અવલોકન કે નિરીક્ષણ (Observation Technique)
પરીક્ષણની પ્રયુક્તિઓ એટલે એવી પ્રયુક્તિઓ કે જેના દ્વારા આપણે બાળકના જ્ઞાન અને તેના વર્તન કે વ્યવહારમાં આવેલા પરિવર્તનો અને તેની વ્યક્તિગત વિશેષતાઓનું મૂલ્યાંકન કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે દરેક વિદ્યાર્થીમાં વ્યક્તિગત ભિન્નતા હોય છે, તેઓ જુદાં જુદાં વ્યક્તિગત લક્ષણો ધરાવે છે. આ ભિન્નતા કે લક્ષણો એમના ચોક્કસ વર્તનોનું પરિણામ છે. વિદ્યાર્થીના આ ચોક્કસ પ્રકારના વર્તનો ઓળખવા ખૂબ જ જરૂરી છે. શાળા સમય દરમિયાન શિક્ષકને જુદી જુદી પરિસ્થિતિમાં વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવાની જરૂર પડે છે. આ માટે અવલોકન, મુલાકાત, સ્વ-પરીક્ષણ, સહાધ્યાયી પરીક્ષણ, સામાજિકતામિતિ વગેરે જેવી પ્રયુક્તિઓનો ઉપયોગ થાય છે. પ્રસ્તુત પ્રકરણમાં પરીક્ષણની આ પ્રયુક્તિઓની સંક્લ્પના, ફાયદા અને મર્યાદાઓની ચર્ચા કરવામાં આવી છે.
શાળામાં અને શાળા બહારના કાર્યોમાં વિદ્યાર્થીના વર્તનોનું અવલોક્ન કરી વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવા માટે અવલોકન અત્યંત ઉપયોગી પરીક્ષણ પ્રયુક્તિ છે. આ પ્રયુક્તિની ચર્ચા નીચે મુજબ કરી શકાય
👉 1 અવલોકનઃ સંકલ્પના
અવલોકન એટલે શારીરિક કે બાહ્ય બાબતો ઉપરાંત આંતરિક બાબતો સાથે સંકળાયેલ વર્તનોનો પણ અભ્યાસ કરવો. અવલોકન દ્વારા વિદ્યાર્થીની શારીરિક બાબતો ઉપરાંત આંતરિક બાબતો સાથેસં કળાયેલા વર્તનનો અભ્યાસ કરવામાં આવેછે.જેમાંવિદ્યાર્થીઓનીપ્રવૃત્તિઓ, તેમનો વર્ગવ્યવહાર, સંવેગાત્મક વિકાસ, તેમની બૌદ્ધિક પરિપકવતા અને વિકાસ, પરસ્પર અનુકૂલન જેવી બાબતોના અવલોકન દ્વારા તેમનું મૂલ્યાંકન કરવામાં આવે છે. અવલોકન એટલે કોઈ વ્યક્તિ, વસ્તુ કે ઘટનાને ધ્યાનપૂર્વક નિહાળી તેના ચોક્કસ પાસાંઓથી જ્ઞાત થવું.
અવલોકન એ વ્યક્તિનાં બાહ્ય વર્તન અને વસ્તુના બાહ્ય લક્ષણોનો નિયંત્રિત કે અનિયંત્રિત પરિસ્થિતિમાં અભ્યાસ કરવાનું ઉપકરણ છે. આ ઉપકરણમાં અવલોકનકાર અવલોકન હેઠળનાં પાત્રને (i) કોઈ ખાસ પરિસ્થિતિમાં વર્તન કરવા દેછે. (ii) મુક્ત રીતે વર્તન કરવા દે છે અને પોતે અગાઉથી તૈયાર કરેલા ‘અવલોક્ન નોંધપત્ર’ પર અવલોકનોની નોંધ કરે છે. માહિતી એકત્રીકરણના સાધન તરીકે આ હેતુલક્ષી, વ્યવસ્થિત અને પહેલેથી છેલ્લે સુધી માહિતીની નોંધ થતી હોય તેવું ઉપકરણ છે.
શિક્ષકને વર્ગખંડ અંદર તેમજ વર્ગખંડ બહાર વિદ્યાર્થીનું અવલોકન કરવાની તક મળે છે. શિક્ષક શિક્ષણકાર્ય પ્રાયોગિક કાર્ય કરતી વખતે પ્રયોગશાળામાં, રમત-ગમતના મેદાનમાં, સહઅભ્યાસિક પ્રવૃત્તિ વખતે, રીસેસ સમયે, પ્રાર્થનાસભામાં, શાળાનાં આવતાં કે જતાં તેમજ શાળા સિવાય અન્ય જગ્યાએ વિદ્યાર્થીનું અવલોકન કરી શકે. આ રીતે વિદ્યાર્થીના વ્યક્તિત્વના અનેક પાસાંઓનું અવલોકન કરી શકાય. વિદ્યાર્થીમાં જુદી જુદી પરિસ્થિતિમાં જોવા મળતા કેટલાંક લક્ષણો નીચે મુજબના હોય છે.
- જવાબદારીનું ભાન
- સહકારની ભાવના
- સર્જનશીલતા
- અનુકૂલન
- આત્મવિશ્વાસ
- પરિણામની અસર
- હેતુ પ્રત્યે જાગૃતિ
- લાગણીની સ્થિરતા
- ઉત્સાહ
- મૂલ્યો પ્રત્યેની જાગૃતિ
👉 2 અવલોકનના ઉપયોગો
1.વિદ્યાર્થીના વ્યક્તિત્વના વિવિધ લક્ષણોની માહિતી મળે છે.
2. વિદ્યાર્થીઓની અયોગ્ય ટેવોનું યોગ્ય ટેવમાં રૂપાંતર કરવામાં અવલોકન ઉપયોગી બને છે.
3. વિદ્યાર્થીને વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં અવલોક્ન નોંધ ઉપયોગી બને છે.
4. શાળામાં વિદ્યાર્થીનું પ્રગતિપત્રક ભરવામાં અવલોકન નોંધ ઉપયોગી માહિતી પૂરી પાડે છે.
5. વિદ્યાર્થીના રસ અને વલણ વિશે જાણકારી પ્રાપ્ત થાય છે.
6. સમસ્યારૂપ બાળકોના પ્રશ્નોના ઉકેલ માટે અવલોકન નોંધ ઉપયોગી બને છે. વિદ્યાર્થી અને શિક્ષકને વધુ સજાગ બનાવવામાં અવલોકન મદદરૂપ થાય છે.
7.અવલોકન દ્વારા જ શિક્ષક વિદ્યાર્થીઓમાં રહેલી વ્યક્તિગત ભિન્નતા અંગે વધુ સભાન બને છે.
👉 3.અવલોકનના ફાયદા કે લાભ
1.વર્ગમાં બાળકોના વર્તનનો અભ્યાસ અસરકારક રીતે થઈ શકે છે.
2. વર્તન દ્વારા રજૂ થઈ શકે તેવાં વ્યક્તિત્વનાં કેટલાંક પાસાંઓના સીધા અભ્યાસ માટે અવલોકન એ પ્રશ્નાવલિ અને મુલાકાત કરતાં વધુ મહત્વ ધરાવે છે.
3.જેઓ વાંચી શકતાં નથી, લખી શકતાં નથી કે બોલી શકતાં નથી તેઓના વર્તનનો અભ્યાસ અવલોક્ન વડે થઈ શકે છે.
4. તાલીમના હેતુસર રમતો અને વ્યાયામ અંગેના કૌશલ્યોના અભ્યાસ માટે તેમજ અધ્યાપન કૌશલ્યોના અભ્યાસ માટે અવલોકન એ અસરકારક ઉપકરણ છે.
5. વિવિધ શાળાઓની રચના તેમજ ભૌતિક સાધનો અને માનવ સંસાધનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે અવલોકનનો ઉપયોગ થાય છે.
6.બાળકોના વૃદ્ધિના અભ્યાસમાં અવલોકન ઉપકારક થઈ પડે છે.
7.માનસિક રીતે અસ્વસ્થ લોકોના અભ્યાસમાં આ સાધનથી ઉપયોગી માહિતી મળે છે.
👉 4. અવલોકનની મર્યાદાઓ
1. અવલોકન દ્વારા પરીક્ષણ એ ખૂબ જ સમય માંગી લે તેવી પ્રક્રિયા છે.
2.અવલોકન એ આર્થિક રીતે ખર્ચાળ છે.
3. અવલોકનકાર સંપૂર્ણ રીતે અનાત્મલક્ષી ન હોય તો યોગ્ય પરિણામ મળતું નથી.
4. અવલોકનકાર પાસે ખંત, નિષ્ઠા અને ધીરજનાં ગુણો હોવા ખૂબ જ જરૂરી છે, જેની સામાન્ય સંજોગોમાં બધા પાસે અપેક્ષા રાખવી અયોગ્ય છે.