Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ભાષા શિક્ષણમાં ઉપયોગી સંદર્ભ સાહિત્ય ભાગ - 2 // Useful reference literature in language teaching Part - 2

 ભાષા શિક્ષણમાં ઉપયોગી સંદર્ભ સાહિત્ય ભાગ - 2
Useful reference literature in language teaching Part - 2


જોડણીકોશ  

સંકલ્પના :

જોડણી એટલે શબ્દને સાચી રીતે લખવાની રીત છે. જોડણીના નિયમો ભાષાના લખાણની પરંપરાને સાચવે છે અને લખાણમાં વ્યવસ્થા આણે છે. સ્વભાષા-માતૃભાષા મનુષ્યનું અંતર માતૃભાષા સિવાય બીજામાં પૂરેપૂરું ઊઘડી શકતું નથી. માતા માટે જેમ મનુષ્યને સ્વાભાવિક જ પ્રેમ અને ભક્તિ હોય છે તેમ માતૃભાષા માટે પણ હોવાં જોઈએ. જોડણીની ચોક્કસાઈ માતૃભાષા પ્રત્યેના પ્રેમ અને આદરની નિશાની છે. જોડણીની અરાજકતા ભાષાના લિખિત સ્વરૂપને બગાડે છે. ભાષાના સૌંદર્યને હાનિ પહોંચાડે છે.

ગુજરાતી જોડણી અંગે લાંબા કાળ સુધી અવ્યવસ્થા ચાલી. પરંતુ મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી ઈ.સ. 1929માં ગૂજરાત વિદ્યાપીઠે અગ્રેસર થઈ ગુજરાતના અનેક વિદ્વાનોની મદદ લઈ, તેમના દ્વારા ગુજરાતી ભાષાનો એક જોડણીકોશ તૈયાર કરાવવાનું મહત્ત્વનું અને કપરું કામ પાર પાડ્યું. પહેલી જ વાર ગુજરાતી ભાષાનું લિખિત રૂપ લગભગ સર્વમાન્ય ભૂમિકાએ નક્કી થયું. ‘હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકા૨ નથી’’– એવો આદેશ પણ મહાત્મા ગાંધીજીએ આપ્યો છે.

માતૃભાષા શિક્ષણમાં જોડણી, ઉચ્ચાર, સ્વરભાર, વ્યુત્પત્તિ, શબ્દાર્થ વગેરે જાણવા માટે જોડણીકોશ એક અમૂલ્ય સાધન છે. શબ્દકોશ અદ્યતન, બૃહદ અને આધારભૂત હોય તે જોવું જોઈએ. ગુજરાતી ભાષામાં ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ' ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. તે આધારભુત જોડણીકોશ છે. તે ઉપરાંત ભગવતસિંહ કૃત ભગવદ્ગોમંડલ પણ જોવા જેવો કોશ છે. એ શબ્દકોશના પાછળના ભાગને જ્ઞાનકોષ જેવો બનાવવાનો પ્રયત્ન થયો છે. શબ્દકોશીય અર્થ

ભાષાનું પાયાગત એકમ શબ્દ છે. શબ્દના બે અર્થ છે. એક અને બીજો સાંદર્ભિક અર્થ.

વાક્યમાં વપરાતા શબ્દો સાંદર્ભિક શબ્દો છે. વિદ્યાર્થી જ્યારે ભાષા શીખે છે ત્યારે તેને આવા નવા શબ્દોનો પરિચય મેળવવો જરૂરી હોય છે. ત્યારે તે જોડણીકોશનો ઉપયોગ કરી શકે છે. લેખનકાર્યમાં જોડણીની ભૂલો ન થાય ઉપરાંત શબ્દભંડોળ વિકસાવવામાં પણ જોડણીકોશ ઉપયોગી બને છે. વિદ્યાર્થીઓમાં જોડણીકોશનો ઉપયોગ કરવાની કુશળતા હોવી જરૂરી છે.

 

જોડણીકોશનો માતૃભાષા શિક્ષણમાં અસરકારક ઉપયોગ માટે નીચે મુજબના પ્રયત્નો કરવા જોઈએ :

  • ભાષાશિક્ષકો અને વિદ્યાર્થીઓએ જોડણી-શુદ્ધિ પ્રત્યે સાનુકૂળ મનોવલણ કેળવવું જોઈએ.
  • ભાષાશિક્ષક પોતે જોડણી શુદ્ધ લખાણ કરે અને વિદ્યાર્થીઓ પાસે તેવા શુદ્ધ લખાણનો સતત આગ્રહ રાખે. વિદ્યાર્થીઓને માતૃભાષાના વિવિધ પ્રકારના શબ્દોની જોડણી માટેના નિયમોનું વ્યવસ્થિત અને ઔપચારિક રીતે શિક્ષણ આપવું જોઈએ.
  • વિદ્યાર્થીઓને જોડણીકોશ અને શબ્દકોશનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકે તે માટે તાલીમ આપવી જોઈએ.
  • વિદ્યાર્થીઓને જોડણીના નિયમો અને તેનાં ઉદાહરણો લેખિતરૂપે આપવાં જોઈએ જેથી તેઓ તેમનો સતત ઉપયોગ કરી શકે.
  • માતૃભાષામાં અઘરાં શબ્દોની સાચી જોડણીના ચાર્ટ્સ દરેક ખંડમાં રાખવાં જોઈએ.
  • જોડણીમાં અનુસ્વાર શિક્ષણ માટે કવિ સુન્દરમે તૈયાર કરેલા સુપ્રસિદ્ધ ‘અનુસ્વાર અષ્ટક’ નો ઉપયોગ કરવો જોઈએ.
  • શાળામાં ‘જોડણી-સપ્તાહ’ની ઊજવણી કરવી જોઈએ.

આમ માતૃભાષા શિક્ષણમાં જોડણી પરનો કાબૂ તો સાચી જોડણી માટેની કાળજી અને ચોક્કસાઈના આગ્રહથી જ આવવાનો. વિદ્યાર્થીઓએ જોડણીકોશનો વારંવાર ઉપયોગ કરતાં રહેવાથી શબ્દો સાચી જોડણીમાં લખવાનો મહાવરો થઈ જશે. માતૃભાષાનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ પાસે જોડણીકોશ હોવો જ જોઈએ. “સાર્થ જોડણીકોશ’’ કે ‘વિનીત જોડણીકોશ’ હોય તો સારું. પણ એ ન હોય તો માત્ર જોડણી માટેનો ‘ખિસ્સાકોશ’ તો હંમેશાં હાથવગો રહેવો જ જોઈએ.

 

જ્ઞાનકોશ 

સંકલ્પના :

કોઈપણ વિષયનું ઊંડું તસ્પર્શી જ્ઞાન મેળવવા ઇચ્છનારને માટે તે વિષયનો જ્ઞાનકોશ કામ લાગે છે. પરંતુ સામાન્ય માણસને સર્વ જ્ઞાનક્ષેત્રમાં વિહાર કરવાની તક સર્વસંગ્રાહક વિશ્વકોશ જ આપી શકે છે. વિશ્વના વિવિધ દેશોમાં પેઢી દર પેઢી માટે જ્ઞાન સંચય કરતા જોઈને તેનો વારસો જ્ઞાનકોશરૂપે પ્રાપ્ત થયો છે. જ્ઞાન વિજ્ઞાનની તમામ શાખાઓની સંપત્તિ આજે કોઈ એક જ સાધનમાં એકત્રિત સ્વરૂપે ઉપલબ્ધ હોય તો તે વિશ્વકોશમાં છે. વિશ્વકોશ એટલે વિશ્વવિદ્યાનો કોશ, સચરાચર સૃષ્ટિની સર્વાંગીણ માહિતીનો ભંડાર. તેમાં જ્ઞાનની વિવિધ શાખાપ્રશાખાઓને લગતા વિષયોની માહિતી સંક્ષિપ્ત પણ અધિકૃત સ્વરૂપમાં આપવામાં આવે છે.

ગુજરાતી ભાષામાં ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’, ‘ગુજરાત સર્વસંગ્રહ’ અને ‘ચરોતર સર્વસંગ્રહ’ જેવા જ્ઞાનસંચયો અને આર્યુવેદ તથા વનસ્પતિશાસ્ત્ર જેવા વિષયોની માહિતી આપતા જ્ઞાનકોશગ્રંથો છે. અમુક વિષય કે સ્થળને લગતી સંપૂર્ણ માહિતીનો કોશ તે જ્ઞાનકોશનો જ એક પ્રકાર છે. ‘ગુજરાતી જ્ઞાનકોશ'નો પ્રથમ ભાગ 1929માં શ્રીમતી વિદ્યાબહેન નીલકંઠની પ્રસ્તાવના સહિત બહાર પાડ્યો છે. વર્તમાન સમયમાં શિક્ષણનો પ્રસાર વધતાં અને શિક્ષણનું માધ્યમ માતૃભાષા બનતાં જ્ઞાનવિજ્ઞાનની વિવિધ શાખાઓનો ક્ષિતિજ વિસ્તાર થવાની સાથે તેને લગતાં અધ્યયન સંશોધન માટે માતૃભાષાનાં જ્ઞાનસાધનોને ધારદાર બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે.

ભાષામાં કોઈપણ મુદ્દા બાબત માહિતી પ્રાપ્ત કરવા માટે જ્ઞાનકોશ અનિવાર્ય છે. ભાષાશિક્ષણમાં સંક્ષિપ્ત રૂપમાં છતાં સ્પષ્ટ અને માહિતીસભર સ્વરૂપમાં જ્ઞાનકોશ તૈયા૨ કરવાનું કામ ભાષાનાં વિદ્વાનો અને નિષ્ણાતો દ્વારા થાય છે. જ્ઞાનકોશનો ઉપયોગ કરતી વખતે તેની પ્રકાશન તારીખ, તેની વાર્ષિક પુરવણી, તેની શબ્દસૂચિ વગેરે ચકાસી લેવાં જોઈએ. ગુજરાતી ભાષામાં સરદાર પટેલ યુનિવર્સિટીએ જ્ઞાનગંગોત્રીગ્રંથ શ્રેણીમાં જ્ઞાનકોશની સાથે ગ્રંથોની યોજના કરી છે. જેમાં ni ( સાહિત્યદર્શન (ગુજરાતી), સાહિત્યદર્શન (ભારતીય), સાહિત્યદર્શન (વિશ્વ સાહિત્ય) માતૃભાષાના શિક્ષણમાં અમૂલ્ય બની શકે તેવાં છે.


ભાષાશિક્ષણ દરમિયાન એવા કેટલાય ઉલ્લેખ આવતા હોય છે જેના અંગે સ્પષ્ટતા મેળવવી જરૂરી હોય છે ત્યારે જ્ઞાનકોશના ઉપયોગની સ્પષ્ટતા મેળવી શકાય.

 

  • માતૃભાષાના શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓને જ્ઞાનકોશનો ઉપયોગ કરવાની આવડત અને રુચિ વિકસાવવી જોઈએ.
  • જ્ઞાનકોશનાં ઉપયોગ માટેની પ્રવૃત્તિનું આયોજન કરવું જોઈએ. જ્ઞાનકોશ દ્વારા માતૃભાષાના જે તે એકમને ઉપયોગી માહિતી મેળવી શકાય છે.
  • જ્ઞાનકોશનો ઉપયોગ ભાષાશિક્ષકે વિદ્યાર્થીઓને અધ્યયન અનુભવો આપવા માટે કરવો જોઈએ. પાઠ્યપુસ્તકના શિક્ષણકાર્યને વધુ ઘનિષ્ઠ અને માહિતીપ્રચૂર બનાવવા માટે
  • જ્ઞાનકોશનો ઉપયોગ શિક્ષકે કરવો જોઈએ.
  • સાહિત્યના વિવિધ સ્વરૂપોના સંદર્ભમાં જ્ઞાનકોશ ઉપયોગી બને છે.
  • કોઈપણ વિષયવસ્તુની અધિકૃત માહિતી મેળવવા માટે જ્ઞાનકોશ ઉપયોગી બને છે.

 આમ ભાષા શિક્ષણમાં વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત સમજ કેળવવા માટે જ્ઞાનકોશનું ખૂબ જ મહત્ત્વ છે. ભાષાશિક્ષકે શાળામાં વિદ્યાર્થીઓને પુસ્તકાલય કાર્ય જ્ઞાનકોશનો ઉપયોગ કરે તેવી તક આપવી, તેનાથી વિદ્યાર્થીઓના જ્ઞાનમાં સતત વધારો થશે.

 

સ્વાધ્યાયપોથી 

સંકલ્પના :

માતૃભાષામાં સ્વાધ્યાયલક્ષી અભિગમ અપનાવવામાં સ્વાધ્યાયપોથી એક મહત્ત્વનું ઉપકારક સાધન બની રહે છે. સ્વાધ્યાયપોથીમાં ગુજરાતીવાચનમાળા ધોરણ-8 થી ધોરણ-10 સુધીનાં પાઠ્યપુસ્તકો-અભ્યાસક્રમ આધારિત એકમો અનુરૂપ વિવિધ એકમો ૫૨ તૈયાર કરેલ સ્વાધ્યાયો હોય છે. સ્વાધ્યાયપોથીમાં સ્વ-અધ્યયન પર ભાર મૂકવામાં આવ્યો છે. વ્યક્તિ ‘પોતે’, ‘જાતે’ અધ્યયન કરે તો જ શિક્ષણકાર્ય અસરકારક બને તે સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. સ્વાધ્યાયપોથીમાં નીચે મુજબના વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવશે કરવામાં આવ્યો હોય છે. કાર્યસોંપણી થાય છે.

  • પ્રારંભમાં પૂર્વજ્ઞાનની ચકાસણી કરતા પ્રશ્નો
  • નવીન જ્ઞાનપ્રાપ્તિ માટેના મદદરૂપ થતા પ્રશ્નો
  • વર્ગકાર્યમાં શીખેલા નવા જ્ઞાનનું મૂલ્યાંકન કરતાં પ્રશ્નો.
  • સ્વઅધ્યયન કે સઘન અધ્યયનના દઢીકરણ કરતાં પ્રશ્નો

 

સ્વાધ્યાયપોથીની અગત્યતા : ભાષાશિક્ષણમાં સ્વાધ્યાયપોથીની અગત્યતા નીચે પ્રમાણે છે.

  • વિદ્યાર્થીઓને સ્વઅધ્યયન કરવા માટે પ્રેરક અને ઉપયોગી છે.
  • વર્ગ અને વર્ગખંડ બહાર થતી સ્વઅભ્યાસ પ્રવૃત્તિ છે.
  • વિદ્યાર્થીઓને માટે પોતાની કાર્યક્ષમતા કેળવવા માટે મહત્ત્વનું સાધન છે.
  • વિદ્યાર્થીઓએ પોતાની જાતે તૈયાર કરેલા સ્વાધ્યાયો વધુ અસરકારક બને છે.
  • વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે યોગ્ય ઝડપે સ્વાધ્યાયો તૈયાર કરવા માટે વધુ આનંદ હોય છે.

 

સ્વાધ્યાયપોથી - Work Book.

સ્વાધ્યાપોથીમાં બે મુખ્ય હેતુઓ સિદ્ધ કરવાનાં હોય છે.

(1) વિદ્યાર્થીઓનું સ્વઅધ્યયન શિક્ષણ

(2) વિદ્યાર્થીઓનું- મૂલ્યાંકન

આમ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સ્વાધ્યાયપોથી એક આદર્શ સાધન છે. અહીં વિદ્યાર્થી શિક્ષણ પ્રાપ્ત કરવામાં સ્વાવલંબી બને છે. આપ મેળે મેળવેલું જ્ઞાન વધુ દઢ અને ચિરંજીવ બને છે 1982થી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે શ્રેણી 8 થી 10ના વિદ્યાર્થીઓ માટે દરેક વિષયમાં સ્વાધ્યાય પોથીઓ પ્રકાશિત કરી છે. ઉપરાંત જુદા જુદા પ્રકાશનોએ પણ નમૂનેદાર સ્વાધ્યાયપોથીઓ બનાવી છે. તે ખૂબ જ આવકારદાયક બાબત ગણી શકાય.

Post a Comment

Thank you so 😊 much my website visitor...🙏