એકમ આયોજનના સોપાનો Steps in unit planning
(1) એકમનું નામ
(2) પેટા એકમો
(3) સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ
(4) વિષયવસ્તુના મુદ્દા
(5) ખ્યાલ અને સંકલ્પનાઓ
(6) અધ્યાપન પદ્ધતિ.
(7) શૈક્ષણિક સાધનો.
(8) અધ્યયન પ્રવૃત્તિ.
(9) મૂલ્યાંકન
(10) સ્વાધ્યાય
(11) સંદર્ભ પદ્ધતિ.
(12) કા.પા. કામ.
ઉપર્યુક્ત દરેક સોપાનને વિસ્તૃત રીતે સમજીએ.
1. એકમનું નામ : વિવિધ મુદ્દાઓ/વિષયાંગને ધ્યાનમાં રાખીને નક્કી કરેલ મુખ્ય એકમનું નામ/શીર્ષક અહીં લખવાનું હોય છે. દા.ત. ક્રિયાવિશેષણ, ભક્તિનાં કાવ્યો, વરસાદના કાવ્યો, સાહિત્યને લગતાં કાવ્યો, પ્રવાસ નિબંધ, જીવનકથાઓ વગેરે. આ દરેક મુખ્ય એકમ છે. તેનું ચાર-પાંચ તાસમાં વિભાજન કરવામાં આવે છે. ક્યારેક એક જ પાઠ પૂરતું વિષયવસ્તુ ધરાવતો હોય તો તે પાઠનું શીર્ષક જ મુખ્ય એકમ બનશે.
2. પેટા એકમો : મુખ્ય એકમને ચારથી પાંચ નાના નાના એકમોમાં વિભાજિત કરવામાં આવે છે. આ દરેક નાના એકમને પેટા એકમ કહીશું. જેમકે, મુખ્ય એકમને વિભાજિત કરતાં, (1) લેખક/કવિનો પરિચય (2) આદર્શવાંચન - શાંતવાચન કે ગાન (3) વિષયવસ્તુની ચર્ચા (4) ભાષાવસ્તુની ચર્ચા (5) સમગ્ર ચર્ચા (6) મૂલ્યાંકન જેવા વિવિધ પેટા એકમો મળે. જેને નીચે પ્રમાણે વહેંચી શકાય.
તાસ-1 : વિષયાભિમુખ અને લેખક કાર્ય પરિચય (એક જ લેખક કવિ હોય તો
તાસ-2 : આદર્શવાચન/ગાન
તાસ-૩ : વિષયવસ્તુની ચર્ચા
તાસ-4 : ભાષાવસ્તુની ચર્ચા
તાસ-5 : સમગ્ર/સંકલિત ચર્ચા
તાસ-6 : મૂલ્યાંકન
3. સામાન્ય અને વિશિષ્ટ હેતુઓ : સમગ્ર એકમને ધ્યાનમાં રાખીને વિશિષ્ટ હેતુઓ નક્કી કરવામાં આવે છે. દરેક સામાન્ય હેતુની નીચે નક્કી કરેલા વિશિષ્ટ હેતુઓ લખવામાં આવે છે. જેમકે,
સામાન્ય હેતુ :- વિદ્યાર્થીઓ કથન દ્વારા અભિવ્યક્તિ કરે.
વિશિષ્ટ હેતુઓ :- (1)વિદ્યાર્થીઓ શુદ્ધ અને પ્રવાહીમય ભાષામાં બોલે
(2) વિદ્યાર્થીઓ......પાત્રનો પરિચય આપે.
(3) વિદ્યાર્થીઓ વિશે પાંચ વાક્યો બોલે.
(4) વિદ્યાર્થીઓ... નો અર્થ જણાવે.
(5)વિદ્યાર્થીઓ...ઘટના બનવા પાછળના કારણો જણાવે. (
6) વિદ્યાર્થીઓ વિશે પોતાના વિચારો કહે. વગેરે.
નોંધ : ઉપરોક્ત રીતે જેટલાં સામાન્ય હેતુઓ નક્કી કર્યા છે તે દરેકના વિશિષ્ટ હેતુઓ નક્કી કરીને દર્શાવવા જોઈએ.
4. વિષયવસ્તુના મુદ્દા ઃ સમગ્ર એકમને ધ્યાનમાં લઈ તાસ પ્રમાણે વિષયવસ્તુના મુદ્દા નોંધવા જોઈએ. જેમકે,
તાસ-1 પ્રસ્તાવના, લેખક પરિચય, આદર્શવાંચન, દુષ્કાળનું શાબ્દિક ચિત્ર
તાસ-2 દુષ્કાળની માનવી પર અસરો.
ઉપર્યુક્ત રીતે બાકીના તાસમાં શિક્ષક જે જે વિષયવસ્તુના મુદ્દાની ચર્ચા કરવાના હોય તેની નોંધ કરવી જોઈએ.
5. ખ્યાલ – સંકલ્પનાઓ : એકમમાં આપતાં ખ્યાલો અને સંકલ્પનાઓ સ્પષ્ટ કરવા જરૂરી છે જ. જેમકે શબ્દ સંકલ્પના,
વસ્તુ સંકલ્પનાઓ, સંદર્ભો અને સાધનોની સહાયથી શિક્ષક જે-જે સંકલ્પના સ્પષ્ટ કરવાના છે તેની નોંધ યાદી અહીં રજૂ કરવી જોઈએ. આ માટે વિદ્યાર્થીના પૂર્વાનુભવો, રસ, ઉંમર, કક્ષા, વાતાવરણ વગેરેને ધ્યાનમાં લેવાં જોઈએ.
ભાષાશિક્ષણમાં ખાસ કરીને અપરિચિત શબ્દો,
રૂઢિપ્રયોગો વગેરેની સંકલ્પના સ્પષ્ટ કરવી ખૂબ જ જરૂરી છે.
6. અધ્યાપન પદ્ધતિ : શિક્ષક જે-તે એકમને રજૂ કરવા માટે જે-જે પદ્ધતિઓનો ઉપયોગ કરીને અધ્યયન કરાવશે તે પદ્ધતિઓ અને પ્રયુક્તિઓની નોંધ કરવામાં આવે છે. દા.ત., વ્યાખ્યાન પદ્ધતિ,
નાટ્યીકરણ, કથન ચર્ચા વગેરે.
7. શૈક્ષણિક સાધનો : એકમના વિષયવસ્તુની સરળતા અને રસિકતાથી રજૂઆત કરવા માટે શિક્ષક જે-જે શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવાના હોય તેની નોંધ આપવામાં આવે છે. દા.ત., ચાર્ટ,
ચિત્રો, નમૂનાઓ, ટેપરેકોર્ડર, કમ્પ્યૂટર વગેરે.
8. અધ્યયન-પ્રવૃત્તિ : વિદ્યાર્થીઓ વ્યક્તિગત રીતે કે જૂથમાં,
વર્ગની અંદર કે વર્ગ બહાર એકમના અધ્યયન માટે જે-જે પ્રવૃત્તિઓ કરશે તેની નોંધ કરવામાં આવે છે. જેમકે, કાવ્યગાન, પંક્તિઓ એકઠી કરવી, શ્રવણ કરવું, ચાર્ટબનાવવા, મુલાકાત લેવી વગેરે.
9. મૂલ્યાંકન ઃ સમગ્ર એકમને ધ્યાનમાં રાખી મૂલ્યાંકન કસોટી રચવામાં આવે છે જે અંતિમ તાસમાં લેવામાં આવે છે. તાસ આયોજનની જેમ દરેક તાસમાં મૂલ્યાંકન કરવામાં આવતું નથી. પરંતુ અંતિમ તાસમાં લેખિત કે મૌખિક રીતે કસોટી આપીને મૂલ્યાંકન કરવામાં આવે છે.
10. સ્વાધ્યાય : દરેક તાસમાં જે-તે પેટા એકમને ધ્યાનમાં રાખી સ્વાધ્યાય આપવામાં આવે છે.
11. સંદર્ભ સાહિત્ય : શિક્ષકે સમગ્ર એકમના નિરૂપણ માટે ઉપયોગમાં લીધેલ સંદર્ભ સાહિત્યની નોંધ મૂકવામાં આવે છે. જેમકે સામયિકો,
વર્તમાનપત્રો, શબ્દકોશ વગેરે કોઈ વ્યક્તિ કે સ્થળની મુલાકાત લીધી હોય તો તેની પણ નોંધ આપવામાં આવે છે.
12. કા.પા.કામ : દરેક પેટા એકમનું કા.પા.કામ અલગ અલગ રીતે દર્શાવવામાં આવે છે. એટલે કે તાસ પ્રમાણે કા.પા.કામની નોંધ મૂકવામાં આવે છે.
