ધોરણ - 10 ના માતૃભાષાના પાઠ્યપુસ્તકોની સમીક્ષા
Review of Class - 10 Mother Tongue Textbooks
ધોરણ- 10 ના પાઠ્યપુસ્તકનું મૂલ્યાંકનઃ
બાહ્ય લક્ષણોને આધારે :
1.મુખપૃષ્ઠ : ધોરણ-10ના
ગુજરાતીના પાઠ્યપુસ્તકના મુખપૃષ્ઠ પર વીર નર્મદનું ચિત્ર આપેલું છે. મૂળ નામ
નર્મદાશંકર લાલશંકર દવે ગુજરાતી સાહિત્યમાં જેમનું ઉત્તમ પ્રદાન છે. તેમના નામને
શિરોમૌર્ય ગૌરવ આપતા-અર્પતા ગુજરાત
સરકારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતનું
નામ આપી નર્મદનું ગૌરવ વધાર્યું છે. મુખપૃષ્ઠ ૫૨ સત્ય વિગતો ન આપતાં કર્તાનું
ચિત્ર આપ્યું છે. જેનાથી વિદ્યાર્થીઓ વધુ પરિચિત થશે. મુખપૃષ્ઠના પાછળના પાના ૫૨
લેખકનો ટૂંકમાં પરિચય આપવામાં આવ્યો છે. ‘યુગદૃષ્ટા’નું બિરુદ તેમના માટે હંમેશાં
અમર રહેશે.
મુખપૃષ્ઠનાં છેલ્લા પેજના પાછળના પાના પર સ્ટેચ્યુ ઑફ યુનિટી સરદાર વલ્લભભાઇ પટેલ એટલે હિન્દુસ્તાનના રાજનૈતિક અને સુશાસનના ઇતિહાસનું વિરાટ વ્યક્તિત્વ, અજોડ પ્રતિભા, સરદાર સાહેબ ‘લોહપુરુષ’ તરીકે બિરાજમાન છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા તેમનું ચિત્ર રજૂ કરી દેશાભિમાનનો બુલંદ મિજાજ અને આદર્શજીવનની સદીઓ સુધી દેશને અને વિશ્વને પ્રેરણા આપશે.
પૃષ્ઠ સંખ્યા : કુલ
પૃષ્ઠ સંખ્યા 124 છે. ગુજરાત (પ્રથમ ભાષા) નામક
પુસ્તકના પ્રકાશક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર છે. નવા અભ્યાસક્રમ
મુજબ 2013થી આ પુસ્તક ચાલે છે.
કિંમત : ધોરણ-10ના
ગુજરાતના પાઠ્યપુસ્તકની કિંમત રૂપિયા 22 છે, સૌને
પોષાય તેમ છે.
કદ અને આકાર : પાઠ્યપુસ્તકનું
કદ યોગ્ય છે. વિદ્યાર્થીઓ સરળતાથી પકડી શકે તેવું અને બાંધણી યોગ્ય છે.
કાગળ : કાગળ
પ્રમાણમાં સારો છે. ઉચ્ચ ગુણવત્તા જાળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સફેદ કાગળ
છે. લખાણમાં ક્યાંક ધ્યાનાકર્ષણ માટે રંગીન શાહીમાં વાક્યો દર્શાવવાનો ઉપક્રમ
યોગ્ય છે.
છાપકામઃ સુંદર, સ્વચ્છ અને ભૂલો વિનાનું છે. ચિત્રોના છાપકામમાં કેટલાંક ચિત્રોનું રંગીન ચિત્રોમાં આલેખન થયું છે તે સારું છું. પ્રત્યેક કૃતિના કર્તાનું ચિત્ર રંગીન રજૂ કર્યું છે, જે ખૂબ જ સારું છે.
બાંધણી : મજબૂત, સાદી
અને યોગ્ય છે.
આંતરિક લક્ષણોનો આધારે :
વિષયવસ્તુની ગોઠવણી :
પાઠ્યપુસ્તકની અનુક્રમણિકામાં 1 થી
13 ક્રમ સુધી પ્રશિષ્ટ કવિઓની પદ્યકૃતિઓ રજૂ
કરવામાં આવી છે. જેમા
(1) ભક્તિ
પદારથ (પદ)-નરસિંહ મહેતા,
(2) શાળમના
છપ્પા, ચોપાઇ અને ઉખાણાં – શામળ વીરેશ્વર ભટ્ટ,
(3) ઝઘડો
લોચન મનનો (ગરબી) – દયારામ,
(4) મનનો
ડગે (ભજન)-ગંગાસતી,
(5) હીરાની
પરીક્ષા (પદ-કાફી) – ધીરો,
(6) અતિજ્ઞાન
(ખંડકાવ્ય) – ‘કાવ્ય’ મણિશંકર રત્નજી ભટ્ટ,
(7) જૂનું
પિયરઘર (સૉનેટ) - બ.ક. ઠાકોર
(8) પ્રશ્ન
(સૉનેટ) - ઉમાશંકર જોશી,
(9) તીર્થોત્તમ
(સૉનેટ) – બાલમુકુન્દ મ. દવે,
(10) અદીઠો
સંગાથ (ગીત) મકરંદ દવે
(11) તપાસીએ
(ગઝલ)-ચિનુ મોદી ‘ઇર્શાદ’,
(12) કુંજલડીરે
– લોકગી
(13) દુહા
– મુક્તક પદ્ય વિભાગ છે.
અનુક્રમણિકાના ક્રમ 14થી 25
ક્રમ સુધી ગદ્ય કૃતિઓ રજૂ કરવામાં આવેલ છે, જે
ગુજરાતી સાહિત્યના પ્રશિષ્ટ - લેખકોની કૃતિઓ છે. તેમાં
(14) જક્ષણી
(નવલિકા)-રામનારાયણ વિ. પાઠક
(15) ચક્ષુ
: શ્રવા (નવલિકા)-ચંદ્રકાન્ત કે. બક્ષી
(16) છકડો
(નવલિકા)-જયંતીલાલ ગોહેલ
(17) સ્ત્રી
કેળવણી (નિબંધ)- નર્મદાશંકર લાલશંકર દવે
(18) ટાઈમટેબલ
(હાસ્યનિબંધ)-જ્યોતીન્દ્ર દવે
(19) સોનાના
વૃક્ષો (લલિતનંબધ)-મણિલાલ હ. પટેલ
(20) પ્રકૃતિ
કી ભાષા સમજો (ડાયરી-અંશ)-પુરુરાજ જોશી
(21) એ.પી.જે.
અબ્દુલ કલામનું ઘડતર (આત્મકથાખંડ)-કલામ
(22) આક્કા
(ચરિત્રનિબંધ)-કાલેલકર
(23) વૃક્ષ
(એકાંકી)-લાભશંકર ઠાકર
(24) પૃથિવીવલ્લભ
(નવલકથાખંડ)-ક.મા. મુનશી
(25) શૂલપાણેશ્વર
(પ્રવાસ-નિબંધ)-અમૃતલાલ વેગડ, જે ગદ્ય વિભાગ છે.
લેખન વિભાગમાં - ગદ્યપાઠોનું અર્થગ્રહણ, પદ્યકાવ્યોનું
અર્થગ્રહણ, સંક્ષેપીકરણ, અર્થ
વિસ્તાર, વિચાર વિસ્તાર, પત્રલેખન, અહેવાલલેખન, ગદ્ય
પરિચ્છેદ (ભાષા શુદ્ધિ માટે) ગદ્ય પરિવર્તન, નિબંધલેખન
જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે, તે
યોગ્ય છે.
પ્રથમ પદ્ય વિભાગમાં અને પછી ગદ્ય
વિભાગમાં કૃતિના સ્વરૂપને સમયને આધારે ગોઠવણી કરેલ છે. ઉપરોક્ત રીતે જોતાં
વિષયવસ્તુની ગોઠવણી ‘સરળથી કિંઠન તરફ’ છે.
વિષયવસ્તુનું સ્વરૂપઃ
ધોરણ-10ના
ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં પદ્ય-વિભાગમાં વિદ્યાર્થીઓને રસ પડે તેવા સ્વરૂપોમાં પદ, શામળના
છપ્પા, ચોપાઇ, ગરબી
અને ભજન તથા ખંડકાવ્ય તથા ત્રણ સૉનેટ કાવ્યો લેવામાં આવેલ છે તેમજ ગઝલ અને
મુક્તકદુહાનો સમાવેશ કરાવ્યો છે. જયારે ગદ્ય વિભાગમાં ત્રણ નવલિકાઓ, ડાયરી
અંશ, આત્મકથાખંડ, એકાંકી, નવલકથાખંડ, વિવિધ
પ્રકારના નિબંધ, હાસ્યનિબંધ, લલિતનિબંધ, ચરિત્રનિબંધ, પ્રવાસનિબંધ
વગેરે સાહિત્ય સ્વરૂપોના પાઠોનો પાઠ્યપુસ્તકમાં સમાવેશ કરેલ છે.
વિષયવસ્તુની રજૂઆતઃ
વિષયવસ્તુની રજૂઆત યોગ્ય રીતે ક્રમબદ્ધ
અને તાર્કિક રીતે થયેલ છે. કૃતિના કર્તાએ
કરેલ રચનામાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. વિષયવસ્તુની વિશ્વસનીયતા, પ્રમાણભૂતતા
અને આધારભૂતતા જળવાઇ રહેલ છે. દરેક કૃતિમાં સૌપ્રથમ કર્તાનો રંગીન ફોટો ચિત્ર અને
કર્તાનો પરિચય,ત્યારબાદ કૃતિનો પરિચય આપવામાં આવેલ
છે. કૃતિના અંતે ટિપ્પણમાં અપરિચિત શબ્દો આપવામાં આવેલ છે. અંતે સ્વાધ્યાય પણ છે.
દરેક કૃતિના અંતે સ્વાધ્યાય પછી ભાષા અભિવ્યક્તિ નામનો વિભાગ આપવામાં આવેલો છે.
જેમાં જે તે કૃતિની કેટલીક વિશેષતાઓ દર્શાવવામાં આવી છે. આ વિભાગ ખૂબ જ આકર્ષક છે.
ભાષા અને શૈલી :
પસંદ કરેલ તમામ કૃતિઓની ભાષા સરળ છે, તેમજ
વિવિધ કર્તાઓએ પોતાની આગવી શૈલીમાં કૃતિની રચના કરેલી હોય છે, તેમજ
વિદ્યાર્થીઓ પણ વિવિધ ભાષાશૈલીથી પરિચિત થાય તેવી કૃતિઓ છે. મોટાભાગની કૃતિઓમાં
શૈલી પ્રવાહી, રસપ્રદ અને આનંદ આપનારી છે.
મૂલ્યોનું પ્રતિસ્થાપન :
વિદ્યાર્થીઓમાં વિવિધ મૂલ્યોનું સિંચન
થાય તેવી કૃતિઓ છે. દા.ત. નરસિંહ મહેતા, દયારામ, શામળ, ગંગાસતીના
કાવ્યોમાં ભક્તિ ભાવના, બાલમુકુન્દ દવેનાં ‘તીર્થોત્તમ’
કાવ્યમાં જગતમાં ઉત્તમ તીર્થ કર્યું અને પ્રભુદર્શનની ઝંખના જોવા મળે છે.
‘કાન્ત’ના ‘અતિજ્ઞાન’માં મહાભારતના એક પ્રસંગના આધારે કવિ કાન્તે ખંડકાવ્યની રચના
કરી છે. જેમાં દુર્યોધન દ્વારા દ્યૂત રમવાના આમંત્રણનો પ્રસંગ છે. ‘અદીઠો સંગાથ’
મ. વ. દવે એ પરમાત્માની દિવ્યશક્તિના અદૃશ્ય સ્વરૂપને વર્ણવ્યું છે. ‘તપાસીએ' ગઝલમાં
વાસ્તવિક જીવનની સૂક્ષ્મ સચ્ચાઈનું વર્ણન છે, અને
‘કુંજલડી’ લોકગીતમાં નાયિકા દ્વારા પતિને સંદેશો મોકલે છે. સંદેશવાહક છે કુંજલડી.
જેમાં પોતાની સંવેદના વ્યક્ત થાય છે.
‘જક્ષણી’
વાર્તામાં પ્રસન્ન દામ્યત્યભાવ હળવી શૈલીમાં રજૂ થયો છે. સોનાનાં વૃક્ષો લલિત
નિબંધમાં ઋતુઓનું પરિવર્તન વૃક્ષોની બાજીમાં પ્રકૃતિનું સૌંદર્ય ઝીલાયું છે. જેમાં
વિવિધ મૂલ્યોની ખિલવણી-પાઠ્યપુસ્તક દ્વારા થાય તેમ છે.
અનુબંધઃ
બીજા વિષય સાથે માતૃભાષાનો અનુબંધ સાધી
શકાય તેવો પ્રયત્ન થયેલો છે. ‘ચક્ષુઃશ્રવા’માં દાદા કેસરીસિંઘ અને એમની પ્રપૌત્રી
કોશા વચ્ચે ચોર્યાશી વર્ષની ઉંમરનો ફરક હોવા છતાં બંને વચ્ચે એક ભાવાત્મક સંબંધ
છે. તે આ વાર્તાના કેન્દ્રમાં છે. ‘છકડો' વાર્તાસૌરાષ્ટ્રના
ભાવનગરનાં અંતરિયાળ ગામના સાધારણ પરિવારની છે. ગ્રામ પરિવેશ અને લોકપ્રયોગનો
અનુબંધ યોગ્ય રીતે થયો છે. ‘સ્ત્રી કેળવણી'માં
નર્મદે સ્ત્રીઓ પણ પુરુષની માફક કેળવણી લઇ શકે છે એમ દર્શાવી સમાન અધિકારની વાતને
સમર્થન આપ્યું છે. ‘પ્રકૃતિ કી ભાષા સમજો’ પાઠ ડાયરીનો અંશ છે. લેખકના પોતાના
રોજબરોજના ભાવસંવેદનોનું વર્ણન છે, જે
સમાજને ઉપયોગી થાય તેમ છે. ‘એ.પી.જે. અબ્દુલ કલામ’ પાઠમાં કલામ સાહેબના બાળપણના
સંસ્મરણોનું આલેખન છે. જેમાં માતા-પિતાના સંસ્કારો અને શિક્ષકોના પ્રભાવક ફાળાનું
મહત્ત્વ દર્શાવાયું છે. ‘વૃક્ષ’ એકાંકીમાં મનુષ્યની સ્વાર્થવૃત્તિનું આલેખન
કરવામાં આવ્યું છે. આજના યુગમાં સ્નેહના સંબંધો કેવા ઉપરચોટિયા, તકલાદી
છે તેનું આલેખન છે. ‘પૃથિવીવલ્લભ' ઐતિહાસિક નવલકથાખંડ છે. વિક્રમની
અગિયારમી સદીના માલવાના રાજા મુજ અને તેલંગણના રાજા તૈલપના ઇતિહાસનું કથાનક આ
નવલકથા ખંડમાં વર્ણવવામાં આવ્યું છે. ‘શૂલપાણેશ્વર’ અ.ગ. વેગડ દ્વારા રજૂ થયેલ
પ્રવાસનિબંધમાં નર્મદા નદી આપણી લોકમાતા છે. નર્મદા મૈયાની પરિક્રમા, લેખકની
સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ અને માર્મિક વિનોદવૃત્તિ આ પ્રવાસવર્ણનની આગવી વિશેષતા છે.
દરેક પદ્યની કૃતિઓ કે ગદ્યની કૃતિઓનો અનુબંધ સાધી શકાય
તેમ છે.
ચિત્રો:
પાઠ્યપુસ્તકમાં કર્તાનો પરિચય આપવામાં
આવ્યો છે. તેની સાથે દરેક કર્તાના ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યા છે. ચિત્રો રંગીન
અને યોગ્ય છે.
વ્યાકરણ સાથે અનુબંધ :
ધોરણ-10ના
ગુજરાતી પાઠ્યપુસ્તકમાં વ્યાકરણ માટે અલગ વિભાગ આપવામાં આવેલ છે. ગુજરાતી વ્યાકરણ
અને લેખન જેમાં સન્ધિ અને સમાસ, વિભક્તિ વ્યવસ્થા
અનુગો અને નામયોગીઓ, વાક્ય રચનાના કેટલાંક અંગો, અલંકાર
અને છંદ, રૂઢિપ્રયોગો અને કહેવતો, લેખન, નિવેદન
જેમાં અલગ રીતે વ્યાકરણના પ્રસ્તુત મુદ્દાઓની વિગતે સ્પષ્ટતા અને સમીક્ષા કરવામાં
આવેલ છે, તે યોગ્ય છે.
ટિપ્પણ:
દરેક કૃતિના અંતે ટિપ્પણ નોંધ આપવામાં
આવેલ છે. જેમાં જે તે કૃતિમાં આવતાં અપરિચિત શબ્દો, કહેવતો, રૂઢિપ્રયોગો
વગેરેના અર્થ આપેલા છે. કેટલીક કૃતિની નોંધ લાંબી છે. આમ કરવા પાછળનો હેતુ એ છે કે
ગ્રામ્ય કે શહેરી એમ બન્ને વિસ્તારના વિદ્યાર્થીને મુશ્કેલી ન પડે તે માટે વધુ
શબ્દોનો સમાવેશ ટિપ્પણમાં કરવામાં આવ્યો છે.
સ્વાધ્યાયઃ
દરેક કૃતિના અંતે સ્વાધ્યાય આપેલા જ
છે. તે માર્ગદર્શન સ્વરૂપે છે. આપેલા સ્વાધ્યાય ખૂબ જ સમૃદ્ધ છે. પાઠ્યપુસ્તકમાં
આપેલ સ્વાધ્યાયમાં પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો, કાવ્યપંક્તિ, વિધાનો
સમજાવો, જોડણી ધ્યાનમાં રાખો, કારણો
આપો, ટૂંકનોંધ લખો, પ્રશ્નોના
ટૂંકમાં જવાબ આપો, રૂઢિપ્રયોગોના અર્થ આપો, અપરિચિત
શબ્દોની વિગતે સ્પષ્ટતા આપો, વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે.
પ્રોજેક્ટ પ્રવૃત્તિઓ :
દરેક કૃતિના અંતે જે તે કૃતિને
ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ સોંપવામાં આવેલ છે. આ પ્રવૃત્તિઓ
આનંદદાયી, વિદ્યાર્થીઓની માનસિક, સમજશક્તિ
તેમજ ક્રિયાશક્તિ વધારો કરે તેવી છે. આ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ શાળામાં, ઘરમાં
કે શાળા બહાર કરી શકે તેવી છે. જેમ કે એકપાત્રીય અભિનય કરો, મુલાકાત
લો, ચર્ચા કરો, માહિતી
એકત્ર કરો, વગેરે.
ભાષા અભિવ્યક્તિ
દરેક કૃતિના અંતે ભાષા અભિવ્યક્તિ
વિભાગ આપવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓ ભાષાની ખૂબીઓ સક્ષમ રીતે અભિવ્યક્ત કરે
તે માટે વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે.