ધોરણ – 9 ના માતૃભાષાના પાઠ્યપુસ્તકોની સમીક્ષા
Review of Mother Tongue Textbooks of Class – 9
ધોરણ-9 માતૃભાષાના પાઠ્યપુસ્તકનું મૂલ્યાંકન
(અ)
બાહ્ય લક્ષણોને આધારે
(બ) આંતરિક લક્ષણોને આધારે
(A) બાહ્ય લક્ષણોને આધારે પાઠ્યપુસ્તકનું મૂલ્યાંકનઃ
(1) મુખપૃષ્ઠ : ધોરણ-9
ગુજરાતી પાઠ્યપુસ્તકના મુખપૃષ્ઠ પર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના તેમજ રાજસ્થાનની
જાણીતી કવિયત્રી મીરાંબાઈનું ચિત્ર આપેલ છે. સાથોસાથ પાઠ્યપુસ્તકના છેલ્લા
કવરપૃષ્ઠ પર સ્ટેચ્યુ ઑફ યુનિટી સરદાર વલ્લભભાઇ પટેલ એટલે હિન્દુસ્તાનના રાજનૈતિક
અને સુશાસનના ઇતિહાસનું વિરાટ વ્યક્તિત્વ, અજોડ
પ્રતિભા, સરદાર સાહેબ ‘લોહપુરુષ’ તરીકે બિરાજમાન
છે.
(2) પાનાની સંખ્યા : ધોરણ-9ના
ગુજરાતી પાઠ્યપુસ્તકના પાનાની કુલ સંખ્યા 156
છે. જેમાં પદ્ય વિભાગ પાના નંબર 01 થી 60
સુધી, જ્યારે ગદ્ય વિભાગ પાના નંબર 61 થી
156 સુધીના છે.
(૩) કિંમત : ધોરણ-9
ગુજરાતી પાઠ્યપુસ્તકની કિંમત 22 રૂપિયા છે, જે
દરેક વર્ગના વિદ્યાર્થીઓને પરવડી શકે તેવી છે / આર્થિક રીતે પોષાય તેવી છે.
(4) કદ અને આકાર : પાઠ્યપુસ્તકનું કદ સપ્રમાણ છે તેમજ
વિદ્યાર્થીઓ / વિદ્યાર્થિનીઓ સરળતાથી પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરી શકે તેવા કદનું છે.
તેની બાંધણી અનુકૂળ છે.
(5) કાગળ : ધોરણ-9
ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે કાગળ વાપરવામાં
આવ્યો છે. તે સફેદ રંગના કાગળ પર પાઠ્યપુસ્તકની વિષયવસ્તુની માહિતીનું આલેખન
કરવામાં આવ્યું છે. કાગળનું પ્રમાણ એકંદરે સારું કહી શકાય તેવું છે.
(6) છાપકામ : ધોરણ-9ના
ગુજરાતી પાઠ્યપુસ્તકનું છાપકામ ચોકસાઈપૂર્વકનું કહી શકાય તેવું છે, પરંતુ
ક્યાંક ક્યાંક કવિ/લેખકના ચિત્રોનું છાપકામ આછું થયેલું જોવા મળે છે. સવિશેષ
ટિપ્પણનું છાપકામ રંગીન હોવાથી ધ્યાનાકર્ષક બને તેવું છે.
(7) બાંધણી : બાંધણી
ટકાઉ, સાદી છે.
(બ) આંતરિક લક્ષણોને આધારે પાઠ્યપુસ્તકનું મૂલ્યાંકન
ધોરણ-9
ગુજરાતી પાઠ્યપુસ્તકનું મૂલ્યાંકન મુખ્ય બે વિભાગો પૈકી સવિશેષ મહત્ત્વો વિભાગ તે
તેની આંતરિક બાબત છે, જે નીચે મુજબ છે.
(1) વિષયવસ્તુની ગોઠવણી : ધોરણ-9
ગુજરાતી પાઠ્યપુસ્તકમાં વિષયવસ્તુની ગોઠવણી સરળથી કઠિનતાના આધારે કરવામાં આવી છે.
જેમાં પદ્ય વિભાગ તેમજ ગદ્ય વિભાગ અલગ અલગ દર્શાવવામાં આવ્યા છે. પ્રથમ સોપાનમાં
પદ્ય વિભાગની ગોઠવણી, ત્યારબાદ ગદ્ય વિભાગના વિષયવસ્તુની
ગોઠવણી બીજા સોપાનમાં કરવામાં આવી છે જે ઉચિત ક્રમ છે.
વિષયવસ્તુની ગોઠવણીમાં સવિશેષ ગુજરાતી
સાહિત્યના વિવિધ સાહિત્ય સ્વરૂપોનો ગદ્ય વિભાગ તેમજ પદ્ય વિભાગમાં સમાવેશ કરવામાં
આવ્યો છે. પ્રથમ વિભાગમાં-પદ્ય વિભાગમાં પદ (ક્રમ નં. 1 થી
3), આખ્યાન (ક્રમ 4), લોકગીત
(ક્રમ 5), છંદોબદ્ધ ઊર્મિકાવ્ય (ક્રમ નં. 6 થી
10), જ્યારે ગીત (ક્રમ નં. 11 થી
17), ગઝલ (ક્રમ નં. 18), ખંડકાવ્ય
(ક્રમ નં. 19), કાવ્યસ્વરૂપ દુહા, મુક્તક, હાઈકુ
વગેરે (ક્રમ નં. 20)
ગદ્ય વિભાગમાં પણ નાટક, એકાંકી, નવલકથા, ટૂંકીવાર્તા, લલિતનિબંધ, હાસ્યનિબંધ, પ્રવાસનિબંધ, રેખાચિત્ર, આત્મકથાખંડ, ચિંતનનિબંધ
વગેરે (ક્રમ નં. 1 થી 16)સુધી
આલેખન થયેલ છે.
(2) વિષયવસ્તુનું સ્વરૂપ : ધોરણ-9
ગુજરાતી પાઠ્યપુસ્તક બાળકોને ધ્યાનમાં રાખીને તેમને રસ પડે તેવા સાહિત્ય
સ્વરૂપોનું આલેખન થયેલ જોવા મળે છે. પદ્ય વિભાગમાં ઊર્મિકાવ્ય તેમજ ગીતના સવિશેષ
કાવ્યો લેવામાં આવેલ છે, જ્યારે ગઝલ, ખંડકાવ્ય, આખ્યાન, લોકગીત
વગેરે એક-એક કાવ્યો લેવામાં આવ્યા છે. તેવી જ રીતે ગદ્યકૃતિઓમાં નાટકખંડ, એકાંકી, નવલકથાખંડ, હાસ્યનિબંધ, પ્રવાસનિબંધ, આત્મકથાખંડ, ચિંતન-નિબંધ
જેવા અઘરા સાહિત્ય સ્વરૂપો એક-એક મૂકવામાં આવ્યા છે. ટૂંકીવાર્તાને સવિશેષ
પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેમાં પાંચ ટૂંકીવાર્તાઓનો સમાવેશ ક૨વામાં
આવ્યો છે, જે બાળકોના રસ-રુચિને ધ્યાનમાં રાખીને
લેવામાં આવેલ છે.
(3) વિષયવસ્તુની રજૂઆત : વિષયવસ્તુની
રજૂઆત ઉચિત રીતે કરવામાં આવી છે. સાહિત્યકૃતિના કર્તાએ રચેલ રચનામાં કોઈ પણ ફેરફાર
ક૨વામાં આવેલ નથી અર્થાત્ વિશ્વસનીય, પ્રમાણભૂતતા
જેવા સોપાનો પ્રમાણે જ ૨જૂઆત ક૨વામાં આવી છે.
પદ્ય-ગદ્ય વિભાગમાં સૌપ્રથમ કર્તાનું
નામ, સમય(જન્મ સમય, મૃત્યુ
સમય), જન્મસ્થળ, ઉપનામ, કૃતિનો
સંક્ષિપ્ત પરિચય ત્યારબાદ વિષયવસ્તુ અને અંતમા ટિપ્પણમાં અઘરાં શબ્દોની માહિતી, સ્વાધ્યાયકાર્ય, ભાષાઅભિવ્યક્તિ
વગેરે આપેલ છે. સવિશેષ ભાષા અભિવ્યક્તિમાં સ્વતંત્ર વિભાગ દરેક કૃતિના અંતે
મૂકવામાં આવ્યો છે.
(4) ભાષાશૈલી : વિદ્યાર્થીઓની વયકક્ષાને અનુરૂપ
સાહિત્યકૃતિઓ ધોરણ9ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સમાવેશ
કરવામાં આવેલ હોવાથી પસંદ કરેલ તમામ કૃતિઓની ભાષા સરળ, રસપ્રદ
તેમજ આનંદ આપનારી બની રહે તેવી છે.
(5) મૂલ્યોનું અભિસ્થાપન : 1986ની
રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ઉપક્રમે દરેક પાઠ્યપુસ્તક મૂલ્યશિક્ષણ આધારિત હોય છે. તે
પૈકી ધોરણ-9ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં વિભાગમાં
નરસિંહ મહેતા અને મીરાંબાઈના પદો દ્વારા ભક્તિભાવનાનું મૂલ્ય પ્રસ્થાપિત કરવામાં
આવ્યું છે, જ્યારે ‘કન્યાવિદાય’ ગીત દ્વારા
ભાઈ-બહેનનો પ્રેમ, ઉમાશંકર જોશી રચિત ‘વિશાળ
જગવિસ્તારે’માં પર્યાવરણ પ્રેમ, ‘હજી મારા દેશમાં’ રાષ્ટ્રપ્રેમ વગેરે
જેવા મૂલ્યો વિદ્યાર્થીઓમાં આત્મસાત્ થાય તેવો પ્રયાસ રહેલો જોવા મળે છે, તો
ગદ્ય વિભાગમાં આંતરરાષ્ટ્રીય સ્તરના સામાજિક મૂલ્યો, સાંસ્કૃતિક
મૂલ્યો પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
(6) અનુબંધ : વિદ્યાર્થીઓ અનુબંધ આધારિત જ્ઞાનથી
ઝડપથી શીખી શકે. તે આધારિત એક વિષયનો બીજા વિષય સાથે અનુબંધ રહેલો જોવા મળે છે.
ધોરણ-9ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પણ માતૃભાષાનો વિવિધ
વિષયો સાથે અનુબંધ જોવા મળે છે.
ઉદા. :
‘વિશાળ જગવિસ્તારે’ - પર્યાવરણ સાથે અનુબંધ
‘કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ’ – ઈતિહાસ સાથે અનુબંધ
‘શોભા અને સુશિમા’ - ભૂગોળ સાથે અનુબંધ
(7) ચિત્રો ધોરણ-9ના પાઠ્યપુસ્તકમાં વિષયવસ્તુ આધારિત ચિત્રોની રજૂઆત કરવામાં આવેલ નથી, પરંતુ દરેક કર્તાનો ફોટો ચિત્રરૂપે રજૂ કરવામાં આવેલ છે.
(8) વ્યાકરણ : ધોરણ-9ના
વિષયવસ્તુ આધારિત વ્યાકરણનું પાઠ્યપુસ્તક અલગથી પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત
કરવામાં આવેલ છે, પરંતુ દરેક સાહિત્યકૃતિના અંતે
વિદ્યાર્થીઓમાં ભાષા પરત્વે જાગૃતતા આવે તેવા આશયથી ભાષા અભિવ્યક્તિ દરેક કૃતિના
અંતમાં મૂકીને વ્યાકરણના વિષયવસ્તુની ચર્ચા કરવામાં આવી છે, જે
નોંધનીય છે.
(9) ટિપ્પણ / સ્વાધ્યાયઃ દરેક
કૃતિના અંતમાં ટિપ્પણ અને સ્વાધ્યાય આપવામાં આવ્યા છે. ટિપ્પણમાં અપરિચિત શબ્દો /
કહેવતો વગેરેનો સમાવેશ કરવમાં આવ્યો છે જેની પાછળનો હેતુ શહેરી તથા ગ્રામીણ એમ
બન્ને કક્ષાના વિદ્યાર્થીઓને વિષયવસ્તુ સમજાવવામાં મુશ્કેલી ન પડે તેવા શબ્દોનો
સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યારે સ્વાધ્યાયમાં નિબંધલક્ષી, ટૂંકજવાબી તેમજ હેતુલક્ષી જેવા પ્રશ્નપ્રકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.