શૈક્ષણિક આયોજનનો અર્થ અને મહત્ત્વ
Meaning and Importance of Educational Planning
પ્રસ્તાવના
કોઈ પણ લક્ષ્યને હાંસલ કરવા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કે કાર્ય કરવામાં આવે છે. સાથે જ કયું કાર્ય ક્યારે કરવું, કેવી રીતે કરવું વગેરે વિચારણા પણ થતી હોય છે. આવી વિચારણા જેટલી સૈદ્ધાંતિક અને યોગ્ય સમયે કરવામાં આવે તેટલું લક્ષ્ય વહેલું પ્રાપ્ત થાય.
કેટલાક લોકો ચોક્કસ લક્ષ્ય હાંસલ કરવા માટે પૂર્વવિચારણા કરતા નથી. જેથી તેમને પુનઃવિચારણા કરવી પડે છે. માટે જ લક્ષ્યને સરળતાથી હાંસલ કરવા માટે બુદ્ધિશાળી વ્યક્તિ તે લક્ષ્ય સાથે સંબંધિત દરેક પાસાં વિશે વિવિધ રીતે વિચારણા કરે છે. જેને આપણે આયોજન પણ કહી શકીએ. મકાન બાંધતા પૂર્વે એન્જિનિયર નકશો દોરે છે, સાથે ક્યા પ્રકારનું મટેરીઅલ કેટલું વપરાશે તેની પણ નોંધ કરે છે. ઉદ્યોગક્ષેત્રે પણ આયોજન વગર કોઈપણ વ્યક્તિ ધંધાની શરૂઆત કરતા નથી અને કરે તો પસ્તાયા વગર રહેતાં નથી.
આમ, કોઈ પણ કાર્યને સાકાર કરવા યોજના બનાવવી, નાની-નાની હકીકતો અને વિગતોનો વિચાર કરવો અને કાર્યમાં આગળ વધવાની ક્રમશઃ યોજનાઓ બનાવવી. આથી પ્રાપ્ત થતાં પરિણામોથી વાકેફ થવું એટલે જ આયોજન. માટે નાની એવી બાબત પ્રવાસમાં જવા માટે પણ લોકો મહિનાથી આયોજન કરે છે. ટિકિટ મેળવે, હોટલ બુક કરાવે, વિવિધ સ્થળોએ શું જોવા જેવું છે તેની પૂછપરછ કરે, જમવાની સગવડતા વિશે વિચારે, દરેક બાબતના ખર્ચ વિશે વિચારણા કરે, જેવી અનેક બાબતો નક્કી કરીને પછી જ પ્રવાસે જાય છે. જો આમ ન કરે તો પ્રવાસમાં મુશ્કેલીઓ અને મુશ્કેલીઓ જ પડે. અડધું જોવાનું-માણવાનું બાકી રહી જાય, ખર્ચ વધારે થાય વગેરે. આમ પ્રવાસ જેવી બાબતમાં જો આયોજનની જરૂર પડતી હોય તો શિક્ષણ જેવી જીવંત પ્રવૃત્તિમાં આયોજનની જરૂર પડે જ તે હકીકત છે.
શિક્ષણનું આયોજન ભૌતિક કરતાં આંતરિક બાબતને વધુ સ્પર્શે છે. આજે ભારતમાં થતાં શૈક્ષણિક આયોજનથી સંપૂર્ણ સંતોષ નથી ત્યારે આ અંગે સક્રિય વિચારણા કરવાની જરૂર છે. માત્ર વિચારણા કરવાથી પણ નહીં ચાલે વિચારણાનો અમલ પણ કરવો પડશે. શિક્ષક Matter (વિષયવસ્તુ) અને Method (પદ્ધતિ)થી ભરેલો હોવો જોઈએ. તેણે શૈક્ષણિક આયોજનના સહકારથી શિક્ષણના ઉદ્દેશો તરફ બાળકોને લઈ જવાના છે. આ માટે તે શૈક્ષણિક આયોજનમાં વિશ્વાસ ધરાવતો પણ હોવો જોઈએ. આ પ્રકરણમાં આપણે શૈક્ષણિક આયોજનનાં વિવિધ પાસાં વિશે વિચારણા કરીશું.
શૈક્ષણિક આયોજનનો અર્થ
તમે જાણો જ છો કે આયોજનમાં ભવિષ્યના કાર્યો, ઉદ્દેશો, પદ્ધતિઓ, સાધનસામગ્રી, પ્રયુક્તિઓ, કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિઓ અંગેનો વિચાર કરલો હોય છે.
આયોજન એ કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટેની પૂર્વશરત છે. શિક્ષણ પણ એક પ્રક્રિયા છે. તે પ્રક્રિયાને સફળ બનાવવા માટે તેમાં પણ આયોજનની જરૂર પડે છે. શિક્ષણ પ્રક્રિયા અત્યંત સંકુલ અને સૂક્ષ્મ છે. જેથી તે માટેની તૈયારી કર્યા વિના તે પ્રક્રિયાનો આરંભ કરવો એ કૂવામાં પડવા બરાબર છે. આથી શિક્ષણકાર્યને અસરકારક અને સફળ બનાવવા માટે શિક્ષણ સાથે સંકળાયેલ વિવિધ પાસાંઓની વિચારણા અને ગૂંથણીને શૈક્ષણિક આયોજન કહી શકાય.
શિક્ષણ પ્રક્રિયા સાથે સંકળાયેલ પરિબળોમાં બાળકોની કક્ષા, તેમનું પૂર્વજ્ઞાન, શીખવાનું વિષયવસ્તુ, શૈક્ષણિક પદ્ધતિ, ઉપયોગમાં લેવાનાર શૈક્ષણિક સાધનસામગ્રી, મૂલ્યાંકન જેવી અનેક બાબતો સંકળાયેલી છે. આ દરેક બાબતોનું સમયમર્યાદા ધ્યાનમાં રાખી આયોજન કરવાનું છે. આ આયોજન એક તાસ માટે પણ હોઈ શકે અને એક વર્ષ માટે પણ હોઈ શકે.
શૈક્ષણિક આયોજનનું મહત્ત્વ
શૈક્ષણિક આયોજન શિક્ષણ માટે ‘હોકાયંત્ર’ ની ગરજ સારે છે. તેનું મહત્ત્વ અનેક રીતે નક્કી કરી શકાય જે નીચે પ્રમાણે છે.
- શિક્ષણકાર્યને સરસ અને સફળ બનાવવા માટે
- સમયમર્યાદામાં અભ્યાસક્રમ પૂર્ણ કરવા.
- શિક્ષણમાં યોગ્ય પદ્ધતિનો વિનિયોગ કરવા.
- નક્કી કરેલા ધ્યેયને હાંસલ કરવા.
- શૈક્ષણિક સાધનનો યોગ્ય રીતે સંપૂર્ણ ઉપયોગ કરવા.
- સમય, શક્તિ અને નાણાનો ઉચિત ઉપયોગ થાય.
- વર્ગને જીવંત, કાર્યશીલ અને ધબકતો રાખવા.
- પાઠનું વિષયવસ્તુ, પદ્ધતિ, શૈક્ષણિક સામગ્રીની યોગ્ય રીતે ગૂંથણી કરવા.
- સંદર્ભગ્રંથોનો ઉપયોગ કરવા.
- વર્ગશિક્ષણની સમસ્યાઓ ઉકેલવા અથવા હળવી કરવા.
- માનવશક્તિનો ઉપયોગ કરવા.
- શિક્ષકને પૂર્વતૈયારી માટે સમય અને શક્તિ પૂરાં પાડે છે.
- વર્ગવ્યવહારની આગાહી કરવા.
- યોગ્ય રીતે મૂલ્યાંકન કરવા.
- જરૂરી ઉપચારાત્મક કાર્યક્રમો હાથ ધરવા.
- શાળા અને સમાજ વચ્ચે સંબંધ સ્થાપવા.
- વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન માટેની તકો નિર્માણ કરવા.
- શૈક્ષણિક કાર્યમાં ગતિમર્યાદા માટે.
શૈક્ષણિક આયોજન સમયમર્યાદા પ્રમાણે વિવિધ પ્રકારનું થઈ શકે. જેમ કે એક ૧૯૯૩ જ તાસનું પાઠ આયોજન, સાપ્તાહિક આયોજન, માસિક આયોજન, સત્રનું આયોજન, વાર્ષિક આયોજન વગેરે.
કોઈપણ પ્રકારનું આયોજન હોય પરંતુ તેનાં ત્રણ અંગો છે.
(1) સમયમર્યાદા
(2) વિષયવસ્તુ
(3) શૈક્ષણિક પદ્ધતિ
આ ત્રણે અંગોનુ એકબીજા સાથે સંકલન કરીને આયોજન ઘડી કાઢવામાં આવે છે. અહીં આપણે તાસને ધ્યાનમાં રાખી પાઠ આયોજન વિશે વિગતે વિચારણા કરીશું.
