માતૃભાષા શિક્ષણ અને દશ્ય શ્રાવ્ય સાધનો ભાગ - 2
Mother Tongue Teaching and Audio Visual Aids Part - 2
દશ્ય-શ્રાવ્ય સાધનો :
માતૃભાષાના શિક્ષણમાં
નીચેના દૃશ્ય-શ્રાવ્ય સાધનોનો ફાળો અમૂલ્ય છે. તેનો ફળદાયી ઉપયોગ થઈ શકે છે.
(9) કોઠાઓ :
માતૃભાષા શિક્ષણમાં
કોઠાઓનો ઉપયોગ સરળતાપૂર્વક કરી શકાય છે. ખાસ કરીને ભાષામાં વ્યાકરણશિક્ષણમાં તેનો
સવિશેષ ઉપયોગ કરી શકાય છે.
મહત્ત્વ : માતૃભાષામાં ઉદા. ઉચ્ચાર સ્થાનો પ્રમાણે સ્વર-વ્યંજનનું
વર્ગીકરણ કરવા કોઠો ખૂબ જ ઉપયોગી બને છે.
- ભાષામાં વ્યાકરણ શિક્ષણમાં સંધિ, સમાસ, શબ્દસિદ્ધિ, શબ્દભંડોળ વગેરે વિદ્યાર્થીઓમાં વિકસાવવા માટે તેમજ મૂલ્યાંકનમાં કોઠાનો ઉપયોગ અસ૨કા૨ક રીતે કરી શકાય છે.
- વાક્ય વિશ્લેષણ અને વાક્ય પૃથક્કરણનું ભાષાશિક્ષણ કોઠાઓ દ્વારા જ થાય
- માતૃભાષામાં વ્યાકરણ શિક્ષણની ઘણી બાબતોની રજૂઆત કોઠા દ્વારા સરળ, સ્પષ્ટ અને અસરકારક બને છે.
- આમ માતૃભાષા શિક્ષણમાં સારો શિક્ષક વ્યાકરણ શિક્ષણ દરમિયાન રજૂઆતને અસરકારક, સ્પષ્ટ અને રસપ્રદ બનાવવા કોઠાનું પ્રયોજન કરે છે.
(10) એપિડાયોસ્કો
એપિડાયોસ્કોપ ચિત્રોને
પડદા પર કે ભીંત પર પ્રક્ષેપિત કરવા માટેનું સાધન છે. ચિત્રો ઉપરાંત સ્લાઈડ,
તૈયાર કરેલી બીજી સામગ્રી પણ પ્રક્ષેપિત કરી બતાવી શકાય છે.
- એપિડાયોસ્કોપ દ્વારા પારદર્શક તેમજ અપારદર્શક બંને બાબતો દર્શાવી શકાય છે.
એપિડાયોસ્કોપમાં અપારદર્શક ચિત્રો તથા સામગ્રીને બહુ જ સરસ રીતે દર્શાવી શકાય છે.
માતૃભાષા શિક્ષણમાં પદ્ય
અને ગદ્ય કૃતિઓમાંના લેખક અને કવિના ચિત્રો, પ્રકૃતિ વર્ણનનું ચિત્ર, પ્રસંગ ચિત્ર,
પ્રભાતનું ચિત્ર, નદી કિનારાનું
ચિત્ર, દુષ્કાળના દેશ્યોનું ચિત્ર, વગેરે વિવિધસામગ્રી તથા ચિત્રોનો ઉપયોગ માતૃભાષાના અસરકારક
શિક્ષણ માટે કરવાનો હોય છે. આ ચિત્રો તથા સામગ્રી નાના કદની હોય ત્યારે તેનો સીધે
સીધો ઉપયોગ સારી રીતે થઈ શકતો નથી. વર્ગના બધા વિદ્યાર્થીઓ તેને સ્પષ્ટ રીતે જોઈ
કે સમજી શકતા નથી. આવા સમયે તેને એપિડાયોસ્કોપ દ્વારા મોટું બનાવી પડદા પર કે ભીંત
પર દર્શાવી શકાય છે.
મહત્ત્વ : માતૃભાષા શિક્ષણમાં એપિડાયોસ્કોનું મહત્ત્વ નીચે મુજબ છે.
- માતૃભાષામાં પઘ અને ગદ્ય કૃતિઓ અનુસાર વિવિધ ચિત્રો, રેખાચિત્રો, છાયાચિત્રો, એકમનો મુદ્દાસર સારાંશ રજૂ કરતા ચાર્ટ્સ વગેરે દર્શાવવા માટે એપિડાયોસ્કોપ મહત્ત્વનું સાધન બની રહે છે.
- ભાષામાં કાવ્યો, લેખો, સુવિચાર, સુભાષિત, સમાચાર, અહેવાલ લેખનના નમૂનાઓ ભીંત પર દર્શાવી શકાય છે.
- જોડણીના મહત્ત્વના નિયમો, સ્વર-વ્યંજનનું ચિત્ર, વ્યાકરણના વિવિધ ચાર્ટ્સ ચિત્રો, આકૃતિઓ, કાર્ટૂન, વર્તમાનપત્રોમાંના ચિત્રો, છબીઓ, લખાણ, સાહિત્યને લગતી મહત્ત્વની બાબતો વગેરે શિક્ષકે જાતે તૈયાર કરેલાં ચિત્રો કે આકૃતિઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા પ્રકાશિત થતા ચિત્રો, લખાણ કે કૃતિઓ વગેરેનો સંગ્રહ કરી તેને શિક્ષણમાં જરૂરિયાત ઊભી થતાં એપિડાયોસ્કોપ પર દર્શાવી શકાય છે.
- પારદર્શક તેમજ અપારદર્શક બંને પ્રકારની સામગ્રી, ચિત્રો દર્શાવી શકાય છે.
- નાનાં ચિત્રો મોટાં કરી સમૂહમાં દર્શાવી શકાય છે.
- ચિત્રો ઉપરાંત આકૃતિઓ, લખાણો વગેરે દર્શાવવામાં ઉપયોગ થાય છે. એપિડાયોસ્કોપ દ્વારા ચિત્રોની ક્રમિકતા સચવાય છે.
- જે ચિત્ર કે આકૃતિ લાંબા સમય સુધી રજૂ કરવાની ઇચ્છા થાય તો તેમ કરી શકાય છે.
- અન્ય દશ્ય-શ્રાવ્ય સાધનોની જેમ એપિડાયોસ્કોપ દ્વારા વિદ્યાર્થીઓમાં રસ અને જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકાય છે.
- એપિડાયોસ્કોપ દ્વારા વિદ્યાર્થીઓની કૃતિઓ રજૂ કરવાથી તેઓને પ્રોત્સાહન મળે છે.
- માતૃભાષામાં ગદ્ય, પદ્ય અને વ્યાકરણના શિક્ષણકાર્યને અસરકારક બનાવવા માટે એપિડાયોસ્કોપનું ખૂબ જ મહત્ત્વ છે.
(11) ફિલ્મ સ્ટ્રીપ્સ :
કચકડાની પટ્ટી પર એકબીજા
સાથે સંબંધિત પારદર્શક અને સ્થિર ચિત્રોની ક્રમબદ્ધ હારમાળાને ફિલ્મસ્ટ્રીપ કહેવાય
છે. ફિલ્મસ્ટ્રીપ્સ એક જ પટ્ટી પર ચિત્રો કે આકૃત્તિઓની ફોટોગ્રાફિક હારમાળા છે.
ફિલ્મ સ્ટ્રીપ્સ કાળી, સફેદ અથવા રંગીન હોય છે. તેના દ્વારા પડદા પર રજૂ થતાં ચિત્રો
સ્થિર હોય છે. તેનો ઉપયોગ કરતાં ચિત્રોનો ક્રમ બદલી શકાતો નથી તે માત્ર જોઈ જ શકાય
છે, સાંભળી શકાતી નથી. ફિલ્મ સ્ટ્રીપ્સની આ
મર્યાદાઓ હોવા છતાં માતૃભાષાના શિક્ષણ માટે એક અસરકારક દશ્ય સાધન છે. માતૃભાષાના
વિવિધ એકમો શીખવવા માટે તેનો ખૂબ જ ઉપયોગ થઈ શકે છે. આ એક પ્રક્ષેપિત પ્રકારનું
સાધન છે. તેને પડદા પર પ્રદર્શિત કરવા ફિલ્મ સ્ટ્રીપ્સ પ્રોજેક્ટરની જરૂર પડે છે.
ફિલ્મ સ્ટ્રીપ્સ પ્રોજેક્ટર દ્વારા વિવિધ ફિલ્મ સ્ટ્રીપ્સ પડદા પર પ્રદર્શિત કરી
શકાય છે. ફિલ્મ સ્ટ્રીપ્સ શિક્ષક ધારે એટલો સમય પડદા પર સ્થિર રાખી શકે છે. તેનો
ઉપયોગ ખૂબ જ સરળ છે. તે ઓછા ખર્ચે વસાવી શકાય છે. વિષયનું સાતત્ય જળવાઈ રહે છે.
માતૃભાષાના એકમને લગતા
ચિત્રો, ચિત્રોની મુદ્દાસરની સમજૂતી આપતાં લખાણ,
એકમને લગતી રજૂઆત, આખા એકમને આવરી
લેતાં ક્રમિક હારબંધ રજૂઆત કરતી ફિલ્મ સ્ટ્રીપ્સ ભાષાનાં શિક્ષણ કાર્યને રસપ્રદ
અને વધુ અસરકારક બનાવે છે. ફિલ્મ સ્ટ્રીપ્સ દ્વારા શીખવતાં જે ચિત્રની શિક્ષણની
દૃષ્ટિએ વધારે અગત્ય હોય, તે ચિત્ર પડદા પર
વધુ સમય માટે સ્થિર રાખી તેના પર શિક્ષક વિગતપૂર્ણ ચર્ચા કરે છે.
મહત્ત્વ : માતૃભાષાના શિક્ષણમાં ફિલ્મ સ્ટ્રીપ્સના ઉપયોગથી નીચે જેવા
લાભો થાય છે.
- ફિલ્મ સ્ટ્રીપ્સમાં રજૂ થતાં ચિત્રો લાંબા સમય સુધી ઝીણવટપૂર્વક નિહાળી શકાતાં હોઈ વિદ્યાર્થીઓમાં સ્વઅધ્યયનની ટેવ વિકસે છે.
- ફિલ્મ સ્ટ્રીપ વિદ્યાર્થીઓના રસ અને અભિરુચિને આકર્ષતી હોઈ સમાજવિદ્યાનું શિક્ષણ રસપ્રદ, અસરકારક અને ચિંરજીવ બને છે.
- ફિલ્મ સ્ટ્રીપ્સ માતૃભાષાના જે તે એકમને લગતાં વિવિધ ચિત્રોની ક્રમિક રજૂઆત કરે છે.
- જેમ જેમ પડદા પર ચિત્રો આવતાં જાય તેમ તેમ ચિત્રના વિષયવસ્તુનું શિક્ષક દ્વારા અર્થઘટન થતું જાય છે અને ચિત્રો સ્થિર રાખી વિદ્યાર્થીઓની અર્થગ્રહણશક્તિ પ્રશ્નો દ્વારા માપી શકાય છે.
- વિદ્યાર્થીઓ જાતે ફિલ્મસ્ટ્રીપ્સ બનાવતાં થાય છે.
- ફિલ્મ સ્ટ્રીપ્સ દ્વારા ભાષાશિક્ષણને ઝડપી બનાવી શકાય છે.
(12) સ્લાઈડ
:
ફિલ્મના નાના ટુકડા કે
પારદર્શક પદાર્થ પર તૈયાર કરવામાં આવેલ ચિત્ર કે આલેખને સ્લાઈડ કહેવામાં આવે છે.
સાદા કાચ પર કાળી શાહીથી કે પારદર્શક રંગોની મદદથી પણ સ્લાઈડ બનાવી શકાય છે.
સ્લાઈડ બનાવવા જીલેટિન પેપર પણ વાપરવામાં આવે છે. દુધિયા કાચ પર પણ સ્લાઈડ બનાવી
શકાય. સ્લાઈડ સામાન્ય રીતે 2” 2” ની હોવાથી ઓછા
ખર્ચે તૈયાર થઈ શકે છે. સ્લાઈડ પ્રોજેક્ટરો હવે ઉપલબ્ધ છે. આ પ્રોજેક્ટરોમાં 2"
2" ની સાઈઝની સ્લાઈડને પ્રદર્શિત કરી આખા વર્ગને
બતાવી શકાય છે.
માતૃભાષાના વર્ગશિક્ષણમાં
વ્યાકરણને લગતા વિવિધ મુદ્દાઓની આકૃતિઓ, કોઠાઓ, ગઘ પાઠમાંના લેખકોના ચિત્રો, પદ્ય કાવ્યના કવિઓના ચિત્રો, કોતરી તે કાર્ડને
બે કાચની પ્લેટો વચ્ચે મઢીને પણ સ્લાઈડ બનાવી શકાય છે. વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્તિ
ઓળખ ચિત્રોની સ્લાઈડ બનાવી શકાય. હવે તો ફોટોગ્રાફીની મદદથી પણ વિવિધ સ્લાઈડો
બનાવી શકાય છે. આ પ્રકારે તૈયાર કરેલી સ્લાઈડો પ્રોજેક્ટરની મદદથી પડદા પર બતાવી
શકાય છે. આવી ભાષાવિષયક સ્લાઈડોનો વર્ગશિક્ષણમાં અસરકારક ઉપયોગ કરવા પહેલાંથી
અવલોકન કરી લેવું જોઈએ. માતૃભાષાના શિક્ષણમાં સ્લાઈડોનાં અવલોકન માટે
વિદ્યાર્થીઓને પૂરતાં પ્રમાણમાં સમય આપવો જોઈએ. સ્લાઈડોમાં વ્યક્ત વિષયવસ્તુ માટે
અવલોકનાત્મક અને અર્થગ્રહણ થાય તે માટે વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા જોઈએ જેથી
તેમની અવલોકન શક્તિ વિકસાવી શકાય, વિષયવસ્તુના
જ્ઞાનને વધુ દૃઢ બનાવી શકાય છે.
મહત્ત્વ : માતૃભાષાના શિક્ષણમાં વિવિધ એકમોને આવરી લેતી સ્લાઈડો
બનાવી શકાય તેમ છે. તેના ઉપયોગથી નીચે જેવા લાભ થાય છે.
- સ્લાઈડ દ્વારા વર્ગશિક્ષણને રસપ્રદ બનાવી શકાય છે.
- વિદ્યાર્થીઓમાં રસ ઉત્પન્ન થઈ શકે છે.
- વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરવામાં ઉપયોગી બને છે.
- સ્લાઈડ તૈયાર કરવામાં ઓછો ખર્ચ થતો હોઈ ઓછા ખર્ચે ઉત્તમ શિક્ષણ પૂરું પાડી શકાય છે.
- ચિત્રો, આકૃતિઓ વગેરે સ્લાઈડમાં રજૂ કરી તેને સ્લાઈડ પ્રોજેક્ટર દ્વારા મોટા કરી દર્શાવાતાં હોઈ શીખવવામાં ખૂબ જ સુગમતા આવે છે
- સ્લાઈડ જેટલો સમય વર્ગમાં રાખવાની જરૂર હોય તેટલો સમય વર્ગમાં રજૂ કરી શકાય છે.
(13) ટેપરેકર્ડર
:
આજે વાસ્તવિક જગતમાં
ટેપરેકર્ડરનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે. ટેપરેકર્ડર એ શ્રાવ્ય એવું યાંત્રિક સાધન છે.
ટેપરેકર્ડરમાં ધ્વનિને પ્લાસ્ટિકની ટેપ પર મુદ્રિત કરવામાં આવતો હોય છે.
માતૃભાષાના શિક્ષણ માટે તે ખૂબ જ મહત્ત્વનું સાધન છે. આજે વિવિધ વિષયોના શિક્ષણ
માટે તેનો વ્યાપક ઉપયોગ થવા માંડ્યો છે. ભાષાશિક્ષણ માટે ટેપરેર્ડર એક અનિવાર્ય
સાધન બની ગયું છે. માતૃભાષાની જુદી જુદી વિગતો જુદી જુદી રીતે ટેપ કરી શિક્ષક તેનો
વર્ગશિક્ષણમાં સરળતાપૂર્વક અને અનુકૂળતા પ્રમાણે સફળતાપૂર્વક ઉપયોગ કરી શકે છે.
ટેપરેકર્ડરના ઉપયોગથી રેડિયોના ઉપયોગની મર્યાદાને નિવારી શકાય છે. રેડિયો પર જાહેર
થતા કાર્યક્રમો ટેપરેકર્ડર પર મુદ્રિત કરીને અનુકૂળ સમયે વર્ગમાં રજૂ કરી શકાય છે.
મહત્ત્વ : માતૃભાષા શિક્ષણમાં ટેપરેકર્ડરનો ઉપયોગ નીચે મુજબ અસરકારક
રીતે થઈ શકે.
- ભાષાશિક્ષણમાં ઉચ્ચાર અશુદ્ધ કરનાર વિદ્યાર્થીઓના ઉચ્ચારોનું રેકોર્ડિંગ કરી તેમને સંભળાવવામાં આવે તો તેમને તેમના ઉચ્ચાર દોષોનો ખ્યાલ આવે છે. ત્યારબાદ તે ઉચ્ચારશુદ્ધ કેવા હોય તે રેકોર્ડિંગ કરી સંભળાવવામાં આવે તો ઉચ્ચારશુદ્ધિ કાર્યક્રમ સરળ બને. ઉચ્ચારશુદ્ધિ અંગે ક્રમિક શાસ્ત્રીય તાલીમ આપતા પાઠો વિદ્વાન વ્યક્તિઓ પાસે રેકર્ડ કરાવી તેનો ઉપયોગ વર્ગશિક્ષણમાં કરી શકાય.
- શાળા બહાર યોજાતા કવિ સંમેલન કે મુશાયરાનું રેકોર્ડિંગ કરી વિદ્યાર્થીઓને વર્ગખંડમાં સંભળાવી શકાય.
- શાળામાં કે શાળા બહાર યોજાતા સાહિત્ય પ્રવચનો રેકર્ડ કરી લીધા હોય તો વર્ષો સુધી જરૂર જણાય ત્યારે વર્ગખંડમાં શિક્ષણકાર્ય વખતે ઉપયોગી થઈ શકે છે. તેનાથી વાસ્તવિક વિચારો સમૃદ્ધ બનાવી શકાય.
- શાળામાં વિશિષ્ટ વ્યક્તિઓની મુલાકાત માટે, શાળામાં પ્રવાસ દરમિયાન કે અન્ય સ્થળે વિશિષ્ટ વ્યક્તિઓ, સાહિત્યકારો, કવિઓ, લેખકો વગેરે સાથેના વાર્તાલાપ ટેપરેકર્ડર દ્વારા અંકિત કરી લેવાથી ભાષાશિક્ષણમાં જરૂર જણાય ત્યારે ઉપયોગી બની શકે છે.
- વિદ્યાર્થીઓ સુંદર ભાવવાહી આદર્શવાચન અને ગાન માટેના ટેપરેકર્ડર દ્વારા વાચન-ગાનનો આદર્શ નમૂનો પૂરો પાડી શકાય તેનાથી શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને તેના આદર્શ વાચન-ગાન કરવાની તાલીમ આપી શકાય. શાળામાં સારું ગાતા વિદ્યાર્થીઓના ગીત, કાવ્ય ટેપ કરી વર્ગશિક્ષણમાં ઉપયોગ કરી શકાય.
- માતૃભાષાના શિક્ષણમાં છંદનું યોગ્ય જ્ઞાન આપવા માટે પણ અધિકૃત વ્યક્તિ પાસે કાવ્યનું છંદબદ્ધ ગાન કરાવી શિક્ષણકાર્યમાં ઉપયોગ કરાવી શકાય છે. ભાષામાં નાટિકા, સંવાદ વગેરે ભાષાવિદો પાસે ભાવવાહી શૈલીમાં ટેપ કરાવી વર્ગશિક્ષણમાં ઉપયોગ કરાવી શકાય.
- ટેપરેકર્ડર દ્વારા ભાવવાહી સારા લોકગીતો, કાવ્યો અન્ય ભાષાને ઉપયોગી એવી વિશિષ્ટ રચનાઓ રેકર્ડ કરી ફ્રી તાસમાં વિદ્યાર્થીઓને સાંભળવાની તક પૂરી પાડી શકાય તો તેમનામાં કાવ્યશિક્ષણ પ્રત્યેની અભિરુચિ વધારી શકાય. આમ, ટેપરેકર્ડરના ઉપયોગથી ભાષાશિક્ષણમાં વિદ્યાર્થીઓમાં નીચે મુજબની સંગીનતાનો વિકાસ થાય છે.
- ઉચ્ચારના ઉત્તમ નમૂનાઓ વિદ્યાર્થીઓને મળે છે.
- વાચનબુદ્ધિ, આદર્શ કાવ્યગાન વગેરેનું કૌશલ્ય ખીલવી શકાય છે.
- વિદ્યાર્થીઓ ઉચ્ચારણનું શ્રવણ કરી અનુકરણ કરે છે. પરિણામે તેના ઉચ્ચારો શુદ્ધ બને છે.
- ટેપરેકર્ડરમાં વિવિધ ભાષાવિષયક બાબતો ટેપ કરેલ હોવાથી વિદ્યાર્થીઓને તે વર્ગકાર્ય દરમિયાન સંભળાવતાં તેમનામાં મૌલિક વિચારશક્તિ વિકસાવી શકાય છે.
- માતૃભાષા શિક્ષણકાર્યમાં નવીનતા અને અસરકારકતા આવે છે.
(14) રેડિયો :
રેડિયો એ મૂળભૂત રીતે
મનોરંજનના હેતુ માટે ઉપયોગમાં લેવાનું સાધન હોવા છતાં માતૃભાષા શિક્ષણને સમૃદ્ધ
બનાવવાનું અસરકારક સાધન હોવાથી તે શિક્ષણજગતમાં વ્યાપક બનતું જાય છે. જોકે રેડિયો
સીધી રીતે તાસમાં ઉપયોગમાં લઈ શકાય નહીં પરંતુ તે ટેપરેકર્ડર દ્વારા ટેપ કરી
માહિતી રજૂ કરી શકાય છે. ભારતમાં માહિતી અને પ્રસારણ ખાતા દ્વારા ‘આકાશવાણી’ તરફથી
વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન થાય છે. ઉપરાંત ગુજરાત રાજ્ય
આકાશવાણી-દૂરદર્શન પરથી વિવિધ કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે. તેને
વર્ગશિક્ષણમાં ઉપયોગ કરી માતૃભાષા શિક્ષણને રસપ્રદ અને આકર્ષક બનાવી શકાય છે.
ગુજરાતી નાટકો, એકાંકી તેમજ મહાપુરુષોનાં
જીવનચરિત્રો, કવિ સંમેલન-મુશાયરાઓ,
વિવિધ સાહિત્યકારોના વ્યાખ્યાનો રેડિયો દ્વારા રજૂ કરી
શકાય. ભાષાશિક્ષણમાં વર્ગશિક્ષણને ઉપયોગી થાય તેવા જ કાર્યક્રમો પસંદ કરવા જોઈએ.
મહત્ત્વ : રેડિયો પર આવતા ગીતો, કાવ્યરચનાઓ, ગઝલો, નાટકો વગેરે વિદ્યાર્થીઓને સંભળાવી સાહિત્ય પ્રત્યે રુચિ
કેળવી શકાય.
- માતૃભાષા શિક્ષણમાં શ્રવણ કૌશલ્ય ખીલવવા રેડિયોનો ઉપયોગ કરી શકાય. તેનાથી વિદ્યાર્થીઓના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થશે અને ઉચ્ચારશુદ્ધિ કરી શકશે. કાવ્યશિક્ષણની અનેક વાનગીઓ રજૂ કરવામાં આવે છે. કવિનાં પોતાનાં કાવ્ય સ્વમુખે સાંભળવાનો લહાવો તથા પોતાના વક્તવ્ય વિશેના મહત્ત્વ સાંભળવાની તક પ્રાપ્ત થાય છે.
- કાવ્યવાચનનો લય-રાગ આરોહ-અવરોહનો વિદ્યાર્થીઓ ખ્યાલ મેળવી શકે છે.
- ભાષાવિષયક સાહિત્યનાં પાઠોનું ઉત્તમ શિક્ષકો દ્વારા પ્રત્યક્ષ શિક્ષણ રેડિયો દ્વારા મળે છે.
- ભાષાવિષયક સાહિત્યનાં પુસ્તકોનો પરિચય પ્રાપ્ત થાય છે.
- રેડિયોમાંથી મળતા સમાચાર લેખન-વાચન તથા રેડિયો, નાટિકા ભજવવા જેવી વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ આપી શકાય છે.
- વર્તમાન સમયમાં મહદ્અંશે દરેક શાળામાં રેડિયો ઉપલબ્ધ હોય છે.
- તેનો ઉપયોગ ભાષાશિક્ષણને સરળ અને સમૃદ્ધ કરવામાં આવે તો માતૃભાષાનું શિક્ષણ એક સબળ માધ્યમ બની શકે છે.
(15) ટેલિવિઝન :
ટેલિવિઝન યા દૂરદર્શન દ્વારા રજૂ થતા વિવિધ સાહિત્યિક કાર્યક્રમો આપણે સાંભળી તો શકીએ જ છીએ, પણ સાથો સાથ તાદશ જોઈ પણ શકીએ છીએ. માતૃભાષા શિક્ષણ માટે તો ટેલિવિઝન વરદાનરૂપ બની રહે તેવું સાધન છે તેમાં બેમત નથી. અમુક પરિધિમાંથી પ્રસારિત થતા કાર્યક્રમો જે ટેલિવિઝન દ્વારા જોઈ અને સાંભળી શકાય તે આ સાધનની મર્યાદા છે. જોકે આ મર્યાદાને દૂર કરવા માટે આજે અમેરિકા અને યુરોપમાં તો આવાં ટેલિવિઝન કેન્દ્રોની જાળ બિછાવી દીધી છે. જેથી સૌ કોઈને ટેલિવિઝનનો જોઈતો લાભ મળી શકે.
શાળાઓમાં ટેલિવિઝન હોય તો
વિદ્યાર્થીઓનું શિક્ષણ ખૂબ જ રસપ્રદ અને સમૃદ્ધ તેમજ જીવંત બની રહે છે. ટેલિવિઝન
દ્વારા માતૃભાષા શિક્ષણનું યોગ્ય પ્રસારણ અત્યંત અસ૨કા૨ક અને પ્રભાવશાળી બની રહે
છે. ટેલિવિઝન રેડિયો કરતાં દ્વિગુણિત અસર કરનારું ઉત્તમ શૈક્ષણિક સાધન છે.
ભાષાશિક્ષણમાં સાહિત્યિક કાર્યક્રમો જેવાં કે નાટકો, એકાંકીઓ, કાવ્યો, ગઝલો, કવિમુશાયરાઓ,
ગુજરાતી ચલચિત્રો, મહાનપુરુષોનાં
જીવન ચરિત્રો મૂર્તિમંત રીતે ટેલિવિઝન દ્વારા વિદ્યાર્થીઓને બતાવી શકાય છે. જેથી
છાપ તેમના માનસ પર ચિરકાળ સુધી જીવંત રહે છે. તેથી ભાષાશિક્ષણ વધુ સુદૃઢ બને છે.
મહત્વ :
- આજે ઘણી શાળાઓમાં ટેલિવિઝનની સુવિધાઓ પ્રાપ્ય છે. તેના પર આવતા પ્રાદેશિક ગુજરાતી ભાષાના કાર્યક્રમો ગુજરાતી શિક્ષણને સમૃદ્ધ બનાવવામાં અમૂલ્ય ફાળો આપે છે.
- ટેલિવિઝન પર પ્રથમકક્ષાના વિદ્વાન શિક્ષકો દ્વારા ભાષાવિષયક વિવિધ મુદ્દાઓ પર ચર્ચા, વાર્તાલાપો, નાટકો, એકાંકીઓ, સંવાદો વગેરે દ્વારા વિદ્યાર્થીઓને શ્રવણકૌશલ્ય, અર્થગ્રહણની તાલીમ મળી રહે છે.
- ટેલિવિઝન દશ્ય-શ્રાવ્ય સાધન છે. જીવંત બનાવો દ્વારા તાદશ અનુભવો વિદ્યાર્થીઓને મળે છે, જે જ્ઞાનને ચિરંજીવ બનાવે છે.
- ટેલિવિઝન પર આવતી સાહિત્યકારોની મુલાકાતો, કવિના કાવ્ય પઠનો, સમાચાર વાચનો, કવિસંમેલનો, ભાષાશિક્ષણના પાઠો વગેરેનો પ્રત્યક્ષ રીતે શિક્ષણમાં ઉપયોગ કરી શકાય છે.
- ટેલિવિઝન દ્વારા પરોક્ષ રીતે અનેક ભાષા કૌશલ્યો કેળવવામાં ઉચ્ચારણ સુધારવામાં વિદ્યાર્થીઓને ઉત્તમ માધ્યમ પુરવાર થાય છે. તેનાં દ્વારા રસચિ સાથે સમૃદ્ધ જ્ઞાન પૂરું પાડી શકાય છે
- ટેલિવિઝન દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ અધ્યયન અનુભવો મળે છે, તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય છે, તર્કશક્તિનો વિકાસ થાય છે, સર્જનાત્મકશક્તિ ખિલે છે. તેમનાં વલણો અને વર્તનમાં ફેરફાર થાય છે.
- આમ આજના વિજ્ઞાન અને ટેક્નોલૉજીના યુગમાં દિનપ્રતિદિન શૈક્ષણિક સાધનોનો આવિષ્કાર થતો રહે છે, જે આપણાં રોજબરોજના શિક્ષણમાં ઉપયોગી બની શકે છે. આજનું ખૂબ જ પ્રચલિત સાધન ટેલિવિઝન માતૃભાષા શિક્ષણને અસરકારક અને સબળ બનાવવા ઉપયોગી પુરવાર થાય છે.
- પાઠ્યપુસ્તકમાંની નવલિકાઓ દ્વારા વિદ્યાર્થીઓની વાચન પ્રત્યેની અભિરુચિ વધારી શકાય તેમ છે.
- ગદ્ય-પદ્ય કૃત્તિના સ્વાધ્યાયોમાં વિવિધતા જોવા મળે છે.
- પાઠ્યપુસ્તકમાં વિશેષ અધ્યાપન કાર્ય કરવા માટે કોઈ માર્ગદર્શન વ્યવસ્થા કરેલ નથી.
- અભ્યાસક્રમમાં નિયત કરેલા મુદ્દાઓનો પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલ છે.
(16) કમ્પ્યૂટર :
આજનો યુગ કમ્પ્યૂટર યુગ
તથા સાયબર યુગ છે. જીવનના દરેક ક્ષેત્રે કમ્પ્યૂટર અનિવાર્ય બન્યા છે ત્યારે
શિક્ષણમાંથી કઈ રીતે બાકાત રહે ? આજે મોટા ભાગનું
જ્ઞાન ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં મળતું થયુ છે. એટલે કે તમામ વિગતો તથા માહિતી C.D.
તથા D.V.D. રૂપે મળતી થઈ ગઈ
છે.
વર્ગખંડમાં પણ
કમ્પ્યૂટરના ઉપયોગ દ્વારા ખૂબ જ અસરકારક શિક્ષણ કાર્ય થઈ શકે છે. વિદેશોમાં તો
સ્કૂલબેગ તથા પુસ્તક અને નોટ આઉટડેટ થતાં જાય છે.
સમગ્ર શિક્ષણ કાર્ય
કમ્પ્યૂટર આધારિત જોવા મળે છે. ભારતના સંદર્ભમાં એ શક્ય નથી, પરંતુ વર્ગખંડમાં કમ્પ્યૂટરનો વિવિધ ઉપયોગ સરળતાથી થઈ શકે
છે. સામાજિક વિજ્ઞાન શિક્ષણમાં કમ્પ્યૂટર અનેક રીતે ઉપયોગી છે.
લાભ (મહત્ત્વ) :
- ઘણી વધારે માહિતી સંગ્રહી શકાય છે તેમજ આસાનીથી ઉપયોગમાં લઈ શકાય છે.
- શિક્ષણની શક્તિ અને સમયનો બચાવ થાય છે.
- વિદ્યાર્થીઓ પોતે પણ કમ્પ્યૂટરની મદદથી શીખી શકે છે.
- વિદ્યાર્થીઓના અભ્યાસનું મૂલ્યાંકન સરળતાથી કરી શકાય છે.
- પુનરાવર્તન માટે કમ્પ્યૂટર ખૂબ જ ઉપયોગી છે.
- એક સાથે દશ્ય, શ્રાવ્ય તેમજ 3D ગ્રાફિક્સ જેવા અનુભવો પુરાં પાડે છે.
મર્યાદાઓ
- ખૂબ જ ખર્ચાળ સાધન છે.
- દરેક શાળા પાસે કમ્પ્યૂટર ના પણ હોય.
- કમ્પ્યૂટર લેબમાં કમ્પ્યૂટર હોય, પરંતુ વર્ગખંડમાં લાવવું મુશ્કેલીભર્યું બને છે.
- કમ્પ્યૂટરના ઉપયોગ માટે વર્ગખંડમાં ખાસ પ્રકારની સુવિધાઓ ઊભી કરવી પડે છે. દા.ત. ટેબલ, વીજળી વગેરે.
- વીજળીની સુવિધા ન હોય ત્યારે ઉપયોગ કરી શકાતો નથી.
- શિક્ષક અને વિદ્યાર્થીઓ પાસે વિશિષ્ટ કૌશલ્ય હોય ત્યારે ઉપયોગ થઈ શકે છે. * તેના સૉફ્ટવેર ખૂબ મોંઘાં હોય છે.
- વધારે પડતા ઉપયોગથી આંખ અને શરીરને નુકસાન કરે છે.
ગુજરાતી ભાષા શિક્ષણમાં
ઉપયોગ :
- કવિના ચિત્રો, પ્રકૃતિ વર્ણનનું ચિત્ર, પ્રસંગચિત્ર, પ્રભાતનું ચિત્ર, નદી કિનારાનું ચિત્ર, દુષ્કાળના દૃશ્યોનું ચિત્ર, વગેરે બનાવવા ઉપયોગી.
- ડિસલેક્સિયાથી પિડીત બાળકને વર્ણો ઓળખવા માટે તથા ગુજરાતીમાં કથન, વાચન દોષ ધરાવતા બાળકને ખાસ સોફ્ટવેરથી મદદ થઇ શકે છે.
- શાળા બહા૨ યોજાતા સાહિત્ય પ્રવચનો વર્ષો સુધી જરૂર જણાય ત્યારે શિક્ષણકાર્ય વખતે ઉપયોગી બની શકે છે.
- વિશિષ્ટ વ્યક્તિઓની મુલાકાત, સાહિત્યકારો, કવિઓ, લેખકો વગેરે સાથેના વાર્તાલાપ સ્ટોર કરી રાખવાથી ભાષા શિક્ષણમાં જ્યારે જરૂર જણાય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે.
- સારા લોકગીતો, કાવ્યો અન્ય ભાષાને ઉપયોગી એવી વિશિષ્ટ રચનાઓ વિદ્યાર્થીઓને સાંભળવાની તથા દેખવાની તક પૂરી પાડે છે જેથી તેમનામાં કાવ્યશિક્ષણ પ્રત્યેની અભિરુચિ વધારી શકાય.
- કમ્પ્યૂટર વિદ્યાર્થીઓના રસ અને અભિરુચિને આકર્ષતુ હોવાથી ગુજરાતીનું શિક્ષણ રસપ્રદ, અસરકારક અને ચિરંજીવ બનાવી શકાય છે.
- જોડણીના મહત્ત્વના નિયમો, સ્વર-વ્યંજનનું ચિત્ર, વ્યાકરણના વિવિધ ચાર્ટ્સ ચિત્રો, આકૃતિઓ, કાર્ટૂન, વર્તમાનપત્રોમાંના ચિત્રો, છબીઓ, લખાણ, સાહિત્યને લગતી મહત્ત્વની બાબતો વગેરે શિક્ષકે જાતે તૈયાર કરેલાં ચિત્રો કે આકૃતિઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા પ્રકાશિત થતા ચિત્રો, લખાણ કે કૃતિઓ વગેરેનો સંગ્રહ કરી તેને શિક્ષણમાં જરૂરિયાત ઊભી થતાં કમ્પ્યૂટર પર દર્શાવી શકાય છે. ક
- ઈન્ટરનેટ ઉપરથી જરૂરી તથા પૂરક માહિતી મેળવી વિદ્યાર્થીઓને તેનો લાભ આપી શકાય છે.
- બાળકોને શબ્દ રમતો-ગમ્મત સાથે રમાડી શકાય જેથી તેમનામાં શબ્દભંડોળની વૃદ્ધિ સતત થાય. ચિત્રો દ્વારા શબ્દ પરિચય, કલ્પનાશક્તિ, વિચારશક્તિ, અવલોકનશક્તિનો બાળકોમાં વિકાસ કરી શકાય.
- વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પણ થઈ શકે છે. ખાસ પ્રોગ્રામ દ્વારા વસ્તુલક્ષી કસોટી બનાવી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શકાય છે.
- કમ્પ્યૂટર પર અન્ય વક્તાઓના વક્તવ્ય કે અન્ય બાબતો સંભળાવીને બાળકનું શ્રવણ કૌશલ્ય વિકસાવી શકાય.
- અંધ વિદ્યાર્થીઓ પોતાની રીતે જાતે પાઠ્યપુસ્તકો સાંભળી શકે.
- પોતાને મનગમતા કાવ્યો કે ગદ્ય પણ ઈન્ટરનેટ પરથી સાંભળી શકે
- શિક્ષકે વર્ગખંડમાં કોઈ પક્ષી-પ્રાણીનો અવાજ સંભળાવવો હોય તો ? દરિયાના ઘૂઘવાટનો અવાજ સંભળાવવો હોય તો ? આવા અવાજ કમ્પ્યૂટર દ્વારા મેળવી શકાય.
- કમ્પ્યૂટરમાં પોતાના કથનને સેવ કરીને સાંભળવામાં આવે કે અન્યને સંભળાવવામાં આવે તો ખ્યાલ આવશે કે કથનમાં શું ભૂલ હતી.
- કમ્પ્યૂટર પરથી જ શુદ્ધ ઉચ્ચારનું શિક્ષણ મેળવી મહાવરો કરવાથી ઉચ્ચારમાં સુધારો કરી શકાય છે.
- વિવિધ પ્રકારના આરોહ-અવરોહ, હાવ-ભાવ સાથેનું કથન કમ્પ્યૂટર પરથી
- મેળવી તેનું અનુકરણ કરી પોતાના કથનમાં સુધારો કરી શકાય છે.
- હવે તો એવા સોફ્ટવેર પણ મળે છે કે તમે જ બોલો તે કમ્પ્યૂટરમાં ટાઈપ થઈ જાય. જેથી ટાઈપ થયેલું વાંચવાથી ખ્યાલ આવે કે તમે ક્યા શબ્દોના ઉચ્ચારણમાં ભૂલ કરી હતી.
- પાઠ્યપુસ્તકની મર્યાદાને જોતાં પૂરક સાહિત્ય ઈન્ટરનેટના માધ્યમ દ્વારા મેળવી શકાય છે.
- સાહિત્યકૃતિઓ કે સાહિત્યકારોનો વિશેષ પરિચય તમને ઈન્ટરનેટ દ્વારા મળી શકે.
- નાના બાળકો જ્યારે લખવાનું શીખવાની શરૂઆત કરે છે ત્યારે ચોક્કસ મરોડ શીખવવા માટે કમ્પ્યૂટરની વિવિધ એપ્લીકેશનનો ઉપયોગ કરી શકાય.
- પોતાના લખાણને વિષયવસ્તુથી સમૃદ્ધ કરવા ઈચ્છિત વિષયવસ્તુ ઈન્ટરનેટ દ્વારા મેળવીને પોતાના લખાણને વધુ સમૃદ્ધ કરી શકાય.
- શિક્ષક વિવિધ પ્રકારના લખાણને સ્કેન કરીને કમ્પ્યૂટર પર મૂકીને વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરી શકે.
- શારીરિક ખામી ધરાવતા વ્યક્તિ પેન વગર કમ્પ્યૂટર પર ટાઈપ કરીને
- પોતાના વિચારો લેખિત સ્વરૂપે વ્યક્ત કરી શકે.
(17) સેલફોન:
મોબાઈલ ફોન એટલે કે
સેલફોનનો આપણે દશ્ય - શ્રાવ્ય શૈક્ષણિક સાધનમાં સમાવેશ કરી શકીએ. અત્યારના સમયમાં
આ સાધનને એક એવું શૈક્ષણિક સાધન બનાવી શકાય કે જે શીખવવા માટે અને શીખવા માટે ખૂબ જ ઉપયોગી બની શકે તેમ છે. આ
સાધન હાથવગું છે. આજે તાલીમી કૉલેજોમાં મોટાભાગના તાલીમાર્થીઓ પાસે મોબાઈલ ફોન હોય
જ છે, તો દરેક અધ્યાપક પાસે પણ આ સાધન હોય છે.
આમ જોવા જઈએ તો પ્રત્યાયન
માટે શોધાયેલ આ સાધન આજે પ્રત્યાયન ઉપરાંત અનેક કાર્યોમાં ઉપયોગી થઈ પડે તેમ છે.
આજે મોટી મોટી કોર્પોરેટ ઑફિસથી માંડીને નાનામાં નાની કચેરી સુધી આ સાધને પગપેસારો
કરીને દરેકને તેના ઘેલા બનાવી દીધા છે. શાકભાજી વેચનાર નાના ફેરિયાથી માંડીને મોટો
ઉદ્યોગ ચલાવતા ઉદ્યોગપતિઓ પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આજનો વિદ્યાર્થી અને
શિક્ષક તેનાથી કેવી રીતે બાકાત રહી શકે?
મહત્ત્વ :
- હાથવગું સાધન
- વાપરવામાં તથા સાચવવામાં સરળ
- ગમે તે સ્થળે ઉપયોગ કરી શકાય.
- સૌને પોસાય તેવી કિંમત
- કદને કારણે હેરફેર કરવામાં સરળ
- મોટાભાગના લોકો આ સાધન સરળતાથી વાપરી શકે છે
- વીજળીથી ચાલતું હોવા છતાં બૅટરીને કારણે વધારાનો કોઈ ખર્ચ નહીં.
- માહિતીનો સંગ્રહ કરવામાં ઉપયોગી
- અન્ય સાધનમાંથી માહિતી લઈ શકાય અને મોકલી પણ શકાય.
- દેશ્ય – શ્રાવ્ય સાધન
- વપરાશ ખર્ચ નહિવત
ઉપયોગ :
- ભાષા શિક્ષણમાં મોબાઈલ કે સેલફોનનો ઉપયોગ નીચેની રીતે કરી શકાય.
- કવિ – લેખકની મુલાકાત લઈને જીવંત વિડીયો લઈ શકાય.
- વર્ગ બહારથી કાવ્ય કે વ્યાખ્યાન સેલફોનમાં સંગ્રહ કરીને વર્ગમાં લાવી વિદ્યાર્થીઓ સામે રજૂ કરી શકાય
- ઈન્ટરનેટ પરથી માહિતી મેળવીને વિદ્યાર્થીઓ સામે રજૂ કરી શકાય.
- ઈન્ટરનેટનો વિવિધ રીતે ઉપયોગ કરીને માતૃભાષાનું શિક્ષણ આપી શકાય. કવિ – લેખક કે અન્ય દશ્યોના ચિત્રો - ફોટા વર્ગમાં લાવી શકાય.
- અન્ય સામયિક કે પુસ્તકમાં છાપેલી માહિતી ફોટો પાડીને વર્ગમાં રજૂ કરી શકાય.
- શિક્ષક પોતાનું વ્યાખ્યાન સેવ કરીને સાંભળીને સુધારો કરી શકે.
- વિદ્યાર્થીનું વાંચન કે કથન કૌશલ્ય વિકસાવવા માટે ટેપરેકોર્ડરની ગરજ સારે છે.
- વિદ્યાર્થીઓનું શ્રવણ કૌશલ્ય પણ વિકસાવી શકાય.
- સારા શિક્ષકોના વ્યાખ્યાન બહારથી સેવ કરીને વર્ગમાં વિદ્યાર્થીઓને સંભળાવી શકાય.
- વિદ્યાર્થીના કામનો ફોટો પાડીને એલ..સી.ડી. પ્રોજેક્ટરની મદદથી સમગ્ર વર્ગ સામે રજૂ કરી શકાય.
- વક્તાના વક્તવ્યો જીવંત કે માત્ર અવાજભર્યા સેવ કરી શકાય.
- શિક્ષક વર્ગ કે શાળા બહાર રહીને પણ વિદ્યાર્થીઓને સૂચના આપી શકે કે જરૂરી સલાહ પણ આપી શકે.
- વ્યાખ્યાન આપનાર અલગ સ્થળે હોય છતાં પણ તેનું વ્યાખ્યાન વર્ગમાં રજૂ કરી શકાય. આ રીતે ઘણા વિદ્વાન અને પ્રખ્યાત વ્યક્તિઓના વ્યાખ્યાન, પરિચય તથા પ્રશ્નોત્તરીઓનો વિદ્યાર્થીઓને લાભ મળી શકે. ટૂંકમાં, મોબાઈલ ફોનનો ઉપયોગ ટેપરેકોર્ડર અને વિડીયો કેમેરાની જેમ થઈ શકે. એટલું જ નહી પણ,ઈન્ટરનેટનો ઉપયોગ કરીને વર્ગખંડમાં દુનિયા લાવી શકાય.
- વિદ્યાર્થીના જે પ્રવૃત્તિ કરતા હોય તેન ફોટા પાડીને બુલેટિનબોર્ડ પર મૂકીને પ્રોત્સાહિત કરી શકાય.