Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ભાષા શિક્ષણમાં ઉપયોગી સંદર્ભ સાહિત્ય ભાગ - 1 // Useful Reference Literature in Language Teaching Part-1

ભાષા શિક્ષણમાં ઉપયોગી સંદર્ભ સાહિત્ય ભાગ - 1 
Useful Reference Literature in Language Teaching Part-1

 

ભાષા શિક્ષણમાં ઉપયોગી સંદર્ભ સાહિત્ય ભાગ - 1  Useful Reference Literature in Language Teaching Part-1

સંદર્ભ ગ્રંથો 

માતૃભાષાના શિક્ષણને રસપ્રદ અને અસરકારક બનાવવા માટે મહત્ત્વની સાધન સામગ્રીમાં સંદર્ભ ગ્રંથોનો સમાવેશ થાય છે. પાઠ્યપુસ્તકના શિક્ષણને વધુ ઉચિત, ઘનિષ્ઠ અને માહિતીપ્રચૂર બનાવવા તથા અઘતન પ્રવાહોની જાણકારી મેળવવા સંદર્ભગ્રંથો ખૂબ જ ઉપયોગી છે.

પાઠ્યપુસ્તક ઉપરાંત વિશેષ માહિતી મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ પ્રકારના ગ્રંથોનો સમાવેશ સંદર્ભ ગ્રંથોમાં કરવામાં આવે છે. દા.ત. વિવેચના ગ્રંથો, ભાષાવિજ્ઞાન ગ્રંથો, વ્યાકરણના ગ્રંથો, સાહસકથાઓ, પ્રવાસ કથાઓ, સામાયિકો, જ્ઞાનકોશ, શબ્દકોશ વગેરે.

વર્ગશિક્ષણના હેતુઓની સિદ્ધિ માટે શિક્ષકે વિદ્યાર્થીઓને અધ્યયન અનુભવો પૂરા પાડવાના હોય છે. આ અધ્યયન અનુભવો જેટલાં સંગીન તેટલું શિક્ષણ વધુ અસરકારક બની શકે છે, મોટે ભાગે આ પ્રકારના અનુભવો અભ્યાસક્રમ પર આધારિત પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીને આપવામાં આવે છે.

સંદર્ભગ્રંથો મારફત જે તે એકમને ઉપયોગી એવી વિશેષ માહિતી મેળવી શકાય છે અને વિદ્યાર્થી સમક્ષ રજૂ કરી શકાય છે. પાઠ્યપુસ્તક સિવાયના વધારાના જ્ઞાનથી બાળકો સમૃદ્ધ પણ થાય છે. સંદર્ભગ્રંથો શિક્ષકના સાચા મિત્રો છે. ભાષાશિક્ષણમાં આવતી જુદી જુદી કૃતિઓ અંગે સવિશેષ જ્ઞાન મેળવવા સંદર્ભગ્રંથો ઉપયોગી બને છે. પાઠ્યપુસ્તકની સ્વાભાવિક મર્યાદાઓ સંદર્ભગ્રંથથી દૂર કરી શકાય છે. 

મહત્ત્વ :

શિક્ષક માટે સંદર્ભગ્રંથો આધારગ્રંથો બની રહે છે. તેથી તે શિક્ષક માટે અમૂલ્ય અને મહત્ત્વના પુરવાર થયા છે.

  • શિક્ષકની મર્યાદાઓ દૂર થાય છે.
  • શિક્ષક અને વિદ્યાર્થી બંનેની જ્ઞાનક્ષિતિજો વિસ્તરે છે.
  • શિક્ષકનું અધ્યાપન કાર્ય તાજીગીસભર, જીવંત અને સમૃદ્ધ બને છે.
  • વિષયનું શિક્ષણ રુચિકર અને અસરકારક બનવા પામે છે.
  • શિક્ષકનો આત્મવિશ્વાસ વધે છે.
  • વિદ્યાર્થીઓનું વાચન વધે છે.
  • વિદ્યાર્થીઓ સંદર્ભ પુસ્તકોમાંથી માહિતી મેળવતા શીખે છે.
  • વિષયવસ્ . સમગ્ર તથા ખ્યાલ વિકસે છે.
  • સેમિનાર, સ્વાધ્યાય, પૅનલ–ચર્ચા, સિમ્પોઝિયમ, જૂથચર્ચા, નિરીક્ષિત અભ્યાસ
  • પદ્ધતિની અસરકારકતા વધારવા સહાયક બને છે.
  • વિશિષ્ટ હેતુઓ પ્રાપ્ત કરવામાં ઉપકારક બને છે.
  • અધ્યતન માહિતીથી શિક્ષણ વિશ્વસનીય બને છે.
  • આધુનિક બનાવો, પ્રવાહો અને સંશોધનો વગેરેની માહિતી મળે છે.
  • શિક્ષકની સજજતા વધે છે.
  • અધ્યાપનમાં ઊંડાણ આવે છે.
  • વિદ્યાર્થી વધુ વાંચવા પ્રેરાય છે.
  • ભાષા શિક્ષણમાં ઉપયોગી સંદર્ભ સાહિત્ય

ઉપયોગઃ

  • વિદ્યાર્થીઓના વાચન રસને પોષવા.
  • પાઠ્યપુસ્તકની સામગ્રીની પૂર્તિ અને પુષ્ટિ કરવા.
  • કૃતિને અનુરૂપ કાવ્યપંક્તિઓ, સૂત્રો, કહેવતોની રજૂઆત કરવા.
  • બીજા વિષયો સાથે અનુબંધ બાંધવા. વિષયવસ્તુ અંગે વિશેષ સમજ વિકસાવવા.
  • વિશેષ વિગતો અને માહિતીના એકત્રીકરણ માટે.

 

વિશેષવાચનનાં પુસ્તકો 

અર્થ - સંકલ્પના : “શાળામાં માતૃભાષાના પાઠ્યક્રમ અનુસાર તૈયાર થયેલાં પાઠ્યપુસ્તકની કૃતિઓ ઉપરાંતની કૃતિઓ કે પુસ્તકોનું વાચન એટલે ઇતરવાચન’’ “માતૃભાષાના સઘન અધ્યયન માટેની પાઠ્યપુસ્તકીય કૃતિઓ ઉપરાંતની વધારાની કૃતિઓ કે પુસ્તકોનું વાચન તે વિશેષવાચન.’’ તેને પૂરકવાચન પણ કહેવાય છે.

માતૃભાષા શિક્ષણમાં પાઠ્યપુસ્તકમાંના પાઠ કે કવિતા વિદ્યાર્થીઓ માટે પૂરતાં નથી, તેની પુરવણીરૂપે વાચનસામગ્રી તે વિશેષવાચન, વિદ્યાર્થીને જે તે એકમ શીખવવામાં વધારે મદદરૂપ થાય તેવું વાચન વિશેષવાચન છે. આમ વિશેષવાચન આધારવાચન તથા પૂરકવાચન છે. છતાં તે હેતુપૂર્વકનું વાચન છે. વર્ગકાર્ય દરમિયાન કૌશલ્યલક્ષી કાર્ય વિદ્યાર્થી શિક્ષકના ભાષાકીય આંતરસંબંધ દ્વારા થાય છે. તે ખૂબ જ મર્યાદિત હોય છે. આવા સંજોગોમાં વિશેષવાચન દ્વારા આ આંતરસંબંધ અને વિદ્યાર્થી જ્ઞાનમાં વધારો કરી શકાય. વિશેષવાચન વિદ્યાર્થીઓને બહુ સંદર્ભો આપતું નથી પરંતુ તે જે તે એકમ શીખવવામાં મદદરૂપ થાય છે.

ભાષાશિક્ષકે કોઇપણ એકમનું શિક્ષણકાર્ય કરતાં પહેલાં તેને અનુરૂપ વિશેષ વાચન સામગ્રી હાથવગી કરી લેવી જોઈએ. વિશેષવાચનની મદદથી વિદ્યાર્થીઓને પૂરકમાહિતી આપી શિક્ષણકાર્ય કરવું જરૂરી છે. જેમકે નવલિકા વર્ગખંડમાં ભણાવતા પહેલાં નવલિકા-વાર્તા સાહિત્ય-સ્વરૂપ અંગેનો સામાન્ય ખ્યાલ વિદ્યાર્થીઓને આપવો જોઈએ. વિશેષ-વાચન મૂળ વાચ્યવિષયવસ્તુ સાથે સુસંગત હોવું જોઈએ. શિષ્ટ પ્રકારનું હોવું જોઈએ તથા વિદ્યાર્થીના અભ્યાસ-અધ્યયન સામગ્રીને મદદકર્તા હોવું જોઈએ.

વિદ્યાર્થીઓને વિશેષવાચન પ્રત્યે અભિમુખ કરવા પુસ્તકાલયની ટેવ પાડવી જોઈએ. વર્ગશિક્ષણકાર્ય દરમિયાન આડકતરાં સૂચનો દ્વારા વિશેષવાચન પ્રત્યે પ્રેરણા પૂરી પાડી શકાય. શાળામાંથી ગુજરાતીની નાની નાની પુસ્તિકાઓ વિદ્યાર્થીઓને આપે તો પૂરક -વાચનનો રસ પેદા કરી શકાય. વિશેષવાચન માટે શાળામાં માતૃભાષાના થોડાં ઘણાં પુસ્તકો વસાવી શકાય. વિદ્યાર્થીઓના જૂથ પાડી આવું સાહિત્ય વિશેષવાચન માટે આપી શકાય. શાળાના સંસ્કાર કાર્યક્રમોમાં પણ ગુજરાતી ગીતો, અન્ય પાક્યેત્તર કાવ્યકૃતિઓ, નાટક, સંવાદ રજૂ કરવા પ્રોત્સાહન પૂરું પાડી પૂરકવાચન પ્રત્યે અભિમુખ કરી શકાય.

વિશેષવાચનનું મહત્ત્વ :

  • વિશેષવાચન વિદ્યાર્થીઓને વાચનસામગ્રીનું ફલક વિસ્તારવામાં ઉપયોગી છે*
  • વિદ્યાર્થી પોતાની મેળે વિવિધ વાચન દ્વારા જ્ઞાન મેળવતો થાય છે.
  • વિશેષવાચનથી વિદ્યાર્થી આનંદ મેળવે છે, અવકાશના સમયનો સદુપયોગ કરે છે.
  • શિષ્ટવાચન દ્વારા તેના સંસ્કારોનું પોષણ થાય છે.
  • વિદ્યાર્થીને વિશેષવાચન દ્વારા સાંસ્કૃતિક વારસાનો વ્યાપક પરિચય મળે છે. તેની સાહિત્ય અભિરુચિ કેળવાય છે.
  • ઈતરવાચનને લીધે તેને પસંદગી અનુસાર વાચન કરવાની તક મળે છે.
  • વિદ્યાર્થીના જ્ઞાનનાં દ્વાર ખોલી નાખે છે.
  • નવા વિચારોને મસ્તિષ્કમાં પ્રવેશવા માટે વિશેષવાચન એ ગુરુ ચાવી છે.
  • અનેકવિધ માનવીઓના રીતરિવાજો, પહેરવેશ, ખાનપાન અને રૂઢિઓ સાથેનું તાદાત્મય સાધી શકે છે.
  • વિશેષવાચનથી વ્યક્તિ સમૃદ્ધ બને છે.
  • આજના સંકુલ જીવનમાં પુસ્તક વ્યક્તિનો મિત્ર બની રહે છે.
  •  વિશેષવાચનથી વિદ્યાર્થીઓના, શબ્દભંડોળમાં સતત વધારો થાય છે અને તે કુશળ વાચક બને છે.
  • વિશેષવાચન, ઈતરવાચન, શિષ્ટવાચનથી વિદ્યાર્થીને જ્ઞાન, આનંદ, સંસ્કાર અને વાચન કૌશલ પ્રાપ્ત થાય છે.

 આમ વિશેષવાચન દ્વારા વિદ્યાર્થીને સાહિત્યનો આસ્વાદ કરતો કરી તેનું સંસ્કાર ઘડતર કરવાનો મુખ્ય હેતુ છે. શિક્ષણનું ધ્યેય સિદ્ધ કરવા પાઠ્યપુસ્તક શિક્ષણનું એક ઉપયોગી સાધન છે, પરંતુ સાધ્ય નથી. આથી પાઠ્યપુસ્તકના શિક્ષણ દરમિયાન વિશેષવાચન માટેના પુસ્તકોનો પરિચય વિદ્યાર્થીઓને કરાવવો જરૂરી છે. વિદ્યાર્થીઓ તે પ્રકારના સાહિત્ય પ્રત્યે અભિરુચિ કેળવે અને વધુને વધુ રસ લેતાં થાય તે જોવાનું કામ માતૃભાષા શિક્ષકનું છે. દા.ત., ‘રાષ્ટ્રધ્વજને’ કાવ્ય શીખવ્યા પછી ‘આપણો રાષ્ટ્રધ્વજ’ પુસ્તક વિશેષવાચન માટેવિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવું જોઈએ. પન્નાલાલ પટેલની ‘જાનપદી’ નવલિકાઓનો પરિચય કે ‘દ્વિરેફની વાર્તા રજૂ કરી વાર્તા સાહિત્ય કે નવલિકાઓનો વિદ્યાર્થીઓને પરિચય કરાવી શકાય. આવા પ્રયત્નો વારંવાર અને સતત થવા જોઈએ. દરેક ધોરણ માટે વિશેષ વાચનના સાહિત્યની યાદી તૈયાર કરવી જોઈએ.

 

સામયિકો 

સંકલ્પના : માતૃભાષા શિક્ષણમાં ઇતરવાચન માટે પુસ્તકોની પસંદગી સામે સામયિકોની પસંદગીનું પણ એટલું જ મહત્ત્વ છે. રમકડું, ચાંદામામા, ઝગમગ, રસરંજન કે ચંપક જેવા સામયિકો નાના બાળકો માટે વધુ યોગ્ય ગણાશે, પરંતુ કુમાર, સમર્પણ, નવનીત, સંસ્કૃતિ કે અખંડઆનંદ, સાહિત્ય મીમાંસા, જેવા સામયિકો માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વધુ યોગ્ય છે. ઉપરાંત વિજ્ઞાનજગત, ઘરશાળા, પ્રગતિશીલ શિક્ષણ, જેવા સામયિકો મારફતે આવતા અન્ય દેશના સાહિત્ય તરફ પણ વિદ્યાર્થીઓ અભિરુચિ કેળવે તેવી વારંવાર સૂચના આપવી જરૂરી છે.

માતૃભાષા શિક્ષણમાં માધ્યમિક શાળાની પ્રત્યેક શ્રેણીને લાભ મળી રહે તેવાં ભિન્ન ભિન્ન રુચિવાળાં વિદ્યાર્થીઓને તક મળી રહે તે રીતે વિવિધ સામયિકો પસંદ કરવા જોઈએ. સામયિકો આપણા રોજબરોજના શિક્ષણકાર્યને વ્યવહારુ અને સમૃદ્ધ કરનારું તથા વિશેષ- વાચનની સામગ્રી તરીકે ખૂબ જ ઉપયોગી બની શકે તેવું હોવું જોઈએ.

 
સામયિકોની ઉપયોગિતા :

  • સામયિકો પાઠ્યપુસ્તકની મર્યાદાઓ દૂર કરે છે.
  • વિષયના પ્રવર્તમાન પ્રવાહોથી પરિચિત રાખે છે.
  • ફુરસદના સમયમાં સદુપયોગ તથા શિષ્ટ અને શ્રેષ્ઠ સાધન છે.
  • વિદ્યાર્થીના વાચનની સર્જનશીલતાને પ્રેરે અને પ્રોત્સાહિત કરે છે.
  • સાહિત્યના વિવિધ સ્વરૂપોનો પરિચય આપે છે. સંદર્ભગ્રંથોની ગરજ સારે છે.
  • મહાન વિભૂતિઓનાં જીવનચરિત્રો, સંતો, મહાત્માઓ, કાવ્યનું રસદર્શન, પ્રવાસવર્ણનો, સામાજિક, સાંસ્કૃતિક, વૈજ્ઞાનિક, આર્થિક, સાહિત્યિક માહિતી તેમાં પ્રસિદ્ધ થતી હોય છે. આ માહિતીનો ઉપયોગ શિક્ષણકાર્ય વખતે વર્ગખંડમાં કરી શકાય છે.
  • એકમને અનુલક્ષીને અપાતા સ્વાધ્યાયો કરવામાં સામયિકો વધુ ઉપયોગી બને છે.

આમ વર્તમાન પ્રવાહોની જાણકારી માટે, સંદર્ભ કે પૂરકવાચન માટે, વધુ જ્ઞાન સંપાદન કરવા માટે, મનોરંજન માટે તથા ફુરસદના સમયના સદુપયોગ માટે પુસ્તકોની સરખામણીમાં થોડા સમયમાં વાચન કરી શકાય એવી અનુકૂળતા ધરાવતાં સામયિકો ઉપયોગી પુરવાર થાય છે. શાળામાં ફુરસદના સમયે વિદ્યાર્થીઓસામયિકોનો વિશેષ ઉપયોગ કરતા થાય તે બાબતને ધ્યાનમાં રાખી શાળામાં આવતા સામયિકોની રજૂઆત કરવી જોઈએ.



Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏