માતૃભાષા શિક્ષણ અને દશ્ય શ્રાવ્ય સાધનો Bhag - 1
અધ્યેતાકેન્દ્રી શિક્ષણ વ્યવસ્થામાં વિદ્યાર્થી જાતે શીખે છે. - વિદ્યાર્થી જે કાંઈ શીખે છે તે જ્ઞાનેન્દ્રિયો દ્વારા શીખે છે. આથી ભાષાશિક્ષકે વિદ્યાર્થીની જ્ઞાનેન્દ્રિયોને સક્રિય રાખવી જોઈએ. વિદ્યાર્થીની જ્ઞાનેન્દ્રિયને સક્રિય રાખવા માટે વિવિધ પ્રકારની શૈક્ષણિક પદ્ધતિ, શૈક્ષણિક પ્રવિધિ અને શૈક્ષણિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધાના ઉપયોગથી વિદ્યાર્થી સક્રિય બની અધ્યયન કરે છે. શૈક્ષણિક ઉપકરણો દ્વારા વિદ્યાર્થીઓને અધરાં વિષયો સરળ, સ્પષ્ટ અને રસપ્રદ બનાવી શીખવી શકાય છે. આ ઉપરાંત શૈક્ષણિક ઉપકરણોના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓનું વિષયવસ્તુ પ્રત્યે ધ્યાન ખેંચીને તેમને સક્રિય બનાવી શકાય છે. આ રીતે શૈક્ષણિક પ્રક્રિયામાં શૈક્ષણિક ઉપકરણોની રોચકતા, સ્પષ્ટતા અને બોધગમ્ય દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વ છે. અભ્યાસક્રમના અન્ય વિષયોની માફક ભાષાના શિક્ષણમાં પણ દશ્યશ્રાવ્ય સાધનોનું સ્થાન છે. આ સાધનોનો ઉચિત અને વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવાથી ભાષાશિક્ષણમાં તાદશ્યતા, ઊંડાણ અને વિવિધતા આવે છે. વિદ્યાર્થીઓ માટે રસપ્રદ અનુભવ બની રહે છે.
- વિદ્યાર્થીના અનુભવો વધે તેમ તેના વિચારો વધુ અનુભવજન્ય રીતે સમૃદ્ધ બને છે. વિચારો સમૃદ્ધ બનતાં તેની મૌલિક અભિવ્યક્તિ માટેનું સાધન ભાષા પણ વધુ સમૃદ્ધ બને છે.
- વિદ્યાર્થીના અનુભવો અને પ્રત્યક્ષ જ્ઞાનનું ક્ષેત્ર વ્યાપક બનાવવું હશે તો દૃશ્યશ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવો જ પડે.
- વ્યાકરણશિક્ષણને અસરકારક બનાવવા માટે, સંકલ્પનાઓ સ્પષ્ટ કરવા માટે, અભિવ્યક્તિને રુચિકર બનાવવા માટે દશ્ય-શ્રાવ્ય સાધનો જરૂરી છે.
- માતૃભાષાને ભાવ અને લાગણીનો સંબંધ હોય છે. આ ભાવો કે લાગણી સ્પષ્ટ કરવા માટે શબ્દો અશક્તિમાન બને છે ત્યારે દૃશ્ય-શ્રાવ્ય ઉપકરણોની મદદ લેવી પડે છે.
- માતૃભાષા શિક્ષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના સુયોગ્ય માનસિક વલણનું ઘડતર કરવાનો છે. ઉત્તમ નાગરિકનાં ઘડતરમાં માનસિક વલણોનો પાયો પણ પ્રત્યક્ષ જ્ઞાન હોવાથી તેનાં વિકાસમાં દશ્ય-શ્રાવ્ય સાધનો ખૂબ જ અસરકારક બને છે.
- માતૃભાષા શિક્ષણમાં લિપિનું મહત્ત્વ, વ્યાકરણ, જોડણીશુદ્ધિ, ભાષાશુદ્ધિની સમજ, ઉચ્ચારોની સ્પષ્ટતા, જ્ઞાનસમૃદ્ધિ અને ભાષાસમૃદ્ધિ માટે દશ્ય-શ્રાવ્ય સાધનોની અનિવાર્ય પણ ઉપયોગી છે.
આમ માતૃભાષાના શિક્ષણને
સમૃદ્ધ, સચોટ અને રસિક બનાવવા માટે દશ્યશ્રાવ્ય સાધનો
ખૂબ જ ઉપયોગી છે.
દશ્ય-શ્રાવ્ય સાધનો :
માતૃભાષાના શિક્ષણમાં નીચેના દૃશ્ય-શ્રાવ્ય સાધનોનો ફાળો અમૂલ્ય છે. તેનો ફળદાયી ઉપયોગ થઈ શકે છે.
(1) કાળું પાટિયું
(2) બુલેટિન બૉર્ડ
(3) લેનલ-કટ્સ
(4) ભીંતપત્ર
(5) ફ્લેશ કાર્ડ
(6) મૉડેલ
(7) ચિત્રો
(8) આકૃતિઓ
(9) કોઠાઓ
(10) એપિડાયોસ્કોપ
(11) ફિલ્મ સ્ટ્રીપ્સ
(12) સ્લાઈડ
(13) ટેપરેકર્ડર
(14) રેડિયો
(15) ટેલિવિઝન
(16) કમ્પ્યૂટર
(17) સેલ ફોન
ભાષાશિક્ષણની અસરકારતા
માટે આ સાધનોનો ઉપયોગ વિગતવાર જોઈએ.
(1) કાળું
પાટિયું
સંકલ્પના : માતૃભાષાના શિક્ષણમાં કાળું પાટિયું એ ખૂબ જ મહત્ત્વનું
દૃશ્ય સાધન છે. ભાષા શિક્ષણ દરમિયાન એકમનું મથાળું. કા.પા. પર લખતાં જ
વિદ્યાર્થીનું મન એકાગ્ર બને
છે. તેને એકમ પ્રત્યેની જિજ્ઞાસાવૃત્તિ જાગે છે. વર્ગશિક્ષણ કાર્ય દરમિયાન પાઠના
વિકાસની સાથે અપરિચિત શબ્દો, રૂઢિપ્રયોગો,
કહેવતો, કાવ્યપંક્તિઓ,
વિચાર વિસ્તાર વિદ્યાર્થીઓને શીખવવાના હોય તેની નોંધ કા.પા.
પર કરવામાં આવે છે. ગુજરાતીમાં અઘરાં શબ્દોના ઉચ્ચાર શીખવવા પણ તે શબ્દ કા.પા.માં
લખી શિક્ષક તેનું ઉચ્ચારણ કરે છે અને પછી વર્ગમાં સમૂહ ઉચ્ચાર કરાવે છે. ગદ્ય-પદ્ય
પાઠમાં આવતી નવી બાબતોની નોંધ પણ કા.પા.માં કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓને
અર્થગ્રહણ કરવું સરળ બને છે. માહિતીલક્ષી પાઠોની મુખ્ય બાબતો શિક્ષક મુદ્દાસર
સારાંશ કે રૂપરેખા કા.પા.માં નોંધે છે. પદ્ય શિક્ષણમાંના શબ્દચિત્રો, પ્રકૃતિનાં વર્ણનોની નોંધ કા.પા. પર કરવામાં આવે છે. નિબંધ
લેખનના મુદ્દાઓ, અઘરા શબ્દોની જોડણી,
અપરિચિત શબ્દો શીખવવામાં કા.પા. ખૂબ ઉપયોગી બને છે.
મહત્ત્વ : માતૃભાષા શિક્ષણમાં કા.પા.ની મદદ વગર વ્યાકરણનું શિક્ષણ
અશક્ય બની જાય છે. વ્યાકરણના મુદ્દાઓના દૃષ્ટાંતો, તેના પરથી તારવવામાં આવતી વ્યાખ્યા કે પરિભાષા, નિયમોની કા.પા. પર નોંધ કરવામાં આવે છે. આમ ભાષાશિક્ષણમાં કા.પા. ખૂબ જ
મહત્ત્વનો ભાગ ભજવે છે. તેનો અસરકારક ઉપયોગ થાય તે માટે તેને બે કે ત્રણ વિભાગમાં
કા.પા.માં મુદ્દાઓનું વર્ગીકરણ કરી વહેંચી નાખવું જોઈએ અને દરેક વિભાગમાં ક્રમબદ્ધ
મુદ્દાઓની ઉચિત હકીકતો નોંધવી જોઈએ.
કા.પા.નું શિક્ષણ કાર્ય
સમગ્ર વર્ગના વિદ્યાર્થી સમુદાયને સ્પર્શે છે. તેથી કા.પા. નોંધ કરતાં ભાષાશિક્ષકે
ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે
- કા.પા.નું લખાણ સુઘડતાપૂર્વકનું અને સુવાચ્ય હોવું જોઈએ.
- લખાણમાં વિષય મુદ્દાઓની નોંધ યોગ્ય ક્રમબદ્ધ હોવી જોઈએ.
- નોંધ યોગ્ય વિભાગોમાં સ્પષ્ટ અને સંક્ષિપ્ત હોવી જોઈએ.
- કા.પા.માં ચિત્ર, આકૃતિનું ઔચિત્ય જળવાવું જોઈએ.
- કા.પા.માં ભાષા અશુદ્ધિના કોઈપણ દોષ ન થવા જોઈએ.
- અક્ષરોના મરોડ, કદ સપ્રમાણતા યોગ્ય હોવા જોઈએ.
- કા.પા. નોંધ એકમ મુદ્દાની ચર્ચા સાથે જ વિકસાવવી જોઈએ.
- તાસ પૂર્ણ થતાં કા.પા.માનું લખાણ ભૂંસી નાખવું જોઈએ.
આમ કાળું પાટિયું
માતૃભાષા શિક્ષકના શિક્ષણકાર્યની મહત્ત્વની રૂપરેખા દર્શાવતી નોંધ છે. જેના દ્વારા
શિક્ષકની શિક્ષણકાર્યની સફળતા જાણી શકાય છે.
(2) બુલેટિન
બૉર્ડ
સંકલ્પના : દેશ્ય-શ્રાવ્ય સાધનોમાં બુલેટિન બૉર્ડનું મહત્ત્વ ઘણું જ
છે. આપણી ઘણી ઓછી શાળાઓમાં બુલેટિન બોર્ડની વ્યવસ્થા જોવા મળતી હોય છે. જે
શાળાઓમાં બુલેટિન બૉર્ડ હોય છે ત્યાં પણ બહુ જ ઓછી શાળાઓમાં તેનો આયોજિત ઉપયોગ થતો
હોય છે. માતૃભાષાના શિક્ષણમાં બુલેટિન બૉર્ડનો ઉપયોગ ભાષાશિક્ષક અસરકારક રીતે કરી
શકે છે. વિદ્યાર્થીઓની ભાષાકીય કુશળતાઓ કેળવવામાં, તેમને સાહિત્યાભિમુખ કરવામાં, તેમની રસ,
અભિરુચિ અને વલણોને યોગ્ય આકાર આપવા માટે અત્યંત મહત્ત્વનું
સાધન છે.
મહત્ત્વ : ભાષા શિક્ષણમાં બુલેટિન બૉર્ડનો ઉપયોગ નીચે જેવી બાબતો
માટે થઈ શકે છે.
- માતૃભાષાના વિવિધ એકમોના મુદ્દાઓ દર્શાવવામાં.
- ચિત્રો, સાહિત્યને લગતા લેખો, સાહિત્યિક સમાચારો, રેખાચિત્રો, વર્તમાનપત્રોની કાપલીઓ સરળતાથી પ્રદર્શિત કરી શકાય છે.
- બુલેટિન બૉર્ડમાં ભીંતપત્રો, વ્યાકરણને લગતા વિવિધ ચાર્ટ્સ રજૂ કરી શકાય.
- સાહિત્યકારોની જયંતિની ઊજવણી અંગેનું સાહિત્ય, નવા આવેલાં પુસ્તકોની નોંધ, અવતરણો વગેરે ટાંકણીની મદદથી લગાડી થાય.
- માતૃભાષા પાઠ્યપુસ્તકમાંની મહત્ત્વની વૃત્તિઓમાં પદ્ય કાવ્યો અને ગદ્ય અંશોનાં સારાંશ રજૂ કરી શકાય.
- માતૃભાષાના પાઠ્યપુસ્તકોને ઉપયોગી એવાં સંદર્ભગ્રંથોની યાદી મૂકી શકાય.
- ભાષાશિક્ષણમાં મધ્યકાલીન, અર્વાચીન અને આધુનિક ગુજરાતી સાહિત્યકારોના ફોટાઓ પ્રદર્શિત કરી શકાય.
- સુવાચ્ય અને સુઘડતાપૂર્વક લખાણના નમૂનાઓ રજૂ કરી શકાય.
- આમ શાળાનું બુલેટિન બૉર્ડ વિદ્યાર્થીઓને ભાષાક્ષેત્રે અને સાહિત્યક્ષેત્રે આકર્ષવાનું તેમજ ભાષાકીય કૌશલ્ય કેળવવાનું એક મહત્ત્વનું સાધન છે.
(3) લેનલ-કટ્સ
સંકલ્પના : આ બૉર્ડ ફ્લાબીન નામે ઓળખાતા રૂંવાવાળા કાપડમાંથી બનાવી
લાકડાની ફ્રેમમાં જકડી દેવામાં આવે છે. તે કટ્સ બૉર્ડ ફ્લુનલગ્રાફ અથવા યાદીગ્રાફ
તરીકે ઓળખાય છે.
ફલેનલ-કટ્સમાં એવી સુવિધા
છે કે ચિત્ર કે લખાણ-સુંવાળી સપાટીવાળા કાગળ પર લખીને મૂકવામાં આવે તો તે ચોંટી
જાય છે. ઉપરાંત લેનલ કટ્સ તૈયાર કરેલ હોય તો પણ ચીપકાવી શકાય છે.
મહત્ત્વ : ભાષાશિક્ષણમાં લેનલ-કટ્સનો ઉપયોગ નીચે પ્રમાણે થઈ શકે.
- વર્ગ શિક્ષણ દરમિયાન ચિત્રો, ફોટા વગેરે જરૂરિયાત પ્રમાણે ફ્લેનલ બૉર્ડ ઉપર મૂકી શકાય.
- ભાષાશિક્ષણ વખતે કાવ્યપંક્તિઓ, સુવિચાર કે એકમને વધુ સમૃદ્ધ બનાવવા અવતરણો પણ બૉર્ડ પર સરળતાથી રજૂ કરી શકાય છે.
- લેનલ-કટ્સના ઉપયોગથી અનેક નમૂનાઓ, વાર્તા ચિત્રો-બનાવી તે શિક્ષણકાર્યનીસાથે રજૂ કરી શકાય છે.
- શિક્ષક ફ્લેનલ બૉર્ડ પર મૂકવાની વિગતો અગાઉથી તૈયાર કરી રાખે છે. જેથી વર્ગ શિક્ષણકાર્યમાં તેનો અસરકારક રીતે ઉપયોગ વિદ્યાર્થીઓ સમક્ષ કરી શકે છે.
- વિદ્યાર્થીઓને અસરકારક અને સચોટ અને પ્રત્યક્ષ જ્ઞાન મળે છે. તેથી તેમને શિક્ષણમાં વધુ આનંદ પ્રાપ્ત થાય છે.
- વિષયવસ્તુ અનુરૂપ શબ્દરચના, ચિત્રોનો ઉપયોગ, વાર્તાલેખન લેનલ કાપડ પર પ્રસંગોચિત ક્રમશ આલેખન વગેરે સામગ્રી દ્વારા વસ્તુનિરૂપણમાં સંકલન સાધી વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવતી વિગતોથી વિદ્યાર્થીઓ શિક્ષણકાર્યમાં સક્રિય બનતા હોય છે.
- વર્ગ શિક્ષણકાર્ય ઊંડાણલક્ષી અને ચિરંજીવ, સરળ તથા વધુ સ્પષ્ટતાવાળું બને છે.
- આ રીતે ભાષા શિક્ષણમાં વર્ગકાર્ય દરમિયાન થયેલ રજૂઆત નાવીન્યસભર હોઈ વિષયવસ્તુનું ધારણકાર્ય વધુ મજબૂત અને અસરકારક બને છે.
માતૃભાષાનું શિક્ષણ
વર્ગખંડોમાં ઔપચારિક રીતે થતું હોય છે. પરંતુ કેટલીક અનૌપચારિક પદ્ધતિઓ પણ છે.
જેના દ્વારા ભાષાશિક્ષણનું કાર્ય થતું રહે છે. વર્ગખંડમાં કે શાળાની લૉબીમાં
મુકાતા ભીંતપત્રોનું કાર્ય આ પ્રકારનું છે.
મહત્ત્વ : માતૃભાષા શિક્ષણમાં ભીંતપત્ર નીચે મુજબ ઉપયોગી બને છે.
- ભીંતપત્રમાં તૈયા૨ કે સ્વનિર્મિત સામગ્રી રજૂ કરી શકાય છે. તે દશ્ય સાધન છે. તેમાં લેખો, કાવ્યો, સંકલિત રુચિપૂર્ણ માહિતી, વાર્તાઓ, પ્રેરકપ્રસંગો વગેરે મૂકી વિદ્યાર્થીઓને આકર્ષી શકાય છે.
- ભીંતપત્રમાં માતૃભાષામાંના એકમ અનુસાર જોડણી અંગે, અનુસ્વાર અંગે, સામાનાર્થી કે વિરોધી શબ્દો અંગે, એક શબ્દ અનેક અર્થ અંગે, સમાનાર્થી કે વિરોધી કહેવતો અંગેની માહિતી રજૂ કરી શકાય છે.
- સ્વર અને વ્યંજન વચ્ચેનો ભેદ, શબ્દાલંકાર અને અર્થાલંકાર અંગેની સમજ, કે વિવિધ છંદો અંગેની માહિતી, કે વાક્ય રચના, વાક્ય પરિવર્તન, કે ગદ્યપદ્યનો સારાંશ અંગેની માહિતી પ્રશ્ન કે ઉત્તરના સ્વરૂપે જો ભીંતપત્રો ઉપર અવારનવાર મૂકવામાં આવે તો તેનાથી વિદ્યાર્થીઓની વાચનભૂખ ઊઘડે છે. સાથે સાથે ભાષાજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
- વિદ્યાર્થીઓને ઉપયોગી સંદર્ભપુસ્તકોની માહિતીની યાદી, સુવિચાર, દરરોજના સમાચારલેખન, અને શાળામાં યોજવામાં આવતાં સામાજિક કે રાષ્ટ્રીય પર્વોના અહેવાલલેખનના નમૂનાઓ ભીંતપત્રમાં રજૂ કરી શકાય.
- વિદ્યાર્થીઓને લેખન કૌશલ્ય કેળવવામાં ભીંતપત્રો ઉપયોગી નીવડે છે.
- ભીંતપત્રો વિદ્યાર્થીઓ માટે હસ્તાક્ષર સુધારવા, જોડણી સુધારવા, વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવા અને વ્યાકરણ વિષયક મુદ્દાઓમાં વ્યવહારું શિક્ષણમાં ઉપયોગી બને છે.
- વિદ્યાર્થીઓને ભાષા સાહિત્ય પરત્વે અભિરુચિ કેળવવામાં ખૂબ ઉપયોગી બને છે.
આમ ભીંતપત્રો માતૃભાષા
શિક્ષણમાં વિદ્યાર્થીઓની સંકલનશક્તિ, મૌલિકતા તેમજ
સર્જનશક્તિઓને બહાર લાવી તેને વિકસાવવામાં પણ મહત્ત્વનો ફાળો આપે છે.
(5) ફ્લેશકાર્ડ :
ફ્લેશકાર્ડ દેશ્ય સાધન
છે. પોસ્ટ કાર્ડ સાઈઝનાં કાર્ડ પર ચિત્રો કે લખાણલેખાંકિત કરેલું હોય છે. અહીં
કાર્ડની સાઈઝ સામાન્ય રીતે પોસ્ટ કાર્ડ જેટલી કે તેનાથી નાની અથવા મોટી પણ હોઈ શકે
છે. તેને ફ્લેશકાર્ડ કહેવામાં આવે છે.
માતૃભાષાના શિક્ષણમાં
ફ્લેશકાર્ડનો ઉપયોગ પ્રારંભિક વાચન શિક્ષણમાં થઈ શકેછે. નીચલા ધોરણમાં બાળક જ્યારે
વાચનની શરૂઆત કરતો હોય ત્યારે ફ્લેશકાર્ડનો ઉપયોગ ખૂબ જ રસપ્રદ બને છે. તેની વિવિધ
પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત થાય છે. શુદ્ધ લેખનની
મૂલ્યાંકન કસોટીઓમાં પણ ફ્લેશકાર્ડનો ઉપયોગ કરી શકાય છે.
મહત્ત્વ : માતૃભાષા શિક્ષણમાં ફ્લેશકાર્ડનું મહત્ત્વ નીચે પ્રમાણે
છે.
- પ્રાથમિક શાળામાં બાળકોને શબ્દ રમતો-ગમ્મત સાથે રમાડી શકાય જેથી તેમનામાં શબ્દભંડોળની વૃદ્ધિ સતત થાય.
- ચિત્રો દ્વારા શબ્દ પરિચય, કલ્પનાશક્તિ, વિચારશક્તિ, અવલોકનશક્તિનો બાળકોમાં વિકાસ કરી શકાય.
- નવા શબ્દોનો ઉપયોગ કરવામાં.
- નવા શબ્દોની જોડણી દર્શાવવામાં.
- વાક્ય રચનાઓ પૂર્ણ કરવાનાં વાક્યો દર્શાવવામાં.
- વ્યાવહારિક વ્યાકરણ શિક્ષણમાં - સંધિ-સમાસ પદચ્છેદ વગેરેમાં.
- વ્યાકરણ શિક્ષણનું પુનરાવર્તન કે દઢીકરણ કરવામાં વિદ્યાર્થીઓને ઉપયોગી બને છે.
- વ્યાકરણવિષયક વિવિધ મુદ્દાઓના નિયમો લખવામાં.
- વાર્તાલેખન, નિબંધલેખન, અહેવાલલેખનના મુદ્દાઓ મૂકી દર્શાવવામાં.
- શબ્દો દર્શાવી તેનું સમૂહ કે વ્યક્તિગત ઉચ્ચારણ કરાવવામાં
આમ, ફ્લેશ કાર્ડ ભાષામાં વિષયાંગમાં આવતા મહત્ત્વના ભાષાકીય
કૌશલ્ય ખીલવવામાં કે ભાષાકીય પ્રયોગો તરફ વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચવામાં ખૂબ જ
મદદરૂપ બને છે.
(6) મૉડેલ-પ્રતિકૃતિ
જ્યારે પદાર્થ વર્ગ
શિક્ષણકાર્ય દરમિયાન રજૂ કરવા માટે અશક્ય હોય ત્યારે તેનું મૉડેલ-પ્રતિકૃતિ રજૂ
કરવામાં આવે છે. મૂળ વસ્તુને નાના માપમાં કે તેના જે તે માપમાં પણ અન્ય
પદાર્થોમાંથી બનાવવામાં આવે તેને મૉડેલ કહેવામાં આવે છે. મૉડેલ મૂળ વસ્તુના તમામ
લક્ષણો ધરાવે છે. તે મૂળ અવશેષો કે વસ્તુઓની લઘુરૂપ ચોક્કસ માપથી બનાવેલી
પ્રતિકૃતિ છે. તે ત્રિપરિમાણ હોવાને લીધે તેમજ ચોક્કસ માપથી બનાવેલું હોવાથી મૂળ
અવશેષ કે વસ્તુની વાસ્તવિક અનુભૂતિ કરાવે છે.
માતૃભાષા શિક્ષણમાં મૉડેલ
વધુ વાસ્તવિક અનુભવો પૂરા પાડે છે. દા.ત. તાજમહેલ પર કાવ્ય હોય તો તાજમહેલની
પ્રતિકૃતિ રજૂ કરવાથી કાવ્યનો ભાવ ગાઢ બને છે. શિક્ષણકાર્ય જીવંત બને છે. માહિતીના
ખ્યાલો સ્પષ્ટ કરી શકાય છે. શબ્દભંડોળ વિદ્યાર્થીઓમાં વધારી શકાય છે ઉ.દા. અટારી,
ઝરુખો, મિનારો, ઘુંમટ જેવા શબ્દો તાજમહેલની પ્રતિકૃતિ દ્વારા પ્રત્યક્ષ
દ્વારા પ્રત્યક્ષ દર્શાવીને વિદ્યાર્થીઓને અસરકારક રીતે સમજાવી શકાય છે. વળી મૉડેલ
પરથી મૌખિક અભિવ્યક્તિ કૌશલ્ય ખીલવવાની તક પણ મળે છે.
મહત્ત્વ : માતૃભાષાના શિક્ષણમાં મોડેલનું મહત્ત્વ નીચે મુજબ છે.
- મૉડેલ દ્વારા વિદ્યાર્થીઓને વર્ગખંડમાં વિષયવસ્તુના શિક્ષણ દરમિયાન વાસ્તવિક અનુભવ પુરા પાડી શકાય છે.
- મૉડેલનું નજીકથી તેમજ ઝીણવટપૂર્વકનું નિરીક્ષણ શક્ય હોવાથી મૂળ વસ્તુ કે પદાર્થ અંગેની સંકલ્પના વધુ સ્પષ્ટ થાય છે.
- કેટલીક વિશાળ બાબતો પ્રત્યક્ષ નિહાળતા તેના વિરાટપણાને લીધે સ્પષ્ટ થઈ શકતી નથી. જે મૉડેલ દ્વારા વધુ સારી રીતે સ્પષ્ટ થાય છે.
- ચિત્રો કે આકૃતિ કરતાં મોડેલ ત્રિપરિમાણ ધરાવતાં હોઈ વધુ વાસ્તવિક હોય છે. દા.ત. કોઈ પક્ષીનું કે પ્રાણીનું મૉડેલ.
- મૉડેલ દ્વારા કોઈ વસ્તુ કે પદાર્થની આંતરિક રચના તેમજ બાહ્ય રચના અને આકાર સારી રીતે જોઈ શકાય છે.
આમ માતૃભાષાનું શિક્ષણ
મૉડેલ દ્વારા અન્ય સાધનો કરતાં વિશેષ જીવંત અનુભવો વિદ્યાર્થીઓને પૂરા પાડી શકાય
છે. તેથી વર્ગશિક્ષણ કાર્ય ચિરસ્થાયી બને છે.
(7) ચિત્રો
માતૃભાષાનાં શિક્ષણ માટે
ચિત્રો અમૂલ્ય સાધન છે. ચિત્રો માતૃભાષાના વિષય વસ્તુને આબેહૂબ રીતે રજૂ કરે છે.
આથી ભાષાશિક્ષણની સૂક્ષ્મ અને જટિલ બાબતો સહજતાથી સ્પષ્ટ થાય છે. જે જે બાબતોનું
વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ દર્શન કરાવી શકાતું નથી તે તે બાબતો ચિત્ર દ્વારા પૂરતી
માત્રામાં સ્પષ્ટ તેમજ પ્રત્યક્ષ થઈ શકે છે. ચિત્રો દ્વારા રજૂ થતું જીવન જીવંત
બને છે. ભાષામાં માનવજીવન કે પ્રકૃતિવર્ણન, તેને સ્પર્શતી બાબતોનો અભ્યાસ કરવામાં આવતો હોવાથી ચિત્રો ખૂબ જ ઉપયોગી થઈ પડે
છે. જે બાબતો શીખવવા અનેક શબ્દોની જરૂર પડે છે. તે બાબતો ચિત્રો દ્વારા સરળતાથી
શીખવી શકાય છે.
માતૃભાષાના શિક્ષણમાં
ચિત્રોનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરી શકાય છે. સામાન્ય રીતે ચિત્રોમાં ચલચિત્રો,
ફોટોગ્રાફ, દૃષ્ટાંત ચિત્રો,
રેખા ચિત્રો, સ્લાઈડ્ઝ,
ફિલ્મ સ્ટ્રીપનાં ચિત્રો, ઠઠ્ઠાચિત્રો, પડદા પર પ્રક્ષેપિત ચિત્રો
વગેરેનો સમાવેશ થાય છે.
મહત્ત્વ : માતૃભાષામાં
ચિત્રોનો વર્ગશિક્ષણ કાર્યમાં ઉપયોગ હેતુપૂર્ણ હોવો જોઈએ. માત્ર શણગાર માટે ચિત્રો
વાપરવાનો કોઈ અર્થ નથી. ભાષાશિક્ષણમાં સામાન્ય રીતે નીચે જેવા હેતુઓ માટે ચિત્રોનો
ઉપયોગ કરી શકાય છે.
- કોઈ વસ્તુને વાણીથી બરાબર સમજાવી ન શકાય તેમ હોય ત્યારે.
- અર્થને વધુ સ્પષ્ટ કરવા માગતા હોઈએ ત્યારે
- કથનને મૌલિક અને વધુ સચોટ બનાવવા
- ચર્ચાને ગતિશીલ અને જીવંત બનાવવા
- તફાવત સ્પષ્ટ કરવા
- જિજ્ઞાસા જાગૃત કરવા
- આનંદ પ્રાપ્ત કરાવવા
- શબ્દભંડોળની વૃદ્ધિ કરવા
- અમૂર્ત બાબતને મૂર્ત બનાવવા.
- ગુજરાતીનો એકમ વર્ગમાં શીખવતી વખતે પ્રારંભમાં વિદ્યાર્થીઓને નવા એકમ પ્રત્યેની જિજ્ઞાસા જાગૃત કરવા નદીનું કાવ્ય હોય તો નદીકિનારાનું ચિત્ર રજૂ કરી પ્રારંભ કરી શકાય.
- ભાષામાં કૃતિના લેખક કે કવિનું ચિત્ર દર્શાવી તેમની સાથેનો કૃતિનો સંબંધ સ્પષ્ટ કરી શકાય.
- નીચલા ધોરણમાં જ્યાં બાળકોની વાક્યરચના શક્તિ અને મૌખિક અભિવ્યક્તિ વિકસાવવાના હોય છે ત્યારે વિષયો પરના ચિત્રો ખૂબ જ ઉપયોગી બને છે.
- ચિત્રોની મદદથી વિદ્યાર્થીઓને ભાષાશિક્ષણમાં પરિચ્છેદ લેખનનું કાર્ય સોંપી શકાય છે.
- વાર્તાલેખનમાં ચિત્રોનો ઉપયોગ અસરકારક રીતે થઈ શકે. વાર્તાના વિવિધ પ્રસંગો દર્શાવતા ચિત્રો રજૂ કરી વિદ્યાર્થીઓને તેના પરથી વાર્તા લખવા જણાવી શકાય છે.
- ચિત્રો દ્વારા વિદ્યાર્થીઓમાં વિચારશક્તિ તથા કલ્પનાશક્તિનો વિકાસ થાય છે. સાથે વ્યવસ્થિત રીતે લેખનકળાની આવડતનો પણ વિકાસ થાય છે.
આમ માતૃભાષા શિક્ષણમાં
ચિત્રનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ થવો જોઈએ જેથી ભાષાના શિક્ષણકાર્યને ગતિશીલ,
જીવંત અને અસરકારક બનાવી શકાય.
(8) આકૃતિઓ
માતૃભાષા શિક્ષણમાં
આકૃતિઓ અમૂર્ત બાબતોને મૂર્ત સ્વરૂપમાં રજૂ કરે છે. તેથી વિષયવસ્તુને સમજવું સરળ
બને છે ઉપરાંત સવિસ્તાર અને લાંબી બાબતો કે વિગતોને આકૃતિ દ્વારા સંક્ષેપમાં રજૂ
કરી શકાય છે.
મહત્ત્વઃ
- માતૃભાષાના શિક્ષણમાં આકૃતિનો ઉપયોગ મર્યાદિત છે. ઉદા. સંયુક્ત વાક્ય અને મિશ્ર વાક્યના તફાવત સમજાવવા.
- સમાસના પ્રકાર રજૂ કરવા ઉપરાંત ‘વ્યાકરણવૃક્ષ' જેવી આકૃતિ દ્વારા વ્યાકરણની પાયાની બાબતો પર વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરી શકાય.
- શબ્દાઅલંકાર અને અર્થાલંકાર વચ્ચેનો ભેદ દર્શાવતી આકૃતિ બનાવી શકાય.
- ગુજરાતી સાહિત્યના મુખ્ય તબક્કાઓ સમજાવવા આકૃતિનો ઉપયોગ કરી શકાય.
- ભાષામાં જોડણી શિક્ષણ, વિરામચિહ્નોનું શિક્ષણ, અનુસ્વારનું શિક્ષણ વગેરેમાં પણ યોગ્ય આકૃતિઓ દ્વારા ધ્યાનાકર્ષણ રજૂ કરી શકાય જેનાથી વિદ્યાર્થીના મન પર ઊંડી છાપ ઊભી કરી શકાય છે.