E-learning
ઈ-લર્નિંગ
જ્ઞાનનો વિસ્ફોટ થઈ રહ્યો છે. દિવસે દિવસે જ્ઞાનની વૃદ્ધિ થઈ રહી છે. જ્ઞાનની વૃદ્ધિને કારણે શિક્ષણની વૃદ્ધિ થઈ રહી છે. શિક્ષણની વૃદ્ધિને કારણે એવી કોઈ જરૂરિયાત ઊભી થઈ, જે શિક્ષણ કાર્યમાં મદદરૂપ થઈ શકે. શિક્ષણની વિચારધારાને વધુ મજબૂત કરવા માટે કમ્પ્યૂટર દ્વારા શિક્ષણની કલ્પના કરવામાં આવી છે. કમ્પ્યૂટર દ્વારા શિક્ષણ એ માહિતી એઈજની શિક્ષણને અર્પેલી અદ્યતન ભેટ છે. એકવીસમી સદીને માહિતી ટૅક્નોલૉજી કહેવામાં આવે છે. માહિતી ટૅક્નોલૉજીનો મતલબ કમ્પ્યૂટર કે ઇન્ટરનેટ નથી.
માનવ ઉત્ક્રાંતિના ઇતિહાસ પર નજર કરીએ તો માનવ જીવનની શૈલીમાં આવતા પરિવર્તનોને કારણે બદલાતી જતી વૈજ્ઞાનિક વ્યાવહારિક પરંપરાઓને કારણે યુગ બદલાય છે.
માનવ ઇતિહાસમાં ચક્રની શોધ, શૂન્યની શોધ, ખેતી, યંત્રયુગ જેવી વિવિધ વિચારધારાઓ માનવજીવનમાં આમૂલ પરિવર્તન લાવી છે. આવા પરિવર્તનો માનવીના જીવનને સંપૂર્ણપણે કે મહદ્અંશે બદલી નાખે છે ત્યારે તેને યુગ ગણવામાં આવે છે. વીસમી સદીના છેલ્લા દાયકાઓમાં ઇલેક્ટ્રોનિક્સ (વીજાણુશાસ્ત્ર) ખૂબ વિકાસ પામ્યું અને તેના વિકાસની સાથે માનવનું જીવન ધોરણ બદલાયેલું જોવા મળે છે.
ઇન્ફર્મેશન એઈજ શબ્દમાં ઇન્ફર્મેશન એટલે કે માહિતી શબ્દ મહત્ત્વનો છે. યુગોથી માનવ પોતાના આચાર, વિચાર અને જાણકારીને બીજી પેઢી સુધી પહોંચાડવા તત્પર રહ્યો છે.
આમ, યુગોથી માનવ જાણકારી એટલે કે માહિતીનું સંવર્ધન કરવા માટે અવનવી તરકીબો પ્રયોજતો જ રહ્યો છે. અજંતા-ઇલોરાની ગુફાઓ કે ઈજીપ્તના પિરામિડ, સાહિત્ય કૃતિઓ, ધર્મગ્રંથો માનવની માહીતીને પેઢીઓ સુધી જાળવી રાખવાની તરકીબો છે.
આ બધી તરકીબો જ્ઞાન કે, માહિતીને જાળવી શકતી હતી, પરંતુ તેનું આદાન-પ્રદાન ખૂબ મુશ્કેલ હતું. માનવે ઉપયોગમાં લીધેલી શિલ્પકળા કે ચિત્રકળા સાર્વત્રિક હતી, પરંતુ ભાષા કે સંકેતોમાં વ્યક્ત અભિવ્યક્તિઓનું આદાન-પ્રદાન ખૂબ મુશ્કેલ હતું. સમય જતાં મુદ્રણ કળાને કારણે માહિતી સાર્વત્રિક બની, પરંતુ તેનાથી માનવની અપ્રત્યક્ષ પ્રત્યાયન પ્રક્રિયાને વેગ મળ્યો, માનવની જાણકારી કે માહિતીને વેગ મળ્યો પણ પ્રત્યક્ષ કે પ્રત્યાયન કે આદાન-પ્રદાનની શક્યતાઓ ધૂંધળી બની.
માહિતી ગતિશીલ છે, સ્થૂળ નથી, માહિતી મેળવ્યા પછી વ્યક્તિનું અર્થઘટન લેખક કે સંપાદક કરતાં જુદું હોઈ શકે અને આવી પરિસ્થિતિમાં માહિતીના મૂળ સુધી પહોંચવાનો માર્ગ એ પ્રત્યાયન છે. આ દિશામાં માનવીએ કરેલ શરૂઆતમાં પક્ષીઓનો ઉપયોગ, ખેપિયાઓ દ્વારા સંદેશો મોકલવો, સંકેતો દ્વારા સંદેશાઓની આપલે, ઢોલ કે ઘંટ વગાડી સંદેશાઓની આપલે અને હાલમાં અસ્તિત્વમાં છે તેવી ટપાલ વ્યવસ્થા, આ બધી તરકીબોમાં વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે સંવાદ શક્ય ન હતો અને તે મર્યાદા દૂર કરવા માટે સંદેશા વ્યવહારની ટૅક્નોલૉજી અસ્તિત્વમાં આવી. ટેલિગ્રામ, ટેલિફોન સંદેશાવ્યવહારની ટૅક્નોલૉજી છે.
આમ, માનવીએ સંદેશા વ્યવહારની એક સંપૂર્ણ દુનિયા વિકસાવી છે. મનુષ્યની કલ્પનાઓને સાકાર કરતી ટૅક્નોલૉજીના વિકાસની સાથે જ સંદેશાવ્યવહારની દુનિયામાં કમ્પ્યૂટરનો પ્રવેશ એ વીસમી સદીના છેલ્લા દાયકાની અમૂલ્ય ભેટ છે.
શિક્ષણ એક પ્રક્રિયા છે. શૈક્ષણિક પ્રક્રિયાના મહત્ત્વના અંગ તરીકે શાળા ઊભરાઈ આવી છે. શાળાનું સામાજિક ઉત્થાનમાં એક મહત્ત્વનું આગવું પ્રદાન રહેલું છે. શિક્ષણ આપવા માટેની સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ રહી છે.
સંદેશા વ્યવહારના વિકાસની સાથોસાથ રૂઢિગત શિક્ષણના માળખામાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે. અધ્યયન-અધ્યાપન શાળા-મહાશાળાઓની ચાર દીવાલની વચ્ચે થઈ શકે તેવી માન્યતાનો દૂરવર્તી શિક્ષણના પ્રસારથી દૂર થયો. ઓપન યુનિવર્સિટીની સંકલ્પના અને દૂરવર્તી શિક્ષણ કેન્દ્રોએ પત્રાચારથી ચાલતા અભ્યાસક્રમો દાખલ કર્યા જેનાથી દેશ-વિદેશમાં દૂરદૂર સુધી અધ્યયનની મહેચ્છા રાખી બેઠેલી વ્યક્તિઓને પ્રેરણા મળી અને શિક્ષણનો પત્રાચાર વધ્યો. આ પદ્ધતિની ઘણી મર્યાદાઓ છે, જેમાં વિદ્યાર્થીઓ અને તજ્ઞો વચ્ચેનો સેતુ પત્રાચાર છે. જેનાથી સમયનો વ્યય અને અભ્યાસક્રમમાં નીરસતા જેવી અનેક સમસ્યાઓ જોવા મળી, પરંતુ કમ્પ્યૂટર ટૅક્નોલૉજીના વિકાસની સાથે દૂરવર્તી શિક્ષણની પ્રણાલીમાં ફેરફાર જોવા મળે છે.
કમ્પ્યૂટર અને માહિતી ટૅક્નોલૉજીએ અધ્યયન-અધ્યાપનની વિચારધારાને નવું જોમ બક્યું છે. નવી ક્રાંતિની શરૂઆત થઈ. શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં અધ્યાપન માટે કમ્પ્યૂટર અને માહિતી ટૅક્નોલૉજી પ્રયોજીત ઈ-લર્નિંગનું જ્ઞાન અતિ આવશ્યક છે કારણ કે કમ્પ્યૂટર કે કમ્પ્યૂટર ટૅક્નોલૉજીનો અધ્યયન અધ્યાપનમાં કેવી રીતે વિનિયોગ કરી શકાય તેની માહિતી મળે છે. ધીમે ધીમે તેના વિકાસને વેગ મળવા લાગ્યો.
ઈ-લર્નિંગ એટલે શું?
( Meaning of E-Learning? )
વીસમી સદીના અંતમાં માહિતી ટૅક્નોલૉજીનો ખૂબ જ વિકાસ થયો છે. ઈ-પ્રત્યય ખૂબ પ્રચલિત બન્યો છે. ‘ઈ’ એટલે ઇલેક્ટ્રોનિક્સ, વિજાણુશાસ્ત્રમાં આવતા સતત ફેરફારોની સીધી અસર માનવ જીવન પર જોવા મળે છે.
કમ્પ્યૂટર એ ઇલેક્ટ્રોનિક્સ સાધન છે. કમ્પ્યૂટર્સને એકબીજા સાથે જોડી નેટવર્ક બનાવવામાં આવે છે. આવા નેટવર્કને ઇન્ટરનેટ કહેવામાં આવે છે.
કમ્પ્યૂટર દ્વારા ઇન્ફર્મેશન ટૅક્નોલૉજીની મદદથી અધ્યયન થઈ શકે તેવી સંકલ્પનાને ઈ-લર્નિંગ (E-Learning) કહી શકાય.
ઈ-લર્નિંગ એટલે ઇલેક્ટ્રોનિક્સ સાધનોની મદદથી થતું અધ્યયન, પરંતુ પ્રચલિત અર્થમાં ઈલર્નિંગ એટલે કમ્પ્યૂટરની મદદથી નેટવર્ક દ્વારા પ્રયોજાયેલું અધ્યયન. ઈ-લર્નિંગને વધુ સ્પષ્ટ કરતી વ્યાખ્યાઓ જોઈએ.
“અધ્યયનની એક એવી પદ્ધતિ કે જેમાં ઇલેક્ટ્રોનિક્સ સાધનોના ઉપયોગ અને પ્રક્રિયાઓને સમાવી લે છે. જેમાં વેબ-બેઈઝ્ડ લર્નિંગ કમ્પ્યૂટર બેઈઝ્ડ લર્નિંગ, આભાસી ક્લાસરૂમ અને ડિઝિટલ ટૅક્નોલૉજીનો ઉપયોગ થાય છે, તેમાં વિષયવસ્તુનું નિરૂપણ કે રજૂઆત ઇન્ટરનેટ, ઇન્ટ્રાનેટ, એકસ્ટ્રાનેટ, (લેન-વેન) ઓડિયો, વિડિયો, ટેઈપ્સ, ઉપગ્રહ પ્રસારણ, ઇન્ટરેક્ટિવ, ટી.વી. અને સી.ડી. દ્વારા થાય છે.'
ઉપરોક્ત વ્યાખ્યા ઇ-લર્નિંગને વ્યાપક બનાવે છે. ઇ-લર્નિંગને સમજવા માટે માહિતી ટૅક્નોલૉજીનું જ્ઞાન જરૂરી છે.
ઇ-લર્નિંગ એ વિજાણુ સાધનો અને ટૅક્નોલૉજી દ્વારા થતી વેબ આધારિત એવી અધ્યયન પ્રક્રિયા છે. જેમાં વિદ્યાર્થી ચોક્કસ વેબસાઈટ પર રજૂ થતી અધ્યયન સામગ્રીનો અભ્યાસ કરી શકે છે. વૈજ્ઞાનિક સંસ્થાઓ અને અનૌપચારિક શિક્ષણ આપતી સંસ્થાઓ ઈ-લર્નિંગ માટેની સમર્પિત વેબસાઈટનો વિકાસ કરે છે. ઓનલાઈન શિક્ષણ આપતી અનેક સંસ્થાઓ હવે અધ્યાપન અને પરીક્ષણનું કામ ઈ-લર્નિંગ શિક્ષણ પ્રણાલી અંતર્ગત કરે છે.
ઈ-લર્નિંગ પ્રણાલીમાં શિક્ષણ આપતી સંસ્થાઓ ચોક્કસ સમયાંતરે ક્રમિક રીતે અથવા એક સાથે અધ્યયન સામગ્રી પોતાની વેબસાઈટ પર રજૂ કરે છે. અમુક સંસ્થાઓ ઇન્ટરનેટ આધારિત વીડિયો કે ઓડિયો કોન્ફરન્સિંગ દ્વારા અથવા આભાસી વર્ગખંડ દ્વારા શિક્ષણ આપે છે. સામાન્ય રીતે ઈ-લર્નિંગ પ્રક્રિયામાં ભૌગોલિક રીતે અલગ અલગ સ્થળે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સાંકળવામાં આવે છે. જોકે સ્થાનિક કમ્પ્યૂટર નેટવર્ક પ્રણાલીનો ઉપયોગ કરીને પણ ઈ-લર્નિંગ માટેની વ્યવસ્થા ઊભી કરી શકાય છે, એવું અનેક વિદ્વાનોનું માનવું છે.
ઈ-લર્નિંગની સંકલ્પના
ઈ-લર્નિંગ અધ્યયન-અધ્યાપનનું અદ્યતનક્ષેત્ર છે.
ઇ-લર્નિંગમાં નેટવર્ક દ્વારા અપાતી તાલીમ કે કેળવણીનો સમાવેશ થાય છે.
ઇ-લર્નિંગ સામાન્યતઃ માહિતીની ઓનલાઈન ઉપલબ્ધી છે, એટલે કે ઇન્ટરનેટ દ્વારા (ઓનલાઈન શિક્ષણ) તાલીમ કે શિક્ષણ આપવાના કાર્યને કે શૈક્ષણિક વિચારધારા કે જેમાં અધ્યયન-અધ્યાપન પ્રવિષ્ટ છે તેને ઇ-લર્નિંગ કહી શકાય.
ઈ-લર્નિંગ વર્ગશિક્ષણનો પર્યાય નથી પણ પૂરક છે, તેના દ્વારા વર્ગ શિક્ષણ સુંદર, અસરકારક અને રસપ્રદ બને છે.
ઇન્ટરનેટ કે નેટવર્ક દ્વારા થતા અધ્યયન-અધ્યાપનને નીચે દર્શાવ્યા મુજબ ઓળખવામાં આવે
ઈ-લર્નિંગ એટલે...
“Anyone can learn anywhere, any time, "
ટૂંકમાં, ઈ-લર્નિંગ એટલે...
“કોઈપણ, ક્યાંય અને કંઈપણ શીખી શકે.''
દરેક શબ્દ અલગ તારવીને જોઈએ તો...
Anyone (કોઈપણ વ્યક્તિ)
જ્ઞાન સાર્વત્રિક છે અને બધાં માટે છે, પરંતુ પ્રણાલીના શિક્ષણમાં અધ્યયન બધાંને મળી શકે તે મોટો પ્રશ્ન છે. ઈ-લર્નિંગ દ્વારા કોઈપણ અધ્યયન કરી શકે છે. અનુકૂળ સમયે કહી શકે છે.
Anywhere (કોઈપણ સ્થળે)
શાળા-મહાશાળા શિક્ષણના તીર્થ છે અને જે વ્યક્તિ અધ્યયન કરવા ઇચ્છે છે તેણે શાખા કે મહાશાળામાં જવું પડે છે, પરંતુ ઈ-લર્નિંગ ક્યાંય પણ થઈ શકે છે. -
Anytime (કોઈપણ સમયે)
1 શાળા-મહાશાળાનો શિક્ષણ માટેનો ચોક્કસ સમય છે અને તે દરમિયાન જ અભ્યાસ કરવો પડે છે, જ્યારે ઈ-લર્નિંગ કોઈપણ સમયે થઈ શકે છે.
ઈ-લર્નિંગનાં લક્ષણો
(Characteristics of E-Learning)
ઇ-લર્નિંગનાં લક્ષણો આ પ્રમાણે છે.
1) ઈ-લર્નિંગમાં કમ્પ્યૂટર, કમ્પ્યૂટર નેટવર્ક ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે.
2) વિષયવસ્તુની રજૂઆત વિજાણુ સાધનો દ્વારા થાય છે.
3) ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે તો વિદ્યાર્થી ગમે તે સ્થળેથી અધ્યયન કરી શકે છે.
4) અધ્યયન સામગ્રીને પોતાના કમ્પ્યૂટર અથવા વિજાણુ સાધનોમાં સંગ્રહિત કરીને વિદ્યાર્થી ઓફલાઈન પણ અધ્યયન કરી શકે છે.
5) જો વીડિયો કે ઓડિયો કોન્ફરન્સિંગનો ઉપયોગ કરવામાં આવે તો તમામ વિદ્યાર્થીઓ એક સાથે અથવા અન્ય સંજોગોમાં તમામ વિદ્યાર્થીઓ વ્યક્તિગત રીતે અધ્યયન કરી શકે છે.
6) વીડિયો કે ઓડિયો કોન્ફરન્સિંગ કરવા માટે સામાજિક નેટવર્કિંગ પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવે છે.
7) કમ્પ્યૂટરને બદલે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરીને પણ અધ્યયન કરી શકાય છે.
8)– આમાં મોટાભાગે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે પ્રત્યક્ષ આંતરક્રિયા નથી થતી.
9) મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એક સાથે કરી શકે છે.
10)— વિદ્યાર્થી ફૂરસદના સમયે પણ ઉપયોગ કરી શકે છે.
11)– ઈ-લર્નિંગમાં આયોજન અને તેમાંથી ઝીણામાં ઝીણી વિગતોની આગોતરી તૈયારીનું અસ્તિત્વ એની એક લાક્ષણિકતા છે.
12)– એકવાર અધ્યન સામગ્રી તૈયાર થઈ ગયા પછી ઈ-લર્નિંગમાં કોઈપણ જરૂરી નવી માહિતી કે મુદ્દા ખૂબ ઝડપથી ઉમેરી શકાય છે.
13)– અધ્યયન સામગ્રી ગમે તે નિષ્ણાંત વ્યક્તિ હોય તે બનાવી શકે છે.
- સંકલ્પનામાં આપણે જોયું કે અધ્યેતા સોશ્યલ મીડિયા અને ટેલિફોનની મદદથી પોતાની મુશ્કેલીઓનું નિવારણ કરી શકે છે. આમ, ઈ-ર્નિંગની સંકલ્પના માત્ર કમ્પ્યૂટર જ નહીં, પરંતુ અન્ય સાધનોના ઉપયોગને પણ સ્વીકારે છે. દા.ત. ટેલિફોન.
ઈ-લર્નિંગ માનવ તત્ત્વને બદલે ભૌતિક તત્ત્વો પર વધારે આધાર રાખે છે.
ઈ-લર્નિંગના લાભ
ઈ-લર્નિંગના લાભ નીચે મુજબ દર્શાવી શકાય :
શિક્ષક
(1) અધ્યાપન સામગ્રીમાં વિવિધતા :
પાઠ્યપુસ્તક કરતાં પણ ગતિશીલ એવું કમ્પ્યૂટર સોફ્ટવેર પાઠ્યક્રમ કે વિષયવસ્તુને તેની યોગ્ય લાક્ષણિકતાઓ મુજબ દર્શાવતું હોવાના કારણે શિક્ષક અધ્યાપન સામગ્રીમાં વિવિધતા લાવે છે.
(2) અધ્યાપન સામગ્રીનો વિકાસ :
વૈશ્વિક સંસાધનનો ઉપયોગ કરી અધ્યાપન સામગ્રી વિકસાવી શકે છે. કમ્પ્યૂટરની મદદથી વૈશ્વિક ધોરણે માહિતી મળતી હોવાથી અધ્યાપન સામગ્રીનો વિકાસ થાય છે.
(3) માહિતીનો સંગ્રહ :
શિક્ષક કમ્પ્યૂટરમાં ઉપલબ્ધ તમામ માહિતી કોઈપણ સ્થળે, સમયે જોઈ શકે છે, તેમાંથી વર્ગશિક્ષણ માટે જરૂરી સામગ્રીનો CD પર સંગ્રહ કરી શકે છે. જેનો ઉપયોગ જરૂરિયાત પ્રમાણે ગમે ત્યારે કરી શકે છે.
(4) આંતરક્રિયાઓનું રેકોર્ડીંગ
શિક્ષક કમ્પ્યૂટર દ્વારા વર્ગશિક્ષણ દરમિયાન થયેલી આંતરક્રિયાઓનું રેકોર્ડીંગ કરી શકે છે. ફરી વખત જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરી શકાય છે.
(5) ખર્ચમાં ઘટાડો :
સેવાકાલીન તાલીમ માટે બિનજરૂરી પ્રવાસ અને ખર્ચ પર નિયંત્રણ લાવી શકાય છે.
(6) અસરકારક રજૂઆત
વિષયવસ્તુની માહિતી ગુણવત્તા મળતી હોવાથી અસરકારક રજૂઆત કરી શકે છે. પાઠ્યપુસ્તક સિવાય કેટલીક વધારાની માહિતી પ્રાપ્ત થાય છે.
(7) શિક્ષકની સારી વય :
માહિતી વિશાળ પ્રાપ્ત થતી હોવાથી, શિક્ષકની સારી છાપ ઊભી કરી શકાય છે. અસરકારક રજૂઆત કરી શકે છે. આકૃતિ, ચાર્ટ, નકશા વગેરેનો ઉપયોગ કરી શકે છે.
(8) વિષયવસ્તુની સ્પષ્ટતા :
વિષયવસ્તુની સારી રીતે સ્પષ્ટતા શિક્ષક કરી શકે છે. માહિતી વિશાળ મળે છે.
(9) નિષ્ણાત શિક્ષકોનો લાભ :
નિષ્ણાત શિક્ષકો અને વિષય નિષ્ણાતો દ્વારા અધ્યાપન કાર્ય કરાવીને દેશ-વિદેશના વિદ્યાર્થીઓને તેમના જ્ઞાનનો લાભ અપાવી શકાય છે.
વિદ્યાર્થી :
(1) સ્વ-અધ્યયન :
વિદ્યાર્થી પોતે અનુકૂળ સમયે સ્વ અધ્યયન કરી શકે છે. ઘરે ગમે ત્યારે ઉપયોગ કરી શકે છે. સ્વ અધ્યયન ટેવનો વિકાસ થાય છે.
(2) ગતિ પ્રમાણે કાર્ય :
વિદ્યાર્થી પોતાની ગતિ પ્રમાણે કાર્ય કરી શકે છે. અનુકૂળ સમયે કાર્ય કરી શકે છે. વ્યક્તિગત તફાવતો સંતોષાય છે.
(3) સમય અને ખર્ચમાં બચત :
બીનજરૂરી સમયનો બગાડ થતો નથી, તેમજ ખર્ચમાં બચત થાય છે. ખાસ કોઈ વધારાનો ખર્ચ કરવો પડતો નથી.
(4) માહિતી પ્રાપ્તિ
વિદ્યાર્થીને વિશાળ માહિતીની પ્રાપ્તિ થાય છે. વિદ્યાર્થી પોતે સ્વ અધ્યયન કરીને પણ જરૂરી માહિતી મેળવી શકે છે. કમ્પ્યૂટર પર વિશ્વકક્ષાની માહિતી મેળવી શકાય છે.
(5) આંતરરાષ્ટ્રીય સમજનો વિકાસ :
વિદ્યાર્થીમાં આંતરરાષ્ટ્રીય સમજનો વિકાસ થાય છે. કમ્પ્યૂટર પર આંતરરાષ્ટ્રીય માહિતી જાણવા મળે છે, તેથી આંતરરાષ્ટ્રીય ભાવના વિકસે છે.
(6) વૈશ્વિક હરીફાઈમાં ભાગ લઈ શકે :
વૈશ્વિક ધોરણે કોઈ હરીફાઈ હોય તો વિદ્યાર્થી તેમાં ભાગ લઈ શકે છે. કમ્પ્યૂટર પર આંતરરાષ્ટ્રીય ધોરણે માહિતી જાણવા મળે છે.
(7) આત્મવિશ્વાસમાં વધારો
વિષયવસ્તુ અંગેની માહિતી પુષ્કળ પ્રમાણમાં જાણવા મળે છે. માહિતીની સ્પષ્ટતા પણ થઈ શકે છે. સારા ટકા પ્રાપ્ત થાય છે, તેથી વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ વધી જાય છે.
(8) વિશાળ જ્ઞાન પ્રાપ્તિ :
વિદ્યાર્થીને પાઠ્યપુસ્તક સિવાયની કેટલીક વધારાની વિશાળ માહિતી પ્રાપ્તિ થાય છે. આથી તેના જ્ઞાનમાં વધારો થાય છે.
(9) ફૂરસદના સમયનો ઉપયોગ :
વિદ્યાર્થી સ્વ અધ્યયન કરી ગમે ત્યારે ગમે તે સ્થળે માહિતી મેળવી શકે છે. ફૂરસદના સમયનો યોગ્ય ઉપયોગ કરી શકે છે.
(10) માહિતી ટૅક્નોલૉજી પર પ્રભુત્વઃ
વિદ્યાર્થી માહિતી મેળવવા માટે ટૅક્નોલૉજીનો ઉપયોગ કરે છે, તેથી ટૅક્નોલૉજી પર પ્રભુત્વ મેળવે છે.
(11) ઉપયોગમાં સરળતા :
વિદ્યાર્થીઓ ગમે તે સમયે અને ગમે તે સ્થળેથી અધ્યયન કરી શકે છે, તેથી ઉપયોગમાં સરળતા રહે છે.
(12) પ્રોક્સીનું કાર્ય :
શિક્ષકોની ઘર હોય તેવી શાળામાં ખાલી તાસમાં આ વ્યવસ્થાનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે.
(13) મુક્ત અને અભ્યાસઃ
વિદ્યાર્થીઓને શાળાના જડ સમયપત્રકનો અમલ કરવો પડતો નથી. તેથી તેઓ મુક્ત મને અભ્યાસ કરી શકે છે.
(14) બહુમાધ્યમનો ઉપયોગ :
વિષયવસ્તુની રજૂઆત માટે બહુમાધ્યમ અને સામાજિક નેટવર્કિંગ પ્રણાલીનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે.
(15) મોટા પ્રમાણમાં અધ્યયન સામગ્રી :
વિદ્યાર્થીઓને ખૂબ મોટા પ્રમાણમાં અધ્યયન સામગ્રી પૂરી પાડી શકાય છે.
(16) અધ્યયન સામગ્રી લવચિકતા :
અધ્યયન સામગ્રી લવચિકતા ધરાવે છે. એટલે કે જરૂર મુજબ તેમાં સરળતાથી સુધારા-વધારા કરી શકાય છે.
(17) આંતરક્રિયાત્મક અધ્યયનઃ
CAL અને CAI જેવા અભિગમનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને આંતરક્રિયાત્મક અધ્યયન કરવા માટેની તક પૂરી પાડી શકાય છે.
(18) આભાસી વર્ગખંડનો ઉપયોગઃ
તેમાં CAI, CAI ઉપરાંત આભાસી વર્ગખંડ ઓડિયો કોન્ફરન્સિંગ અને વીડિયો કોન્ફરન્સિંગ જેવી તનિકનો ઉપયોગ કરી શકાય છે, જેથી વિદ્યાર્થીઓને વૈવિધ્યપૂર્ણ અધ્યયન અનુભવો પૂરા પાડી શકાય છે.
ઈ-લર્નિંગની મર્યાદાઓ
(Limitation of E-Learning)
ઈ-લર્નિંગની મર્યાદાઓ નીચે પ્રમાણે દર્શાવી શકાય :
(1) ખર્ચાળ વ્યવસ્થા :
ઈ-લર્નિંગની વ્યવસ્થા ખર્ચાળ છે, તેમાં તમામ વિદ્યાર્થીઓ એ વ્યક્તિગત ધોરણે કમ્પ્યૂટર વસાવવા પડે છે, તે ઉપરાંત તેના માટેના સોફ્ટવેર ખરીદવા માટે કે નિર્માણ કરવા માટે સારો એવો ખર્ચ કરવો પડે છે.
(2) અમુક કૌશલ્યની જરૂર :
તે વિદ્યાર્થીઓ પક્ષે અમુક કૌશલ્યની અપેક્ષા રાખે છે. ચલાવવા અંગેનું જ્ઞાન હોવું જોઈએ. બધા વિદ્યાર્થીઓ પાસે જરૂરી જ્ઞાન હોતું નથી. તેથી બધા વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકતાં નથી.
(3) યાંત્રિક પ્રક્રિયા
અધ્યયન પ્રક્રિયા જીવંત બનવાને બદલે યાંત્રિક બની જાય છે. યંત્રની માફક કાર્ય થતું રહે છે. સામાજિક પ્રક્રિયા થતી નથી.
(4) સામાજિક આંતરક્રિયાનો અભાવઃ
શિક્ષણ એ એક સામાજિક પ્રક્રિયા છે, પરંતુ આ પ્રકારની વ્યવસ્થામાં વિદ્યાર્થીઓ વચ્ચે અને વિદ્યાર્થીઓ તથાશિક્ષક વચ્ચે સામાજિક આંતરક્રિયા થતી નથી. યંત્રની માફક કાર્ય થાય છે.
(5) જ્ઞાનાત્મક હેતુ પર ભાર ઃ
તે જ્ઞાનાત્મક હેતુના પાસાઓ સિદ્ધ કરવામાં મદદરૂપ થાય છે, પરંતુ ભાવાત્મક અને મનોશારીરિક પાસાંઓનો વિકાસ કરવામાં તે ઉપયોગી નથી. અમુક હેતુઓ પર જ ભાર મૂકે છે.
(6) સમારકામનો ખર્ચ :
તેમાં વપરાતાં કમ્પ્યૂટર્સ અને સાધનોની જાળવણી અને નિભાવ માટે ચોક્કસ સમયાંતરે ખર્ચ કરવો પડે છે, તે ઉપરાંત ICT ના ક્ષેત્રે નિરંતર થતાં સંશોધનોને કારણે એક વખત ખરીદેલાં કમ્પ્યૂટર્સ અને અન્ય સાધનો ખૂબ ઝડપથી અપ્રચલિત બની જાય છે, તેથી વિદ્યાર્થીએ સતત નવીનીકરણ કરવા માટેનો ખર્ચ ભોગવવો પડે છે.
(7) ભૌતિક સગવડતાની જરૂર :
ઈ-લર્નિંગની વ્યવસ્થા કરવા માટે ભૌતિક સગવડતાની જરૂર પડે છે. તેના માટે અલગ રૂમની વ્યવસ્થા કરવી પડે છે. સાધનો વસાવવા પડે છે.
(8) નબળા વિદ્યાર્થીઓ માટે બિનઉપયોગી :
આ પ્રકારની વ્યવસ્થા નબળા વિદ્યાર્થીઓ માટે બિનઉપયોગી બને છે. નબળા વિદ્યાર્થીઓની કાર્ય કરવા માટેની ગતિ ધીમી હોય છે. ઝડપથી જ્ઞાન ગ્રહણ કરી શકતાં નથી.
(9) બધા વિષયમાં શીખવવું મુશ્કેલરૂપ :
દરેક વિષય શીખવવા માટે એક સરખી અસરકારકતા સાથે તેનો ઉપયોગ કરી શકતો નથી.
સારાંશ (Let Us Sum Up)
ઈ-લર્નિંગની વ્યાખ્યા ખૂબ ટૂંકી છે. વ્યાખ્યાના આધારે એની સંકલ્પના સમજવાની આપણે કોશિશ કરી ત્યારે જ સમજાઈ ગયું હતું કે આ ટૂંકી વ્યાખ્યા ઘણી ઊંડી છે. સમગ્રપણે સંકલ્પનાને સમજવાનું શક્ય બન્યું ત્યારે એ પણ સમજાયું કે ઈ-લર્નિંગની સંકલ્પનાની ‘રેડીએશન ઇફેક્ટ’ ઘણી છે. રેડીએશન ઇફેક્ટ એટલે કેન્દ્રસ્થાને જે કંઈ બને તેની અસરો ખૂબ મોટા પરિઘવાળા ક્ષેત્રમાં થતી હોય છે. આપણે જાણીએ છીએ કે હિરોશીમા-નાગાસાકી પર ખૂબ જ સિમિત વિસ્તારમાં, અણુબોમ્બ પડ્યા હતા, પરંતુ તેની અસર આખી દુનિયામાં પડી અને હજી પણ અસર પડવી ચાલું છે. એ જ પ્રમાણે ઈ-લર્નિંગની સંકલ્પનાને તપાસીએ છીએ ત્યારે એમાંથી એટલાં બધાં લક્ષણો જાણવા મળે છે કે જે એ વ્યાખ્યાની રેડીએશન ઇફેક્ટ આપતા હોય એવું લાગે.
ઈ-લર્નિંગની અસરો ઘણા વિશાળ ક્ષેત્રમાં થાય છે અને તે લાંબા સમય સુધી વર્તાય છે. આમ, ઈ-લર્નિંગની વ્યાખ્યા, સંકલ્પના અને લક્ષણો તેના વિરાટ સ્વરૂપને આપણી સમક્ષ તાદેશ કરે છે.