લેખન કૌશલ્ય // Writing skills
આગળના પ્રકરણમાં આપણે શ્રવણ, કથન અને વાચન કૌશલ્યની વાત કરી. આ પ્રકરણમાં આપણે લેખન કૌશલ્ય વિશે ચર્ચા કરીશું. તમે જાણો જ છો કે લેખન કૌશલ્ય અભિવ્યક્તિનું અને દ્વિતીય કક્ષાનું કૌશલ્ય છે.
બાળક શાળામાં આવે તે પૂર્વે તેમનામાં કેટલાંક અંશે શ્રવણ અને કથન કૌશલ્યનો વિકાસ થયેલો હોય છે. તે કૌશલ્યોને આધાર બનાવીને શિક્ષક બાળકોને વાંચન
કૌશલ્ય ઔપચારિક રીતે શીખવે છે. બાળકને સૌ પ્રથમ મૂળાક્ષરો અને આંકડાઓની ઓળખ આપવામાં આવે છે. એટલે કે મૂળાક્ષરો અને આંકડાઓને જોઈને વાંચે છે. ત્યારબાદ જ શિક્ષક લેખન કૌશલ્ય વિકસાવવા માટેનો ઔપચારિક પ્રયત્ન કરે છે. માટે જ વિકાસના ક્રમની રીતે જોઈએ તો શ્રવણ, કથન, વાચન અને લેખન એમ ક્રમ આપી શકાય. તમે નોધ્યું હશે કે બાળકમાં સૌ પ્રથમ શ્રવણ કૌશલ્ય વિકસે છે અને છેલ્લે લેખન કૌશલ્ય વિકસે છે. કારણકે બાળક જેવું સાંભળે તેવું બોલે છે અને જેવું બોલે તેવું વાંચે છે અને જેવું વાંચે તેવું લખે છે. આમ, લેખન કૌશલ્યના પાયામાં જ શ્રવણ, કથન અને વાચન કૌશલ્ય રહેલાં છે.
અર્થ અને સંકલ્પના :
ભાષાના ધ્વનિ સંકેતો દ્વારા ભાષાના દશ્ય માધ્યમ દ્વારા, ભાષકના વિચારો અને લાગણીઓની અભિવ્યકિત એટલે લેખન.
આમ, વ્યક્તિ જ્યારે પોતાના વિચાર, ભાવ, ઈચ્છા,
જરૂરિયાત, અનુભવો, અપેક્ષાઓ, લાગણીઓ વગેરે લખે તેને લેખન કર્યું કહેવાય.
લેખન કૌશલ્ય પણ મનોશારીરિક બાબત છે. વ્યક્તિ જ્યારે પેન કે પેન્સિલ વડે પોતાના વિચારો લખે ત્યારે હાથની આંગળીનો ઉપયોગ થતો હોય છે. જેને આપણે શારીરિક બાબત ગણીશું. સાથે જ લખનાર વ્યક્તિના મનમાં વિચારો ઉત્પન્ન થાય છે તેનું અવતરણ પેન દ્વારા કાગળ પર થાય છે. આમ મનમાં વિચારો ઊઠવા તે મનોવૈજ્ઞાનિક બાબત છે.
સાચા અર્થમાં લેખન ત્યારે જ થયું કહેવાય કે લેખકના મનમાં ઊઠેલાં વિચારો તે નોંધી શકે અને વાચકના મન સુધી પહોંચી શકે તેવા હોય. આમ ભાષાના ધ્વનિઓદૃશ્ય સંકેતો દ્વારા જ્યારે લેખકના વિચારોની અભિવ્યકિત કરે છે ત્યારે તે લેખન બને છે.
લેખન કૌશલ્યમાં ત્રણ બાબતો સંકળાયેલી છે.
ભાષાની ઔપચારિક કે યાંત્રિક બાબતો |
શુદ્ધ લેખન (વ્યાકરણ વિષયક બાબતો) |
લેખનના વિવિધ સ્વરૂપો |
કક્કો - બારાક્ષરીનું જ્ઞાન અક્ષરો જોડણી વિરામચિહ્ન પરિચ્છેદ લખાણનું સ્વરૂપ (Form)વગેરે |
વાક્યરચના સંધિ સમાસ અલંકાર છંદ રૂઢિપ્રયોગો સંયોજકો વાક્યના પ્રકાર |
ભાષાશૈલી વિષયવસ્તુનીરસપ્રદ રજૂઆત તાર્કિક ગોઠવણી અર્થપૂર્ણ અભિવ્યકિત વગેરે. |
હેન્રી ગ્રીન અને ડૉ. વિલિયમ ગ્રે ભાષાકીય કુશળતાનું નીચે મુજબ પૃથક્કરણ કરે છે.
- · સુવાચ્ય, સુરેખ અને સુંદર હસ્તાક્ષરો.
- · શુદ્ધ જોડણી
- · અર્થોચિત અને ભાવવાહી શબ્દોની વરણી
- · વાક્યોમાં પદોનો સાચો અને અસરકારક ઉપયોગ
- · કેન્દ્રિય વિચારની આસપાસ ફકરાની રચના.
- · પત્ર, સંવાદ, નિબંધ, વાર્તા વગેરે લેખનના સ્વરૂપોનો ઉપયોગ.
- · વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ.
- · લખાણમાં યોગ્ય ઝડપ
- · લખાણમાં મૌલિકતા
- · લખાણની વિશિષ્ટ શૈલી
- · લખાણમાં વિચારની અભિવ્યક્તિ
- · બે શબ્દો કે લીટી વચ્ચે યોગ્ય જગ્યા
આમ લેખન એટલે માત્ર વાક્યોનો સમૂહ નહિ પણ વાક્યો વચ્ચેની સંવાદિતા સાધી ભાવ,
લાગણી, જરૂરિયાત, વિચારો, સ્પંદનોને શુદ્ધ રીતે, સરળતાથી અને યોગ્ય ઝડપથી લેખિત અભિવ્યક્તિ.
લેખન કૌશલ્યનું મહત્ત્વ :
- લેખન દ્વારા વ્યક્તિ પોતાના વિચારોની અભિવ્યક્તિ કરે છે.
- લેખન દ્વારા અભિવ્યક્ત થયેલા વિચારોને લાંબા સમય સુધી સાચવી શકાય છે.
- લેખન દ્વારા વિચારો પ્રસરાવી શકાય છે.
- ભૂતકાળની માહિતી કે જ્ઞાન મેળવી શકાય છે.
- જીવનવિકાસ સાધી શકાય છે.
- ભાવિ પેઢી સાથે પ્રત્યાયન કરી શકાય છે.
- વ્યક્તિ પોતાના અનુભવો, સંસ્મરણોને સાચવી શકે છે.
- જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવા માટે
- દસ્તાવેજી પૂરાવા માટે
- દૈનિક અને સામાજિક વ્યવહાર માટે.
- જાહેરાત કરવા
- સાહિત્ય, પત્રકારત્વ, શિક્ષક જેવાં અનેક વ્યવસાયમાં
- શિક્ષણના તમામ સ્તરે પરીક્ષા લેખિત સ્વરૂપમાં લેવાય છે.
- વ્યક્તિનો પરોક્ષ રીતે પરિચય લેખન દ્વારા મેળવી શકાય છે.
- પત્રો, પ્રવચન, અહેવાલ, નિબંધ, વિચારવિસ્તાર, અરજી વગેરે તૈયાર કરવા.
લેખન કૌશલ્યના આધારસ્તંભો:
- અક્ષ૨/વર્ણનું જ્ઞાન
- શુદ્ધભાષા – વ્યાકરણ શુદ્ધ લખાણ
- વિચારોની ક્રમિકતા
- પરિચ્છેદ
- ભાષાશૈલી
- શબ્દભંડોળ
- સ્પષ્ટતા અને સુવાચ્યતા
- સુરેખ હસ્તાક્ષર
- જોડણી, વિરામચિહ્નો, અનુસ્વાર
- હાંસિયો
- વાક્યબંધારણ
- વિષયવસ્તુ સંવાદિતા
- ઝડપ
લેખિત અભિવ્યક્તિના સ્વરૂપો
- નિબંધ
- વિચારવિસ્તાર
- આત્મકથા
- મંતવ્ય
- વાર્તાલેખન
- ચર્ચાપત્ર
- પત્રલેખન
- સારલેખન
- અહેવાલ
- સંક્ષેપીકરણ
- ગદ્ય / પઘ સમીક્ષા
- અનુવાદ
- સદર્શન
- સંવાદલેખન
- અનુલેખન, શ્રુતલેખન, શીઘ્રલેખન
વર્ગશિક્ષણની પ્રવૃત્તિઓ
- જોડણીકોશનો ઉપયોગ કરાવવો.
- શિક્ષકે વર્ગમાં જરૂરી શ્રુતલેખન અને અનુલેખન કરાવવું જોઈએ.
- અધ્યાપનના અંતે અર્થગ્રહણ ચકાસવા માટે લેખનકાર્ય સોંપી શકાય.
- અધ્યાપન દરમિયાન વિષયવસ્તુના મુદ્દાઓ, શબ્દો, રૂઢિપ્રયોગ વગેરેનું લેખન કરાવવું જોઈએ.
- કાવ્ય કે પાઠનો ભાવસાર લખવા આપવો.
- અધ્યાપન દરમિયાન બાળકોને કા.પા. ૫૨ લખાણ લખવાની તક આપવી.
- વર્ગમાં વિવિધ સ્વરૂપના લેખન કરાવવા.
- બાળકોએ લખેલ લખાણનું યોગ્ય રીતે મૂલ્યાંકન અને ચકાસણી કરવી જ. જરૂરી ઉપચારાત્મક ઉપાયો સૂચવવા અને તેનો અમલ કરાવવો.
- પાઠ્યપુસ્તકની કૃતિને આધારે શબ્દો, રૂઢિપ્રયોગો વગેરેના ચાર્ટસ્ બનાવવા.
સહઅભ્યાસ પ્રવૃત્તિઓ : શિક્ષકે નીચેના જેવી પ્રવૃત્તિઓ બાળકો પાસે કરાવવી જોઈએ.
- હસ્તાક્ષર સ્પર્ધા
- સમાચાર લેખન – સુવિચાર લેખન
- શ્રુતલેખન
- વાર્તાલેખન સ્પર્ધા
- પત્રલેખન
- સ્વાગત પ્રવચન
- રોજનીશી
- પ્રવાસવર્ણનો
- સામયિકોમાં લેખ જોડણી રમત
- સારા હસ્તાક્ષરનું પ્રદર્શન ગોઠવવું.
- હસ્તલિખિત અંક
- બુલેટિન બૉર્ડ પર વિવિધ લખાણ
- વિચારવિસ્તાર
- અવરતરણ સંગ્રહ અહેવાલલેખન
સારા અને નબળા હસ્તાક્ષર ધરાવતા વિદ્યાર્થીઓના લખાણના નમૂના વર્ગમાં મૂકવા.
વર્ગશિક્ષણ અને સહઅભ્યાસ પ્રવૃત્તિઓ દરમિયાન શિક્ષકે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
લેખન કૌશલ્ય વિકસાવવા ધ્યાનમાં રાખવાની બાબતો :
- લીટીને અડાડીને લખાણ થવું જોઈએ.
- શિક્ષકે સારા હસ્તાક્ષરનો નમૂનો પૂરો પાડવો જોઈએ.
- બાળકોને જ્યારે મહાવરો આપવામાં આવે ત્યારે લખાણનાં જથ્થાને ધ્યાનમાં ન રાખતાં તેની સુવાચ્યતાને ધ્યાનમાં રાખવી જોઈએ. ભલે થોડું લખે પરંતુ સારું લખે તે જરૂરી છે.
- લેખન માટેનું વિષયવસ્તુ જુદાં-જુદાં વિદ્યાર્થી માટે જુદું-જુદું રાખવું.
- લખાણમાં થતી ભૂલો તરફ વિદ્યાર્થીનું પ્રેમથી ધ્યાન દોરવું જોઈએ. ઠપકો આપી નિરાશ/
- હતાશ ન કરવો.
- શ્રુતલેખન વખતે બાળકોની ઝડપ ધ્યાનમાં રાખી બોલવાની ઝડપ રાખવી જોઈએ.
- બાળક માટે લખાણનો સમય એટલો લાંબો ન હોવો જોઈએ કે જેથી બાળકો થાકીને કંટાળી જાય.
- શિક્ષકે નબળા બાળકો પર વધુ ધ્યાન આપવું જોઈએ અને હોશિયાર બાળકો તેમની ક્ષમતા મુજબ આગળ વધે તેવું આયોજન કરવું જોઈએ.
- પાઠ્યપુસ્તકનું લખાણ અવારનવાર લખાવવું.
- બાળકો જેવું બોલે છે તેવું લખે છે માટે તેમની બોલવાની ભાષા શિષ્ટ હોવી જોઈએ.
- કા.પા. પર અઘરી જોડણી ધરાવતા ત્રણ-ચાર શબ્દો દરરોજ આખા દિવસ માટે લખેલા રાખવા.
લેખિત અભિવ્યક્તિમાં જોવા મળતી ઊણપો અને તેના ઉપાયો :
જોડણીની ભૂલોઃ
- જોડણીકોશનો ઉપયોગ કરવો.
- જોડણીના સરળ નિયમો આપવાં.
- જોડણીના ચાર્ટ બનાવવા.
- શિક્ષકે શુદ્ધ જોડણી લખવાનો આગ્રહ રાખવો.
- શુદ્ધ ઉચ્ચારણનો મહાવરો આપવો.
- જોડણીભેદને કારણે અર્થઘટનમાં થતાં તફાવતો દર્શાવવા.
- જોડાક્ષરનું જ્ઞાન આપવું.
- વિદ્યાર્થી પાસેથી સાચી જોડણીનો હમેશાં આગ્રહ રાખવો.
- જોડણીદોષની વ્યકિતગત ચર્ચા કરવી.
- જોડણીની રમતો રમાડવી.
અનુસ્વારની ભૂલો :
- અનુસ્વાર નહીં કરવાથી કે ખોટી જગ્યાએ કરવાથી અર્થમાં થતા ફેરફાર દર્શાવવા.
- આગમન પદ્ધતિથી જ્ઞાન આપવું.
- જોડણીકોશનો ઉપયોગ કરાવવો.
- અનુસ્વારના ચાર્ટસ બનાવવા.
- શક્ય હોય તો ‘સુંદરમ્’ કૃત અનુસ્વારનું કાવ્ય મુખપાઠ કરાવવું.
- અનુસ્વારના નિયમો શીખવવા
- શિક્ષકે અનુસ્વાર માટે વ્યક્તિગત કાળજી લેવી.
- અનુસ્વારની રમતો રમાડવી.
- વિરામચિહ્નોની ભૂલો :
- વિરામચિહ્નોની સંજ્ઞા યોગ્ય રીતે કરે તેનું ધ્યાન રાખવું.
- વિરામચિહ્નોની સંજ્ઞાના ચાર્ટસ ટીંગાળવા.
- વિરામચિહ્નોનું મહત્ત્વ જણાવવું.
- વિરામચિહ્નોના અનુપયોગથી થતા અર્થના અનર્થ તરફ ધ્યાન દોરવું.
- વિરામચિહ્નોની રમતો રમાડવી.
- વિરામચિહ્નો વિશે મહાવરો આપવો.
- શબ્દભંડોળનો અભાવઃ
- શબ્દકોશનો ઉપયોગ કરાવવો.
- શાબ્દિક રમતો રમાડવી
- સમાનાર્થી, વિરોધી શબ્દોનું જ્ઞાન આપવું.
- રૂઢિપ્રયોગ, કહેવતો, પ્રાસયુક્ત શબ્દોનું જ્ઞાન આપવું.
જોડણીકોશનું મહત્ત્વ :
ભાષાશિક્ષણમાં ધર્મગ્રંથ જેટલું જ મહત્ત્વ જોડણીકોશનું છે. જોડણીકોશ સિવાયનું પુસ્તકાલય અને ભાષાના શિક્ષકનું ઘર અધૂરપની નિશાની છે. ખરેખર તો દરેક ગુજરાતીના ઘરમાં જોડણીકોશ હોવો જોઈએ. તેનું મહત્ત્વ નીચે પ્રમાણે છે.
- શબ્દોની સાચી જોડણી જાણવા,
- શબ્દોના સમાનાર્થી- વિરોધી શબ્દો જાણવા.
- રૂઢિપ્રયોગો – કહેવતોના અર્થ જાણવા.
- અપરિચિત શબ્દોના અર્થ જાણવા.
- વાક્યમાં વપરાયેલ શબ્દના સંદર્ભ પરથી શબ્દકોશની મદદ વડે તેનો અર્થ જાણવા.
- શબ્દભંડોળ વધારવા.
- કૃતિમાં વપરાયેલ શબ્દનો કૃતિના વિષયવસ્તુ પ્રમાણે શું અર્થ થાય છે તે જાણવા. એક જ શબ્દના વિવિધ અર્થો જાણવા.
- લેખન માટે જરૂરી શબ્દ મળતો ન હોય તો તેને બદલે બીજા શબ્દની પસંદગી કરવા.
- અનેક શબ્દોમાંથી એક શબ્દની પસંદગી કરવા.
- લેખનમાં ચોક્સાઈ લાવવા.
- શબ્દના અર્થની ખાતરી કરવા.
- વિદ્યાર્થી જ્યારે જોડણીકોશ દ્વારા કોઈ ચોક્કસ શબ્દનો અર્થ શોધે છે ત્યારે તેની આંખ સામેથી અનેક શબ્દો પસાર થતાં હોવાથી તેનું શબ્દભંડોળ આપોઆપ વધે છે.