેની સિદ્ધિઓના માપન માટે રચવામાં આવેલાં સાધનો અને પ્રક્રિયા.
પરીક્ષણ એ જે તે શૈક્ષણિક કાર્યક્રમના ઉદ્દેશોને કેટલે અંશે પાર પાડી શકાયાં છે તેની ખાતરી આપે છે. પરીક્ષણને ઘણી વખત મૂલ્યાંકન અને માપનની અવેજીમાં પ્રયોજવામાં આવે છે. જો કે પરીક્ષણ એ મૂલ્યાંકન કરતાં સાંકડો અર્થ અને માપન કરતાં વધુ વ્યાપક અર્થ ધરાવે છે.
પરીક્ષણ એ એવી પ્રક્રિયા છે કે જે વિદ્યાર્થીઓમાં અધ્યયન નીપજોની પ્રાપ્તિ કેટલે અંશે થઈ તે સુનિશ્ચિત કરે છે, તેમજ વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ અધ્યયનની માહિતીનું વ્યવસ્થિત રીતે એકત્રીકરણ, વિશ્લેષણ અને અર્થઘટન કરે
➡️ મૂલ્યાંકનઃ અર્થ (Evaluation: Meaning)
મૂલ્યાંકન શબ્દ 'value' શબ્દ પરથી લેવામાં આવ્યો છે, જે કોઈ વસ્તુની ઉપયોગિતા વિશે બતાવે છે. એટલે કોઈ પણ ઉપયોગિતા માપવાની રીતને મૂલ્યાંકન કહે છે. મૂલ્યાંકન નિર્ણયાત્મક હોય છે. વિદ્યાર્થીના વિકાસના કોઈ પણ પાસાંના
ન સંદર્ભમાં પ્રાપ્ય વર્તનનું મૂલ્ય નીકળી શકે પણ તે માપન જેટલી ચોકસાઈ ન ધરાવે તેથી પ્રાપ્ત મૂલ્યને ધોરણોના સંદર્ભમાં ચકાસી ગુણાત્મક પરિણામ જાહેર કરવું અર્થસભર બને છે. આને મૂલ્યાંકન કહેવાય. તેથી મૂલ્યાંકન એ માપન પ્રવિધિની પૂરક પ્રવિધિ છે તેમ કહી શકાય. વિદ્યાર્થીના વિકાસના શક્ય તેટલાં બધાં જ પાસાં (જ્ઞાનાત્મક વિકાસ, ભાવાત્મક વિકાસ, મનો-ક્રિયાત્મક વિકાસ, અનુકુલન, રસ, રુચિ, વલણ, સામાજિક વિકાસ વગેરે) ને આવરી લઈ તેના સંદર્ભમાં પુરાવાઓ એકત્રિત કરી મૂલ્યાંકન કરવામાં આવે છે.
મૂલ્યાંકનમાં માપન ઉપરાંત, જે તે બાબતમાં નિશ્ચિત કરેલાં ધોરણો (Noms)ને લક્ષમાં લેવામાં આવે છે. માપન ઉપરથી નિશ્ચિત કરેલાં ધોરણોને ધ્યાનમાં રાખી વ્યક્તિની કક્ષાની મુલવણી કરીએ ત્યારે તેને મૂલ્યાંકન કહી શકાય.
શિક્ષણ પ્રક્રિયા દરમિયાન હેતુ નિર્ધારણ એ આરંભબિંદુ છે. આ હેતુના સંદર્ભમાં શૈક્ષણિક પાત્ર એટલે કે વિદ્યાર્થી ગુણવત્તા પ્રાપ્ત કરે છે. આ હેતુ વિદ્યાર્થીના પક્ષે કઈ કક્ષાએ સિદ્ધ થયા તેની ગુણવત્તાનું અંકન કર્યા બાદ આ અંકનનું અર્થસભર રીતે પદ્ધતિસર વર્ણન રજૂ કરવામાં આવે તે શૈક્ષણિક મૂલ્યાંકન કહેવાય. આમ, પાત્રોની એટલે કે વિદ્યાર્થીઓની ગુણવત્તાનું પદ્ધતિસરનું વર્ણન એટલે શૈક્ષણિક મૂલ્યાંકન.
વિદ્યાર્થીના વિકાસના સર્વાગીણ પાસાંને ધ્યાનમાં રાખી કોઈ ચોક્કસ મૂલ્ય નિર્ણય લેવામાં આવે તે મૂલ્યાંકન ગણાય. મૂલ્યનો નિર્ણય લેવા માટે આધારસ્થંભ તરીકે કોઈ ધોરણ હોય અને તે માપન કરતાં વધુ પ્રમાણભૂત હોય છે, જયારે માપન ઉપરથી પેટા સમાજના ધોરણોને ધ્યાનમાં લઈને વ્યક્તિની કક્ષા મૂલવીએ ત્યારે તેને માટે મૂલ્યાંકન શબ્દ વપરાય છે.
મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે. અભ્યાસક્રમના મુદ્દાઓ અને શૈક્ષણિક હેતુઓ દ્વારા બાળકોમાં અપેક્ષિત વર્તન-પરિવર્તન આવ્યું છે કે નહિ તે જાણવા માટે મૂલ્યાંકન ઉપયોગી બને છે. માપનના સંખ્યાત્મક મૂલ્ય પરથી ગુણાત્મક નિર્ણય તારવવાની પ્રક્રિયાને મૂલ્યાંકન કહે છે.
“વિદ્યાર્થીના પક્ષે શૈક્ષણિક ધ્યેયો કેટલા અંશે સિદ્ધ થયા તે જાણવાની પદ્ધતિસરની પ્રક્રિયા એટલે મૂલ્યાંકન.” – ગ્રાઉન્ડલેન્ડ
“વિદ્યાર્થીના અધ્યયન વિશે પુરાવાઓ એકઠાં કરવાની પ્રક્રિયા એટલે મૂલ્યાંન.”
- સ્ટેનલી
"Evaluation is a qualitative descriptions of pupil behaviour."
- Nunley
અમુક ધોરણોના સંદર્ભમાં મૂલ્યવિષયક અંકન એટલે મૂલ્યાંકન.” - Devid Nevo
“વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણની યોગ્યતા તપાસવાનું અને ચકાસવાનું કાર્ય કરતી પ્રક્રિયાને મૂલ્યાંકન કહી શકાય.” - રેન્સ
“ મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે, તે વિદ્યાર્થીઓની ઔપચારિક શૈક્ષણિક સિદ્ધિ કરતાં વિશેષ છે. તે વ્યક્તિના વિકાસમાં અધિક સચિ દાખવે છે. તે વ્યક્તિના વિકાસને, તેની ભાવનાઓ, વિચારો તથા ક્રિયાઓ સાથે સંબંધિત ઈચ્છિત વ્યવહાર પરિવર્તનોના રૂપમાં વ્યક્ત કરે છે.” - મોફાત
મૂલ્યાંકન એ વિદ્યાર્થીઓનું મૂલ્ય આંકવા માટે કરવામાં આવતાં વ્યવધાનોની પ્રક્ષિાના પરિપાકરૂપ ગણાવી શકાય. રૂઢિગત કસોટીઓ અને પરીક્ષાઓના માપન પરથી વ્યાપક નિર્ણયો તારવવાની પ્રક્રિયાને મૂલ્યાંકન કહે છે. હેતુલક્ષી શિક્ષણકાર્યની સફળતા-નિષ્ફળતાની ચકાસણી એટલે મૂલ્યાંકન મૂલ્યાંકન એ ઉદેશોની પ્રાપ્તિની સીમાને નક્કી કરનારી પ્રક્રિયા છે. તેમાં ઈચ્છિત પરિણામોની પ્રાપ્તિ માટે શિક્ષક, વિદ્યાર્થીઓ, આચાર્યો તથા અન્ય કર્મચારી ગણ દ્વારા પ્રયોગ કરવામાં આવનાર સર્વ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.
મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા હોવાથી શિક્ષકે શક્ય હોય ત્યાં સુધી બાળકનું મૂલ્યાંકન કરવાનું કાર્ય સતત ચાલુ રાખવું જોઈએ. શિક્ષકે શક્ય તેટલી બધી રીતે અને બધાં પ્રસંગોએ બાળકનું સતત નિરીક્ષણ કરતાં રહેવું જોઈએ. આજે
પરીક્ષણ અને મૂલ્યાંકન બાળકની પ્રગતિનું ચિત્રણ ખાસ પ્રસંગે- જયારે તેની પરીક્ષા લેવામાં આવે છે ત્યારે અને જયારે તેનું પ્રગતિપત્રક ભરવામાં આવે છે ત્યારે કરવામાં આવે છે. પરંતુ દરેક મુખપાઠ, દરેક સ્વાધ્યાય, વાતચીત, ચર્ચા, વિઘાર્થી વડે થતી દરેક શૈક્ષણિક તેમજ સહ-અભ્યાસ પ્રવૃત્તિ, વિદ્યાર્થીનું વર્તન, વગેરે બધી જ બાબતોનું શિક્ષક વડે સતત મૂલ્યાંકન થવું જરૂરી છે.
મૂલ્યાંકન એ પરીક્ષણ કરતાં વધારે વિસ્તૃત વિભાવના છે. મૂલ્યાંકન વિદ્યાર્થીના વ્યક્તિત્વના સર્વાગી વિકાસને અનુલક્ષીને કરવામાં આવે છે. મૂલ્યાંકન એ સતત ચાલતી પ્રક્રિયા છે. મૂલ્યાંકન દ્વારા વિદ્યાર્થીના જ્ઞાનાત્મક પાસાં ઉપરાંત સંવેગાત્મક, સામાજિક અને ક્રિયાત્મક વિકાસને જાણી શકાય છે. પરીક્ષણ માટે વપરાતા સાધનો ઉપરાંત મૂલ્યાંકન માટે મનોવૈજ્ઞાનિક કસોટીઓ, ક્રમમાપદંડ, ઓળખયાદી, પ્રશ્નાવલિ, પ્રસંગનોંધ, અવલોકન જેવા વૈવિધ્યસભર સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.
મૂલ્યાંકન એ સહિયારી જવાબદારીથી ચાલતી પ્રક્રિયા છે. માત્ર શિક્ષક જ મૂલ્યાંકન કરે તેવું નથી, તેમાં વિદ્યાર્થી સ્વયં પણ મૂલ્યાંકન કરી શકે જે સ્વ-મૂલ્યાંકન કહેવાય. આમ, મૂલ્યાંકન એ બાળક સ્વયં, અને તેના શિક્ષક, માતા-પિતા, ભાઈબહેન, મિત્રો વગેરેના સહિયારા હિસ્સાથી થતી પ્રક્રિયા હોવાથી મૂલ્યાંકન સહિયારી પ્રક્રિયા કહી શકાય. 3
આમ, કોઈ વિષયને સંલગ્ન વિષયવસ્તુની સિદ્ધિ, કૌશલ્ય કે ક્ષમતાના એક જ ક્ષેત્રની ચકાસણી માપન સૂચવે છે. જ્યારે, મૂલ્યાંકન આ ઉપરાંત વલણ, રસ, આદર્શ, વિચારશક્તિની તરાહ, અભ્યાસટેવો જેવી સંકલ બાબતોના પરીક્ષણને પણ આવરી લે છે. વળી, મૂલ્યાંકન ધોરણોના સંદર્ભમાં ગુણાત્મક હોય છે.