પાઠ્યપુસ્તક મૂલ્યાંકનના માપદંડો
Textbook Evaluation Criteria
ભાષાશિક્ષણના પાઠ્યપુસ્તકના મૂલ્યાંકન માટેના માપદંડો નીચે પ્રમાણે છે.
(1) પાઠ્યપુસ્તકના બાહ્ય માપદંડો :
સામાન્ય બાબતો- મુખપૃષ્ઠ
- પ્રકાશક
- કિંમત
- લેખકનું નામ
- પુસ્તકનું નામ
- પૃષ્ઠ સંખ્યા
- શીર્ષક
- કદ અને આકાર
- બાંધણી
- કાગળ
- મુદ્રણ
(2) પાઠ્યપુસ્તકના આંતરિક માપદંડો :
વિષયવસ્તુની ગોઠવણી :- વિષયવસ્તુનું સ્વરૂપ
- ભાષા
- વિષયવસ્તુની પ્રમાણભૂતતા
- એકમ વિભાજન
- વૈવિધ્ય
- સ્વાધ્યાય
- શબ્દાર્થ
- અનુબંધ
- વયકક્ષાને અનુરૂપ
- પાઠ્યપુસ્તકની રોચકતા
- શૈલી
- વિષયવસ્તુની રજૂઆત
પાઠ્યપુસ્તકનાં મૂલ્યાંકન માટેનાં બાહ્ય માપદંડો અને આંતરિક માપદંડોની વિગતે ચર્ચા નીચે પ્રમાણે છે.
પાઠ્યપુસ્તકના બાહ્ય માપદંડો - લક્ષણો :
મુખપૃષ્ઠ : માતૃભાષાનું પાઠ્યપુસ્તકનું મુખપૃષ્ઠ આકર્ષક હોવું જોઈએ. મુખપૃષ્ઠ પર પ્રતીકાત્મક ચિત્ર, લખાણ આકર્ષક હોવું જોઈએ. મુખપૃષ્ઠની પસંદગીની રચના માટેનો કાગણ અસરકારક, મજબૂત અને ટકાઉ હોવા જોઈએ.
પુસ્તકનું નામ : ગુજરાતી વાચનમાળા નામ માન્ય રાખ્યું છે.
પ્રકાશક : પાઠ્યપુસ્તકના પ્રકાશકનું નામ પ્રથમ પાના પર છપાયેલું હોવું જોઈએ.
પૃષ્ઠ સંખ્યા : વિષયવસ્તુ યોગ્ય રીતે સમાઇ શકે અને બાળકો યોગ્ય રીતે વાંચી શકે તે રીતે પાઠ્યપુસ્તકના પાનાની સંખ્યા પ્રમાણસર હોવી જોઈએ.
કિંમત : માતૃભાષાનું પાઠ્યપુસ્તક દરેક વિદ્યાર્થીને ખરીદવા પોષાય તેટલી કિંમતનું હોવું જોઈએ. જ્યારથી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરવાનું શરૂ કર્યું છે ત્યારથી આ પુસ્તકો દરેક વિદ્યાર્થીને ખરીદવાં પરવડે એટલી કિંમતના છે.
શીર્ષક : પાઠ્યપુસ્તક પરનું શીર્ષક પ્રેરક, રુચિકર, અર્થપૂર્ણ અને વિષય તેમજ વિષયવસ્તુના એકમ સાથે સુસંગત હોવું જોઈએ.
લેખકનું નામ : ભાષાશિક્ષણના પાઠ્યપુસ્તકમાં લેખક, કવિ કે સંપાદકોના નામ અનુક્રમણિકામાં પદ્ધતિસ૨ છપાયેલાં હોવાં જોઈએ.
કદ અને આકાર : માતૃભાષાનું પાઠ્યપુસ્તકનું કદ યોગ્ય પ્રમાણસર, વિદ્યાર્થીઓની વયકક્ષા, બુદ્ધિકક્ષા, અનુરૂપ હોવું જોઈએ. પાઠ્યપુસ્તક રચનાના સિદ્ધાંતો મુજબ તેનું કદ હોવું જોઈએ. તેનો આકાર ક્રાઉન સાઈઝનો હોય તે વિદ્યાર્થીઓ માટે ઘણો આકર્ષક હોય છે.
બાંધણી : પાઠ્યપુસ્તકની બાંધણી મજબૂત હોવી જોઈએ. ભાષાના પાઠ્યપુસ્તકને પાકા પૂઠાંની જરૂર હોય છે. તેને નાની નાની થોકડી કરીને જ બાંધવું જોઈએ અને ત્યારપછી કાચું છતાં મજબૂત પૂઠું લગાવવું જોઈએ. ધો. 8, 9 અને 10નાં પાઠ્યપુસ્તકોમાં થોકડી કરીને બાંધણી થઈ નથી પણ માત્ર બે ક્લિપોના આધારે બંધાઈ છે. જેથી પૂઠું ટૂંક સમયમાં અલગ થઈ જવાનો સંભવ રહે છે.
કાગળો : પાઠ્યપુસ્તકનો ઉપયોગ વિદ્યાર્થીઓએ હમેશાં લાંબા સમય સુધી ક૨વાનો હોય છે. તેથી કાગળ સફેદ અને વધુ ટકાઉ હોય તેવા સારી જાતના હોવા જોઈએ. વળી આ કાગળ ચળકતી લીસી સપાટીવાળા ન હોવા જોઈએ જેથી કરીને પ્રકાશનું પરાવર્તન થઈ આંખોને નુકસાન ન કરી શકે.
મુદ્રણ : પાઠ્યપુસ્તકનું મુદ્રણ સુવ્યવસ્થિત અને યોગ્ય કદના અક્ષરોવાળું હોવું જોઈએ. નિયમ પ્રમાણે 1/4 ઈંચનું અંતર બે લીટી વચ્ચે હોવું જોઈએ. અક્ષરો પણ મરોડદાર, અક્ષરોના કદની સપ્રમાણતા હોવી જોઈએ.
પાઠ્યપુસ્તકના આંતરિક માપદંડી-લક્ષણો :
વિષયવસ્તુની ગોઠવણી
માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં વિષયવસ્તુની ગોઠવણી ‘સરળ પરથી કઠિનતા’ તરફના સૂત્ર મુજબ તાર્કિક ક્રમ પ્રમાણે થયેલી હોવી જોઈએ તેમાં પ્રકરણ વિભાજન પણ અભ્યાસક્રમના એકમો પ્રમાણેનું હોવું જોઈએ.
વિષયવસ્તુનું સ્વરૂપઃ
પાઠ્યપુસ્તકમાનું વિષયવસ્તુ જે તે કક્ષાને અનુરૂપ હોવું જોઈએ. માતૃભાષામાં જે તે ધોરણના અભ્યાસક્રમના તમામ મુદ્દાઓનો સમાવેશ તેમાં થયો હોવો જોઈએ. ભાષાશિક્ષણમાં ગદ્ય-પદ્યકૃતિઓ અભિવ્યક્તિ શિક્ષણ કે પાઠ્યક્રમનો કોઈ મુદ્દો રહી જવા પામવો જોઈએ નહીં આમ વિષયવસ્તુ એ તો પાઠ્યપુસ્તકનો આત્મા છે.
વિષયવસ્તુની રજૂઆત :
વિષયવસ્તુની રજૂઆત વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિને સંતોષે તેવું હોવું જોઈએ. વિષયવસ્તુના મુદ્દાઓવિશ્વસનીય, પ્રમાણભૂત, આધારભૂત અને સચોટ હોવા જોઈએ. પાઠ્યપુસ્તકમાં વિષયવસ્તુની રજૂઆત ક્રમબદ્ધ રીતે અનુબંધ સાથે થવી જોઈએ. ગદ્ય-પદ્ય કૃતિમાં કવિ કે લેખકનો પરિચય, કૃતિનો પરિચય, અપરિચિત શબ્દોની સમજ, સ્વાધ્યાય અને પ્રવૃત્તિકેન્દ્રી તથા વિદ્યાર્થી અધ્યયનકેન્દ્રી રજૂઆતનો અભિગમનાં દૃષ્ટિબિંદુની અપેક્ષા રાખવી જોઈએ. ગદ્ય-પદ્ય કલાકૃતિનો તાર્કિક ક્રમ જળવાવો જોઈએ.
ભાષા :
માધ્યમિક શાળાઓમાં માતૃભાષાના પરિચય માટે શિક્ષણ કાર્ય થાય છે. તેથી પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ ગદ્ય કે પદ્ય કૃતિઓના વિવિધ એકમોમાં નિર્દિષ્ટ વિષયવસ્તુની ભાષા સરળ હોવી જોઈએ. વ્યાકરણની બાબતમાં દરેક નિયમ, ખ્યાલ, સંકલ્પના, પરિભાષા, વ્યાખ્યા કે સિદ્ધાંતની રજૂઆત અને સ્પષ્ટતા પણ સરળ ભાષામાં થવી જોઈએ.
શૈલી :
પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ એકમોમાં વિષયવસ્તુની ભાષાશૈલી સરળ, સ્પષ્ટ, આકર્ષક અને પ્રવાહી શૈલીમાં રજૂઆત થાય તેવી કૃતિઓની પસંદગી થવી જોઈએ.
વિષયવસ્તુની પ્રમાણભૂતતા :
માતૃભાષાના પાઠ્યપુસ્તક દ્વારા વિદ્યાર્થીઓમાં વિવિધ ભાષાકીય કુશળતાઓનો વિકાસ થાય, તેમનામાં અભિવ્યક્તિ ખીલે, સર્જનાત્મકતાનો અભિગમ વિકસે, સંસ્કાર ઘડતરનું કાર્ય થાય, ઉત્તમ ચારિત્ર્યના ગુણો કેળવે, તેવા વિવિધ એકમો ગદ્ય-પદ્ય કૃતિઓનો સમાવેશ કરવો જોઈએ, જેથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય અને વિશ્વબંધુત્વની ભાવના જાગે, કેળવે તેવું તટસ્થ વિષયવસ્તુ રજૂ થયેલું હોવું જોઈએ.
પાઠ્યપુસ્તકની રોચકતા :
માતૃભાષાનું પાઠચપુસ્તક એ વિદ્યાર્થીઓનો મહત્ત્વનો સાથી છે. ભાષાશિક્ષણમાં વિવિધ કૃતિઓનાં સંદર્ભમાં સમજ કે અર્થબોધ માટે ચિત્રો હોવાં જરૂરી છે. ગદ્ય કે પદ્ય કૃતિઓમાંની કેટલીક ભાવવાહી બાબતો કે સંદર્ભો સમજાવવામાં શિક્ષક પક્ષે ઉપયોગી છે. આ ચિત્રોવિષયવસ્તુને ધ્યાનમાં રાખીને મુકાવાં જોઈએ. વ્યાકરણમાં લાઘવયુક્ત સમજૂતી માટે કોઠાઓ ખૂબ જ ઉપયોગી છે. પાઠના વિવિધ મુદ્દાઓના સંદર્ભમાં ઉદાહરણો, ચિત્રો, આકૃતિઓ દ્વારા શિક્ષણકાર્યને રોચક બનાવી શકાય છે
એકમ વિભાજન :
પાઠ્યપુસ્તકમાં આપેલા પાઠની વહેંચણી ખૂબ અગત્યની બાબત છે. તેમાં લંબાઈ અને વિષયવસ્તુ આવરી લેવામાં આવે છે. એકમોની રજૂઆત સપ્રમાણ હોવી જોઈએ. ખૂબ લાંબા એકમનું વિષયવસ્તુ નિરસતા લાવે છે અને ખૂબ ટૂંકુ એકમ રસક્ષતિ જન્માવે છે અને પૂરેપૂરી સ્પષ્ટતા આપી શકે પણ નહિ તેથી બધા જ એકમો સંબંધી તેની લંબાઈ યોગ્ય પ્રમાણમાં હોય તે જોવું જોઈએ. ગદ્ય-પદ્ય કૃતિઓ સપ્રમાણ રાખવી જોઈએ.
અનુબંધ :
પાઠ્યપુસ્તકમાં એકમો વચ્ચે અને ખાસ કરીને વ્યાકરણની રજૂઆતમાં આગળપાછળના પ્રકરણ સાથે અનુબંધ જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે અને તેમ થયું છે.
વૈવિધ્ય :
માતૃભાષાના પાઠ્યપુસ્તકમાં ગદ્ય અને પદ્ય તથા સાહિત્યના બધા જ પ્રમુખ પ્રકારોને સ્થાન મળવું જોઈએ. જેથી બંને પ્રકારના ગુજરાતી સાહિત્યનો વિકાસ અને ઈતિહાસ વિશે જાણકારી મેળવી શકાય.
સ્વાધ્યાયઃ
વિદ્યાર્થી એકમોમાંથી કેટલું, કેવું અને શું શીખ્યો તે જાણી લીધા પછી તેનું દઢીકરણ થાય અને યાદ રહે તે અગત્યની બાબત છે. તેથી દરેક પ્રકરણના અંતે સ્વાધ્યાય આપવામાં આવે છે. ત્યારે વિદ્યાર્થીઓના દઢીકરણ માટે તથા સ્વતંત્ર રીતે કાર્ય કરવા માટે સ્વાધ્યાય આવશ્યક છે. સ્વાધ્યાય વૈવિધ્યસભર, વિચારપ્રેરક અને પ્રવૃત્તિપ્રેરક સ્વાધ્યાય પ્રશ્નો હોવા જોઈએ. સ્વાધ્યાયમાં વિદ્યાર્થીઓને સ્વઅધ્યયન દ્વારા નવું જ્ઞાન પ્રાપ્ત થાય તેવા હોવા જોઈએ. વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે માટે સ્વાધ્યાયની રચનામાં વિવિધતા હોવી જોઈએ.
સ્વાધ્યાય રચનામાં
- ટૂંકા પ્રશ્નો
- હેતુલક્ષી પ્રશ્નો
- નિબંધલક્ષી પ્રશ્નો
- સાચો વિકલ્પ શોધીને લખો
- કાવ્ય કંઠસ્થ કરો
- કાવ્ય પૂર્ણ કરો
- પર્યાયવાચી શબ્દ આપો
- સંધિ છૂટી પાડીને લખો
પ્રવૃત્તિલક્ષી સ્વાધ્યાયો :
- એકાંકી ભજવો
- સંવાદ રજૂ કરો
- ગદ્ય-પદ્યનો સારાંશ તમારા શબ્દોમાં લખો
- વિવિધ પાઠના સંદર્ભમાં માહિતી મેળવો
- આટલું વિચારો
- આટલી વિગતો મેળવો
- નાટક ભજવો
- સંવાદ ચર્ચા કરો
ઉ૫૨ મુજબના વિવિધતા દર્શાવતા સ્વાધ્યાયનો સમાવેશ પાઠ્યપુસ્તકોમાં થવો જોઈએ.
શબ્દાર્થ : માતૃભાષાનો પરિચય કરાવવાનો હોવાથી એકમના અંતે શબ્દાર્થ અપાય તે ઈચ્છનીય છે.
વયકક્ષાને અનુરૂપ : માતૃભાષામાં વિષયવસ્તુ, અપરિચિત શબ્દાર્થ, સ્વાધ્યાય, વ્યાકરણ વગેરેની પસંદગી તથા રજૂઆતમાં વિદ્યાર્થીઓની વય, કક્ષા, રસ, રુચિ વગેરે બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.