અભ્યાસક્રમનો અર્થ, વ્યાખ્યા અને મહત્તવ જણાવો
State the meaning, definition and significance of the course
પ્રસ્તાવના
આજે જ્યારે આપણે નિશ્ચિત ધ્યેયને પામવા માટે
શિક્ષણના માધ્યમથી વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન લાવવાનો હેતુ રાખીએ છીએ ત્યારે
વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને માહિતી ઉપરાંત સમજ કેળવાય, સંકલ્પનાઓ
સ્પષ્ટ થાય તથા કૌશલ્યો કેળવાય તે રીતે શિક્ષણનું આયોજન જરૂરી છે. વર્તનમાં
પરિવર્તનો લાવવા અધ્યેતાને ચોક્કસ અનુભવો આપવામાં આવે છે. આ અનુભવો આપવાની
યોજનાનું ચોક્કસ સ્વરૂપ એટલે જ અભ્યાસક્રમ
અભ્યાસક્રમની જો ઉચિત કે યોગ્ય સંરચના કરવામાં ન આવે તો શિક્ષણના
હેતુઓ સિદ્ધ થઈ શકતા નથી અને આને પરિણામે વિદ્યાર્થીઓમાં વર્તનપરિવર્તનો લાવી
શકાતાં નથી. આથી અભ્યાસક્રમ શિક્ષણની પ્રક્રિયામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
પ્રસ્તુત પ્રકરણમાં આપણે અભ્યાસક્રમ વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું.
અભ્યાસક્રમનો અર્થ અને વ્યાખ્યાઓ
'Curriculum' શબ્દની ઉત્પત્તિ લેટિન ભાષાના એક
શબ્દથી થઈ છે જેનો અર્થ છે 'Race Course' દોડનું મેદાન. ‘દોડનું મેદાન જેના પર
વ્યક્તિ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે દોડે છે.'
હરબાર્ટ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર રોબર્ટ યુલિચે અભ્યાસક્રમના ઉપરોક્ત અર્થને માન્યતા આપી છે. કારણ એ છે કે શિક્ષક અને વિદ્યાર્થી અભ્યાસક્રમરૂપી દોડના માર્ગ પર દોડીને નિશ્ચિત શૈક્ષણિક ઉદ્દેશોને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે.
અભ્યાસક્રમના અર્થના સંદર્ભમાં બે વિચારધારાઓ
છે પરંપરાગત અને આધુનિક. પરંપરાગત વિચારધારા મુજબ અભ્યાસક્રમ શબ્દ જ્ઞાન, માહિતીના
જથ્થાનો સૂચક હતો. તેમાં વિદ્યાર્થીની માંગ અને આવશ્યકતા કરતાં જ્ઞાનના કોઈક
ક્ષેત્રમાં ઊંડા ઊતરવા પર વિશેષ ભાર મૂકાતો.
જ્યારે આધુનિક-નૂતન ખ્યાલ પ્રમાણે અભ્યાસક્રમ
શબ્દ એવાં અનુભવો તેમજ પ્રવૃત્તિઓનો સૂચક છે, જેમાં
પ્રવૃત્ત થઈ વિદ્યાર્થી પોતાની શક્તિઓને કેળવે અથવા કહો કે અભ્યાસક્રમ એ જીવંત
પરિસ્થિતિઓનો વાચક છે. એટલે કે અભ્યાસક્રમ એ પાઠ્યપુસ્તકની સૂચિ કે વિષયવસ્તુના
મુદ્દા કરતાં કંઈક વિશેષ છે.
માત્ર વર્ગખંડમાં ભણાવતા વિષયો જ અભ્યાસક્રમ
નથી. માત્ર જ્ઞાન અને માહિતીનો સંગ્રહ એ અભ્યાસક્રમ નથી. અભ્યાસક્રમ એટલે
વિદ્યાર્થી શાળામાં કે શાળા બહાર પોતાના સર્વાંગીણ વિકાસ માટે પોતાની રુચિ, જરૂરિયાતો
અને યોગ્યતાઓ અનુસાર જે-જે પ્રવૃત્તિઓ કરે છે અને તેના પરિણામ સ્વરૂપે તેને જે
શૈક્ષણિક અનુભવો પ્રાપ્ત થાય છે તે બધી જ બાબતો
અભ્યાસક્રમ ગણાય છે. અભ્યાસક્રમ એ માત્ર
વર્ગખંડમાં શીખવવામાં આવતા વિષયો જ નથી પરંતુ વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃત્તિઓના
ફલસ્વરૂપે જે અનુભવો પ્રાપ્ત કરે છે તે સર્વનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવે
છે.
હકીકતમાં અભ્યાસક્રમ એટલે વિવિધ પ્રવૃત્તિ
દ્વારા પ્રાપ્ત થતાં અનુભવો કે જેમના દ્વારા વિદ્યાર્થીનાં જ્ઞાન, કૌશલ્ય, સમજ, રસ, ટેવ
અને મૂલ્યોનું ઘડતર થાય. અભ્યાસક્રમ એટલે શાળામાં યોજાતી સમગ્ર પ્રવૃત્તિઓ અને
શાળાનું સમગ્ર જીવન કે વાતાવરણ, અભ્યાસક્રમ એટલે વિદ્યાકીય સમગ્ર
પુરુષાર્થ. ટૂંકમાં શિક્ષણના ધ્યેય સુધી પહોંચવાની દરેક પ્રવૃત્તિનો અભ્યાસક્રમમાં
સમાવેશ થાય છે.
વિદ્યાર્થી શાળામાં કે શાળા બહાર પોતાના
સર્વાંગીણ વિકાસ માટે જે કંઈ પ્રવૃત્તિઓ કરે છે અને તેના દ્વારા જે શૈક્ષણિક
અનુભવો પ્રાપ્ત થાય છે તેને અભ્યાસક્રમ કહેવામાં આવે છે.
શિક્ષણમાં અભ્યાસક્રમનું મહત્ત્વ
ઔપચારિક કેળવણીમાં અભ્યાસક્રમ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. શિક્ષકનું કાર્ય માળીનું, શિલ્પીનું છે. અભ્યાસક્રમ એ સાધન છે. જેવી રીતે શિલ્પી ટાંકણા વડે મૂર્તિ ઘડે છે તેવી રીતે શિક્ષક અભ્યાસક્રમ વડે બાળકોને ઘડવાનું કાર્ય કરે છે.
- અભ્યાસક્રમ શિક્ષકને ગતિશીલ બનાવે છે.
- અભ્યાસક્રમ શિક્ષક માટે પથપ્રદર્શક છે. તેના દ્વારા શિક્ષકને દિશા અને દૃષ્ટિ મળે છે.
- શીખવાની અને શીખવવાની પ્રક્રિયા પદ્ધતિસરની અને વૈજ્ઞાનિક બને છે.
- અભ્યાસક્રમ દ્વારા શિક્ષણની પ્રક્રિયા ચેતનવંતી અને ગતિશીલ બને છે.
- અભ્યાસક્રમ દ્વારા શિક્ષણના નિર્ધારિત હેતુઓ સિદ્ધ થઈ શકે છે.
- બાળકોના સર્વાંગીણ વિકાસ માટે અભ્યાસક્રમ એક મહત્ત્વનું સાધન છે. અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓનું શારીરિક, માનસિક, સાર્વંગિક, સામાજિક, નૈતિક ઘડતર થાય છે.
- વિદ્યાર્થીઓના વર્તનમાં પરિવર્તન લાવવામાં અભ્યાસક્રમનું મહત્ત્વ ઘણું છે.
- અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક અનુભવો આપી શકાય છે. અભ્યાસક્રમ નિશ્ચિત કરવાથી પાઠ્યપુસ્તકોનું નિર્માણ સારી રીતે થઈ શકે છે.
- અભ્યાસક્રમ પાઠ્યપુસ્તકોના નિર્માણની આધારશિલા છે.
- શિક્ષકો અને વિદ્યાર્થીઓની સમય-શક્તિનો બચાવ થાય છે.
- અભ્યાસક્રમ દ્વારા નિર્ધારિત હેતુઓને નિર્ધારિત સમયમાં સિદ્ધ કરી શકાય છે.
- અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીનું યોગ્ય મૂલ્યાંકન કરી શકાય છે.
- અભ્યાસક્રમ શિક્ષણ જગતની અરાજકતા અટકાવે છે.
- અભ્યાસક્રમ વર્તમાન અને ભવિષ્યના સમાજનું તાદેશ ચિત્ર રજૂ કરે છે.