Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ખુલ્લાં પુસ્તક સાથે પરીક્ષા // Open Book Exam

                                                                                                                                                                    ખુલ્લાં પુસ્તક સાથે પરીક્ષા


ઓપન બુક એક્ઝામ એ એવી લેખિત પરીક્ષા છે કે જેમાં વિદ્યાર્થીને પ્રશ્નોના જવાબો મોઢે યાદ રાખીને કે ગોખણપટ્ટીથી પાઠ્યક્રમના વિષયવસ્તુને યાદ રાખીને જવાબો લખવાને બદલે પ્રશ્નોના જવાબો સંદર્ભે પુસ્તકોમાં જોઈને લખવાની પરવાનગી આપવામાં આવે છે.


ખુલ્લાં પુસ્તક સાથે પરીક્ષાએ એવી પરીક્ષા છે કે જેમાં પરીક્ષાર્થી વર્ગનોંધો, પાઠ્યપુસ્તક કે અન્ય માન્ય સાહિત્યનો ઉપયોગ પ્રશ્નપત્રના ઉત્તરો લખવા કરે છે. આવી પરીક્ષા ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને સ્વરૂપમાં લઈ શકાય છે.


ખુલ્લાં પુસ્તક સાથે પરીક્ષા // Open Book Exam


1.  પરંપરાગત મૂલ્યાંકન વિરુદ્ધ ઓપન બુક એક્ઝામ

પરંપરાગત શિક્ષણમાં શિક્ષકનો રોલ માહિતીને પાઠ્યપુસ્તકમાંથી વિદ્યાર્થી સુધી પહોંચતી કરવાનો છે. વિદ્યાર્થીઓ પાસે એ અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ આ માહિતીને સમજે, તેને યાદ રાખે અને પરીક્ષા દરમિયાન તેને પુનઃ યાદ કરીને ફરી લખી શકે.


વિદ્યાર્થીએ જે માહિતી યાદ રાખી છે તેને ચકાસવાનો જ જો પરીક્ષાનો હેતુ હોય તો તે માટે “ઓપન બુક એક્ઝામ” યોગ્ય નથી, કારણ કે વિદ્યાર્થીઓ સરળતાથી આવા પ્રશ્નોના ઉત્તરો પેપરમાં લખી શકે છે. ધારો કે પરીક્ષામાં માહિતીલક્ષી પ્રશ્નો જેવા કે “સાપેક્ષવાદનો સિદ્ધાંત કોણે આપ્યો ?', 

“પ્રમાણિત વિચલન એટલે શું ? અથવા “જૂના અંગ્રેજી (Old English) ની મુખ્ય માળખાકીય લાક્ષણિકતાઓ પર નિબંધ લખો' વગેરે પૂછાય તો વિદ્યાર્થીઓ આવા પ્રશ્નોના ઉત્તરો સરળતાથી તેમની નોટબુક કે પાઠ્યપુસ્તકમાંથી શોધીને પોતાની ઉત્તરવહીમાં તેના જવાબો લખી શકે કે છે.


પરંતુ જો પરીક્ષા સમસ્યા ઉકેલ અને વિવેચનાત્મક તર્કના કૌશલ્યોનું પરીક્ષણ કરતી હોય તો તેમાં વિદ્યાર્થીને પાઠ્યપુસ્તક અને વર્ગનોંધો લઈને બેસવા દેવામાં કોઈ નુકસાની નથી. ઓપન બુક એક્ઝામમાં “અણુની વ્યાખ્યા આપો” એવા પ્રશ્નો પૂછવા અર્થહિન છે, કારણ કે પાઠ્યપુસ્તક કે નોંધબુકમાંથી તેના જવાબની સીધેસીધી કોપી (નક્લ) મળી રહે છે. પરંપરાગત પરીક્ષામાં વિદ્યાર્થી પાઠ્યપુસ્તક કે ગાઈડમાંથી પોતાના મનમાં યાદ રાખે છે અને પછી તેને યાદ કરીને ઉત્તરવહીમાં લખે છે. સ્કૃતિના આ માધ્યમને પરીક્ષામાંથી દૂર કરવાનો અને વિદ્યાર્થીઓની વિવેચનશક્તિ,સર્જનશક્તિને ખીલવવાનો ઓપન બુક એક્ઝામનો હેતુ છે. પાઠ્યપુસ્તકમાંથી ઉત્તરવહીમાં ફક્ત માહિતીનું સ્થાનાંતર કરનારા પ્રશ્નો એટલે કે જ્ઞાનના પ્રશ્નો શિક્ષકો ઓપન બુક એક્ઝામમાં પૂછી શકે નહિ. અહિ, શિક્ષક દ્વારા સમજ, ઉપયોજન, સંશ્લેષણ, વિશ્લેષણને લગતા પ્રશ્નો પૂછાવા જોઈએ.


બંધ પુસ્તકવાળી પરીક્ષા એટલે કે પરંપરાગત પરીક્ષા પ્રણાલીમાં વિદ્યાર્થીને ગોખેલું લખવાનું હોવાથી નિષ્ક્રિય માહિતી તેના મનમાં રહે છે જે વખત જતાં ભૂલી જવાય છે. જયારે ખુલ્લાં પુસ્તકમાંથી પરીક્ષામાં વિદ્યાર્થીએ જે લખવાનું છે તે સક્રિય વિચારણા કરી સર્જનાત્મક રીતે લખવાનું હોવાથી તેને તે કાયમી યાદ રહે છે. ઓપન બુક એક્ઝામના પ્રકારો


2. ઓપન બુક એક્ઝામ બે પ્રકારે લઈ શકાય.


1. મર્યાદિત કે નિયંત્રિત રીત (Restricted type) 

2. અમર્યાદિત કે અનિયંત્રિત રીત (Unrestricted typa )

 આ બે પ્રકારોને નીચે મુજબ સમજાવી શકાય:

(1) મર્યાદિત કે નિયંત્રિત રીત (Restricted type)


આ રીતમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં એક અથવા એકથી વધારે નિશ્ચિત કરેલા દસ્તાવેજો કે પુસ્તકો જ લાવવાની પરવાનગી આપવામાં આવે છે કે જેને શિક્ષકે માન્યતા આપી હોય. એટલે કે જ્યારે પરીક્ષાર્થીને પૂર્વેથી નક્કી કરવામાં આવ્યું હોય એવું જ સાહિત્ય પરીક્ષાખંડમાં લાવવાની છૂટ આપવામાં આવી હોય તો તેને આ પરીક્ષાનું નિયંત્રિત સ્વરૂપ કહે છે.


(2) અમર્યાદિત કે અનિયંત્રિત રીત (Unrestricted type)


આ રીતના પરીક્ષણમાં વિદ્યાર્થીને જે પુસ્તકો, નોંધો, સંદર્ભો લઈને પરીક્ષાખંડમાં આવવું હોય તે લાવવાની છૂટ આપવામાં આવે છે. તેમ છતાં જો વિવેચનશક્તિ કે સર્જનશક્તિને લગતાં કોઈ પ્રશ્ન અંગે તૈયાર સાહિત્ય બજારમાં ઉપલબ્ધ હોય તો તેને પરીક્ષાખંડમાં લાવવા દેવામાં આવતું નથી. જ્યારે પરીક્ષાર્થી પરીક્ષાખંડમાં તેને જે ઠીક લાગે તે સાહિત્ય લાવી શકે તેમ હોય, એના પર કોઈ નિયંત્રણ ન હોય તો એ ઓપન બુક એક્ઝામનો બીજો પ્રકાર બને છે.



3.ઓપન બુક એક્ઝામની અધ્યયન પ્રક્રિયા પર અસર

સૌપ્રથમ તો વિદ્યાર્થીઓ વિષયવસ્તુને યાદ રાખવાનું કે ગોખવાનું છોડી દેશે. મોટાભાગના વિદ્યાર્થીઓ માહિતીને યાંત્રિક રીતે ગોખીને અને વર્ગખંડમાં નોંધેલી નોંધોને યાદ રાખીને ઉત્તરો લખતા હોય છે. આ અભિગમમાં, ઓપન બુક એક્ઝામ બદલાવ લાવે છે. એનો મતલબ એ નથી કે વિદ્યાર્થીને પરીક્ષા માટે મહેનત કરવાની જરૂર નથી, પરંતુ તેનો મતલબ વિષયવસ્તુને ગોખવાનો નહિ પણ સમજવાનો છે. વિદ્યાર્થીની સંકલ્પનાઓ સ્પષ્ટ થવી જોઈએ, તેનામાં જ્ઞાનનું સર્જન થવું જોઈએ, તે તાર્કિક વિચારણા કરતો અને સમસ્યાના ઉકેલ લાવતો થવો જોઈએ. એકવાર જો વિદ્યાર્થી પરથી ગોખણપટ્ટીનું ભારણ જતું રહેશે તો શિક્ષણ વિદ્યાર્થી માટે દવાના કડવા ઘૂંટડાને બદલે આનંદદાયક પ્રવૃત્તિ બની રહેશે. જે આનંદ સાથે શીખાય છે તે જ વધુ અસરકારક હોય છે અને યાદ પણ વધુ રહે છે.


4. ઓપન બુક એક્ઝામની અધ્યાપન પ્રક્રિયા પર અસર


ઓપન બુક એક્ઝામની અસર અધ્યાપન પ્રક્રિયા પર પણ એટલી જ ગહન પડશે. સૌપ્રથમ તો પરીક્ષાના પ્રશ્નોનું સ્વરૂપ બદલાશે. તે વ્યાખ્યા આપો, સંકલ્પના જણાવો, નિબંધ લખો જેવા સ્વરૂપમાં નહિ હોય, પરંતુ વિદ્યાર્થીઓની સમજશક્તિને ચકાસે તેવા અને ઉપયોજન (application) કૌશલ્યને ચકાસે તેવા સ્વરૂપની કાળજીપૂર્વક અને બુદ્ધિપૂર્વક રીતે નિર્માણ પામેલ પ્રશ્નો હશે.


જો પરીક્ષાના પ્રશ્નોનું સ્વરૂપ બદલાય તો તે પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા અધ્યાપન પ્રણાલીમાં પણ બદલાવ લાવવો પડે. ફક્ત વિષયવસ્તુની સંકલ્પના સ્પષ્ટ કરવાથી નહિ, પરંતુ વિદ્યાર્થીઓના માનસિક વિકાસ માટેના કાર્યો (task) નિશ્ચિત કરી શિક્ષકે અધ્યાપન કરવું પડશે. શિક્ષક બોલ બોલ કરે અને વિદ્યાર્થી સાંભળ્યા કરે કે તેને સમજાય કે ન સમજાય તેની નોંધપોથીમાં નોંધ્યા કરે તેના બદલે ચર્ચાયુક્ત વાતાવરણ થવું જોઈએ અને અધ્યયન પ્રક્રિયાઓ સક્રિય બનવી જોઈએ. શિક્ષણની પ્રક્રિયા શિક્ષક પાસેથી વિદ્યાર્થી પાસે માહિતીના સ્થાનાંતરણની પ્રક્રિયા ન બની રહેતા નિશ્ચિત બૌદ્ધિક કૌશલ્યોમાં મન (Mind)ની તાલીમ આપનારી બની રહેવી જોઈએ.


5. ઓપન બુક એક્ઝામ ખુલ્લાં પુસ્તક સાથે પરીક્ષા)ની જરૂરિયાત 


ઓપન બુક એક્ઝામ (ખુલ્લાં પુસ્તક સાથે પરીક્ષા)ની જરૂરિયાતની ચર્ચા નીચે મુજબ હાથ ધરી શકાય.


(1) વિષયવસ્તુને બરાબર સમજવા માટે


પરંપરાગત પરીક્ષા પ્રણાલીમાં માહિતીને યાદ રાખવાની હોય છે, જયારે ઓપન બુક એક્ઝામ પ્રણાલીમાં માહિતીને યાદ ન રાખતા માહિતીને બરાબર સમજવાની જરૂર હોય છે. એટલે કે આ પરીક્ષા પદ્ધતિ યાદશક્તિનું નહિ, પણ સમજશક્તિનું માપન કરે છે. જે વિદ્યાર્થીનું પરીક્ષા પરનું દબાણ દૂર કરે છે, તેથી આવી પરીક્ષાની જરૂર રહે છે.


(2) ઉચ્ચ સ્તરના તર્ક (higher level thinking) માટે


ઓપન બુક એક્ઝામનો મતલબ એ નથી કે પરીક્ષાની તૈયારી ન કરવી અને જોઈજોઈને લખી નાખવું. એનાથી ઉલટું આવા જવાબો લખવામાં ઉચ્ચ સ્તરના તર્ક (higher level thinking)ની જરૂર રહે છે. જ્ઞાનના બદલે સમજ, ઉપયોજન, કૌશલ્યને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમાં તુલના કરવી, પૃથક્કરણ કરવું, મૂલ્યાંકન કરવું, સંયોગીકરણ કરવું વગેરેને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે. પુસ્તકમાંથી બેઠા જવાબો લખવાના હોતા નથી, તેથી આવા પ્રશ્નો વિદ્યાર્થીના વિચાર કૌશલ્યોનો વિકાસ કરનારા હોય છે. વિદ્યાર્થીને વિચારતો કરવો એ સમયની તાતી જરૂરિયાત છે. 


(3) વિશાળ નોંધો તૈયાર કરી સમજમાં વધારો કરવા માટે


ઓપન બુક એક્ઝામમાં ફક્ત પાઠ્યપુસ્તકની મદદથી ઉત્તર આપી શકાતા નથી. પણ વિદ્યાર્થીએ જે તે વિષયનું પાઠ્યપુસ્તક કે સંદર્ભપુસ્તક વાંચી વિશાળ નોંધો તૈયાર કરવાની હોય છે. આ નોંધો તેને પ્રશ્નપત્રના ઉત્તર લખતી વખતે ઉપયોગી થઈ પડે છે. એટલે કે તે વિદ્યાર્થીની નોંધ ક્ષમતામાં અને તેને લીધે સમજશક્તિમાં વધારો કરે છે. આમ, વિદ્યાર્થીની ક્ષમતાના મૂલ્યાંકન માટે ઓપન બુક એક્ઝામની જરૂરિયાત છે.


(4) પરીક્ષામાં ગેરરીતિ ટાળવા માટે


વર્તમાન પરીક્ષા પ્રણાલીની સૌથી મોટી સમસ્યા પેપર ફૂટી જવાની સમસ્યા છે. ઓપન બુક એક્ઝામમાં આવી કોઈ સમસ્યા રહેતી નથી, તેથી પેપર ફૂટવાનો કે ગેરરીતિનો ભય રહેતો નથી. તેથી ઓપન બુક એક્ઝામ વર્તમાન સમયની માંગ બની રહી છે.


(5) સમય અને શક્તિનો બચાવ કરવા માટે


ઓપન બુક એક્ઝામ મોટે ભાગે ઓનલાઈન રીતે લેવામાં આવે છે અને ઓનલાઈન અનુકૂળ ન હોય એવા કેટલાંક વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન પણ યોજી શકાય છે. મોટાભાગના વિદ્યાર્થીઓ આવી પરીક્ષા ઓનલાઈન આપવાનું પસંદ કરતાં હોવાથી સમય અને શક્તિનો બચાવ થાય છે. 


(6) પરીક્ષા સંચાલનને સરળ બનાવવા માટે


ઓપન બુક એક્ઝામ મોટે ભાગે ઓનલાઈન રીતે લેવામાં આવતી હોવાથી ઓનલાઈન પરીક્ષા ઉકેલો- Online Exam, solutions' ની મદદથી શૈક્ષણિક સંસ્થાઓ માટે ઓનલાઈન પરીક્ષાઓનું સંચાલન કરવું ઘણું સરળ અને ઘણું કાર્યદક્ષ (efficient) બન્યું છે. પરીક્ષાર્થીઓને ફક્ત પરીક્ષા માટે જોડાવાનું આમંત્રણ આપીને કે તેમને પરીક્ષા માટેની લિંક ઈ-મેઈલ પર મોકલીને પરીક્ષામાં સહેલાઈથી જોડી શકાય છે.



(7) પરીક્ષા માટેના અલગ સ્ટાફની જરૂરિયાત ઘટાડવા માટે 


ઓનલાઈન ઓપન બુક પરીક્ષા માટે જોડાતા પરીક્ષાર્થીઓનું વેરીફીકેશન બાયોમેટ્રિક આધારિત અધિકૃત સાધનો દ્વારા થાય છે. મોટાભાગના “ઓનલાઈન પરીક્ષા ઉકેલો” માં પરીક્ષામાં આચરાતી ગેરરીતિ પર ચાંપતી નજર રાખવાના દૂરસ્થ ઉપકરણોની વ્યવસ્થા હોય છે. આના માટે અલગ સ્ટાફ ફાળવવાની જરૂર રહેતી નથી.



(8) કાગળનો વ્યય ઘટાડવા અને પર્યાવરણની જાળવણી માટે


શાળા-મહાશાળાઓ અને વિશ્વવિદ્યાલયોમાં પરીક્ષા સમય દરમિયાન લાખો ટન કાગળ વપરાય છે. ઓનલાઈન ઓપન બુક પરીક્ષણથી કાગળનો બચાવ થાય છે, કાગળનો વ્યય અને ખર્ચ થતો અટકે છે. આમ, કાગળની માંગ ઘટવાથી પર્યાવરણની પણ જાળવણી થાય છે. 


(9) સ્થળના બંધનોથી પર થવા માટે 


ઓનલાઈન ઓપન બુક પરીક્ષામાં વિદ્યાર્થીએ શારીરિક રીતે વર્ગખંડમાં હાજર રહેવાની જરૂર નથી. વેબ-આધારિત પ્રયુક્તિની મદદથી તેઓ વિશ્વના કોઈપણ ખૂણેથી પરીક્ષા આપી શકે છે. અહીં, સ્થળના ભૌગોલિક બંધનો નડતા નથી.



6. ઓપન બુક એકઝામના ફાયદા કે લાભ


ઓપન બુક એકઝામના ફાયદા કે લાભ નીચે મુજબ જણાવી શકાય


  1. વિદ્યાર્થીઓને ઘણી બધી હકીકતો, આંકડાઓ, આકૃતિઓ વગેરે યાદ રાખવા પડતાં નથી.
  2. વિદ્યાર્થીઓને ગોખણપટ્ટીમાંથી મુક્તિ મળે છે.
  3. વિદ્યાર્થીઓની સમજશક્તિનો સાચા અર્થમાં વિકાસ સાધી શકાય છે. 
  4. વિદ્યાર્થીઓ જ્ઞાનનો વ્યવહારું ઉપયોગ કરતાં શીખે છે.
  5. વિદ્યાર્થીના વૈયક્તિક તફાવતો સંતોષી શકાય છે.
  6. વિદ્યાર્થીઓને પોતાના વિચારો રજૂ કરવાની તક મળે છે. 
  7. વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર રહેતો નથી; તેઓ પરીક્ષાની ચિંતા અને તણાવમાંથી મુક્ત થઈ શકે છે.
  8. વિદ્યાર્થીઓમાં સ્વતંત્ર વિચારશક્તિ અને સર્જનાત્મક ચિંતનશક્તિનો વિકાસ થાય છે. 
  9. પરીક્ષા પૂર્વે જરૂરી અધ્યયન સામગ્રીના અભ્યાસ અને એકત્રીકરણ દરમિયાન જ્ઞાન મેળવવાની વિશાળ તકો પ્રાપ્ત થાય છે. 
  10. વિદ્યાર્થીઓમાં માહિતીનું અર્થઘટન કરવાની શક્તિ વિકસે છે.
  11. પરીક્ષાના ભયને લીધે સર્જાતા આત્મહત્યા કે ઘર છોડી ભાગી જવાના કિસ્સા નિવારી શકાય છે.


7. ઓપન બુક એક્ઝામની મર્યાદાઓ


ઓપન બુક એક્ઝામની કેટલીક મર્યાદાઓ નીચે મુજબ છેઃ


  1. પ્રશ્નપત્રની રચના કરવાનું કાર્ય અઘરું છે.
  2. પ્રશ્નપત્રની રચના સંદર્ભે શિક્ષકપક્ષે વધુ આવડત અને સૂઝ જરૂરી બને છે. . 
  3. મૂલ્યાંકનકાર્ય મુશ્કેલ બને છે. .
  4. વિદ્યાર્થીઓની યાદશક્તિને કેળવવામાં આ પદ્ધતિ નિષ્ફળ જાય છે.
  5. વિદ્યાર્થીઓ આ પરીક્ષાની ગંભીરતા સમજી શકતા નથી, તેથી પરીક્ષાની તૈયારી માટે વધુ સમય ફાળવતા નથી.
  6.  વિદ્યાર્થીઓ વિષયવસ્તુને યાદ રાખતા નથી, તેથી તેમનું સામાન્ય જ્ઞાન (General knowledge) ઘટે છે. 
  7. સંદર્ભ પુસ્તકોનો ઉપયોગ કરવો અનિવાર્ય હોવાથી સંદર્ભ પુસ્તકો ઉપલબ્ધ કરાવવા અનિવાર્ય બને છે જે મોટેભાગે શક્ય હોતું નથી.
  8. આ મૂલ્યાંકનમાં સમય વધુ જાય છે. 

Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏